ભાસ્કર ઇન્ટરવ્યૂજિજ્ઞેશ મેવાણી સાથે સીધી વાત:ભાજપે કેટલા કરોડ રૂપિયાની ઓફર કરી હતી? પાંચ શબ્દોમાં જવાબ આપીને મોટો ધડાકો કર્યો

17 દિવસ પહેલાલેખક: મૌલિક ઉપાધ્યાય

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ 2017થી ખૂબ ચર્ચામાં આવેલી વડગામ બેઠક 2022 માટે પણ હોટ સીટ બની ગઈ છે. મોટે ભાગે કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર વર્ષ 2017માં અપક્ષમાં મેવાણીએ શાનદાર જીત મેળવી રાજકીય હલચલ મચાવી દીધી હતી. વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી લડી રહેલા જિજ્ઞશ મેવાણીની સાથે દિવ્ય ભાસ્કરની ટીમે ખાસ વાતચીત કરી હતી. જિજ્ઞેશના જૂના સાથીઓ, એટલે કે હાર્દિક પટેલ ને અલ્પેશ ઠાકોરના મુદ્દાથી લઈને લગ્ન કરવા સુધીના અનેક સવાલો કર્યા હતા. મેવાણીએ પણ પ્રજાની વચ્ચે પ્રચાર કરતાં કરતાં દરેક સવાલનો જવાબ તેમની આગવી છટા સાથે આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર : હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં ગયા છે, તેમની સાથે વાતચીત થાય છે? શું કોઈ દિવસ ઓફર કરે ખરા?
જિજ્ઞેશ મેવાણી: એ બંનેને મારી શુભેચ્છાઓ. હું એક જ વાત કહીશ કે ભાજપે દેશને એટલો બધો લૂંટ્યો છે કે ચૂંટણીના રાજકારણમાં કોઈને પણ ખરીદી શકે, પણ હજુ સુધી તો કોઈ એવું ચલણી નાણું બન્યું નથી, જે જિગ્નેશ મેવાણીને ખરીદી શકે.

દિવ્ય ભાસ્કર : કેટલા રૂપિયાની ઓફર થાય છે?
જિજ્ઞેશ મેવાણી : તાલુકા અને જિલ્લાની બહાર પણ જેમને કોઈ ઓળખતું ન હોય એવા ધારાસભ્યોને કરોડો રૂપિયામાં ખરીદાતા હોય તો તમે કલ્પના કરો કે મેવાણીને કેટલા રૂપિયાની ઓફર થતી હશે?
દિવ્ય ભાસ્કર : એવી છાપ બની છે કે દલિત સમાજના નેતા છો.
આ સવાલનો જવાબ ત્યાં આસપાસ રહેલા લોકોએ આપતાં જણાવ્યું કે, જિજ્ઞેશભાઈ માત્ર દલિત સમાજના નહીં, વડગામના પણ નહીં, આખા ભારતના લોકપ્રિય નેતા છે. તેઓ હવે દેશના નેતા હોવાનો સૂર પ્રજામાંથી નીકળ્યો.

દિવ્ય ભાસ્કર : જિજ્ઞેશભાઈ, હવે ઘોડીએ ક્યારે ચડશે?
જિજ્ઞેશ મેવાણી : એ બધા સવાલોના જવાબોની અત્યારે જરૂર નથી, નહિતર મારે આ જાહેરસભાના કાર્યક્રમો મૂકીને આ લોકો માંડવો કરશે.
દિવ્ય ભાસ્કર : શું લાગે છે આ ચૂંટણીમાં તમને?
જિજ્ઞેશ મેવાણી : પેપર ફૂટવાના કારણે ગુજરાતના યુવાનોમાં ભયંકર આક્રોશ છે. મોંઘવારીથી જનતા એટલી ત્રસ્ત થઈને ચૂપચાપ તાકીને જ બેઠી છે. અલગ અલગ મુદ્દે ત્રાહિમામ્ પોકારી ઊઠેલી જનતા રાહ જુએ છે કે ક્યારે પહેલી ને પાંચમી તારીખ આવે ને કચકચાવીને બટન દબાવીએ. મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસની 120 કરતાં પણ વધુ સીટો આવશે.
દિવ્ય ભાસ્કર: ફરી ચૂંટાયા પછી શું ગોલ છે? લોકસભા લડશો?
જિજ્ઞેશ મેવાણી: આખા દેશમાં ભલે મને લોકો ઓળખતા હોય, હું ગુજરાતમાં પાયો મજબૂત કરવા માગું છું. ઉત્તર ગુજરાતમાં પાયો મજબૂત કરવા માગું છું. ગુજરાતમાં રહેવા દો, એમાં મજા છે. મુક્તેશ્વર અને કરમાવતનો પ્રોજેકટ મંજૂર થયો છે. નર્મદાનાં નીર લાવવાનાં બાકી છે.

દિવ્ય ભાસ્કર: તમારા જૂના સાથીઓ ભાજપમાં જતા રહ્યા, તમને ઓફર થાય તો ભાજપમાં જશો ?
જિજ્ઞેશ મેવાણી: નામુમકિન... પૃથ્વીનો ગોળો ઊંધો થઈ જાય એ બની શકે, પણ મેવાણી ભાજપમાં જાય એ અસંભવ છે. ઇમ્પૉસિબલ...અશક્ય... અસંભવ... નો ચાન્સ... ફરી પૂછવાનું જ નહીં.
આ જવાબ બાદ પુછાયેલું, કેટલી લીડ મળશે? એ સવાલનો જવાબ પણ મેવાણીને એ જગ્યાએ સમર્થકોએ ચિચિયારીઓ પાડીને આપતાં કહ્યું, જિજ્ઞેશભાઈ પચાસ હજાર કરતાં પણ વધુ જંગી લીડથી વડગામની બેઠક પરથી જીતશે.