ભાસ્કર ઇનડેપ્થભાજપના ચોંકાવનારા ચહેરા:BJPએ પૂર્વ સરપંચથી લઈને પ્રિન્સિપાલ અને બિઝનેસમેનને ચૂંટણીના રણસંગ્રામમાં ઉતાર્યા, એક તો છે ઘોડેસવારીમાં માસ્ટર

અમદાવાદ25 દિવસ પહેલા

વિધાનસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ હવે ભાજપ, કોંગ્રેસ અને આપ ઉમેદવારોની યાદી જાહેર કરવા લાગ્યા છે. આજે ભાજપે 160 ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાંથી કોઈ રાજકીય પરિવારમાંથી આવે છે તો કોઈ સેલિબ્રિટી છે. આ યાદીમાં રિવાબા જાડેજાથી લઈ ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા અને ડો. પાયલ કુકરાણી સહિતના ચહેરાઓને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. આ યાદીમાં અનેક અજાણ્યા ચહેરાઓ પણ છે. જે અંગે દિવ્ય ભાસ્કર એક ખાસ અહેવાલમાં જણાવી રહ્યું છે.

સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતા ડૉ. પાયલ કુકરાણી છે MD
અમદાવાદની સૌથી ચર્ચતિ નરોડા સીટ પર ભાજપે યુવા ચહેરો મેદાનમાં ઉતાર્યો છે. બીજેપીએ 30 વર્ષીય યુવા મહિલા ડૉક્ટર પાયલ કુકરાણીને ટિકીટ આપી છે. સિંધી સમાજમાંથી આવતાં ડૉક્ટર પાયલ કુકરાણીએ રશિયામાંથી જનરલ મેડીસીન (એમડી)ની ડીગ્રી લીધી છે. હાલ તે અસારવા સિલિવ હોસ્પિટલમાં ફરજ બજાવે છે.

2017માં પણ ટિકિટની રેસમાં હતાં ડૉ.પાયલ
2017માં પણ ટિકિટની રેસમાં હતાં ડૉ.પાયલ

પિતા છે નરોડા પાટિયાકાંડના દોષિત, માતા છે કોર્પોરેટર
ડૉ.પાયલ કુકરાણીનું ગત વિધાનસભા ચૂંટણીમાં પણ નરોડા સીટ માટે નામ વહેતું થયું હતું. પાયલનાં માતા રેશ્મા કુકરાણી અમદાવાદના સૈજપુર બોઘા વોર્ડના હાલના કોર્પોરેટર છે. જ્યારે પિતા મનોજ કુકરાણીને નરોડા પાટિયા હત્યાકાંડમાં આજીવન કેદની સજા થઈ ચૂકી છે. નોંધનીય છે કે આ પહેલાં નરોડા સીટ પર બે મહિલા ડૉક્ટર ધરાસભ્યપદે રહી ચૂક્યાં છે. ડૉ.માયાબેન કોડનાની અને ડૉ. નિર્મલા વાધવાણી આ સીટ પર જીતીને ધારાસભ્ય બન્યાં હતાં.

જામનગર ઉત્તર સીટ પરના ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરી.
જામનગર ઉત્તર સીટ પરના ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરી.

જામનગર દક્ષિણ સીટ પર કોર્પોરેટરને ઉતાર્યા ચૂંટણી જંગમાં
ભાજપના જામનગર દક્ષિણ સીટ પર દિવ્યેશ અકબરીને ટિકિટ આપી છે. દિવ્યેશ અકબરીએ 1995થી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. વર્ષ 1998માં યુવા મોરચા વોર્ડની બોડીમાં પ્રમુખ હતા. વર્ષ 2000માં વોર્ડની મેઇન બોડીના પ્રમુખ, 2003માં વોર્ડમાં મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. તેમજ વર્ષ 2006માં ફરી રિપીટ કરી વોર્ડ પ્રમુખ બન્યા હતા. વર્ષ 2010માં શહેર ભાજપ મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. તેમજ જામનગર મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. મહાનગરપાલિકામાં સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, શાસક પક્ષના દંડક સહિતની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.

