વિધાનસભાની ચૂંટણીમાં સુરત રાજકીય રીતે સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે. સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે ઊભરીને આવી ત્યારથી સુરત તેનું કેન્દ્ર બની રહ્યું હતું. જે સુરતીઓએ આમ આદમી પાર્ટીને કોર્પોરેશનમાં પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો ઉપર ભવ્ય વિજય અપાવી ભાજપના કોર્પોરેશનના ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ કરી દીધી હતી. તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વિધાનસભાની ચૂંટણીમાં ઘરભેગા કરી દીધા છે. આપ અને પાસ બંને સાથે મળીને પણ ભારતીય જનતા પાર્ટીને હરાવી શક્યા નહીં. તેની પાછળ ખરેખર કયાં કયાં ફેક્ટર કામ કરી ગયાં? તે અંગે આ ખાસ અહેવાલમાં જણાવી રહ્યા છીએ.
કોર્પોરેશનની ચૂંટણીમાં મળેલી જીતે ઓવરકોન્ફિડન્સમાં લાવી દીધા?
વિધાનસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીનો સુરતમાં જબરજસ્ત પ્રચાર ચાલી રહ્યો હતો, તેમાં પાસ દ્વારા વિધિવત્ રીતે આપમાં એન્ટ્રી થતાં વધુ મજબૂતાઈથી લડવાની શરૂઆત થઈ. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જેવા પાસના મુખ્ય ચહેરાઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર બન્યા. જેને કારણે પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો ઉપર આપ તરફનો માહોલ ઊભો થઈ ગયો હોય તેવું ચિત્ર દેખાયું હતું. આવું માનવા પાછળનું કારણે એ હતું કે કોર્પોરેશનની ચૂંટણીમાં લોકોએ આમ આદમી પાર્ટીને ખૂબ મતો આપ્યા હતા અને 27 કોર્પોરેટરો ચૂંટી કાઢ્યા હતા. પરિણામે વિધાનસભાની ચૂંટણીમાં પણ મતદારો આમ આદમી પાર્ટીને વિજયી બનાવે તેવી શક્યતા દેખાતી હતી. પરંતુ આ તમામ અટકળોને સુરતીઓએ ખોટી પુરવાર કરી દીધી છે. પાટીદાર પ્રભુત્વવાળી 6 બેઠકો પૈકી એકપણ બેઠક ઉપર આપનો ઉમેદવાર જીતી શક્યો નથી, જે બતાવે છે કે ભાજપના સંગઠનની સામે આપ અને પાસ બંને નબળા પુરવાર થયા છે.
કથીરિયા સિવાયના તમામ ઉમેદવારો ઝાડુના સહારે રહ્યા
આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો પરાજય થતા આપના અન્ય ઉમેદવારોની સ્થિતિ સમજી શકાય છે. એકમાત્ર અલ્પેશ કથીરિયા એવો ચહેરો હતો કે જે ગોપાલ ઇટાલિયાની માફક ભાજપ સામે લડી શકે. આ સિવાયના તમામ ઉમેદવારો તો માત્ર ઝાડુના સહારે ચૂંટણી લડવા નીકળ્યા હતા. ઝાડુને લોકો મત આપશે એવું વિચારીને ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. ગોપાલ ઇટાલિયાએ કતારગામ બેઠક ઉપરથી વિનુ મોરડિયા સામે ઉમેદવારી નોંધાવી હતી. ગોપાલ ઇટાલિયા દ્વારા ખૂબ જ સારો અને લોકોની નજરમાં આવે એવો ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો. સભાઓ પણ ખૂબ ગજવી અને લોકો પણ ખૂબ ભેગા કર્યા. પરંતુ મતમાં ફેરવી શક્યા નહીં.
જૂનાં નિવેદનો મામલે સાધુ-સંતો પણ ઇટાલિયાને હરાવવા મેદાનમાં ઊતર્યા?
