ભાસ્કર ઇનડેપ્થઆ છે ભાજપનું 22 ઉમેદવાર જાહેર ન કરવા પાછળનું રહસ્ય:કોંગ્રેસ-AAPને ગોથે ચડાવ્યા કે પછી આંતરિક જૂથબંધી?, જાણો કઈ સીટ પર ક્યાં અટવાયો ભાજપનો પેચ

ગાંધીનગર18 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ હાલ રાજ્યભરમાં રાજકીય માહોલ ગરમ છે. 9 નવેમ્બરની રાત્રે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પ્રદેશ પ્રમુખ પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રી પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોએ રાતભર ઉમેદવારો અંગે મનોમંથન કર્યું હતું. ત્યાર બાદ 10 નવેમ્બરની સવારે ભાજપે 160 ઉમેદવારની યાદી જાહેર કરી હતી. ભાજપે પહેલી વખત આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોનાં નામની જાહેરાત એકસાથે કરી દીધી હતી. એકસાથે જ 160 ઉમેદવારનાં નામ જાહેર કરવામાં આવતાં વિપક્ષ પણ ડઘાઈ ગયો છે અને વિશ્લેષણ કરવા લાગ્યો છે. જોકે નવાઈની વાત તો એ છે કે ભાજપે પોતાના હુકમનાં પત્તાં 22 બેઠક માટે હજુ સુધી ના ખોલીને સસ્પેન્સ ઊભું કર્યું છે. ભાજપે આ 22 સીટ પર રણનીતિના ભાગરૂપે જ ઉમેદવાર જાહેર કર્યા નથી.

આ 4 બેઠક પર શાહની ચાંપતી નજર
ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠક પૈકી ચાર બેઠક એવી છે, જે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવે છે. ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સીધી જ નજર આ બેઠક પર રહેલી છે. જાણવા મળતી માહિતી મુજબ, શાહના ગઢમાં આવતી એકપણ બેઠક પર હારનો સામનો ના કરવો પડે એ પ્રકારની રણનીતિ ઘડી અને ઉમેદવાર જાહેર કરવા માટે ચર્ચા ચાલી રહી છે. ગાંધીનગર લોકસભામાં આવતી ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, કલોલ અને માણસા જેવી વિધાનસભા બેઠક ઉપર હજુ પણ દાવેદારોનાં નામ પર ચર્ચા થઈ રહી છે. ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. તો બીજી તરફ સ્થાનિક ભાજપના આગેવાનોએ ઉમેદવાર સ્થાનિક હોય એવી માગ શરૂ કરી છે, ત્યારે સાંસદના મતવિસ્તારમાં કોઈપણ પ્રકારનું ગાબડું ન પડે અને જીતે તેવા જ ઉમેદવારને ટિકિટ આપવાની ચર્ચા થઈ રહી છે.

ભાવનગર પૂર્વ બેઠકમાં નવાં મહિલા ઉમેદવાર આવશે?
ભાવનગર પૂર્વ બેઠક પર પૂર્વ શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે ધારાસભ્ય તરીકે કાર્યરત છે, પરંતુ ભાવનગરમાં વિભાવરીબેન દવેનું પત્તું કપાય એવી પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવા સંજોગોમાં તેમના સ્થાને અન્ય કયા નવા ચહેરાને સ્થાન આપી શકાય એને લઈને ચર્ચાનો દૌર ચાલી રહ્યો છે. વિભાવરીબેન દવેના સ્થાને અન્ય મહિલાને અથવા તો એવા કયા ઉમેદવારને ટિકિટ આપી શકાય, જેનાથી ભાજપ જીતી શકે એ મુદ્દે હાલ પક્ષમાં મંથન ચાલી રહ્યું છે.

ઝંખના પટેલ સામે સંદીપ દેસાઈ બાજી મારશે?
આ ઉપરાંત વિધાનસભાની ચોર્યાસી બેઠક પર નિર્વિવાદિત એવાં ઝંખના પટેલ છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય તરીકે કાર્યરત છે. આ બેઠક પર જિલ્લા ભાજપ-પ્રમુખ સંદીપ દેસાઈએ દાવેદારી નોંધાવી છે, ત્યારે સંદીપ દેસાઈના સમર્થકો દ્વારા પણ પોતાના ઉમેદવારને ટિકિટ મળે એવી માગ વારંવાર કરવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં સ્થાનિક આગેવાનોએ જ તેમની સામે બળવો પોકારી વિરોધ શરૂ કર્યો છે. બેઠક પર પણ ઝંખનાબેન પટેલનો વિરોધ પણ ભૂતકાળમાં જોવા મળ્યો હતો ત્યારે આ બેઠક પર પણ નામ જાહેર કરવામાં આવ્યાં નથી.