કૌશિક વેકરિયા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ છે.
કૌશિક વેકરિયા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ છે.

અમરેલી સીટ પર ધાનાણીને ટક્કર આપવા પૂર્વ સરપંચ પર દાવ ખેલ્યો
ભાજપે અમરેલી સીટ પરથી યુવાન ચહેરો ચૂંટણી મેદાનમાં ઉતાર્યો છે. ભાજપે કૌશિક વેકરિયાને વિધાનસભાની ટિકિટ આપી છે. તેમની સાથે ટિકિટની રેસમાં પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીના પુત્ર મનિષ સંઘાણી પણ હતા. અમરેલી તાલુકાના દેવરાજિયા ગામના સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. ત્યારબાદ માર્કેટિંગ યાર્ડમાં ડિરેક્ટર તરીકે પણ ચૂંટાઈ આવ્યા અને ત્યારબાદ તેમનો ભાજપ સંગઠનમાં પ્રવેશ થયો હતો. આ ઉપરાંત જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે કામગીરી કરી છેલ્લે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મહત્ત્વપૂર્ણ કામગીરી કરી હતી. અમિત શાહ દ્વારા આ કામગીરીની પ્રશંસા પણ કરવામાં આવી હતી.

રમેશ ટીલાળાની ટિકિટને લઈ નરેશ પટેલ દિલ્હી સુધી લોબિંગ કરતા આવ્યા હતા.
રમેશ ટીલાળાની ટિકિટને લઈ નરેશ પટેલ દિલ્હી સુધી લોબિંગ કરતા આવ્યા હતા.

રાજકોટની દક્ષિણ સીટ પર 10 પાસ બિઝનેસમેન ચૂંટણી મેદાનમાં
ભાજપે ખોડલધામના ટ્રસ્ટી અને બિઝનેસમેન રમેશ ટીલાળાને રાજકોટ દક્ષિણ સીટ પરથી વિધાનસભાની ટિકિટ આપી છે. રમેશ ટીલાળાનું રાજકોટ જિલ્લામાં મોટું નામ છે. શાપર ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા રમેશ ટીલાળાએ શરૂઆતના દિવસોમાં ખૂબ સંઘર્ષ કર્યો હતો. ખેતીથી કરિયરની શરૂઆત કરનારા ટીલાળાએ 7 ઈન્ડસ્ટ્રી ઊભી કરી છે અને 1500 લોકોને રોજગારી પૂરી પાડે છે. માત્ર 10 પાસ ટીલાળા આજે અનેક દેશોમાં બિઝનેસ કરે છે. એટલું જ નહીં, ટીલાળાની કંપની એરબસ અને બોઇંગમાં એરોનેટિક પાર્ટ્સ પણ સપ્લાય કરી રહી છે. રમેશભાઈ સવારના સમયે 5.30 વાગ્યે યોગ પ્રાણાયામ પછી પૂજા-અર્ચના કર્યા બાદ પોતાના ઓફિસકામની શરૂઆત કરે છે. ટીલાળા સપ્તાહમાં એક વખત પોતાનાં કુળદેવી અને લેઉવા પટેલ સમાજના આસ્થા સમાન ખોડિયાર માતાજીનાં દર્શન કરવા કાગવડ અચૂક જાય છે. હાલમાં તેઓ રાજકોટ શહેરમાં પરિવાર સાથે સ્થાયી થયા છે. પરિવારમાં એક પુત્ર અને પુત્રી છે, જે પૈકી પુત્રીનાં લગ્ન થઇ ચૂક્યાં છે, જ્યારે પુત્રના લગ્ન બાકી છે.

