ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. જો કે સવારે 8 વાગ્યે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા 5 વાગ્યે પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. પહેલા તબક્કાનું અંદાજિત 60.35 ટકા મતદાન નોંધાયું છે. ઓછા મતદાનથી ઉમેદવારો પણ ભારે મૂંઝવણમાં મૂકાયા છે. જ્યાં જ્યાં મતદાન છે તેના મુખ્ય દરવાજા થયા બંધ કરી દેવામાં આવ્યા છે. અંદર લાઈનમાં ઊભા છે એ લોકોને મતદાન કરવા દેવામાં આવશે. કુલ 6 ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જેમાં નર્મદાના સામોટ, જામનગરના ધ્રાફા અને ભરુચના કેસર ગામમાં એકપણ મત પડ્યો નહોતો. 89 સીટમાંથી સૌથી વધુ ડેડીયાપાડામાં તો સૌથી ઓછું કચ્છની ગાંધીધામ સીટ પર મતદાન થયું છે.
EVMને લગતી 6, બોગસ વોટિંગની 2 ફરિયાદ મળી
રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું કે, રાજ્યમાં અમૂક જગ્યાએ હજુ પણ મતદાન ચાલુ છે, ઘણી જગ્યાએથી આંકડા લેવાના બાકી છે એટલે મોડી રાત સુધી ચોક્કસ આંકડા મળશે. જામનગરના 1 , નર્મદાના 1, ભરૂચના 4 ગામોમાં મતદાનનો બહિષ્કાર થયો છે. જેમાં નર્મદામાં જમીન પ્રશ્ને અને સામાન્ય સુવિધાના અભાવે બહિષ્કાર તથા અન્ય એક જગ્યાએ સ્ત્રી પુરૂષ મતદાન મથક અલગ ના હોવાથી બહિષ્કાર કરાયો છે. ચૂંટણીપંચને કુલ અલગ અલગ 104 ફરિયાદ મળી છે. EVMને લગતી 6, બોગસ વોટિંગની 2 ફરિયાદ (ગીર સોમનાથ અને જામનગર) , પાવર કટની લિંબાયતથી ફરિયાદ મળી છે. મોક પોલ દરમિયાન BU 144, 244 CU, 335 VVPAT રીપ્લેસ કરાયા છે. કોંગ્રેસ પાર્ટી તરફથી ફરિયાદ મળી છે. વિગતવાર માહિતી મેળવી તો ખ્યાલ આવ્યો કે નેતા પોતાના મંતવ્ય અંગે ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા.
સૌરાષ્ટ્ર-કચ્છમાં 58 ટકા જેટલું મતદાન થયું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં 66 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આમ સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત કરતા 8 ટકા જેટલું ઓછુ મતદાન થયું છે. મતદારોએ મતદાનમાં રસ ન દાખવતા ઉમેદવારો દોડતા થયા હતા. ઉમેદવારોએ મતદાન કરવા રેકોર્ડેડ ફોન કોલનો મારો ચલાવ્યો હતો. એક વ્યક્તિને ત્રણ ત્રણ કોલ કર્યા હતા.
જામજોધપુર સીટના ધ્રાફા ગામમાં એકપણ મત ન પડ્યો
જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠકમાં આવતા ધ્રાફા ગામમાં મહિલા મતદારો માટે અલગ બૂથ ઉભું કરવામાં આવતું હતું. પરંતુ, આ ચૂંટણીમાં અલગ બૂથની વ્યવસ્થા ન થતા નારાજ થયેલા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ ત્યાં સુધીમાં ગામમાં એકપણ મત પડ્યો નથી. લાલપુરના પ્રાંત અધિકારી એન.ડી.ગોવાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા મદદનીશ ચૂંટણી અધિકારી ગામમાં પહોંચ્યા હતા અને ગામ લોકો મતદાન કરે તે માટે સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ઝઘડિયા સીટના કેસર ગામમાં એકપણ મત ન પડ્યો
ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભાના વાલિયા તાલુકાના કેસર ગામના ગ્રામજનોએ મતદાન જ કર્યું નથી. સવારથી એક પણ મતદારે મતદાન કર્યું નહોતું. મતદારોએ પ્રાથમિક સુવિધાના અભાવને કારણે મતદાનનો બહિષ્કાર કર્યો છે. તંત્રએ ગ્રામજનોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ગ્રામજનો માન્ય નહોતા.