ગોપાલ ઇટાલિયાને સૌથી વધુ નડતરરૂપ જો કોઈ બાબત રહી હોય તો તે સાધુ-સંતો અને કથાકારોને લઈને આપેલાં નિવેદનો હતાં. કતારગામ બેઠક ઉપર તેમની હાર માટે જવાબદાર કારણ પૈકીનું આ મુખ્ય કારણ છે. ભાજપે પહેલાંથી જ તેમને ધર્મવિરોધી અને હિન્દુવિરોધી ચહેરા તરીકે ચીતરી દીધા છે. બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ બેઠક પસંદ કરવામાં પણ ભૂલ કરી. કતારગામ બેઠક પર ધાર્મિક સંપ્રદાયોનો ખૂબ મોટો પ્રભાવ છે, જે સુરતની અન્ય કોઈ બેઠક ઉપર દેખાતો નથી. કતારગામ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં સ્વામિનારાયણ મંદિરો આવેલાં છે, તેમજ અન્ય દેવસ્થાનો પણ છે આ વિસ્તારમાં ધાર્મિક વાતાવરણ અને ધર્મગુરુઓનો પ્રભાવ ખૂબ મોટા પ્રમાણમાં છે.
ભીડ ભેગી કરી શક્યા પણ વોટ નહીં
એક સમયે મતદાન પહેલાંના 15 દિવસોમાં ગોપાલ ઇટાલિયાએ સભાઓ કરીને રેલીઓ યોજી પોતાની તરફ માહોલ ઊભો કરવા ભીડ પણ ખૂબ એકત્રિત કરી. પરંતુ અંતિમ બે-ત્રણ દિવસમાં પરિસ્થિતિ ફરીથી બદલાઈ ગઈ. હિન્દુ સંગઠનો દ્વારા અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને તેમના અનુયાયીઓ દ્વારા ગોપાલ ઇટાલિયા દ્વારા જે ધર્મવિરોધી નિવેદનો કરવામાં આવ્યાં હતાં, તેના વીડિયો ખૂબ મોટા પ્રમાણમાં વાઇરલ કરાયા હતા. ચૂંટણી પ્રચાર બંધ થવાનો સમય આવ્યો અને તુરંત જ સોશિયલ મીડિયા ઉપર ભાજપે સક્રિયતા વધારી દીધી. તેમજ ધાર્મિક વોટ્સએપ ગ્રુપોમાં પણ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધનાં લખાણો આવવાનાં શરૂ થઈ ગયાં. ધર્મવિરોધી આ ગોપાલને મત ના આપવો જોઈએ. જે આપણા સાધુ-સંતોને સ્વીકારતો ન હોય તેને આપણે સ્વીકારવો ન જોઈએ. જે ધર્મવિરોધી વાણીવિલાસ કરી રહ્યો છે એવા યુવાનને મત આપીને જિતાડવાનો કોઈ અર્થ નથી. ધર્મ અને સાધુ-સંતોને શ્રદ્ધાપૂર્વક જુએ તેને જ મત આપવો એ પ્રકારની વાત વહેતી થઈ હતી. જેને કારણે ગોપાલ ઇટાલિયાએ કરેલી તમામ મહેનત ઉપર માત્ર છેલ્લા બે દિવસમાં જ પાણી ફરી વળ્યું હતું.
સ્વભાવ નડી ગયો કે બીજું કંઈ?
ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સંગઠનમાં ખૂબ જ મહત્ત્વના સ્થાન પર હોવાને કારણે તેમની જવાબદારી હતી કે કાર્યકર્તાઓને એકસાથે લઈને ચાલવું જોઈએ. પરંતુ છેલ્લા દિવસોમાં પણ સંગઠનમાં કાર્યકર્તાઓની નારાજગી સ્પષ્ટ દેખાતી હતી. એટલું જ નહીં કેટલાક કોર્પોરેટરો પણ ફરિયાદ કરતા હતા કે પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રી તેમની રજૂઆતને સાંભળતા નથી. કેટલાક નવા આવેલા વ્યક્તિઓને આમ આદમી પાર્ટીમાં સારો હોદ્દો આપવામાં આવ્યો હતો. આ બંને નેતાઓનો સ્વભાવ કાર્યકર્તાઓને ગમતો નથી એ વાત પણ સ્પષ્ટ છે. ગોપાલ ઇટાલિયા મોટાભાગે કાર્યકર્તાઓનો ફોન ઉપાડતા ન હતા અને જ્યારે કોઈ પણ પ્રશ્ન રજૂઆત કરવા જતા હતા ત્યારે મનોજ સોરઠિયા પણ ખૂબ જ અકળાઈને જવાબ આપતા હતા.
