બીજા તબક્કામાં સરેરાશ 59% મતદાન નોંધાયું
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ગઈકાલે પૂર્ણ થઈ ગયું છે. રાજ્યમાં 5 વાગ્યા સુધીમાં બીજા તબક્કાની તમામ બેઠકો પર સરેરાશ 59% મતદાન નોંધાયું હતું, જેમાં ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં 61.45 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે મઘ્ય ગુજરાતના 8 જિલ્લામાં 58.42 ટકા મતદાન થયું હતું. તો સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ 65.84 ટકા મતદાન થયું હતું. સૌથી ઓછું 53.57 ટકા મતદાન અમદાવાદમાં થયું હતું. આમ, રાજ્યની તમામ 182 બેઠક પરના ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થઈ ગયું છે. તેમનું પરિણામ 8મી ડિસેમ્બરે આવશે. ગુજરાતમાં બંને તબક્કામાં ઓછું મતદાન થતાં હવે ઉમેદવારોના શ્વાસ અધ્ધર થયા છે.
એક્ઝિટ પોલમાં ફરી ભાજપની સરકાર?
ગુજરાત વિઘાનસભાની ચૂંટણીને લઈને એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવી ગયા છે. ગુજરાતમાં ઓછું મતદાન છતાં એક્ઝિટ પોલના આંકડાઓમાં ભાજપને સવાસોથી વધારે સીટ મળવાનું અનુમાન છે. બીજી વાત, નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ભાજપને સૌથી વધારે સીટ 2002માં 127 આવી હતી. આ આંકડાનો ઉલ્લેખ કરીને નરેન્દ્ર મોદી અવારનવાર કહેતા આવ્યા છે કે ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડશે. આજે જે આંકડા સામે આવ્યા એમાં રેકોર્ડ તૂટવાની શક્યતા નકારી શકાતી નથી. ગઈકાલ સાંજે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા, જે મુજબ ભાજપને 120થી 148 તો કોંગ્રેસને 30થી 52 અને આપને 2થી 13 બેઠક મળવાનું અનુમાન છે. જોકે ઓછું મતદાન રાજકીય પક્ષોની બાજી બગાડી શકે છે.
પરિણામ પહેલાં ભાજપના કાર્યકરોનો જીતનો જશ્ન
હજુ તો માત્ર બન્ને તબક્કાની મતદાનપ્રક્રિયા પૂરી થઈ છે અને પરિણામ આવવાનાં બાકી છે, જે 8 ડિસેમ્બરે આવશે. એ તે પહેલાં જ બાપુનગર વિધાનસભામાં ભાજપના કાર્યકરોએ ભાજપનો વિજય થશે એમ માનીને આતશબાજી કરી જશ્ન મનાવ્યો. બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બાપુનગર વિધાનસભામાં ભાજપના કાર્યકરોએ ભાજપનો વિજય થશે એમ માનીને આતશબાજી કરી હતી. ગુજરાતમાં 5 વાગ્યા સુધી સરેરાશ 59% મતદાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદ જિલ્લાની બેઠકોમાં 53% જેટલું મતદાન નોંધાયું હતું, જે 2017ના પ્રમાણમાં 13 ટકા ઓછું છે. અમદાવાદ જિલ્લાની બેઠકોમાં સૌથી વધુ દસક્રોઈમાં 64.44 ટકા અને સૌથી ઓછું અસારવામાં 45.40 ટકા મતદાન જોવા મળ્યું હતું. અમદાવાદ જિલ્લા અને શહેરની 21 બેઠક પરના ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે.
હિંમતનગરમાં બોગસ મતદાન થયાની ફરિયાદ
ગઈકાલે મતદાન દરમિયાન ઘણા ગેરકાનૂની કિસ્સાઓની ફરિયાદ સામે આવી. હિંમતનગરમાં બોગસ મતદાન થયું હોવાનો કિસ્સો સામે આવ્યો. હિંમતનગરની મહિલા કોલેજમાં બોગસ મતદાન થઈ રહ્યું હોવાનો એક યુવકે આક્ષેપ કર્યો છે. જ્યારે સવગઢ વિસ્તારનો યુવક મતદાન કરવા માટે ગયો ત્યારે તેનું મતદાન થઈ ગયેલું જાણવા મળ્યું હતું, જેથી યુવકે આ અંગે પ્રિસાઇડિંગ ઓફિસરને જાણ કરી હતી. એ યુવાનના હાથ પર વિલોપ્ય શાહીનું નિશાન પણ નહોતું તેમજ ત્રણથી ચાર લોકોનું વોટિંગ થઈ ગયું હોવાની ફરિયાદ પણ થઈ છે.