હાર્દિક પટેલ અંગે બોલ્યા દિલીપ સંઘાણી-વિચારધારામાં સેટ ન થાય તો પાર્ટી સસ્પેન્ડ પણ કરે
મતદાન કર્યા બાદ પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલ અંગે જણાવ્યું કે, એક વખત વાલિયો લૂંટારો પણ વાલ્મિકી બન્યો હતો. અમારું કામ ઘડતર કરવાનું છે. ભાજપની વિચારધારામાં સેટ ન થાય તો ટકી શકે નહીં. સસ્પેન્ડ પણ કરે છે અને કાઢી પણ મૂકે છે. રાષ્ટ્રીય વિચારધારા સાથે કોઈ ભૂલ સુધારવા આવે તો અમારું સુધારવાનું તો કામ છે. રાષ્ટ્રને આવા સુધરેલા નાગરિકો આપવા છે. ભાજપની વિચારધારા સ્વીકારીને તેમને ભાજપે સભ્ય બનાવ્યા છે નહીં કે પાસના આંદોલન વિચારધારા સાથે. હાર્દિક પટેલનું ભવિષ્ય એના વ્યવહાર પર આધાર રાખે છે.
પ્રથમ તબક્કામાં ક્યાં કેટલું મતદાન
‘કોંગ્રેસ રામના અસ્તિત્વને જ સ્વીકારતી નથી, મને ગાળો દેવા રાવણ લાવી’
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા મતદાન વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી 100 માથાવાળા રાવણની ટીપ્પણી પર નરેન્દ્ર મોદીએ કાલોલમાં ચૂંટણીસભામાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને ખબર નથી આ રામભક્તોનું ગુજરાત છે. રામભક્તોની સામે એમના પાસે બોલાવડાવવામાં આવ્યું કે, તમે મોદીને 100 માથાવાળો રાવણ કહો. કોંગ્રેસ રામના અસ્તિત્વને જ સ્વીકાર કરતી નથી. અયોધ્યાના રામ મંદિરમાં પણ વિશ્વાસ નથી, એમનો તો રામસેતુ સામે પણ વાંધો. મને ગાળો બોલવા માટે રામાયણમાંથી રાવણ લઈ આવી બોલો. મને આશ્ચર્ય એ વાતનું છે કે, આટલા અપશબ્દો બોલવા છતાં કોંગ્રેસે ક્યારેય પશ્ચાતાપ પણ વ્યક્ત કર્યો નથી. કોંગ્રેસ પાર્ટી દેશના વડાપ્રધાનને નીચા દેખાડવા તેને પોતાનો અધિકાર સમજે છે. કોંગ્રેસનો ભરોસો લોકતંત્રમાં એક પરિવાર પર છે. પરિવારને ખુશ કરવા જે કંઈ કરવું પડે તે એક ફેશન થઈ ગઈ છે. કોંગ્રેસમાં તો મોદીને કોણ વધારે, મોટી અને તીખી ગાળો બોલે એની સ્પર્ધા ચાલે છે.
અંજારમાં પોલિંગ સ્ટાફ જમવા બેસી જતા મતદારોએ રાહ જોવી પડી
અંજાર શહેર ખાતેના પોલીસ સ્ટેશન પાછળ આવેલી શાળા નંબર 14ના રૂમ નંબર 2માં સખી મતદાન મથકનો મહિલા પોલિંગ સ્ટાફ કેન્દ્રના પ્રવેશદ્વાર પર ખુરશી આડી મૂકી મતદાન પ્રક્રિયા બંધ કરી જમવા બેસી જતા મતદારોને કતારમાં રાહ જોવી પડી હતી. જોકે તંત્ર દ્વારા ગંભીર બેદરકારીના કારણે લોકોમાં નારાજગી ફેલાઈ હતી.
ધોરાજીમાં ગેરકાયદે કામગીરી કરતાં બોગસ BLO ઝડપાયા
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુને માધ્યમો થકી ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં ગેરકાયદે પ્રિસાઈડિંગ ઓફિસરની કામગીરી કરતાં વ્યક્તિની માહિતી મળતાની સાથે જ ત્વરિત પગલાઓ લેવામાં આવ્યા હતા. ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં ધોરાજી મથક 169(ધોરાજી-4)માં બોગસ પ્રિસાઈડિંગ ઓફિસર કામગીરી કરી રહ્યાના સમાચાર વહેતા થયા હતા. આ સમાચાર ઉપર તાત્કાલિક કાર્યવાહી કરતાં જાણવા મળ્યું હતું કે, બોગસ પ્રિસાઈડિંગ ઓફિસર નહીં પરંતુ બુથ લેવલ ઓફિસર તેમની પત્નીની જગ્યાએ બી.એલ.ઓ ગેરકાયદેસર રીતે કામગીરી કરી રહ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને ગેરકાયદેસર બી.એલ.ઓ.ને હટાવીને નવા બી.એલ.ઓ.ને નિયુકત કરવામાં આવ્યા છે.
