ભાસ્કર ઇનડેપ્થકહાની ભાજપના એક જાયન્ટ કિલરની:પૂર્વ ગૃહમંત્રીને હરાવી એક વેલ્ડર કઈ રીતે બન્યો રાજકારણનો અઠંગ ખેલાડી, ખેલાયો હતો પોલિટિકલ થ્રિલરને પછાડે એવો રણસંગ્રામ

જલાલપોરએક મહિનો પહેલાલેખક: હિતેષ સોનવણે
ડાબેથી આર.સી.પટેલ અને સી.ડી.પટેલ.

ગુજરાતના રાજકારણની રણભૂમિમાં ઘણાં એવા નેતાઓ પણ થઈ ગયા જેમને હરાવવાનું કોઈપણ નેતા સપનું જોતા પણ ડરતા હતા. જેના નામના સિક્કા પડતા હોય એવા નેતાઓને જો કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા હરાવી દેવામાં આવે તો તેને જાયન્ટ કિલર કહેવામાં આવે છે. તો આજે વાત એક વેલ્ડરમાંથી લીડર બનેલા જાયન્ટ કિલરની.

દિલીપ પરીખે રાજીનામું આપ્યું ને ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું
વર્ષ 1998. દિલીપ પરીખ સરકાર હાલક ડોલક થવા લાગી અને રાજપાનું વહાણ ડૂબી ગયું અંતે કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લેતા દિલીપ પરીખે તત્કાલીન રાજ્યપાલ કૃષ્ણપાલસિંહને રાજીનામું આપ્યું અને જાન્યુઆરી 1998માં ચૂંટણીની જાહેરાત થઈ. આ સમયે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહમંત્રી સી.ડી.પટેલની ધાક વાગતી હતી. ચૂંટણી જાહેર થઈ ગઈ હતી અને રાજકીય માહોલ ગરમ હતો. હવે ભાજપ સામે કોંગ્રેસની સાથે સાથે શંકરસિંહની રાજપા(બ્યુગલ વાગે ધનાધન સરકાર જોઇએ ટનાટન વાળી)ને પણ હરાવવાનો પડકાર હતો. 1995માં ભલે કોંગ્રેસ 44 સીટમાં જ સમેટાઈ ગઈ હોય પણ અત્યાર જેટલી નબળી તો નહોતી. કોંગ્રેસમાં પણ સી.ડી. પટેલ, નરેશ ગંગારામ રાવલ, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ જેવા નેતાઓ ચૂંટણી જંગમાં ઉતર્યા હતા.

હિન્દુત્વના વાવાઝોડામાં પણ પટેલનો કિલ્લો ધરાશાયી નહોતો થયો
સી.ડી.પટેલ(છગન દેવાભાઈ પટેલ) તો તેમની પરંપરાગત સીટ જલાલપોરથી કોંગ્રેસમાંથી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. 1995માં આવેલા હિન્દુત્વના વાવાઝોડામાં પણ સી.ડી.પટેલનો દબદબો અકબંધ હતો. 1962થી 1998 સુધી એટલે કે 36 વર્ષ સુધી આ સીટ કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો હતો. પરંતુ હવે કિલ્લાના કાંગરા ખરવાના હતા, જેમનો સી.ડી.પટેલને પણ અંદાજ નહોતો. આ સમયે ભાજપ માટે જલાલપોરમાં સી.ડી.પટેલનો સામનો કરી શકે એવો કોઈ મજબૂત ઉમેદવાર નહોતો. 1995માં એન્ટી ઇનકમ્બન્સી અને હિન્દુત્વની લહેર હોવાછતાં કોઈ સી.ડી. પટેલ સામે ચૂંટણી લડવા તૈયાર નહોતું. આ સમયે ભાજપે સામાન્ય કાર્યકર અને વેલ્ડર એવા 36 વર્ષના યુવાન રમેશ છોટુભાઈ પટેલ(આર.સી.પટેલ)ને ટિકિટ આપી. તમે પરંતુ આ ચૂંટણી આર.સી. પટેલ 17500 મતથી હારી ગયા, ચૂંટણી ભલે હારી ગયા પણ હિંમત નહોતા હાર્યા. આ હારનો બદલો લેવા આર.સી.એ ખૂબ મહેનત કરી અને ત્રણ વર્ષ બાદ તેમનું ભાગ્યનું ચક્ર પલટાવાનું હતું.

2006માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે આર.સી.પટેલ.
2006માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે આર.સી.પટેલ.