કાર્યકરોને તો અંદાજ જ હતો કે પરિણામ આવું જ આવશે
ભાજપ સામે આમ આદમી પાર્ટીની થયેલી હારને કારણે બે-ચાર ગણ્યાગાંઠ્યા આમ આદમીના હોદ્દા ઉપર બેઠેલા વ્યક્તિઓ ઉદાસ થયા હશે. પરંતુ કાર્યકર્તાઓમાં કોઈ મોટી હતાશા દેખાઈ નથી કારણ કે તેઓ સમજી ગયા હતા કે પોતાના નેતાઓના વર્તનને કારણે આ પરિણામ આવ્યું છે. આ બંને નેતાઓમાં આત્મવિશ્વાસ હતો કે અભિમાન હતું તેને સમજી શક્યા ન હોય તેવું લાગ્યું છે. સૂત્ર પાસેથી મળેલી વાત મુજબ એક મહિલા કોર્પોરેટર કોઈ બાબતને લઈને મનોજ સોરઠિયા પાસે રજૂઆત કરવા ગયાં ત્યારે તેમણે કહ્યું કે તમારે જે કરવું હોય તે હવે કરતાં રહો ચૂંટણી બાદ અમે તમારો હિસાબ વ્યવસ્થિત કરી દઈશું. એવી ગર્ભિત ધમકીભરી વાત કરી હતી. આવા અનેક કિસ્સાઓ પણ આમ આદમી પાર્ટીના સંગઠનમાં ચર્ચામાં છે.
AAPની 6 મહિનાની મહેનત મોદીએ આ એક વાક્યથી ધોઈ નાંખી
આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં સુરત શહેરમાં 6 મહિનામાં જે તૈયારી કરી હતી તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દોઢ દિવસના સુરત પ્રવાસમાં જ શૂન્ય કરી નાખી હતી. નરેન્દ્ર મોદીએ ભવ્ય રોડ શો કરીને જાહેરસભામાં અંતે એક વાત કરી હતી, જેનો મેસેજ ખૂબ જ જબરજસ્ત રીતે કન્વે થઈ ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારું એક અંગત કામ કરજો અને ઘરે ઘરે કહેજો કે " મોદી વરાછા આવ્યા હતા અને બે હાથ જોડીને પ્રણામ મોકલ્યા છે" આ શબ્દો અરવિંદ કેજરીવાલની તમામ ગેરંટી ઉપર ભારે પડી ગયા છે. આ લાગણીસભર શબ્દો વરાછામાં ખૂબ ચર્ચામાં રહ્યા અને માત્ર દોઢ દિવસ અને એક રાત્રિ રોકાણમાં જ આખી પરિસ્થિતિને ભાજપ તરફ ફેરવી નાખી હતી એવું કહીએ તો પણ કોઈ અતિશયોક્તિ નથી.
કેજરીવાલનું નામ લીધા વિના જ મતદારોના મનમાં કમળ છાપી દીધું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તરફ લોકપ્રિયતા અને બીજી તરફ લોકોનો મૂડ જાણવાની તેમની જે કળા છે, તેનો ફરી એકવાર પરચો થયો. નરેન્દ્ર મોદીએ એક પણ વખત આમ આદમી પાર્ટીનું કે કેજરીવાલનું નામ લીધા વગર સભાને સંબોધી હતી. સૌથી મોટો પડકાર આમ આદમી પાર્ટી હતી છતાં પણ તેમણે એક પણ વખત તેમનું નામ લીધા વગર માત્ર પોતાની વાત સભામાં હાજર તમામ લોકો સામે મૂકી હતી.
PM મોદીએ રાતના બે વાગ્યા સુધી ઓપરેશનો પાર પાડ્યાં
નરેન્દ્ર મોદી સુરતમાં એક રાત રોકાયા અને આખો પાટીદાર સમાજ તેમની તરફે આવી ગયો. સભા પૂર્ણ થયા બાદ રાત્રે બે વાગ્યા સુધી સતત તેઓ ટેલિફોનિક રીતે પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે સંપર્ક કરતા રહ્યા હતા. બીજા દિવસે તેઓ સવારે 12:00 વાગે સુરતથી રવાના થયા હતા. આ સમય દરમિયાન તેમણે એક એક બાબતોને ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ કરીને તેનો ઉકેલ લાવવા સતત સીઆર પાટીલને માર્ગદર્શન આપતા રહ્યા હતા. મોડી રાત સુધી સીઆર પાટીલ સર્કિટ હાઉસ ઉપર નરેન્દ્ર મોદી સાથે હાજર રહ્યા હતા. નરેન્દ્ર મોદીએ જે જે સૂચના આપી તેને સી.આર.પાટીલ શબ્દશઃ રીતે અનુસરતા આમ આદમી પાર્ટીનાં સપનાઓને ધૂળધાણી કરી નાખ્યાં. પાટીદારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જબરજસ્ત પકડ છે અને સુરત શહેર હંમેશાં ભાજપની સાથે રહ્યું છે. 2017ની ચૂંટણીમાં પણ પાટીદાર આંદોલનના એપી સેન્ટર રહેવા છતાં સુરતે જ ભાજપને હારથી બચાવ્યા એવું કહીએ તો ખોટું નથી.