આપના પ્રદેશ અધ્યક્ષ અને કતારગામ સીટના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરી ભાજપ પર આક્ષેપ કર્યો છે કે, કતારગામ સીટ પર જાણી જોઇને ધીમું મતદાન કરાવવામાં આવી રહ્યું છે. ચૂંટણીપંચ ભાજપના ગુંડાઓના દબાણમાં જ કામ કરવાનું હોય તો ચૂંટણી કેમ કરાવતું હશે? પુરા પ્રદેશમાં સરેરાશ 3.5 ટકા મતદાન થયું પરંતુ કતારગામમાં માત્ર 1.41 ટકા જ મતદાન થઈ શક્યું.
કમ્મરતોડ મોંઘવારીનો મુદ્દો છવાયો
અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પાછળ ગેસનો બાટલો બાંધી મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમની બન્ને દીકરો પણ સાયકલ લઈને આવી પહોંચી હતી. જ્યારે આપના રાજકોટ દક્ષિણના ઉમેદવાર દિનેશ જોશી પણ ગેસના બાટલા અને તેલના ડબ્બા સાથે વોટિંગ કરવા આવ્યા હતા. જ્યારે એક મતદારે પણ ગેસ સિલિન્ડર સાથે મતદાન કર્યું હતું. આમ આ ચૂંટણીમાં ગેસના બાટલાના ભાવ અને મોંઘવારીનો મુદ્દો છવાયો છે.
રીબડામાં અનિરુદ્ધસિંહની પોલીસ સાથે બબાલ
રીબડામાં અનિરુદ્ધસિંહની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. અનિરુદ્ધસિંહ જાડેજાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે પ્રિસાઇડિંગ ઓફિસર જયરાજસિંહના એજન્ટ તરીકે કામ કરે છે. રીબડામાં 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને ઘરેથી મતદાન કરવાની વ્યવસ્થા નથી. ગોંડલમાં જયરાજસિંહ મતદાન મથકમાં ઇન્ટરવ્યૂ આપે છે. રીબડામાં મીડિયાને દૂર રાખવામાં આવે છે.
પાટીલ મતદાન બાદ ગાંધીનગર રવાના, અહેમદ પટેલની પુત્રીએ મતદાન કર્યું
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ મતદાન કર્યું હતું. ત્યાર બાદ તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા. ગાંધીનગરથી તેઓ સતત રાજ્યની રાજકીય સ્થિતિ અને મતદાનનો તાગ મેળવશે. અમરેલી સીટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પાછળ ગેસ-સિલિન્ડર બાંધીને મતદાન કરવા માટે પહોંચ્યા હતા. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં નારણપર ગામે મતદાન કર્યું હતું. જ્યારે એહમદ પટેલની પુત્રીએ ભરૂચના પીરામણ ગામમાં વોટિંગ કર્યું હતું.
રીવાબાએ રાજકોટમાં કેમ મતદાન કર્યું?
જામનગર ઉત્તરનાં ઉમેદવાર રીવાબાએ આજે રાજકોટ પશ્ચિમ સીટમાં આવેલી આઈપી મિશન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું, કારણ કે તેમનું રાજકોટની મતદારયાદીમાં નામ છે. જ્યારે રવીન્દ્રસિંહ જાડેજાનું નામ જામનગરની મતદાર યાદીમાં છે. રાજકોટ પશ્ચિમ સીટ પરથી 2001માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને 2017માં તત્કાલીન મુખ્યમંત્રી રૂપાણી જીત્યા હતા. જ્યારે હોટ સીટ બનેલી ગોંડલ સીટનાં ઉમેદવાર ગીતાબાના પતિ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ મતદાન કર્યું હતું. ચૂંટણીના બે દિવસ પહેલા જયરાજસિંહ અનિરુદ્ધસિંહને જાહેર સભામાં પડકાર્યા હતા અને અનેક આક્ષેપ કર્યા હતા.
વાંસદા ભાજપના ઉમેદવારને માર માર્યો
મતદાન પૂર્વે જ નવસારીની વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલી વાંસદા બેઠકના ઝરી ગામે ભાજપના ઉમેદવાર પીયૂષ પટેલ ઉપર અજાણ્યા ટોળાએ હુમલો કર્યો હતો. કોંગી ઉમેદવાર અનંત પટેલના કહેવાથી તેમના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો ભાજપના ઉમેદવારે લગાવ્યા છે. ત્યાર બાદ પીયુષ પટેલ સીધા હોસ્પિટલેથી મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા.