પૂર્વ સાંસદના ગાયનેક દીકરીને પણ મળી ટિકિટ
ભાજપે નર્મદા જિલ્લામાં નવો જ ચહેરો ઉતાર્યો છે. ભાજપે નાંદોદ (ST) બેઠક પર વ્યવસાયે ગાયનેક ડો. દર્શના દેશમુખ (વસાવા)ને ટિકિટ ફાળવી છે. ગુજરાતના બાકીના લોકો માટે ભલે ડો. દર્શના દેશમુખ જાણીતો ચહેરો ન હોય પણ નર્મદા જિલ્લામાં તેમનું નામ જાણીતું છે. તેઓ વર્ષોથી રાજકારણમાં સક્રિય છે. તેઓ રાજપીપળામાં દિવ્ય યોગી હોસ્પિટલ ચલાવે છે. ડૉક્ટર દર્શના દેશમુખ આદિજાતિ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને વન વિકાસ નિગમના ડિરેક્ટર સહિતના હોદ્દા પર રહી ચૂક્યાં છે. આ ઉપરાંત રાજ્યોના ભાજપના પ્રભારી રહી સંગઠનની કામગીરી પણ કરી છે.

ડો.દર્શનાબેન દેશમુખના પિતા ચંદુ દેશમુખે કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવી દીધા હતા.
ડો.દર્શનાબેન દેશમુખના પિતા ચંદુ દેશમુખે કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવી દીધા હતા.

વર્ષોથી RSSમાં છે સક્રિય
ડૉ. દર્શનાબેનના નાનાભાઈ ડૉ. રવિ દેશમુખ વર્ષોથી RSSમાં સક્રિય હોદ્દાઓ પર રહ્યા છે. આ તમામ ગણિત ગોઠવી ભાજપે આજે ડૉ. દર્શનાબેન દેશમુખ ને ટિકિટ આપી છે. ડૉ. દર્શના દેશમુખના પતિ પણ ડૉક્ટર છે અને રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં સેવા આપે છે. તેમને સંતાનમાં એક દીકરી છે, જે અભ્યાસ કરી રહી છે. તેઓ પૂર્વ સાંસદ ચંદુ દેશમુખનાં દીકરી છે. વર્ષ 1951થી ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ એકહથ્થું શાસન હતું પરંતુ 1989માં કોંગ્રેસના અહેમદ પટેલને હરાવી ચંદુ દેશમુખે ભરૂચ બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાવ્યો હતો. 1998 સુધી ચંદુ દેશમુખ ભરૂચના સાંસદ રહ્યા હતા.

સુરેન્દ્રનગરની બટરફ્લાય સ્કૂલના પ્રિન્સિપાલ છે જિજ્ઞાબેન પંડ્યા.
સુરેન્દ્રનગરની બટરફ્લાય સ્કૂલના પ્રિન્સિપાલ છે જિજ્ઞાબેન પંડ્યા.

વઢવાણઃ પ્રિન્સિપાલ હવે શીખશે ચૂંટણીના પાઠ
ભાજપે વઢવાણથી જિજ્ઞાબેન પંડ્યાને ટિકિટ આપી છે. 10 સપ્ટેમ્બર 1973ના રોજ જન્મેલાં જિજ્ઞાબેન B.COM. LLB, MSW, DCS ડિગ્રી ધરાવે છે. તેઓ સુરેન્દ્રનગરની બટરફ્લાય સ્કૂલના પ્રિન્સિપાલ છે. તેમજ હાલ સુરેન્દ્રનગર નગરપાલિકાના સભ્ય છે. આ ઉપરાંત વિમેન્સ ક્લબના પણ પ્રમુખ છે. જ્યારે સુરેન્દ્રનગર ભાજપના મહિલા મોરચાના 2014-2019 સુધી એમ બે ટર્મ પ્રમુખ રહી ચૂક્યાં છે. જ્યારે 2008થી 2014 એમ બે ટર્મ મહામંત્રી હતાં. સુરેન્દ્રનગર શહેર ભાજપના પ્રમુખ પણ છે.

વાવ વિધાનસભામાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.
વાવ વિધાનસભામાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.