પાટીદાર આંદોલન ભૂલી ભાજપ તરફી મતદાન કર્યું
સુરતની તમામ બાર બેઠક પાટીદાર અનામત આંદોલન સમયના રોષને પણ બાજુ પર રાખીને મતદારોએ જિતાડી હતી. પરિણામે તેઓ બહુમતી સુધી પહોંચી શક્યા હતા ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતીઓનો બે હાથ જોડીને આભાર માન્યો હતો. આ વખતે પણ આપનો માહોલ બનતા બે-ચાર સીટ ઉપર આમ આદમી પાર્ટીનો પ્રભાવ વધતો દેખાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને પણ નામશેષ કરી નાંખ્યો છે. નરેન્દ્ર મોદી ખૂબ સારી રીતે જાણે છે કે કઈ બાબતે કોને આંખ બતાવી, ક્યારે અને કોના ખભે હાથ રાખો અને ક્યારે કોનો હિસાબ કરવો. રાજકીય રીતે કુશળ સંગઠનકર્તા નરેન્દ્ર મોદીએ ફરી એક વખત સુરતની બાજી સંભાળીને પોતાની તાકાત બતાવી દીધી છે.
કાનાણીએ આ રીતે હારને જીતમાં પલટાવી દીધી
વરાછા બેઠક ઉપર પરિવર્તન પરિવર્તન શબ્દ સંભળાવવા લાગ્યો હતો અને કુમાર કાનાણીને પછડાટ મળશે, તેવો માહોલ એક સમયે ઊભો થઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ કુમાર કાનાણી પોતાના મૂળ મિજાજમાં પ્રચાર કરી સભાને સંબોધતા દેખાયા હતા. જેમાં તેમણે માહોલ બનાવવા માટે ગ્રીષ્મા વેકેરિયા હત્યાકેસ અને તેના હત્યારાની પણ વાત જાહેરસભાઓમાં કહી હતી. ગ્રીષ્મા હત્યાકેસને ટાંકીને તેમણે એવો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો કે અમુક લોકોના હાથમાં સત્તા જશે તો ફરી એકવાર વરાછા જેવા વિસ્તારમાં ટપોરીઓ અને સડક છાપ મવાલીઓ સક્રિય થઈ જશે અને શાંતિનો ભંગ કરશે.
છેલ્લી ઓવરોની જેમ બેટિંગ કરી કાનાણીએ ગઢ બચાવ્યો
વારંવાર આપ દ્વારા ભાજપના નેતાઓ ઉપર પ્રહારો કરવામાં આવતા કે, શું કર્યું છે? તેનો જવાબ જબરજસ્ત રીતે કુમાર કાનાણીએ આપ્યો કે આરોગ્યની સેવાઓ મફત આપવાનાં બણગાં ફૂંકનારાઓને કહું છું કે જે હાલ મોટું ભાષણ કરી રહ્યા છે એ આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયાની માતાના ઘૂંટણ પણ સરકારની આરોગ્યલક્ષી સેવાના પરિણામે વિનામૂલ્ય થયા છે. આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરીને તેમને વિના મૂલ્યે સારવાર કરાવી છે છતાં પણ જો એ લોકો ખોટો પ્રચાર કરતા હોય તો પ્રજાએ તેમને જવાબ આપવો જોઈએ. આ પ્રકારનો પ્રચાર વરાછા વિધાનસભા બેઠક ઉપર છેલ્લા ત્રણ-ચાર દિવસમાં જોવા મળ્યો હતો. જેની સીધી અસર મતદારો પર થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લી ઘડીએ જ કુમાર કાનાણીએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હતી.