89 સીટ પર મતદાન, 2017માં ભાજપને 48 તો કોંગ્રેસને 38 સીટ મળી હતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે રાજકીય પક્ષો માટે ભલે નીરસ રહી હોય, પરંતુ જનતાએ તો મન બનાવી જ લીધું છે. પ્રજાનું અકળ મૌન ભાજપ, કોંગ્રેસ અને આપને બરાબરનું અકળાવી રહ્યું છે.રાજ્યની 182માંથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર સવારે 8 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પહેલા તબક્કાની 89 સીટમાંથી હાલ ભાજપ પાસે 58 અને કોંગ્રેસ પાસે 26, જ્યારે BTP પાસે 2 અને NCP પાસે એક સીટ છે. જ્યારે દ્વારકા અને વિસાવદર સીટ ખાલી પડેલી સીટ છે. આ 89 સીટમાંથી ભાજપને 48 અને કોંગ્રેસને 38 સીટ મળી હતી, જ્યારે BTPને 2 અને NCPને એક સીટ મળી હતી.
11 મંત્રી સહિત 788 ઉમેદવારો ચૂંટણીજંગમાં
પહેલા તબક્કામાં કુલ 11 મંત્રી સહિત ભાજપ, આપ અને કોંગ્રેસના 266 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. પહેલા તબક્કામાં ભાજપ-કોંગ્રેસના 89-89 જ્યારે આપના 88 અને BTPના 14 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 508 અન્ય પાર્ટી અને અપક્ષો રાજકીય રણસંગ્રામમાં ઊતર્યા છે. કુલ ઉમેદવાર 788 છે, જેમાંથી 69 મહિલાઓ પણ ચૂંટણીજંગમાં ઊતરી છે.
2.39 કરોડ મતદારો, 25,430 બૂથ
કુલ 89 સીટમાંથી 14 બેઠક આદિવાસી અને દલિત માટે અનામત છે. જ્યારે 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો છે. જેમાંથી 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરુષ મતદારો અને 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો છે. તેમજ 497 થર્ડ જેન્ડરના મતદારો છે. પહેલા તબક્કાના મતદાન માટે 25,430 બૂથ છે. જેમાંથી 15,416 બૂથ ગ્રામ્યમાં અને 9,014 બૂથ શહેરી વિસ્તારમાં છે. ઉલ્લેખનીય છે કે, 2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 સીટ અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ) અને ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું)નો સમાવેશ થાય છે.
ગોંડલઃ બે ક્ષત્રિયો વચ્ચે વર્ચસ્વનો જંગ
ગોંડલ વિધાનસભા સીટ તો ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલા જ ચર્ચામાં આવી ચૂકી છે. આ સીટ પર બે ક્ષત્રિય બાહુબલીઓ એવા જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા સામ સામે આવી ગયા છે. સૌથી પહેલા ભાજપમાંથી પોતાના પુત્ર માટે ટિકિટ લેવા જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ સામ સામે આવી ગયા હતા. પરંતુ ભાજપે જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબાને ટિકિટ આપી હતી. જેથી જયરાજસિંહનો હાથ ઉપર રહ્યો હતો. ચૂંટણી જાહેર થયા બાદ પ્રચારના અંતિમ દિવસોમાં જયરાજસિંહ તો અનિરુદ્ધસિંહ અને તેમના પિતાનું નામ લઈને ખૂબ આક્ષેપો કર્યા હતા. ત્યાર બાદ અનિરુદ્ધસિંહ તેનો જવાબ આપવા ગોંડલ સીટ પૂરતો કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો.
કુતિયાણાના કિંગ કાંધલનું શું થશે?
આ સીટ પર 2012થી સંતોકબેનના પુત્ર કાંધલ જાડેજા ચૂંટાઈ આવે છે. પરંતુ આ વખતે સ્થિતિ બદલાઈ છે. ભાજપે મેર જ્ઞાતિના અને કુતિયાણા નગરપાલિકાના 28 વર્ષથી પ્રમુખ રહેલા ઢેલીબેન ઓડેદરાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે NCPએ કાંધલને ટિકિટ ન આપતા તેમણે સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી જંગમાં ઝૂકાવ્યું છે. જ્યારે કોંગ્રેસે નાથાભાઈ ઓડેદરાને ટિકિટ આપી છે. આમ આ સીટ પર ત્રણેય મેર વચ્ચે બરાબરનો ચૂંટણી જંગ જામ્યો છે.