અપક્ષ લોકસભા લડેલા ઠાકોર નેતા ગેનીબેનને ટક્કર આપશે?
કોંગ્રેસના ધુરંધર ગેનીબેન ઠાકોર સામે વાવ વિધાનસભામાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. વાવ તાલુકાનાનું ડીયોક ગામના વતની 40 વર્ષીય સ્વરૂપજી ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે.

સંતાનમાં બે દીકરી અને બે દીકરા
હાલ ભાજપના સક્રિય કાર્યકર્તા સ્વરૂપજી ઠાકોરે વર્ષ 2019માં અપક્ષ તરીકે લોકસભા ચૂંટણીમાં પણ ઝંપલાવ્યું હતું. જેમાં તેમણે 48635 જેટલા મત મેળવ્યા હતા. તેમને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવે છે. તેમના પરિવારમાં પત્ની ભાવનાબેન ઠાકોર, બે દીકરી દીપિકા તથા રાધિકા અને બે દીકરા વિક્રમ અને જયવીર છે.

રાજકોટના ડેપ્યુટી મેયર દર્શિતા શાહ અને વડાપ્રધાન મોદી.
રાજકોટના ડેપ્યુટી મેયર દર્શિતા શાહ અને વડાપ્રધાન મોદી.

ગુજરાતની સૌથી લક્કી સીટના ઉમેદવારનાં મૂળિયાં છે સંઘનાં
રાજકોટના ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહને રાજકોટ પશ્ચિમ સીટ પરથી ટિકિટ આપી છે. આ ટિકિટ માટે અનેક દાવેદારો લોબિંગ કરતા હતા, કારણ કે આ સીટ સૌથી લકી સીટ છે. આ સીટ પરથી જ ચૂંટાઈને પહેલીવાર નરેન્દ્ર મોદી ધારાસભ્ય બન્યા હતા અને ત્યાર બાદ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા હતા. જે અહીંથી ચૂંટણી લડે તે મુખ્યમંત્રી કે વડાપ્રધાન બન્યા છે. ડો.દર્શિતા શાહ સતત બે ટર્મથી રાજકોટના ડેપ્યુટી મેયર છે અને જાણીતા MD છે તથા વોર્ડ નં. 2ના કોર્પોરેટર છે. તેમના પિતા PM મોદીના ખાસ મિત્ર હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રાંત સંઘચાલક સ્વ. ડો.પી.વી.દોશી (પપ્પાજી)નાં પૌત્રી અને ડો. પ્રફુલભાઈ દોશીનાં પુત્રી છે.

જામનગર ઉત્તર સીટ પરથી મિકેનિકલ એન્જિનિયર લડશે ચૂંટણી
જામનગર ઉત્તરથી ભાજપે રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાને ટિકિટ આપી છે. સોશિયલ મીડિયા અને મહિલા વિસ્તારમાં સતત એક્ટિવ રહે છે. તેની સાથે સાથે મહિલાઓને પગભર કરવા માટે પણ ખૂબ કામ કરે છે. રિવાબા મિકેનિકલ એન્જિનિયર છે અને લગ્ન પહેલાં UPSCની તૈયારી કરતાં હતાં. લગ્ન પહેલાં ક્રિકેટ પણ જોતાં નહોતાં પરંતુ લગ્ન બાદ તેમને ક્રિકેટ ગમવા લાગ્યું છે. તેઓ પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફૂલ્લાબાના એકમાત્ર સંતાન છે. તેમના પિતા હરદેવસિંહ સોલંકી મૂળ કેશોદ પાસેના બાલાગામના વતની છે. વર્ષોથી રાજકોટના કોઠી કમ્પાઉન્ડમાં રહે છે. તેમને ખેતીવાડી ઉપરાંત ખાંભા અને રાજસમઢીયાળામાં બે સ્કૂલ છે. સાસણમાં ફાર્મહાઉસ અને નવલખી બંદર પર વે-બ્રિજ છે.

જામનગર ઉત્તર સીટ પરથી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાને ટિકિટ આપી છે.
જામનગર ઉત્તર સીટ પરથી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાને ટિકિટ આપી છે.