એકતરફી મતદાનના આક્ષેપથી વડોદરામાં હોબાળો
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન વડોદરાના સાંઢાસાલ ગામે મતદાન મથકની બહાર હોબાળો મચ્યો હતો, જેમાં એકતરફી મતદાન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. એ બાબતે રાજકીય પક્ષના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે ડેસર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
'ઓછા મતદાન માટે કલેક્ટર જવાબદાર': યોગેશ પટેલ
વડોદરા શહેર-જિલ્લામાં આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ 60 ટકા આસપાસ મતદાન થયું છે, જેના માટે માંજલપુર બેઠકના ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય યોગેશ પટેલે ટ્રેનિંગ વિનાના સ્ટાફ અને કલેક્ટરને જવાબદાર ઠેરવ્યા છે.
ટ્રેનિંગ વિનાના અધિકારીઓ હતા: યોગેશ પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કામાં ગઈકાલે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મતદાન યોજાયું હતું, જેમાં વડોદરા શહેર અને જિલ્લામાં 60 ટકા આસપાસ મતદાન નોંધાયું છે. આ અંગે વડોદરાના ભાજપના ધારાસભ્ય અને માંજલપુરથી ઉમેદવાર યોગેશ પટેલે જણાવ્યું હતું કે "મતદાન મથકો પર મતદાન કરવા માટે જનતા વહેલી સવારથી નીકળી હતી, પરંતુ મતદાન મથકમાં જે અધિકારીઓ હતા તે ટ્રેનિંગ વિનાના હતા. સમય બહુ લગાવતા હતા. મશીનોમાં ખરાબી થતી હતી, જેથી મતદાનની પ્રક્રિયા જે ઝડપથી થવી જોઈએ એ નહોતી થતી." વધુમાં યોગેશ પટેલે કહ્યું હતું કે "મેં કલેક્ટરને પણ ફોન કર્યો હતો. કલેક્ટર કે ચૂંટણી અધિકારી આજે માંજલપુરમાં નીકળ્યા જ નથી. અધિકારીઓ ટ્રેનિંગ વિનાના હોય છે, એટલે મતદાનની ટકાવારી ઓછી દેખાય છે."
ભાજપના કાર્યકરોએ હુમલો કર્યા હોવાનો આક્ષેપ
અમદાવાદના વટવા વિધાનસભા વિસ્તારમાં આવતા સિંગરવા ગામમાં ગઈકાલ સાંજે કોંગ્રેસના કાર્યકર્તાઓ પર કેટલાક ભાજપના લોકોએ હુમલો કર્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના ઉમેદવાર બળવંતસિંહ ગઢવીએ કર્યો છે. સિંગરવા ગામમાં સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થવાના થોડા સમય પહેલાં બોગસ મતદાન થતું હોવાની માહિતી કોંગ્રેસને મળી હતી, જેથી ઉમેદવાર બળવંત ગઢવીના ભાઈ અને તેમના દીકરા તેમજ કાર્યકર્તાઓ ગામમાં પહોંચ્યા હતા અને મતદાન મથક પર કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થાય એને લઈને ત્યાંના લોકોને જાણ કરી હતી. સાંજે 5 વાગ્યે સમયસર મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય એને લઈ વાતચીત કર્યા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્યારે ત્યાંથી પરત આવતા હતા ત્યારે રસ્તામાં ભાજપના કેટલાક કાર્યકરોએ કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓની ગાડી પર હુમલો કર્યો હતો. પાઇપો અને લાકડીઓ વડે હુમલો કરીને ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. આ હુમલાની ઘટનામાં ત્રણ લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં આ મામલે કાર્યવાહી કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.