મોરબીઃ ઝૂલતા પુલની દુર્ઘટના કોને દઝાડશે?
30 ઓક્ટોબરે મોરબીનો ઝૂલતો પૂલ તૂટી પડતા 136 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે આ રોષને ઠારવા માટે ભાજપે વર્તમાન મંત્રી બ્રિજેશ મેરજાની ટિકિટ કાપી પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાને ટિકિટ આપી છે. આમ, ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ તો કર્યો છે, પણ ચિંતા એ છે કે જનાક્રોશનો ભોગ ના બનવું પડે. તો બીજી તરફ બ્રિજેશ મેરજા પણ ટિકિટ ન મળવાથી નારાજ ચાલી રહ્યા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. તેમાં પણ મતદાનના બે દિવસ પહેલા જ બેનર લાગ્યા હતા કે 135થી વધુ લોકો ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા પ્રથમ માસિક પૂણ્યતિથિએ મૃતકો અને ઘાયલોને ન્યાય નહીં તો ભાજપ ને મત નહીં. આ બેનર લાગતા જ ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયા ભડક્યા હતા અને કહ્યું કે,'રાવણરાજ' બંધ કરી 'રામરાજ' લાવીશું, ભાજપમાં અમુક તત્ત્વો તકવાદનો લાભ લઈ મોરબીની ડિઝાઇન ખરાબ કરે છે. આ વાતથી એટલું તો નક્કી છે કે, ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે.
ખંભાળિયાઃ ખરાખરીનો ત્રિ-પાંખીયો જંગ
આ સીટ પરથી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઇસુદાન ગઢવીએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જેને કારણે આ સીટ પર સમગ્ર ગુજરાતની નજર છે. મુસ્લિમ, આહીર, સતવારા અને ગઢવી સમાજનું પ્રભુત્વ ધરાવતી આ સીટ પર બે આહિર અને ગઢવી વચ્ચે જંગ છે. ભાજપમાંથી પૂર્વ મંત્રી મૂળુ બેરા અને કોંગ્રેસમાંથી વિક્રમ માડમ ચૂંટણી લડી રહ્યા છે.
વરાછાઃ પાટીદારો કોને બતાવશે પાવર?
પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર માનવામાં આવતી આ બેઠક પર અંદાજે દોઢ લાખ કરતાં વધારે પાટીદાર મતદારો છે. અહીં AAPએ અહીં ગબ્બરના નામથી જાણીતા PAASના કન્વીનર અલ્પેશ કથીરિયાને મેદાનમાં ઉતાર્યા છે તો ભાજપે કુમાર કાનાણીને રિપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે પ્રફુલ તોગડિયાને ટિકિટ આપી છે. ગઈ ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર છતાં કોંગ્રેસના એ વખતના ઉમેદવાર ધીરુ ગજેરા સામે કુમાર કાનાણીનો 13 હજારથી વધુ મતથી વિજય થયો હતો, પરંતુ આ વખતે અલ્પેશ કથીરિયા પોતાની જીતનો દાવો કરી રહ્યા છે તેમજ તેમની સભાને પણ ખૂબ જનસમર્થન મળી રહ્યું હોવાથી ભાજપે આ સીટ પર વધુમાં વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.
કતારગામઃ આપના પ્રદેશ પ્રમુખ મંત્રીને હરાવી શકશે?
કતારગામ બેઠક પર મંત્રી વિનુ મોરડિયાને રિપીટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ, આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પણ આ બેઠક પરથી ઝંપલાવ્યું છે. આ સીટ પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ભાજપને સીધી ટક્કર આપી રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસે યુવા ચહેરો અને કોર્પોરેશની ચૂંટણી લડનાર પ્રજાપતિ સમાજના કલ્પેશ વરિયાને ટિકિટ આપી છે. ગઈ ચૂંટણીમાં કોંગ્રેસના જિજ્ઞેશ મેવાસા સામે ભાજપના વિનુ મોરડિયાનો 79 હજારના જંગી મતથી વિજય થયો હતો, પરંતુ આ વખતે ગોપાલ ઇટાલિયાની એન્ટ્રીથી તમામ સમીકરણો પલટી ગયાં છે.