ભાજપને સપોર્ટ કરવા માટે 100 વાર વિચારતા લોકો
1995માં હાર બાદ આર. સી. પટેલે જીત મેળવવા કમરકસી અને જલાલપોરના ગામડાઓમાં એકલપંડે લોકોને મળવા સાથે ભાજપની જમીન મજબૂત કરવાનો પ્રયાસ આરંભ્યો. ભાજપે આર. સી. પટેલને સંગઠન મહામંત્રીની જવાબદારી પણ સોંપી હતી, જેથી ધીરે ધીરે લોકોને ભાજપ તરફ વાળવા પ્રયત્નો કર્યા. તેમછતાં હજી પણ કોંગ્રેસ અને સી. ડી. પટેલ બંનેને હરાવવા લોઢાના ચણા ચાવવા બરાબર હતુ. સી.ડી.પટેલની એટલી તો ધાક એટલી હતી કે કોઈ ખુલીને આર.સી.પટેલને સમર્થન જાહેર કરી શકતું ન હતું. તેમછતાં આર.સી. પટેલે મહેનત કરી આંતરિક સમર્થનની રણનીતિ અપનાવી પોતાની સ્થિતિ મજબૂત કરી. બીજી તરફ જલાલપોરમાં દરિયા કાંઠો હોવાછતાં મીઠા પાણી માટે લોકો વલખાં મારતા હતા અને ગ્રામ્ય રસ્તાઓ કાચા હોવાથી આવન-જાવનમાં પણ મુશ્કેલી રહેતી. એ સિવાય પણ અનેક સમસ્યાઓથી ત્રસ્ત લોકોમાં સી. ડી. સામે અસંતોષ હતો. જેનો આર. સી. પટેલે ખૂબ લાભ ઉઠાવ્યો.

1995નો બદલો લેવા તૈયારીનો આરંભ
1998માં સી.ડી. પટેલને કેવી રીતે હરાવવા તે અંગે ભાજપ ઉમેદવાર માટે મનોમંથન કરતો હતો અને તેમની સામે એક જ નામ આવતું હતું. આર.સી. પટેલ અંતે હાઇકમાન્ડે આર.સી.ને ટિકિટ આપી દીધી. હવે આર.સી.પટેલે 1995નો બદલો લેવાની તૈયારીઓ કરી લીધી હતી.

આખા વિધાનસભા વિસ્તારમાં કોઈ ભાજપનું ટેબલ પણ રાખવા ન દેતું
1998માં યોજાયેલી આ ચૂંટણીનો અનુભવ ખુદ આર.સી. પટેલના શબ્દોમાં જ...ગૃહમંત્રી સામે લડવું આજના સમયમાં કલ્પના પણ કરી નહીં શકો અને સીધે સીધું નાયબ મુખ્યમંત્રી સામે લડો તો પરિસ્થિતિ શું હોય? પોલીસનો પણ એટલો જ ડર હતો. તેની સાથે સાથે કોંગ્રેસના બાહુબલીઓનો પણ ડર ઓછો નહોતો, તે વખતે કાર્યકરો ઘર બહાર નીકળતા ડરતા હતા. એવા સમયે લોકોએ મને સપોર્ટ કર્યો. જ્યારે પહેલીવાર હું ચૂંટણી લડ્યો ત્યારે કોઈ માહોલ જ નહોતો. ભાજપના નિશાન પર લડવું તે જે તે સમયે તકલીફવાળુ કામ હતું. 1995 સુધી જલાલપોર વિધાનસભા વિસ્તારમાં ભાજપના ટેબલ જ લાગેલા નહોતા.

કોઈને કલ્પના પણ નહોતી કે આ યુવાન સી.ડી.પટેલને શિકસ્ત આપશે.
કોઈને કલ્પના પણ નહોતી કે આ યુવાન સી.ડી.પટેલને શિકસ્ત આપશે.

ભાજપમાંથી ચૂંટણી લડનાર પહેલા નેતા બન્યા
પહેલો ચૂંટણી લડવા વાળો હોય તો હું. તે પહેલા પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ એકવાર ચૂંટણી લડેલા અને તે વખતે પાર્ટીએ તેમને સિમ્બોલ લેવા વાત કરી હતી, પણ તેમણે ના પાડેલી. તે વખતનો માહોલ ભાજપ માટે ખરાબ હતો કોઈ કલ્પના નહીં કરી શકે કે, કોઈ કોંગ્રેસીના ઘરે કોઈ ભાજપ વાળા ચા પીવા જાય તો સાંજે તેના ગામનું ટોળું મળવા જાય તો એમ કહેતા કે ભાજપીઓને કેમ ઘરવા દીધા?

