ELECTION રાઉન્ડ-અપ@8 PM:ભાજપની કેટલી સીટ આવશે? જાણો એક્ઝિટ પોલનું અનુમાન, મોટા ભાઈએ ભાવુક થઈને મોદીને શું કહ્યું ? જુઓ ચૂંટણીના સાત મોટા સમાચાર

2 મહિનો પહેલા

ગુજરાતમાં ફરી ભાજપ સરકાર?
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન સાંજે 5 વાગે પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાના અંતે 58.80 ટકા મતદાન થયું છે. ટૂંક સમયમાં જ હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ આવવા લાગશે. તમામ એક્ઝિટ પોલ મુજબ, ગુજરાતમાં ભાજપ ફરી સરકાર બનાવી રહી છે. આ એક્ઝિટ પોલ મુજબ, ભાજપને 120થી 148 તો કોંગ્રેસને 30થી 52 અને આપને 2થી 13 બેઠક મળવાનું અનુમાન છે. જોકે ઓછું મતદાન રાજકીય પક્ષોની બાજી બગાડી શકે છે.

બીજા તબક્કામાં અંદાજિત 58.68 ટકા મતદાન
ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠક પર, એટલે કે કુલ 182 બેઠકોમાંથી 51 ટકા બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ સાથે જ ગુજરાત ચૂંટણીના બન્ને તબક્કાની મતદાનપ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બપોરના ત્રણ વાગ્યા સુધીમાં 50 ટકા જેટલું મતદાન થયું છે, જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં જિલ્લામાં 65.84 ટકા અને સૌથી ઓછું અમદાવાદ જિલ્લામાં 53.16 ટકા મતદાન થયું છે. 5 વાગ્યા સુધીમાં સરેરાશ 58.38 ટકા મતદાન થયું છે.

મતદાનના વિવિધ રંગો
પહેલા તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ મતદાનના અલગ અલગ રંગ જોવા મળ્યા. લોકશાહીના પર્વમાં ભાગ લેવા ક્યાંક વરરાજા લગ્ન પહેલાં મત આપવા પહોંચ્યા તો ક્યાંક દુલ્હન પીઠી ચોળીને..તો ક્યાંક નાવડીમાં નદી પાર કરી મતદારો મતદાન કરવા પહોંચ્યા. એટલું જ નહીં, કોઈ ઓક્સિજનના બાટલાની સાથે બૂથ પર પહોંચ્યું તો કોઈએ કીમોથેરપી લીધા પહેલાં મતાધિકારનો ઉપયોગ કર્યો. 18 વર્ષથી લઈને 100 વર્ષથી વધુ ઉંમરના મતદારો લોકશાહીના પર્વની ઉજવણી કરી.

PM મોદી વિશે વાત કરતાં ભાવુક થઈ ગયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થઈ ગયું. બીજા તબક્કાના મતદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મતદાન કર્યું અને ત્યાર બાદ તેમના મોટા ભાઈ સોમાભાઈને મળ્યા હતા. વડાપ્રધાન મોદીને મળવાની વાત કરતાં સોમાભાઈ પણ ભાવુક થઈ ગયા હતા અને કહ્યું કે તેઓ ગર્વ અનુભવે છે. વડાપ્રધાનના મોટા ભાઈ સોમાભાઈ નરેન્દ્ર મોદી વિશે વાત કરતાં ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે 'વર્ષ 2014 પછી કેન્દ્ર સરકારે જે રીતે કામ કર્યું છે એને લોકો અવગણી નહીં શકે.' વડાપ્રધાન મોદી અને સોમાભાઈ વચ્ચે લગભગ 23 મિનિટ સુધી મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંનેએ એકબીજાના હાલચાલ પૂછ્યા હતા.

'ચૂંટણીપંચ ભાજપના ખોળે બેસી ગયું છે'
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચ પર ખૂબ જ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. નરોડા ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે ચૂંટણીપંચ ભાજપના ખોળે બેસી ગયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જ્યાં કોંગ્રેસની સીટવાળી બેઠકો છે ત્યાં ખૂબ જ ધીમું મતદાન થઈ રહ્યું છે.

મતદાન મથક પર ઉમેદવારની બબાલ
મતદાનના માહોલ વચ્ચે કલોલ 38-વિધાનસભા બેઠકમાં સંત અન્ના સ્કૂલના વોટિંગ બૂથની બહાર ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોર ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં ચોક્કસ પક્ષના લોકો સાથે ગાળાગાળી બાદ મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો, જેથી પોલીસે તાત્કાલિક સ્થળે પહોંચી સમગ્ર મામલો શાંત પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

બનાસકાંઠાનો પોલિટિકલ ડ્રામા
બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભા બેઠક વિસ્તારમાં ગત રાત્રિએ કૉંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી ગુમ થવાની વાત વહેતી થતાં પોલીસ દોડતી થઈ હતી. મોડી રાત્રે આ ઘટનાને લઈ પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ગાંધીનગર ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત માટે પણ પહોંચ્યા હતા. જોકે બાદમાં રાત્રિના સમયે કાંતિ ખરાડી મળી આવ્યા હતા અને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ દાંતા બેઠક પર ભાજપના ઉમેદવારે પણ કૉંગ્રેસના ઉમેદવાર દ્વારા હુમલાના પ્રયાસનો આક્ષેપ કરતાં રાજનીતિ ગરમાઈ છે. ત્યાર બાદ આજે ઘાઘુ પ્રાથમિક શાળા ખાતે કાંતિ ખરાડી મતદાન કરવા પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...