ડેડયાપાડાઃ ભાજપ-કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર ચૈતર વસાવા
ડેડિયાપાડા બેઠક પર આ વખતે બીટીપીમાં જ બે ફાંટા પડી ગયા છે. મહેશ વસાવાના નજીકના માનવામાં આવતા ચૈતર વસાવાએ બીટીપી સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડ્યું છે. જ્યારે BTPમાંથી બહાદુર વસાવાએ ચૂંટણી જંગમાં એન્ટ્રી લીધી છે. જ્યારે ભાજપે હિતેશ વસાવાને તો કોંગ્રેસે જેરમાબેન વસાવાને ચૂંટણીજંગમાં ઉતાર્યાં છે. આ બેઠક પર વર્ષ 2012 બાદ ભાજપ માટે જીત મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન છે. આવી સ્થિતિમાં આ સીટ પર ચાર પાર્ટી BTP, AAP, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચોપાંખિયો જંગ ખેલાય એવી પૂરી શક્યતા છે.
ઝઘડિયાઃ રાજકીય વારસો બચાવવાનો જંગ
છોટુ વસાવા અને તેમના દીકરા મહેશ વસાવા વચ્ચે ટિકિટ અને પાર્ટીમાં વર્ચસ્વને લઈ ચર્ચામાં આવેલી આ સીટ પર ચોપાંખિયો જંગ થશે. જેમાં છોટુ વસાવાએ અપક્ષમાંથી ચૂંટણી જંગમાં ઝૂકાવ્યું છે. જ્યારે ભાજપે રીતેશ વસાવાને તો કોંગ્રેસે ફતેહસિંહ વસાવાને ટિકિટ આપી છે. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ઉર્મિલા ભગત મેદાનમાં છે. આ સીટ પરથી છોટુ વસાવા સતત સાત ટર્મથી જીતતા આવ્યા હોઈ, એકહથ્થું આ બેઠક પર તેમનું રાજ છે. પરંતુ આ વખતે આપની એન્ટ્રીથી સમીકરણો પલટી ગયા છે.
પહેલા તબક્કામાં કોની સામે કોનો જંગ?
બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ |
રાજકોટ ઈસ્ટ | ઉદય કાનગડ | ઈન્દ્રનીલ રાજ્યગુરુ | રાહુલ ભુવા |
રાજકોટ વેસ્ટ | ડો. દર્શિતા શાહ | મનસુખ કાલરિયા | દિનેશ જોશી |
રાજકોટ સાઉથ | રમેશ ટિલાળા | હિતેશ વોરા | શિવલાલ બારસિયા |
રાજકોટ રૂરલ(SC) | ભાનુબેન બાબરિયા | સુરેશ બથવાર | વશરામ સાગઠિયા |
જસદણ | કુંવરજી બાવળિયા | ભોળા ગોહિલ | તેજસ ગાજીપરા |
ગોંડલ | ગીતાબા જાડેજા | યતીશ દેસાઈ | નિમિષાબેન ખુંટ |
જેતપુર | જયેશ રાદડિયા | દીપક વેકરીયા | રોહિત ભુવા |
ધોરાજી | ડો. મહેન્દ્ર પાડલિયા | લલિત વસોયા | વિપુલ સખિયા |
ઓલપાડ | મુકેશ પટેલ | દર્શન નાયક | ધાર્મિક માલવિયા |
માંગરોળ | ગણપત વસાવા | અનિલ ચૌધરી | સ્નેહલ વસાવા |
માંડવી (ST) | કુવરજી હળપતિ | આનંદભાઈ ચૌધરી | સાયનાબેન ગામીત |
કામરેજ | પ્રફુલ પાનસેરિયા | નિલેશ કુંભાણી | રામ ધડૂક |
સુરત ઈસ્ટ | અરવિંદ રાણા | અસલમ સાઇકલવાલા | કંચન જરીવાલા |
સુરત નોર્થ | કાંતિ બલ્લર | અશોક અધેવાડા | મહેન્દ્ર નાવડિયા |
વરાછા માર્ગ | કુમાર કાનાણી | પ્રફુલ તોગડિયા | અલ્પેશ કથીરિયા |