કુતિયાણા બેઠક જીતી લેવા નવી જ સોગઠી ફેંકી શકે
પોરબંદરની કુતિયાણા બેઠક પર છેલ્લી બે ટર્મથી NCPની સત્તા છે. કોંગ્રેસ સાથે NCP ગઠબંધન કરે છે. જોકે રાજ્યસભા અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુતિયાણાનાં ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપતરફી મતદાન કર્યું હતું. ત્યારથી જ કોંગ્રેસ અને NCP વચ્ચે તિરાડ પડી ગઈ છે. બીજી તરફ આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCPનું સત્તાવાર ગઠબંધન હજુ સુધી થયું નથી તેમજ કોંગ્રેસે કુતિયાણામાં ઉમેદવારની જાહેરાત પણ કરી દીધી છે ત્યારે આ બેઠક પર કાંધલ જાડેજાને ભાજપ ઓપરેશન કરીને પણ ટિકિટ આપી શકે એવી શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં હજુ પણ ભાજપ હાવી થઈ શક્યો નથી
ગુજરાતમાં ભાજપ ભલે મજબૂત ગણાતો હોય, પરંતુ ઉત્તર ગુજરાતમાં તો હજુ પણ કોંગ્રેસનો જ દબદબો યથાવત્ છે. ભાજપ પાસે ઉત્તર ગુજરાતમાં વિવિધ સમાજના 18 ચહેરા હોવા છતાં ભાજપ કોંગ્રેસને પછડાટ આપી શકતો નથી. ઉત્તર ગુજરાતની 32 જેટલી બેઠકો પર હંમેશાં કોંગ્રેસનો હાથ ભારે રહ્યો છે અને ભાજપ પાસે અમુક ગણતરીની જ બેઠકો આવે છે, ત્યારે ઉત્તર ગુજરાતની બેઠકોમાં કુલ ખેરાલુ, પાટણ, રાધનપુર, હિંમતનગર જેવી બેઠક પર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. માનવમાં આવે છે કે જ્ઞાતિ સમીકરણોને આધારે તમામ ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે.

વડાપ્રધાન મોદી સાથે મંત્રી અર્જુનસિંહ ચૌહાણ.
વડાપ્રધાન મોદી સાથે મંત્રી અર્જુનસિંહ ચૌહાણ.

વર્તમાન મંત્રીના નામ પર લટકતી તલવાર
ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. અર્જુનસિંહ ચૌહાણ પર એક મહિલાએ દુષ્કર્મનો આક્ષેપ પણ લગાવ્યો છે. આ મુદ્દાને લઈને મહેમદાવાદનું રાજકારણ પણ ગરમાયું છે. બીજી તરફ, સ્થાનિક સૂત્રોની વાત માનીએ તો નડિયાદ ધારાસભ્ય પંકજ દેસાઈ અને ખેડા જિલ્લા પ્રમુખ તથા કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ વચ્ચે મતભેદો પણ ચરમસીમા પર પહોંચ્યા છે. આંતરિક જૂથબંધી ખેડા જિલ્લામાં વધતી જઈ રહી છે, ત્યારે ભાજપ આ બેઠક ગુમાવવા ન માગતો હોય તેમ લાગે છે અને આ જ કારણસર મહેમદાવાદ બેઠક માટે ઉમેદવારના નામની હજુ ચર્ચાવિચારણા હેઠળ હોય એમ લાગે છે.

આ ધારાસભ્યના રાજીનામાની છે રાહ
મધ્ય ગુજરાતમાં કોંગ્રેસની પરંપરાગત માનવામાં આવતી પેટલાદ બેઠક પર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય નિરંજન પટેલના સ્થાને આ વખતે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ઉમેદવારી કરે એમ મીડિયા અહેવાલને આધારે માહિતી મળી રહી છે, ત્યારે નિરંજન પટેલની પણ આંતરિક નારાજગી હોવાના કારણે તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ સાથે જોડાય એવી ચર્ચા છે. આમ, કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલના રાજીનામાની ભાજપ રાહ જોઈ રહી હોઈ શકે છે ત્યારે જો નિરંજન પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય, ત્યાર બાદ પેટલાદ બેઠકના ઉમેદવારનું નામ જાહેર થઈ શકે છે.

ખંભાળિયામાંથી વિક્રમ માડમ સામે પૂનમ માડમને ઉતારાશે?
ખંભાળિયામાંથી વિક્રમ માડમ સામે પૂનમ માડમને ઉતારાશે?

