ભાસ્કર એક્સક્લૂસિવનેતા 13 કરોડ લઈને પાર્ટીમાં જોડાયા?:સાણંદના MLA કનુભાઈને કોંગ્રેસમાંથી હું જ BJPમાં લાવ્યો અને 13 કરોડ પણ અપાવ્યા, ભાસ્કરને કહ્યું-હા, હું જ બોલ્યો છું

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ, આપ અને કોંગ્રેસે તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે અને ઉમેદવારી કરવાનો સમય પણ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ જ્યારે ઉમેદવારોની યાદીઓ આવવા લાગી ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ભડક્યો હતો. ખાસ કરીને શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં તો મધુ શ્રીવાસ્તવથી લઈ દિનુ મામા તો ખુલ્લેઆમ અપક્ષમાંથી લડવાની ચેતવણી આપી અને ફોર્મ પણ ભરી દીધા. આ ઘટનાક્રમ વચ્ચે સાણંદ બેઠક પરથી કનુભાઈ પટેલને ટિકિટ આપવાની જાહેરાત થતાં જ ભાજપમાં ભડકો થયો હતો અને સાણંદ APMCના ચેરમેને બળવો કરી 15000 સમર્થક સાથે ફોર્મ ભરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ભાજપ સામે બાંયો ચડાવ્યા બાદ ખેંગાર સોલંકીએ સાણંદ-બાવળા વિસ્તારના 1000થી પણ વધારે સમર્થકોએ એકત્ર કરીને શક્તિપ્રદર્શન યોજ્યું હતું. તેમજ બાવળા તાલુકાના નાનોદરા ગામમાં પણ 2000થી વધુ સમર્થકો, આગેવાનો, યુવાનોએ ભેગા કરીને પોતાની તાકાત બતાવી હતી. માત્ર એટલું જ નહીં, તેમનો એક વીડિયો પણ ખૂબ વાઇરલ થયો છે. તેમણે સાણંદ વિસ્તારની એક જાહેરસભામાં ભાજપમાંથી ટિકિટ મેળવનારા કનુભાઈ અને કરમશીભાઈ પટેલને તેઓ જ કોંગ્રેસમાંથી ભાજપમાં લઇ આવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ તેમણે તેમને 13 કરોડ રૂપિયા અને ભાજપમાંથી ટિકિટ અપાવવાનો આક્ષેપ કરતાં ભારે હોબાળો થયો હતો.

જનમેદનીએ ચિચિયારીઓ પાડી ખેંગારભાઈને વધાવ્યા
એમાંય વળી બાવળા તાલુકાના નાનોદરા ગામમાં એકઠી થયેલી માનવમેદનીને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી કરવા પાછળનું કારણ એક જ છે કે કનુભાઈ અને કરમશીભાઈને કોંગ્રેસમાંથી ભાજપમાં હું જ લાવ્યો હતો અને 13 કરોડ રૂપિયા તથા ટિકિટ પણ મેં તેમને અપાવી હતી, પરંતુ એ સમાજનું હિત કરવા માટે તેમને લાવ્યો હતો, કે ભઈ, ચાલો... ભાજપમાં કોળી પટેલને ટિકિટ મળે તો કંઈક કલ્યાણ થાય, પરંતુ આને તો તેમનું કલ્યાણ કર્યું. આ સંવાદો સાંભળતાં જ હાજર જનમેદનીએ તાળીઓના ગડગડાટ અને ચિચિયારીઓ પાડીને ખેંગારભાઈને વધાવી લીધા હતા.

‘રાજકારણમાં જુઠ્ઠું તો બોલવું પડે’
જોકે પાછળથી ભાજપના નેતાઓએ ડેમેજ કંટ્રોલ કરીને પરિસ્થિતિ થાળે પાડી દીધી હતી, પરંતુ આ વાઇરલ થયેલા 23 સેકન્ડના વીડિયોએ તેનું કામ ચાલુ રાખ્યું છે. આ વાઇરલ વીડિયો અંગે દિવ્ય ભાસ્કરે ખેંગારભાઇ સોલંકીનો સંપર્ક કરીને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેમણે પહેલાં તો હા, હું બોલ્યો હતો એ મને ખબર છે. રાજકારણમાં જુઠ્ઠું બોલવું પડે’ એમ કહીને વાત ટાળવાની કોશિશ કરી હતી, પરંતુ આ અંગે તમારે વધુ કંઈ કહેવું હોય તો જણાવો, ત્યારે કીધું- ના, મારે કાંઈ કહેવું નથી.

ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ખેંગારભાઈ નાટ્યાત્મક રીતે પ્રગટ થયા
15 નવેમ્બરે ભાજપના ઉમેદવાર કનુભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સમયે તેમની સામે તલવાર તાણીને બેઠા થયેલા સાણંદ APMCના ચેરમૅન ખેંગાર સોલંકી પણ નાટ્યાત્મક રીતે હાજર રહ્યા હતા. કનુભાઈ સામે ઉકળેલા વિરોધના ચરુને ઠારવા ખુદ ગૃહમંત્રી અમિત શાહ ઉમેદવારી નોંધાવવા ટાણે હાજર રહ્યા હોવાનો પક્ષમાં ગણગણાટ ચાલી રહ્યો હતો. બીજી તરફ સોમવારે 2000 માણસ એકઠા કરીને શક્તિપ્રદર્શન કરનારા ખેંગારભાઈ મંગળવારે ખુશીખુશી કનુભાઈની રેલીમાં જોડાતાં તર્ક-વિતર્ક વહેતા થયા હતા.