પોતાની સીટ બચાવવા આખું ગુજરાત રેઢું મૂક્યું
આમ આદમી પાર્ટીએ સુરતમાં જ ભાજપને ઘેરવાનું આયોજન કર્યું, પરંતુ તેમાં નિષ્ફળતા મળી છે. જ્યારે પાસ વિધિવત્ રીતે આપમાં જોડાઈ ગઈ ત્યારે સુરત શહેરમાં અલ્પેશ કથીરિયાને વરાછા અને ધાર્મિક માલવિયાને ઓલપાડ બેઠક ઉપરથી ઉમેદવાર બનાવ્યા ત્યારે એક સમયે એવું લાગતું હતું કે હવે સુરતમાં સારું પરિણામ આવશે. ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પણ ખૂબ સારી રીતે જાણતા હતા કે હવે વધુ સારી રીતે લડી શકાશે, પરંતુ વ્યૂહરચના પણ તેમની નિષ્ફળ થઈ. આમ આદમી પાર્ટીના મુખ્ય ચહેરાઓએ સુરતમાં જ લડવાનું મુનાસીબ માન્યું અને એકમાત્ર ઈસુદાન ગઢવી અલગ લડ્યા હતા. પરિણામે ચૂંટણી પ્રચારના દિવસોમાં સતત ગોપાલ ઇટાલિયા પોતાની બેઠક ઉપર જ જીત મેળવવાના પ્રયાસમાં રહી ગયા અને આખા ગુજરાતને રેઢું મૂકી દીધું.
ભાજપને ઘેરવા જતા પોતે ઘરમાં જ ઘેરાયા
કદાચ ગોપાલ ઇટાલિયાને એવું થયું હશે કે અલ્પેશની લોકપ્રિયતાની સાથે હું પણ તેનો લાભ લઈ લઉ અને મનોજ સોરઠિયાએ પણ આ જ માનસિકતા સાથે કરંજ બેઠક ઉપરથી ઝુકાવ્યું હતું. મનોજ સોરઠિયાને એવું હતું કે ચહેરો કોઈ જોવાનો નથી માત્ર જે હવા બની છે તેના આધારે ઝાડુને જોઈને જ મતદારો મત આપી દેશે અને પોતે વિજયી થઈ જશે. સુરતમાં ભારતીય જનતા પાર્ટીને ઘેરવાની રણનીતિ ગોપાલ ઇટાલિયાને ભારે પડી, તેઓ પોતે તો ન જીતી શક્યા પરંતુ તેઓ પોતાના પક્ષના ઉમેદવારો માટે અન્ય જિલ્લાઓમાં પ્રચાર પણ ન કરી શક્યા.
ઇટાલિયાને ધારાસભ્ય બનવાની ઉતાવળ હતી?
ગોપાલ ઇટાલિયાએ વિધાનસભા ચૂંટણી લડવાને બદલે આખા ગુજરાતમાં ચૂંટણી દરમિયાન પ્રચાર કરતાં રહ્યા હોત તો પક્ષ માટે વધુ સારું કામ કરી શક્યા હોત. પરંતુ ચૂંટણી લડીને ધારાસભ્ય બની જવાની ઉતાવળે તેમને માત્ર સુરતની કતારગામ બેઠક પૂરતા સીમિત કરી દીધા. અંતિમ દિવસોમાં મનોજ સોરઠિયા પણ કરંજ બેઠક પૂરતા સીમિત થઈ જતા પક્ષને મોટું નુકસાન થયું છે. જોકે મનોજ સોરઠિયાની એવી કોઈ લોકપ્રિયતા પણ નથી કે તેઓ આમ આદમી પાર્ટી તરફથી અલગ અલગ જિલ્લાઓમાં જઈને સભાઓ સંબોધે અને તેનું સારું પરિણામ આવે પરંતુ એક સંગઠનકર્તા તરીકે તેઓ સંગઠન ભેગું કરવા પૂરતી સીમિત કામગીરી કરી શકે છે.
શું સુરતમાં જ ચૂંટણી લડતી હતી આપ?