ખંભાળિયા સીટને લઈ ભાજપમાં કંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચા
જ્યારે દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા અને રાજકોટ જિલ્લાની ધોરાજી સીટના ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા નથી. ખંભાળિયા બેઠક પર ઉમેદવાર ન જાહેર કરવાને લઈ રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. આહીરોનું વર્ચસ્વ ધરાવતી આ સીટ પર હાલ કોંગ્રેસના વિક્રમ માડમ સીટિંગ MLA છે, પરંતુ આ બેઠક પર ખંભાળિયાના પીપળિયા ગામના વતની અને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીપદનો ચહેરો એવા ઈસુદાન ગઢવી પણ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે, જેને પગલે ભાજપ તેલ જુઓ અને તેલની ધાર જુઓની નીતિથી ચાલી રહ્યો છે. જો આ સીટ પર ઇસુદાન ગઢવી એન્ટ્રી મારે તો આખી સીટનાં સમીકરણો પલટાઈ જશે અને ઇસુદાન તથા વિક્રમ માડમનો સામનો કરી શકે એવા મજબૂત ઉમેદવાર પર પસંદગી ઉતારવાની વેતરણમાં છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, ઇસુદાન ઉમેદવારી કરે તો ભાજપ હાલના જામનગરનાં સાંસદ પૂનમબેન માડમને પણ ટિકિટ આપે એવી શક્યતા છે.

કડવા-લેઉવા પાટીદારોની ટિકિટની લડાઈમાં અટવાઈ ઉમેદવારની પસંદગી
જ્યારે ધોરાજી-ઉપલેટા સીટની વાત કરીએ તો આ સીટ પર 2017માં ભાજપે કડવા પાટીદાર એવા હરિભાઈ પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા, પરંતુ તેમની સામે કોંગ્રેસના લેઉવા પાટીદાર એવા લલિત વસોયાની જીત થઈ હતી. આ સીટના ઉમેદવાર બાબતે કડવા અને લેઉવા પાટીદારમાંથી કોને ઉતારવા એ અંગે અસમંજસ ચાલી રહી છે, જેથી ભાજપે આ સીટના ઉમેદવાર પણ જાહેર કર્યા નથી.

ખેરાલુ સીટ પર પણ નવાજૂની થવાનાં એંધાણ
ખેરાલુમાં હાલ ભાજપના અજમલજી ઠાકોર સીટિંગ MLA છે. આ બેઠક પર ઠોકર સમાજનું સૌથી વધુ પ્રભુત્વ છે. અંદાજે 65000 કરતાં વધુ ઠાકોર સમાજના મતદારો કોની તરફ ઝૂકે એ બાબતે ભાજપ મનોમંથન કરી રહ્યો છે. અજમલજી ઠાકોરે પણ આ બેઠક માટે દાવેદારી નોંધાવી છે. તેમ છતાં પણ તેમના નામની જાહેરાત ન કરવામાં આવતાં આ સીટ પર કંઈક નવાજૂની થવાનાં એંધાણ છે.

આંતરિક જૂથબંધી ?, રણનીતિ કે આપનો પ્રભાવ?
ભાજપ દ્વારા 22 બેઠકમાં ઉમેદવારોનાં નામ જાહેર ના કરી અસમંજસભરી સ્થિતિ ઊભી કરી છે, ત્યારે 22 પૈકીની અનેક બેઠક એવી બેઠક છે, જ્યાં આંતરિક જૂથબંધી પણ અસર કરી રહી છે. તો બીજી તરફ એવી પણ બેઠકોનો સમાવેશ છે, જ્યાં ભાજપ સરળતાથી જીત મેળવી શકે એમ છે, પરંતુ હરીફ ઉમેદવારના નામ જાહેર થાય તેના નામની જાહેરાત થાય તેની રાહ જોવાઈ રહી હોય એમ લાગે છે. બીજી તરફ આમ આદમી પાર્ટીનો સૌરાષ્ટ્ર અને સુરત વિસ્તારમાં વધતા પ્રભાવ વચ્ચે સૌરાષ્ટ્ર વિસ્તારની પણ કેટલીક બેઠકો પર ભાજપે ઉમેદવાર જાહેર નથી કર્યા ત્યારે આમ આદમી પાર્ટીનો પ્રભાવની અસર હોય એમ લાગે છે.