ભાજપવાળાએ માર જ ખાવો પડતો, હુમલાના ડરે ગાડીઓ બદલવી પડતી
સી.ડી.પટેલની તે સમયે ધાક પણ ખરી અને કોંગ્રેસીઓની દાદાગીરી પણ ઓછી નહોતી અને જ્યાં પણ જાય ત્યાં ભાજપવાળાએ માર જ ખાવાનો એવી સ્થિતિ હતી. 1998માં તો હું હુમલો થવાના ડરે ગાડીઓ બદલીને ઘરે આવતો જતો રહેતો હતો. 1995માં પહેલીવાર મારી ચૂંટણી લડવાની થઈ અને 17500 મતથી હું હારી ગયો અને હાર્યા પછીના ત્રણ વર્ષ દરમિયાન એટલે કે 1998 સુધી મેં ખૂબ મહેનત કરી અને કોઈ કલ્પના નહોતું કરી શકતું કે આ છોકરો આટલી મહેનત કરતો હશે અને મહેનત કરીને 1998માં છેલ્લે 1692 મતથી ચૂંટાયો. કોઈને કલ્પના પણ નહીં હોય કે RC પટેલ પણ CD પટેલ સામે જીતી શકે કે કેમ? 1692 મતથી ચૂંટાયા પછી કાશીરામ રાણાએ મને જાયન્ટ કિલર તરીકે સંબોધ્યો હતો. ત્યારથી મને જાયન્ટ કિલર તરીકે ઓળખતા થયા.

સી.ડી. પટેલની હાર પચે એવી નહોતી, બે કલાક તો પરિણામ અટકાવ્યું
સી. ડી. પટેલની હાર તંત્ર કે તેમના કાર્યકરોને પણ પચે એવી ન હતી. જેના કારણે અંદાજે દોઢથી બે કલાક સુધી જલાલપોર વિધાનસભાનું ચૂંટણી પરિણામ પણ જાહેર થયુ ન હતું. જોકે અંતે તંત્ર દ્વારા આર. સી. પટેલને વિજેતા જાહેર કરતા ભાજપીઓમાં ખુશી છવાઈ હતી અને જલાલપોરના કોંગ્રેસી ગઢને ભેદી ભાજપનો ભગવો લહેરાયો હતો. ત્યારબાદથી લઈ અત્યાર સુધી આર. સી. પટેલને કોંગ્રેસ પછાડી શકી નથી. હવે કોંગ્રેસ માટે ભાજપનો ગઢ ભેદવો મુશ્કેલ બન્યો છે.

હાલમાં પણ જલાલપોર વિધાનસભામાં ભાજપની ટિકિટ માટે આર.સી.પટેલનું નામ મોખરે છે. 27 વર્ષના શાસનમાં આર.સી. પટેલનો મજબૂત હરીફ ઉભો થઈ શક્યો નથી.

પત્ની દક્ષાબેન સાથે આર.સી.પટેલ.
પત્ની દક્ષાબેન સાથે આર.સી.પટેલ.

સામાન્ય વેલ્ડર તરીકે કારકિર્દીનો પ્રારંભ, વિવિધ દેશોમાં નોકરી કરી
રમેશભાઈ છોટુભાઈ પટેલ (આર.સી.પટેલ)નો જન્મ માતા કેશીબેન અને પિતા છોટુભાઈના અત્યંત સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા કુટુંબમાં 5 ઓક્ટોબર 1959ના રોજ થયો હતો. તેમને બે ભાઈઓ અને બે બહેનો છે. પિતા છોટુભાઇએ આજીવન ખૂબ મહેનત કરીને પાંચ બાળકોને મોટા કર્યા હતા. પિતાની વૃદ્ધાવસ્થાને લીધે કુટુંબના સભ્યોની જવાબદારી આર.સી.એ માથે લીધી. નવસારીના આટ ગામની બી.યુ.માસ્ટર હાઇસ્કૂલમાંથી SSC(ઓલ્ડ) પાસ કરીને રાજસ્થાનના બ્યાવર ખાતે વેલ્ડીંગની ટ્રેનિંગ લઈ વેલ્ડર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. દેશના વિવિધ રાજ્યોમાં નોકરી કર્યા પછી અખાતી દેશમાં ગયા. ખૂબ મહેનત કરીને એમણે કુટુંબની આર્થિક સ્થિતિને સુધારી. એ દરમિયાન સામાપોર ગામના દક્ષાબેન સાથે એમનાં લગ્ન થયાં.

અટલજી-અડવાણીને સાંભળીને આવ્યા રાજનીતિમાં
અખાતી દેશમાં કામ કરતા ત્યાં તેઓને રાત્રે રેડિયો પર સમાચારો સાંભળવાની ટેવ હતી. રેડિયો સાંભળતા એમને લાગ્યું કે વાજપેયજી અને અડવાણીની વાતોમાં તથ્ય છે. તેમની વિચારધારાથી પ્રભાવિત થયા. ત્યાં ગુજરાત અને બીજા પ્રદેશોના કામદારોને મળવાનું થતું એટલે ગુજરાત અને દેશના બીજા રાજ્યોની પરિસ્થિતિ પણ એમને જાણવા મળતી. આ વાતોએ એમના માનસ પટલ પર ઊંડી છાપ છોડી. આ દરમિયાન તેમણે અખાતી દેશોમાં વેલ્ડર તરીકેની કારકિર્દીને તિલાંજલિ આપી સ્વદેશ પાછા ફરી મત્સ્યોદ્યોગ તરફ નવી કારકિર્દીની શરૂઆત કરી. આ દરમિયાન તેમણે તળાવો વિકસિત કરી મત્સ્યઉછેરની શરૂઆત કરી.