કરંજ | પ્રવીણ ઘોઘારી | ભારતીબેન પટેલ | મનોજ સોરઠિયા |
લિંબાયત | સંગીતા પાટીલ | ગોપાલ પાટીલ | પંકજ તાયડે |
ઉધના | મનુ પટેલ | ધનસુખ રાજપૂત | મહેન્દ્ર પાટીલ |
મજૂરા | હર્ષ સંઘવી | બળવંત જૈન | પીવીએસ શર્મા |
કતારગામ | વિનુ મોરડિયા | કલ્પેશ વરિયા | ગોપાલ ઈટાલિયા |
સુરત વેસ્ટ | પૂર્ણેશ મોદી | સંજય પટવા | મોક્ષેશ સંઘવી |
ચોર્યાસી | સંદીપ દેસાઈ | કાંતિલાલ પટેલ | પ્રકાશ કોન્ટ્રાક્ટર |
બારડોલી(SC) | ઇશ્વર પરમાર | પન્નાબેન પટેલ | રાજેન્દ્ર સોલંકી |
મહુવા (ST) | મોહન ઢોડિયા | હેમાંગીની ગરાસીયા | કુંજન પટેલ ડોડીયા |
અબડાસા | પ્રધુમ્નસિંહ જાડેજા | મામદ જંગ જત | વસંત ખેતાણી |
માંડવી | અનિરુદ્ધ દવે | રાજેન્દ્રસિંહ જાડેજા | કૈલાસ ગઢવી |
ભુજ | કેશવલાલ પટેલ | અરજણ ભુડિયા | રાજેશ પંડોરિયા |
અંજાર | ત્રિકમ છાંગા | રમેશભાઈ ડાંગર | અરજણ રબારી |
ગાંધીધામ | માલતી મહેશ્વરી | ભરત સોલંકી | બીટી મહેશ્વરી |
રાપર | વિરેન્દ્રસિંહ જાડેજા | બચુભાઈ અરેઠિયા | અંબા પટેલ |
દસાડા(SC) | પરષોત્તમ પરમાર | નૌશાદ સોલંકી | અરવિંદ સોલંકી |
લીંબડી | કિરીટસિંહ રાણા | કુ.કલ્પના મકવાણા | મયૂર સાકરિયા |
વઢવાણ | જગદિશ મકવાણા | તરુણ ગઢવી | હિતેશ પટેલ |
ચોટીલા | શામજી ચૌહાણ | રૂત્વિક મકવાણા | રાજુભાઈ કરપડા |
ધ્રાંગધ્રા | પ્રકાશ વરમોરા | છત્રસિંહ ગુંજરીયા | વાગજી પટેલ |
મોરબી | કાંતિ અમૃતિયા | જયંતી પટેલ | પંકજ રાણસરિયા |
ટંકારા | દુર્લભજી દેથરિયા | લલિત કગથરા | સંજય ભટાસણા |
વાંકાનેર | જિતુ સોમાણી | મહમ્મદ જાવેદ પીરઝાદા | વિક્રમ સોરાણી |
કાલાવડ(SC) | મેઘજી ચાવડા | પ્રવિણ મુછડીયા | ડો. જિગ્નેશ સોલંકી |
જામનગર રૂરલ | રાઘવજી પટેલ | જીવણ કુંભારવાડિયા | પ્રકાશ દોંગા |
જામનગર નોર્થ | રીવાબા જાડેજા | બિપેન્દ્રસિંહ જાડેજા | કરશનભાઈ કરમુર |
જામનગર સાઉથ | દિવ્યેશ અકબરી | મનોજ કથીરિયા | વિશાલ ત્યાગી |
જામજોધપુર | ચિમન સાપરિયા | ચિરાગ કાલરીયા | હેમંત ખવા |
ખંભાળિયા | મુળુભાઈ બેરા | વિક્રમ માડમ | ઈસુદાન ગઢવી |
દ્વારકા | પબુભા માણેક | મુળુભાઈ કંડોરીયા | લખમણ નકુમ |
પોરબંદર | બાબુ બોખીરીયા | અર્જૂન મોઢવાડિયા | જીવણ જુંગી |
કુતિયાણા | ઢેલીબેન ઓડેદારા | નાથાભાઈ ઓડેદરા | ભીમા મકવાણા |
માણાવદર | જવાહર ચાવડા | અરવિંદ લાડાણી | કરશનબાપુ ભદ્રકા |
જૂનાગઢ | સંજય કોરડીયા | ભીખાભાઈ જોશી | ચેતનભાઈ ગજેરા |
વિસાવદર | હર્ષદ રીબડિયા | કરસનભાઈ વાડોદરિયા | ભુપતભાઈ ભાયાણી |
કેશોદ | દેવાભાઈ માલમ | હીરાભાઈ જોટાવા | રામજીભાઈ ચુડાસમા |
માંગરોળ | ભગવાનજી કરગઠિયા | બાબુભાઈ વાજા | પીયૂષ પરમાર |
