ભાવનગર જિલ્લાની 7 બેઠકોમાંથી 2017માં ભાજપે 6 બેઠકો પર કબ્જો જમાવ્યો હતો અને એક બેઠક કોંગ્રેસને મળી હતી. આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગના કારણે ખરાખરીનો ખેલ છે. કેટલીક બેઠકોમાં ભાજપને બહુ પાતળી સરસાઈથી જીત મળી હતી. આમ આદમી પાર્ટી સહિતની કેટલીક પાર્ટીના ઉમેદવારો અને અપક્ષના ઉમેદવારોના કારણે આ ચૂંટણીમાં સમીકરણો બદલાઈ શકે છે. ભાવનગર જિલ્લાની ગારીયાધાર બેઠક પર ભાજપે કેશુભાઈ નાકરાણીને, કોંગ્રેસે દિવ્યેશ ચાવડાને અને આમ આદમી પાર્ટીએ સુધીર વાઘાણીને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. ત્યારે ભાવનગરની ગારીયાધાર બેઠક પર મતદારોનો મિજાજ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી ગારીયાધાર. જ્યાં જનતાએ મોંઘવારી, બેરોજગારીને મુદ્દે સરકાર સામે સવાલ કર્યા હતા તો કોરોનાકાળમાં કેટલાક લોકોને પડેલી મુશ્કેલી હજુ સુધી મતદારો ભૂલી શક્યા નથી. તો આવો જાણીએ ગારીયાધાર વિધાનસભા બેઠક પર મતદારોનો મિજાજ
ગારીયાધારની જનતાનો મિજાજ
ભાવનગર જિલ્લામાં હીરા ઉદ્યોગ, અલંગ શિપબ્રેકીંગ યાર્ડ, પ્લાસ્ટિક ઉદ્યોગ, રોલિંગ મીલ વગેરે મુખ્ય ઉદ્યોગો છે. જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી છે. મોટો વર્ગ ખેતી અને ખેત મજૂરી સાથે જોડાયેલો છે. જ્યારે ભાવનગર જિલ્લામાં ગારીયાધાર ગામ કે જ્યાં જોઈએ તેવો વિકાસ ન થયો હોવાની મતદારોએ ફરિયાદ કરી છે. મોંઘવારી, બેકારી, ખેતપેદાશના પૂરતા ભાવ ન મળવા સહિતના કેટલાક મુદ્દે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુધીર વાઘાણીના કાર્યોને જનતા સેવા ગણાવી રહી છે. આ બધા ફેક્ટર્સના કારણે ખરાખરીનો જંગ જામે એવી પૂરી શક્યતા છે.
ગારીયાધારમાં કેશુભાઈનો દબદબો કેટલો ?
છેલ્લી 6 ટર્મથી અહીં ભાજપના ઉમેદવાર કેશુભાઈ નાકરાણી સત્તા પર બેઠા છે. બીજેપીએ સ્વાભાવિક રીતે પટેલ સમાજના નેતાને ફરી ટિકિટ આપી રિપીટ કર્યા છે. બેઠકમાં કોળી સમાજની વસતી વધુ છે અને બીજા ક્રમે પટેલ સમાજની વસતી આવે છે. કોંગ્રેસે કોળી સમાજના યુવા નેતા દિવ્યેશ ચાવડાને ટિકિટ આપી છે. તો આપમાંથી સુધીર વાઘાણી મેદાનમાં છે. 2017માં ભાજપના કેશુભાઈ નાકરાણી 2 હજાર મતની પાતળી સરસાઈથી જીત્યા હતા. જોકે પાટીદાર અંદોલનની અસર આ બેઠક પર જોવા મળી હતી. આ ચૂંટણીમાં બે પટેલ સમાજના ઉમેદવાર અને એક કોળી સમાજના ઉમેદવાર વચ્ચે આ ચૂંટણીનો જંગ રોમાંચક બનશે. આ વિસ્તારના લોકો ખેતી અને હીરા વ્યવસાય સાથે જોડાયેલા છે. વિસ્તારનો વિકાસ થયો નથી અને લોકો મોંઘવારીથી ત્રાહિમામ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.