રિવાબા ઘોડેસવારીના છે શોખીન
રવીન્દ્ર જાડેજા અને રિવાબાનાં લગ્ન 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટમાં થયાં હતાં. રિવાબા અને રવીન્દ્ર જાડેજાને સંતાનમાં એક પુત્રી છે, જેનું નામ નિધ્યાનાબા છે. રિવાબાએ 7 જૂન 2017ના રોજ નિધ્યાનાબાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. તેઓ પતિ રવીન્દ્રની જેમ ઘોડેસવારી કરવાનાં શોખીન છે. 10 મહિના પહેલાં જ તેઓ ઘોડેસવારી કરવાનું શીખ્યાં હતાં.

4 વર્ષ પહેલાં કોન્સ્ટેબલે માર્યો હતો માર
ચાર વર્ષ પહેલાં જામનગરમાં રિવાબા પર પોલીસ કોન્સ્ટેબલે હુમલો કર્યો હતો. વાહન અથડાવાની બાબતે બોલાચાલી બાદ પોલીસ કોન્સ્ટેબલે રિવાબાને વાળ ખેંચીને માર માર્યો હતો. આ બનાવ અંગે રિવાબાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો હતો. ટોક ઓફ ધી ટાઉન બનેલા બનાવની વિગત અનુસાર સોમવારે રિવાબા BMWમાં સેક્શન રોડ પરથી જતાં હતાં. આ દરમ્યાન પોલીસ હેડ ક્વાર્ટરમાંથી બાઇક પર સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો સંજય ખીમાભાઇ કરંગિયા નીકળતા કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. રિવાબા અને બાઇક પર સવાર પોલીસ કોન્સ્ટેબલ સંજય કરંગિયા વચ્ચે બોલાચાલી થઇ હતી. આથી ઉશ્કેરાયેલા પોલીસ કોન્સ્ટેબલ સંજય કરંગિયાએ રિવાબાના વાળ ખેંચી સરા જાહેર માર મારી હુમલો કર્યો હતો.

ઠક્કરબાપાનગરના ઉમેદવાર કંચનબેન રાદડિયા.
ઠક્કરબાપાનગરના ઉમેદવાર કંચનબેન રાદડિયા.

કાકડિયાની ટિકિટ કાપી આ પાટીદાર મહિલાને આપી ટિકિટ
પાટીદારોની બેઠક ગણાતી અમદાવાદની ઠક્કરબાપાનગર પરથી વલ્લભ કાકડિયાની ટિકિટ કાપી લેઉવા પાટીદાર એવા કંચનબેન રાદડિયાને ભાજપે ટિકિટ આપી છે. કંચનબેન 23 નંબરના વોર્ડના કોર્પોરેટર પણ છે.

યોગી આદિત્યનાથથી પ્રભાવિત છે ડી.કે.સ્વામી.
યોગી આદિત્યનાથથી પ્રભાવિત છે ડી.કે.સ્વામી.

આ ઉમેદવારે સૌ કોઈને ચોંકાવી દીધા
ભાજપની યાદીમાં સૌથી વધુ જો કોઈ ચોંકાવનારું નામ હોય તો તે ડી.કે.સ્વામી છે. બીજેપીએ દક્ષિણ ગુજરાતની જંબુસર સીટ પર સ્વામિનારાયણના સંત દેવકિશોરદાસજી સાધુ એટલે કે ડી કે સ્વામીને ટિકિટ આપી છે. ભગવાં વસ્ત્રો, ગળામાં માળા અને કપાળ પર તિલક એ ડી.કે. સ્વામીની ઓળખ છે. તેઓ 32 વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર છે.

યોગી આદિત્યનાથથી પ્રભાવિત ડી.કે. સ્વામીએ MA, B.EDનો અભ્યાસ કરેલો છે. તેમણે 9 વર્ષની દીક્ષા લીધી હતી અને પરિવારનો ત્યાગ કર્યો હતો. તેઓ વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના કામથી ખાસ્સા પ્રભાવિત છે.

અન્ય સમાચારો પણ છે...