સોમનાથ | માનસિંહ પરમાર | વિમલ ચુડાસમા | જગમાલ વાળા |
તાલાલા | ભગવાનભાઈ બારડ | માનસિંહ ડોડિયા | દેવેન્દ્ર સોલંકી |
કોડીનાર(SC) | ડો. પ્રધુમન વાજા | મહેશ મકવાણા | વેલજીભાઈ મકવાણા |
ઉના | કાળુ રાઠોડ | પૂંજા વંશ | સેજલબેન ખૂંટ |
ધારી | જે.વી કાકડીયા | ડૉ. કીર્તી બોરીસાગર | કાંતિ સતાસિયા |
અમરેલી | કૌશિક વેકરીયા | પરેશ ધાનાણી | રવિ ધાનાણી |
લાઠી | જનક તળાવિયા | વિરજી ઠુમ્મર | જયસુખ દેત્રોજા |
સાવરકુંડલા | મહેશ કસવાલા | પ્રતાપ દુધાત | ભરત નાકરાણી |
રાજુલા | હિરા સોલંકી | અંબરીશ ડેર | ભરત બલદાણીયા |
મહુવા- | શિવા ગોહિલ | કનુ કલસરીયા | અશોક જાળિયા |
તળાજા | ગૌતમ ચૌહાણ | કનુભાઈ બારૈયા | લાલુબેન ચૌહાણ |
ગારિયાધાર | કેશુ નાકરાણી | દિવ્યેશ ચાવડા | સુધીર વાઘાણી |
પાલિતાણા | ભીખા બારૈયા | પ્રવીણભાઈ રાઠોડ | ડો. ઝેડ પી ખેની |
ભાવનગર રૂરલ | પુરષોત્તમ સોલંકી | રેવતસિંહ ગોહિલ | ખુમાનસિંહ ગોહિલ |
ભાવનગર ઈસ્ટ | સેજલબેન પંડ્યા | બળદેવ સોલંકી | હમીર રાઠોડ |
ભાવનગર વેસ્ટ | જીતુ વાઘાણી | કિશોરસિંહ ગોહિલ | રાજુ સોલંકી |
ગઢડા(SC) | શંભુનાથ ટુંડિયા | જગદીશ ચાવડા | રમેશ પરમાર |
બોટાદ | ઘનશ્યામ વિરાણી | મનહર પટેલ | ઉમેશ મકવાણા |
નાંદોદ (ST) | ડો. દર્શના દેશમુખ | હરેશ વસાવા | પ્રફુલ વસાવા |
ડેડિયાપાડા (ST) | હિતેષ વસાવા | જેરમાબેન વસાવા | ચૈતર વસાવા |
જંબુસર | ડી.કે. સ્વામી | સંજય સોલંકી | સાજિદ રહેમાન |
વાગરા | અરુણસિંહ રાણા | સુલેમાન પટેલ | જયરાજસિંહ |
ઝઘડિયા(ST) | રિતેશ વસાવા | ફતેહસિંહ વસાવા | ઊર્મિલા ભગત |
ભરૂચ | રમેશ મિસ્ત્રી | જયસુખ પટેલ | મનહર પરમાર |
અંકલેશ્વર | ઇશ્વર પટેલ | વિજયસિંહ પટેલ | અંકુર પટેલ |
વ્યારા (ST) | મોહન કોંકણી | પૂનાભાઈ ગામિત | બિપિન ચૌધરી |
નિઝર (ST) | જયરામ ગામિત | સુનિલભાઈ ગામિત | અરવિંદ ગામીત |
ડાંગ (ST) | વિજય પટેલ | મુકેશ પટેલ | સુનિલ ગામીત |
જલાલપોર | રમેશ પટેલ | રણજીત પંચાલ | પ્રદીપકુમાર મિશ્રા |
નવસારી | રાકેશ દેસાઈ | દિપક બારોથ | ઉપેશ પટેલ |
ગણદેવી(ST) | નરેશ પટેલ | અશોક પટેલ | પંકજ એલ પટેલ |
વાંસદા(ST) | પીયૂષ પટેલ | અનંતકુમાર પટેલ | પંકજ પટેલ |
ધરમપુર(ST) | અરવિંદ પટેલ | કિશન પટેલ | કમલેશ પટેલ |
વલસાડ | ભરત પટેલ | કમલકુમાર પટેલ | રાજુ મર્ચા |
પારડી | કનુ દેસાઇ | જયશ્રી પટેલ | કેતન પટેલ |
કપરાડા(ST) | જીતુભાઇ ચૌધરી | વસંત પટેલ | જયેન્દ્ર ગાવિત |
ઉમરગામ(ST) | રમણલાલ પાટકર | નરેશ વાલવી | અશોક પટેલ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.