નમસ્કાર
સોમનાથ, સરદાર પટેલ, આંબેડકર, નેશનલ સિક્યોરિટી, બુલડોઝર, સર્જિકલ સ્ટ્રાઇક, આતંકવાદ, અયોધ્યા, રામમંદિર, પાકિસ્તાન, બહાદુર જવાનો, કર્ફ્યુ, હિન્દુ-મુસ્લિમ… બોલો હવે શું બાકી રહ્યું?
ઘણીવાર લોકો ગેરહાજર રહીને પણ હાજરી નોંધાવતા હોય છે. કેજરીવાલ કે રાહુલ ગુજરાતમાં પ્રચારમાં નથી હોતા પણ ગુજરાતમાં પ્રચાર કરતા ભાજપના નેતાઓ આ બંનેને જ સતત યાદ કરીને ટાર્ગેટ કરે છે, ખાસ કરીને કેજરીવાલને. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુજરાતમાં ત્રણેક સભા કરી એમાં તેમણે ભાજપના તમામ પ્રચારકો જે અલગ અલગ જગ્યાએ ભાષણ કરતા રહે છે એ તમામ મુદ્દાને એકસાથે આવરી લીધા. યોગીની જ ભાષામાં કહીએ તો બુલડોઝર ફેરવી દીધું. તેમણે કહ્યું કે દિલ્હીથી આવેલો આમ આદમી પાર્ટીનો નમૂનો આતંકીઓનો હિતેચ્છુ છે, શું તેને મત આપીને કલંકિત કરાય?
કેજરીવાલે ટિવટથી જવાબ આપ્યો કે अगर गंदी गाली गलौज चाहिए, गुंडागर्दी चाहिए, भ्रष्टाचार चाहिए, गंदी राजनीति चाहिए तो इनको वोट दे देना। अगर स्कूल, अस्पताल, बिजली, पानी, सड़कें चाहिए तो मुझे वोट दे देना।
પહેલા તબક્કાના મતદાનના પાંચ દિવસ પહેલાં ભાજપે સંકલ્પપત્ર જાહેર કર્યો. આમ આદમી પાર્ટીની રેવડીની સામે ભાજપે ગળચટ્ટી પીપરમેન્ટ જેવા વાયદા કર્યા. (રેવડી શબ્દ જાણે આમ આદમી પાર્ટી માટે જ બની ગયો હોય એવું લાગે) કોંગ્રેસે કહ્યું કે ભાજપે રેવડીપત્ર બહાર પાડ્યું. જનતાને તો જોકે કામ પર વિશ્વાસ છે. જેણે કામ કર્યું છે કે જે કરી શકે એમ છે એવું લાગે તેને જ મત આપશે.
ગુરુવારે પહેલા તબક્કાનું મતદાન છે. સૌરાષ્ટ્ર-ક્ચ્છ અને દક્ષિણ ગુજરાત માટે હવે પ્રચારના અમુક જ કલાકો બાકી છે ત્યારે સુરત શહેરને રીઝવવા ખુદ વડાપ્રધાન રોડ શો અને સભા કરવાના છે. અહીંના પાટીદારો નારાજ છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ હતી. આપના ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને મુખ્ય ચહેરા અહીંથી જ લડે છે. ભાજપે સુરતીઓ નહિ પણ મૂળ સૌરાષ્ટ્રવાસી પાટીદારોને મનાવવા ઘણા પ્રયાસો કર્યા પણ જોઇએ એવી સફળતા નથી મળી. કોઇ કચાશ ન રહે એ માટે હવે હુકમના પત્તારૂપે નરેન્દ્રભાઇ ખુદ મેદાનમાં ઊતરશે.
આખો દિવસ પ્રચાર કર્યા પછી ઉમેદવારો અને કાર્યકરો થાકી-પાકીને લોથપોથ થઇ જાય છે. ફ્રેશ થવા અને પરિસ્થિતિનો તાગ મેળવવા સાંજે બધા કાર્યાલયે ભેગા થાય છે. દરેક ચૂંટણી વખતે એક સવાલ કોમન હોય છે. શું લાગે છે? થોડી આમ-તેમ વાતો કર્યા પછી ઉમેદવારોની ત્યાં બેઠેલા એવી હૈયાધારણા આપતા હોય છે કે સાહેબ વાંધો નહિ આવે, બધું ગોઠવાઇ ગયું છે.
આ વખતે એક ડાયલોગ વધારે બોલાઇ રહ્યો છે. પબ્લિક કંઇ બોલતી નથી. ખબર નથી પડતી…
તમને શું લાગે છે?
આવા જ ઇન્ટરેસ્ટિંગ વીડિયો એનાલિસિસ માટે જોતા રહો દિવ્ય ભાસ્કર એપ અને વાંચો ગેમ ઓફ ગુજરાત.
આવતીકાલે ફરી મળીએ
ધન્યવાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.