એક સમયે તેવું લાગતું હતું કે આમ આદમી પાર્ટી માત્ર આખા ગુજરાતની અંદર સુરત શહેરની છ બેઠકો ઉપર જ ચૂંટણી લડી રહી છે. અન્ય શહેરોની વાત તો ઠીક છે. પરંતુ ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયા સુરતની લિંબાયત, ઉધના, ચોર્યાસી, મજૂરા અને સુરત પશ્ચિમ જેવી બેઠકો ઉપર પણ ફરક્યા નહોતા. જેનો સીધો અર્થ એવો થાય કે, તેઓ માત્ર પોતાની બેઠક પૂરતા જ સીમિત થઈ ગયા હતા. એક વાત તો સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટીને માત્ર પાટીદાર મતદારો પૂરતા જ મત મેળવવાના હોય અને તે જ બેઠક ઉપર તેઓ જીતી શકતા હોય તેવું તેમણે નક્કી કરી લીધું હતું. પરિણામે તેઓ અન્ય કોઈ જ બેઠકો પર મહેનત કરતા દેખાયા ના હતા. જ્યારે મજુરા વિધાનસભા બેઠક પર હર્ષ સંઘવી સામે આપના ઉમેદવાર પીવીએસ શર્માએ પોતાની ડિપોઝિટ પણ ગુમાવી છે. આખા ચૂંટણી પ્રચાર દરમિયાન ગોપાલ ઇટાલિયા ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર સતત આકરા પ્રહારો કરતા રહ્યા અને તેમને ડ્રગ્સ સંઘવી તરીકે પણ સંબોધ્યા. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે ચૂંટણી સમયે ગોપાલ ઇટાલિયા એક પણ વખત મજૂરા વિધાનસભામાં જાહેરસભા યોજી ન હતી.
હર્ષ સંઘવીને ગઢમાં કેમ ન પડકાર્યા?
હર્ષ સંઘવીને મતવિસ્તારમાં જઈને તેમને પડકાર ફેંક્યો ન હતો. જો કાયદો વ્યવસ્થા ખરેખર ગુજરાતમાં ખરાબ હતી અને ડ્રગ્સ પકડાઈ રહ્યું હતું તો આ મુદ્દાને લઈને ગોપાલ ઇટાલિયા કેમ જાહેર સભા કે પ્રચાર કરવા માટે હર્ષ સંઘવીની સામે પડ્યા ન હતા. માત્ર કતારગામ વિસ્તારોમાં જ સભાઓ સંબોધતા રહ્યા અને માહોલ ખૂબ સારો છે એવું બતાવવાનો પ્રયાસ કરતા રહ્યા. પરંતુ હકીકત એ હતી કે તેમણે અન્ય કોઈ જ બેઠક ઉપર પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી ન હતી અને ત્યાંનો ઉમેદવારને તેમણે કોઈ જ મદદ કરી ન હતી. ચોર્યાસી બેઠકના ઉમેદવારે પણ આ બાબતની ફરિયાદ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. એવી ચર્ચા થતી હતી કે એક જ શહેરમાં હોવા છતાં પણ પ્રદેશ અધ્યક્ષ અમારા વિસ્તારમાં પણ પ્રચાર પ્રસાર કરવા માટે આવી રહ્યા નથી.
સંગીતા પાટીલ સામે પણ પ્રચાર ન કર્યો
ઉધના બેઠક પર પણ આ જ પ્રકારની સ્થિતિ હતી, ત્યાં પણ તેમને કોઈ મોટી સભા કરવાનું મુનાસીબ માન્યું ન હતું. પોતાના શહેરની બાર બેઠકો પૈકી છ બેઠકો ઉપર તો જાણે તેમને પ્રચાર ન કરવાનો હોય તેવી રીતે જ રહ્યા હતા. એક પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી હતી કે તેમને પોતાના શહેરના તો ખરા પરંતુ રાજ્યભરના ઉમેદવારોને જિતાડવા માટે શક્ય એટલી સભાઓ અને લોકસંપર્ક કરવાની જરૂર હોય છે. પરંતુ ગોપાલ ઇટાલિયા તેમાં સંપૂર્ણપણે નિષ્ફળ પુરવાર થયા છે. ગોપાલ ઇટાલિયાએ લિંબાયત બેઠક ઉપર સંગીતા પાટીલની સામે પણ પ્રચાર કર્યો ન હતો. જે સીઆર પાટીલ ઉપર તેઓ સતત નિશાન તાકતા રહ્યા તેમના વિસ્તારમાં પણ તેઓ ચૂંટણીની જાહેરાત બાદ ગયા ન હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.