ભાજપે એકસાથે 160 ઉમેદવારની યાદી જાહેર કરી છે, જેમાં 14 મહિલા છે અને મોટા ભાગે યુવા નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ઉમેદવારોની પસંદગીની વાત કરવામાં આવે તો જે શ્રેષ્ઠ કાર્યકર્તા અને જીતી શકે એવા લોકો પર જ પસંદગી ઉતારવામાં આવી છે. આ ઉપરાંત હજુ જે 22 બેઠક પર ઉમેદવાર જાહેર થયા નથી, એ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, એમ ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં જૂનાજોગીઓ ઘરભેગા, નવા ચહેરાને સ્થાન
ગુજરાતમાં રાજકારણની પાઠશાળા ગણાતા સૌરાષ્ટ્રમાં ભાજપે મોટા ભાગના નવા ચહેરા જાહેર કરીને તમામ સમીકરણો બદલી નાખ્યાં છે. ભાજપે વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા જૂના જોગીઓને ઘરે બેસાડી દીધા છે. રાજકોટમાં તો ચારેય સીટ પર નવા ચહેરા જાહેર કરી ભાજપે આંતરિક જૂથવાદને ખાળવાનો મોટો પ્રયાસ કર્યો છે. આમાં ઉદય કાનગડ (રાજકોટ પૂર્વ), ડો. દર્શિતા શાહ (રાજકોટ પશ્ચિમ) તથા રમેશ ટીલાળાનો (રાજકોટ દક્ષિણ) સમાવેશ થાય છે, જ્યારે રાજકોટ ગ્રામ્યમાં ભાનુબેન બાબરિયાને આ વખતે સાચવી લેતા ટિકિટ આપી છે. જામનગરમાં રીવાબા જેવા યંગ ચહેરાને લાવી ભાજપે પૂનમ માડમને પણ સાચવી લીધાં છે.

દક્ષિણ ગુજરાતમાં ભાજપનો જીતનો મંત્ર, 'રિપીટ'
દક્ષિણ ગુજરાતમાં ભાજપે મોટા ભાગની સીટો પર રિપીટની થિયરી અપનાવી છે. સુરતની 11 બેઠક જાહેર થઈ છે, જેમાં ઉધનાને બાદ કરતાં તમામ 10 બેઠક પર ગત વખતના ઉમેદવારોને રિપીટ કરાયા છે. હવે આ રિપીટ થિયરીને કારણે પાટીદાર મતવિસ્તારોમાં ભાજપને કેટલો લાભ થશે તેના પર બધાની નજર છે. વલસાડ જિલ્લાની તમામ પાંચ બેઠક પર રિપીટ કરાયા છે. જ્યારે નવસારી જિલ્લામાં બેને રિપીટ કર્યા છે અને બે નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં બે બેઠક પર નવા ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે.

સુરત સિટીમાં AAP સામે જોખમ લેવાનું ટાળ્યું
સુરતમાં પાટીદાર અનામત આંદોલનના ચહેરાઓ મેદાનમાં ઊતર્યા અને આમ આદમી પાર્ટી (APP) સક્રિય હતી. આ જોતાં કુમાર કાનાણી સહિતના પાટીદાર નેતાઓની ટિકિટ કાપવાનું જોખમ ભાજપે ના લીધું, કારણ કે કુમાર કાનાણી જેવા નેતા જ અલ્પેશ કથીરિયાની ટીમને ટક્કર આપી શકે તેમ છે. આ રીતે જ સુરતની અન્ય બેઠકો પર પ્રવીણભાઇ ઘોઘારી, સંગીતા પાટીલ, હર્ષ સંઘવી, વિનોદ મોરડિયા, પુર્ણેશ મોદીને જાળવી રાખવામાં આવ્યા છે.

મધ્ય ગુજરાતમાં ઘણાં મોટાં માથાં કપાયાં, ઘણાં બચ્યાં
વડોદરા શહેરની બેઠક પર મંત્રી મનીષા વકીલ સામે સ્થાનિક કાર્યકરોનો પ્રચંડ વિરોધ હતો છતાં રિપીટ કરાયા, જ્યારે રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તું રાવપુરામાંથી કપાઈ ગયું. આ રીતે જ સાવલીમાંથી કેતન ઈનામદારને રિપીટ કર્યા તો વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ ગઈ. કરજણમાં કોંગ્રેસી ગોત્રના અક્ષય પટેલને પક્ષપલટો કરવાના ઈનામરૂપે ટિકિટ અપાઈ છે. મધુ શ્રીવાસ્તવ અને રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કપાઈ એ સહુ કોઈ માટે આશ્ચર્યજનક ઘટના હતી. અકોટા બેઠક પર સીમા મોહિલેની ટિકિટ કાપીને જૂના સંઘી સ્વ. મકરંદ દેસાઈના પુત્ર ચૈતન્ય દેસાઈને ટિકિટ અપાઈ છે.

આદિવાસી પટ્ટામાં ભાજપે સેફ ગેમ રમી
વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં પણ ભાજપે કોઈ જોખમ લેવાનું ટાળ્યું છે અને રિપીટ કર્યા છે. વલસાડ બેઠક પર ગત ચૂંટણીમાં સારાએવા માર્જિનથી જીત્યા હોવાને કારણે અરવિંદ પટેલ, કનુ દેસાઈ અને ભરત પટેલને જારી રખાયા છે. તાપી જિલ્લામાં બે નવા ચેહરા ઉતારવામાં આવ્યા છે. વ્યારા તેમજ નિઝર વિધાનસભા બેઠક પરથી નવા ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે. જોકે આ ઉમેદવારોની સ્થાનિક સ્તરે પકડ સારી હોવાને કારણે ભાજપને લાભ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...