કોણ છે ખેંગાર સોલંકી
સાણંદ વિધાનસભા બેઠકના પ્રવર્તમાન ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર કનુભાઈ પટેલ કોળી પટેલ સમાજમાં વર્ચસ્વ ધરાવે છે, ત્યારે સાણંદ વિસ્તારના જ કોળી પટેલ સમાજના અન્ય આગેવાન ખેંગારભાઈ મનજીભાઈ કોળી પટેલ પણ કોળી પટેલ સમાજમાં સાણંદ બાવળા બંને તાલુકામાં વર્ચસ્વ ધરાવે છે. સાણંદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે અને સતત બીજી ટર્મમાં APMC ચેરમેન તરીકે ચૂંટાયેલા છે.

જ્ઞાતિ ગણિતને કારણે કોંગ્રેસે છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કર્યા
સાણંદ-બાવળા વિધાનસભામાં આમ આદમી પાર્ટી દ્વારા એક માસ પહેલાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે ભાજપે પણ 11 તારીખે કનુભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા હતા, પરંતુ કોંગ્રેસમાં અંતિમ ઘડી સુધી ઉમેદવાર જાહેર નહીં કરાતા અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા હતા અને જ્ઞાતિ ગણિતને કારણે કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું હોવાની ચર્ચાઓ ચાલી હતી. આ ચર્ચાઓ વચ્ચે બુધવારે સાંજે 7 કલાકે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર તરીકે કોળી પટેલ સમાજના ખેડૂત આગેવાન રમેશભાઈ બાલાભાઈ કોળી પટેલને જાહેર કરતાં ચૂંટણીમાં રસાકસીનો જંગ જામશે એવી વકી છે. ભાજપને ટક્કર આપી શકે તેવા કોંગ્રેસ દ્વારા અંતિમ ઘડીએ પોતાના ઉમેદવાર તરીકે કોળી પટેલ સમાજના ખેડૂત આગેવાન રમેશભાઈ બાલાભાઈ કોળી પટેલને જાહેર કરતાં ચૂંટણીમાં ભારે રસાકસીનો જંગ જામશે એવી વકી છે .

ભાજપ-કોંગ્રેસના એક જ ગામના ઉમેદવાર વચ્ચે કસોકસનો જંગ
કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ બાલાભાઈ કોળી પટેલ એ ધારાસભ્ય કનુભાઈ પટેલના ગામ ગોકળપુરાના વતની છે તેમજ સાણંદ જમીન વિકાસ બેન્કના વાઇસ-ચેરમેન હોવાની સાથે ખેડૂત આંદોલનોમાં અવારનવાર ચમકતો ચહેરો છે અને કોંગ્રેસમાં તાલુકા સદસ્યથી લઇ કોંગ્રેસ પ્રમુખ સુધીની જવાબદારી નિભાવી ચૂક્યા છે, ત્યારે ભાજપ કોંગ્રેસના એક જ ગામ અને એક જ સમાજના બે ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર થશે એવું ચર્ચાઈ રહ્યું છે .

ઉમેદવારી ફોર્મ ભરી રહેલા કનુ પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ.
ઉમેદવારી ફોર્મ ભરી રહેલા કનુ પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ.

આ સીટ પર એકવાર કોંગ્રેસ તો એકવાર ભાજપની જીત
ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણીમાં જ સાણંદ બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ બેઠકની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી કરમશીભાઈ પટેલે ઝુકાવ્યું હતું. તેમને 73,453 મત મળ્યા હતા. તેની સામે હરીફ ઉમેદવારને 69,305 મત મળ્યા હતા. આમ, 4,148 મતથી કરમશીભાઈ પટેલની જીત થઇ હતી. ત્યાર બાદ કરમશીભાઈ તથા તેમના પુત્ર કનુભાઈ ભાજપમાં જોડાયા હતા. 2017માં કરમશીભાઇના સ્થાને ભાજપે તેમના દીકરા કનુભાઈ કરમશીભાઈ પટેલને ટિકિટ આપી હતી, જેમાં કનુભાઇને 67692 મતો મળ્યા હતા. તેની સામે કોંગ્રેસનાં હરીફ ઉમેદવાર પુષ્પાબેન ડાભીને 59971 મતો મળ્યા હતા, જેમાં કનુભાઈનો 7721 મતથી વિજય થયો હતો. 2022ની ચૂંટણીમાં ફરીવાર ભાજપે કનુભાઈ પટેલને ટિકિટ આપી છે.

અન્ય સમાચારો પણ છે...