ભાસ્કર ઇન્ટરવ્યૂ'એ આક્ષેપ સહન કરવા ખૂબ અઘરું હતું':કમલમની એ ઘટના પર ઈસુદાનનાં પત્ની હિરલબેન ખૂલીને બોલ્યાં, પતિની ગમતી વાત પણ જણાવી

એક મહિનો પહેલાલેખક: હર્ષ પટેલ

'છેલ્લા દોઢ વર્ષમાં માંડ એક મહિના જેટલો સમય પરિવાર સાથે વિતાવ્યો હશે. સૌથી વધારે સંઘર્ષ સમાજના અલગ અલગ વર્ગો માટે કર્યો છે. લોકોનાં હિત માટે નીકળ્યા છે એટલે મારે પણ પારિવારિક જવાબદારીઓમાંથી મુક્ત કરવા જ પડે.' આ શબ્દો છે ઈસુદાન ગઢવીનાં પત્ની હિરલ ગઢવીના. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં હિરલબેને ઈસુદાનની પસંદ, નાપસંદથી લઈને સમાજના નાના વર્ગો પ્રત્યેની લાગણીની વાતો જણાવી.
દિવ્ય ભાસ્કર: ઈસુદાન ગઢવીને સીએમનો ચહેરો જાહેર કર્યા છે, એક પત્ની તરીકે કેવી લાગણી થાય?
હિરલ ગઢવી: બહુ સારું લાગે છે. એકદમ ખુશ છું. ગુજરાતની જનતાએ તેમને જે આટલી મોટી જવાબદારી સોંપી છે એની મને પણ ખુશી છે. હું દિલથી ઈચ્છું છું કે ઈસુદાન તેમનું સપનું સાકાર કરે.
દિવ્ય ભાસ્કર: ધર્મપત્ની તરીકે આ સફરમાં તમે કેવો સાથ આપ્યો?
હિરલ ગઢવી: ઈસુદાન પહેલેથી જ સામાજિક રીતે સક્રિય રહ્યા છે. એમાં પણ જ્યારથી રાજકારણમાં આવ્યા છે ત્યારથી પરિવારને સમય ઓછો આપી શકે છે. છેલ્લા દોઢ વર્ષમાં માંડ એક મહિના જેટલો સમય પરિવાર સાથે વિતાવ્યો હશે. સૌથી વધારે સંઘર્ષ સમાજના અલગ અલગ વર્ગો માટે કર્યો છે. લોકોનાં હિત માટે નીકળ્યા છે, એટલે મારે પણ પારિવારિક જવાબદારીઓમાંથી તેમને મુક્ત કરવા જ પડે.
દિવ્ય ભાસ્કર: પત્રકાર હતા ત્યારે ઈસુદાનની સાથોસાથ પરિવારે કોઈ સંઘર્ષ કર્યો છે?
હિરલ ગઢવી: સંઘર્ષ તો ત્યારે પણ હતો. જોકે એ સમયે ઈસુદાન પરિવારને સમય આપી શકતા. તેA દિલથી જ એવું ઈચ્છતા કે સમાજ અને લોકો માટે કંઈક કરવું છે. મેં તેમને લોકોની હાલત જોઈને વ્યથા વ્યક્ત કરતા પણ જોયા છે. કોરોનામાં જે રીતે લોકોના જીવ ટપોટપ જતા હતા ત્યારે પણ આરોગ્ય વ્યવસ્થા જોઈને તેમની આંતરડી કકળી ઊઠતી. મને પણ ઘણીવાર કહેતા કે મારે કંઈક કરવું છે ને પછી રાજકારણમાં સક્રિય થયા એટલે હવે એ રાત-દિવસ જોયા વગર લોકો માટે મહેનત કરી રહ્યા છે.
દિવ્ય ભાસ્કર:જીવનના મહત્વના નિર્ણયો લેવાના હોય ત્યારે સલાહ લે?
હિરલ ગઢવી: હા, આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે પણ મારી સાથે ચર્ચા કરી જ હતી. અમે પણ તેમને રાજકારણમાં જવા માટેની ના પાડી હતી. જોકે ત્યાર બાદ તેમણે સમજાવ્યા તો અમે પણ સહમત થયા. વાંધો નહીં જાઓ રાજકારણમાં, એમ કહીને અમે ઈસુદાનને મોકલ્યા તો ખરા, પણ પાછળથી જે બધા આક્ષેપો થયા એ બધું સહન કરવું અમારા માટે અઘરું હતું.
દિવ્ય ભાસ્કર: અનેક મુદ્દે લડી લેવાનો મૂડ ધરાવનારા ઈસુદાન ક્યારેય સિસ્ટમથી કંટાળે ખરા?
હિરલ ગઢવી: હા, ઘણીવાર એવું થયું હશે. ત્યારે ઈસુદાનને એટલું જ કહું છું કે કંઈ વાંધો નહીં, હું બેઠી જ છું. તમે જે પણ નિર્ણય કર્યો છે એની સાથે હું કાયમ ઊભી રહીશ.
દિવ્ય ભાસ્કર: ઈસુદાનની કઈ વાતો વધુ ગમે છે ને ક્યાં ફરવા જવાનું પસંદ કરો?
હિરલ ગઢવી: એ ઘરે હોય ત્યારે જે વાતો કરે એ ગમે. જોકે મોટે ભાગે તેઓ એ કહેતા રહે છે કે મનુષ્યનો અવતાર મળ્યો છે તો સારાં કામ માટે પુરુષાર્થ કરતા રહેવાનો. વારેવારે મનુષ્યનો અવતાર મળવાનો નથી. મને પોતાને ફરવાનો બહુ શોખ નથી. અમે ફરવા માટે કે તહેવારોમાં પણ ગામડે જવાનું પસંદ કરીએ છીએ.

ઈસુદાન ગઢવીની પિતા સાથેની યાદગીરી
ઈસુદાન ગઢવીની પિતા સાથેની યાદગીરી

દિવ્ય ભાસ્કર: કોઈ દિવસ ઈસુદાનની આંખમાં આંસુ આવે ખરાં?
હિરલ ગઢવી: હા, જ્યારે તેમના પિતાજી એટલે કે મારા સસરાનું અવસાન થયું ત્યારે એ બહુ જ રડ્યા હતા. ઈસુદાન ક્યારેય મારાં સાસુ અને પરિવારના સભ્યોની સામે રડ્યા નથી. ઈસુદાન જાણતા હતા કે જો તેઓ રડશે તો અન્ય સભ્યો પણ રડવા લાગશે, એટલે દિવસે આંસુ પણ ટપકવા દેતા નહોતા. ને જેવી રાત થાય ત્યારે પિતાજીની યાદ કરીને ધ્રુસકે ને ધ્રુસકે રડતા મેં જોયા છે. રડતાં રડતાં મને કહેતા કે હું પણ જાણું છું કે જે જન્મે છે તેનું મૃત્યુ નક્કી છે, પણ મારું મન હજુ સ્વીકારવા તૈયાર નથી કે પિતાજી હવે આપણને છોડીને ચાલ્યા ગયા છે.
દિવ્ય ભાસ્કર: ઈસુદાન ગઢવી મુખ્યમંત્રી બનશે?
હિરલ ગઢવી: એ મુખ્યમંત્રી બનશે કે નહીં એ તો ગુજરાતની જનતા નક્કી કરશે. જો મારી વાત કરું તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જનતા એમને ચોક્કસ મુખ્યમંત્રી બનાવશે