ગુજરાતના ફરાળી ધારાસભ્ય, VIDEO:20 વર્ષથી અનાજનો દાણો મોઢામાં નાખ્યો નથી, 68 વર્ષેય એટલા જ ફિટ, હીરોની જેમ સભામાં એન્ટ્રી મારે

દિયોદર, બનાસકાંઠા3 દિવસ પહેલાલેખક: મૌલિક ઉપાધ્યાય
  • કૉપી લિંક

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગતાં જ અનેક ઉમેદવારો જીતવા માટે કમરતોડ મહેનત કરી રહ્યા છે. બનાસકાંઠાના દિયોદરમાં કોંગ્રેસના ઉમેદવાર અને સિટિંગ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા 68 વર્ષે પણ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરે છે. શિવાભાઈ ભૂરિયા અન્ય ધારાસભ્યોની સરખામણીએ અનોખા કહી શકાય તેવા ધારાસભ્ય છે. છેલ્લા વીસ વર્ષથી અનાજ ખાવાનું છોડી દીધા બાદ તેઓ આજે આખા પંથકમાં ફરાળી ધારાસભ્ય તરીકે પણ ઓળખાય છે. શિવાભાઈએ 2003ના વર્ષથી અનાજ ખાવાનું બંધ કર્યું છે. ચૂંટણી પ્રચાર માટેની દોડધામ વચ્ચે પણ તેઓ તેમના નિયમ માટે અડગ રહે છે. અનાજ નહીં ખાવા છતાં પણ તેમની તંદુરસ્તી ભલભલા યુવાનોને પણ શરમાવે તેવી છે. દિવ્ય ભાસ્કરની ટીમ દિયોદર ખાતે પહોંચી ને તેમની પાસેથી અનાજ નહીં ખાવા વિશે રસપ્રદ વાતો જાણી.

અનાજ નહીં ખાવા પાછળનું કારણ શું છે?
શિવાભાઈ ભૂરિયાએ જણાવ્યું છે, વર્ષ 2003માં તેમણે માત્ર 2 મહિના માટે અનાજ નહીં ખાવાની ટેક લીધી હતી. જો કે, બે મહિના બાદ પણ કોઈ જ પ્રકારની અશક્તિ ન વર્તાતાં તેમણે નક્કી કર્યું કે અનાજનો દાણો પણ નહીં ખાય. બાળપણથી ધાર્મિક સ્વભાવ ધરાવનાર શિવાભાઈએ ક્યાંક વાંચ્યું પણ હતું કે ઋષિ મુનિઓ પણ 12 વર્ષ સુધી અન્નનો ત્યાગ કરીને તપ કરતા હતા. આ વાત પણ તેમને તાજી થતાં જ તેમણે અન્ન નહીં ખાવાનો મક્કમ નિર્ધાર કરી લીધો હતો. તેમના આશ્ચર્ય વચ્ચે અનાજ છોડ્યા બાદ પણ નહોતું વજન ઘટ્યું કે નહોતી કમજોરી આવી. ને આજથી વીસ વર્ષ પહેલાં લીધેલો સંકલ્ય આજે પણ જાળવી રાખ્યો છે.

અનાજની જગ્યાએ કયો અને કેવો આહાર લે?
શિવાભાઈ ભુરિયા ઘઉં, બાજરી, મકાઈ સહિત કોઈ પણ જાતનાં અનાજ ખાતાં નથી. આ બધાની જગ્યાએ દૂધ ,મોરૈયો, ફ્રુટ કે ફરાળી વસ્તુ જ ખાય છે. આ આહારના કારણે 68 વર્ષની ઉંમરે તેવો યુવાનને પણ ટક્કર મારે તેવી સ્ફૂર્તિ ધરાવે છે. એટલું નહિ પણ સવારે મોરૈયો અને દૂધ ખાઈને દરરોજ 200 કિલોમીટર પ્રચાર માટે તેમના મતવિસ્તાર ફરે છે. શિવાભાઈ જ્યારે પ્રચારમાંથી સાંજે ઘરે આવે ત્યારે પણ તેમને સહેજેય થાકનો અનુભવ થતો નથી. જેવી તેમની તાજગીસભર સવાર હોય છે કે તેવી જ તેમની સાંજ હોય છે.

શિવાભાઈ ભુરિયાની રાજકીય કારકિર્દી
બનાસકાંઠાના દિયોદર તાલુકાના વાતમજોના ગામમાં જન્મેલા શિવાભાઈ માત્ર એક ચોપડી જ પાસ છે. તેમ છતાં તેમની કોઠાસૂઝથી ચૂંટણી સભામાં કડકડાટ ભાષણો આપે છે. એટલં જ નહીં દિયોદરની જનતાનો અવાજ બનીને વિધાનસભામાં પણ બેધડક પ્રશ્નો રજૂ કરે છે. શિવાભાઈ આંજણા કેળવણી મંડળના પ્રમુખ પણ છે. ગત વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો તેમણે માત્ર 972 મતથી ભાજપના ઉમેદવાર સાથે જીત મેળવી હતી.

દિયોદર વિધાનસભા સીટનું રાજકીય ગણિત
દિયોદર વિધાનસભા બેઠક પર અંદાજીત 2 લાખ 53 હજાર 162 જેટલા મતદારો છે. દિયોદર વિધાનસભા બેઠક પર 1998થી ભાજપનો દબદબો છે. ઠાકોર સેના અને પાટીદાર અનામત આંદોલનની અસર 2017ની ચૂંટણીમાં દેખાઈ હતી. વિસ્તારમાં સિંચાઈ, પીવાનું પાણી, રોડ રસ્તા સહિતના પ્રશ્નો અહીંયા વર્ષોથી જેમના તેમ છે. ત્યારે 2022 મા કોંગ્રેસ માંથી ફરી શિવાભાઈ ભુરિયા તો ભાજપ માંથી કેશાજી ચૌહાણ ચૂંટણી લડી રહયા છે. ત્યારે 2022 તેમને 10 હજારથી વધારે મતથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...