પરિવાર સાથે આર.સી.પટેલ
પરિવાર સાથે આર.સી.પટેલ

1988માં ભાજપમાં જોડાયા
આ સમયગાળા દરમિયાન કાંઠા વિસ્તારની સ્થિતિ ખુબ દયનીય હતી. લોકોના કામો થતા ન હતા. રસ્તા, પાણી, વીજળી જેવી પ્રાથમિક જરૂરિયાતોમાં પણ કાંઠા વિસ્તાર ખૂબ પાછળ હતો. આ પરિસ્થિતિને લીધે તેઓ 1988માં ભારતીય જનતા પક્ષના સામાન્ય સભ્ય તરીકે જોડાયા. 1995 સુધી દરેક ચૂંટણીમાં તેમણે સક્રિય કાર્યકર તરીકે કામગીરી બજાવી અને કાંઠા વિસ્તારમાં ભારતીય જનતા પક્ષના જનાધારને મજબુત કરવા સતત પ્રયત્નશીલ રહ્યા. આ દરમિયાન યુવાન નેતા તરીકે તેમની શાખ સ્થાપિત થઈ.

પહેલી વિધાનસભા ચૂંટણીમાં પરાજીત થયા
1995માં ધારાસભાની ચુંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સી.ડી. પટેલની સામે ભાજપા ચૂટણી લડી શકે તેવા ઉમેદવારની શોધમાં હતું એ સમયે એમની નજર આર.સી.પટેલ ઉપર ઠરી. આ ચૂટણીમાં ‘આર.સી.’ એ જોરદાર ટક્કર આપી. ચૂટણીમાં સી.ડી.પટેલ જીત્યા તો ખરા પરંતુ એમની સરસાઇ ખૂબ ઓછી થઈ ગઈ. ઉપરાંત ચૂટણી દરમિયાન મત વિસ્તારમાં ભારતીય જનતા પક્ષના ટેબલ મૂકાયા અને દરેક ગામમાં ભારતીય જનતા પક્ષની મીટિંગ થઇ શકી જે પક્ષના સંગઠન અને તાકાત વધારનાર એક મહત્વપૂર્ણ ઘટના હતી. સમય સાથે તેમની લોકપ્રિયતા વધી અને વધુ લોકો તેમની સાથે જોડાયા. આ જ વર્ષે તેમને નવસારી તાલુકા (જલાલપોર તાલુકા સંયુક્ત) ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બનાવાયા. ત્યાર બાદ તેઓ 1998થી 20017 સુધી એમ સતત 5 ટર્મ સુધી જલાલપોર સીટ પરથી ચૂંટાતા આવ્યા.

પૂર્વ ગૃહમંત્રી સી.ડી. પટેલ.
પૂર્વ ગૃહમંત્રી સી.ડી. પટેલ.

કોણ હતા સી.ડી. પટેલ?
કોંગ્રેસના નેતા સી.ડી.પટેલનો જન્મ 14 જુલાઈ 1931ના રોજ જલાલપોરમાં થયો હતો. તેમણે સુરતની વી.ટી. ચોક્સી લો કોલેજમાં કાયદાનો અભ્યાસ કર્યો અને વ્યવસાયે વકીલ બન્યા. વકીલાતના વ્યવસાયમાં પણ ખૂબ જ સફળતા હાંસલ કરી. તેઓ પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપાધ્યક્ષ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જોઇન્ટ સેક્રેટરી, 1972-74 દરમિયાન કોંગ્રેસ(આઇ)ના ચીફ વ્હીપની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. આ ઉપરાંત 1980થી 1984 દરમિયાન તેઓ લોકસભા સાંસદ પણ હતા.

કોંગ્રેસના નેતા સી.ડી.પટેલ ચીમનભાઈ પટેલ સરકારમાં ગૃહમંત્રી હતા. માત્ર એટલું જ નહીં, 1994માં ચીમનભાઈનું અચાનક જ નિધન થતા થોડો સમય સુધી નાયબ મુખ્યમંત્રી પદ પણ સંભાળ્યું હતું. જો કે ત્યાર બાદ છબિલદાસ મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ બે ટર્મ સંસદ સભ્ય અને બે ટર્મ ધારાસભ્ય રહ્યા હતા. તેમનું ફેબ્રુઆરી હાર્ટએટેકને કારણે 2001માં નિધન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...