ભાસ્કર ઇનડેપ્થએ ભાષણે મજૂરીકામ કરનારને પહોંચાડ્યા વિધાનસભાના દ્વારે:કોમ્પ્યુટર જોબવર્કરે લઈ લીધું પૂર્વ ગૃહમંત્રીનું સ્થાન, એક સમયે ચલાવતા હતા ચશ્માંની દુકાન

અમદાવાદ15 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે

રાજકારણ વ્યક્તિને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં જોવા મળ્યું છે. એક સામાન્ય કાર્યકર તરીકે કામ કરી રહેલી વ્યક્તિને અપેક્ષા પણ નથી હોતી કે તે આવતીકાલે રાજકારણની દુનિયામાં ક્યાં હશે? અને બીજે દિવસે તો તેની કારકિર્દીની કાયાપલટ થઈ ગઈ હોય છે. આવું જ કંઈક બન્યું છે અમદાવાદ શહેરના એક વિધાનસભાના ઉમેદવાર સાથે. ગઈકાલ સુધી તેઓ એક સામાન્ય કાર્યકર હતા અને આજે અમદાવાદ શહેરની મહત્ત્વની બેઠક પર ભાજપના ઉમેદવાર છે અને વિધાનસભામાં જવા માટે દ્વાર પાસે ઊભા રહી ગયા છે.

50ના દાયકામાં વડાપ્રધાનપદે જવાહરલાલ નેહરુ હતા. કાશ્મીરનો મુદ્દો ખૂબ ગાજી રહ્યો હતો. આ સમયે પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી વચ્ચે સમજૂતી થઈ ત્યારે શ્યામા પ્રસાદ મુખર્જી સાથે મતભેદો વધારે તીવ્ર બન્યા. આ સમજૂતી પછી 6 એપ્રિલ, 1950ના દિવસે તેમણે મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ગુરુ ગોલવલકર સાથે પરામર્શ કરીને મુખર્જીએ 21 ઑક્ટોબર, 1951માં જનસંઘની સ્થાપના કરી.

સાણંદના સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ અને કટોકટી
આ દાયકામાં જ અમદાવાદ પાસે આવેલા સાણંદમાં સામાન્ય ખેડૂત પરિવારના ઘરે બાળકનો જન્મ થાય છે. ત્યાર બાદ 70નો દાયકો આવી જાય છે અને આ બાળક હવે સ્કૂલમાં આવી ગયું હોય છે. એ સમયે દેશનો માહોલ જોઈ આ બાળક જનસંઘના વિચારો તરફ આકર્ષાય છે. તો બીજી તરફ દેશનાં તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી 25, જૂન 1975ના રોજ દેશમાં કટોકટી લાગુ કરી દે છે, જેના વિરોધમાં જનસંઘના અટલ બિહારી વાજયેપી, મધુ દંડવતે, સિકંદર બખ્ત અને એલ.કે.અડવાણી જેવા અનેક નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવે છે.

એ ભાષણ સાંભળતાં જ જનસંઘમાં જોડાવાનો નિર્ણય લઈ લીધો
ઇન્દિરા ગાંધી સામે સખત વિરોધ કરનારા જયપ્રકાશ નારાયણના આહ્વાનથી રામલીલા મેદાનમાં એક લાખ લોકો ભેગા થયેલા, ઇન્દિરાએ ઇમર્જન્સી ઉઠાવીને 1977માં ચૂંટણી જાહેર કરી, ત્યારે એમ લાગતું હતું કે લોકો તેને જ ચૂંટશે, પણ ત્યારે જયપ્રકાશ નારાયણની દોરવણી હેઠળ જનતા પક્ષ રચાયો અને પ્રથમવાર જનતા પાર્ટી સત્તા પર આવી. આ ચૂંટણીમાં જનતા પાર્ટી અને જનસંઘના સંયુક્ત મોરચાનો વિજય થયો અને અટલ બિહારી વાજપેયીને વિદેશમંત્રી બનાવવામાં આવ્યા. વિદેશમંત્રી બન્યા બાદ અટલ બિહારી વાજપેયી હિન્દીમાં જોરદાર સંબોધન કરી રહ્યા હતા અને આ સંબોધન આકાશવાણી પર સાણંદ બેઠો બેઠો એક કિશોર સાંભળતો હતો. આ સંબોધન સાંભળતાં જ આ કિશોરમાં રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની તમન્ના જાગી અને જનસંઘમાં જોડાવાનો નિર્ણય કર્યો.

જનસંઘમાં જોડાવાનો આ નિર્ણય કર્યો ત્યારે તેને ક્યાં ખબર હતી કે આ રાષ્ટ્ર રાહ તેને વિધાનસભાના દ્વાર પાસે લાવીને ઊભો રાખી દેશે. સમય જતાં જનસંઘમાં સક્રિય કાર્યકર બન્યો અને પછી તો 1980માં ભાજપની સ્થાપના થઈ, એ જ વર્ષે તેમણે પહેલી વહેલી નોકરીની પણ શરૂઆત કરી. આ કિશોર એટલે બીજું કોઈ નહીં પણ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના નજીકના ગણાતા અને વટવા વિધાનસભાના ભાજપના ઉમેદવાર બાબુસિંહ જાદવ.

એન્જિનિયરિંગ કંપનીમાં લેબરવર્ક શરૂ કર્યું
સાણંદના ખોરજ ગામે જન્મેલા ખેડૂતપુત્ર બાબુસિંહ જાદવનો પરિવાર ખેતી સાથે સંકળાયેલો હતો. તેમણે સાણંદની ન્યૂએરા હાઇસ્કૂલમાં ઓલ્ડ એસએસસીનો અભ્યાસ પૂરો કર્યો. ત્યાર બાદ આર્થિક રીતે પગભર થવાનો વિચાર કર્યો, કારણ કે એ જમાનામાં ખેતી ખાસ રળી આપતી નહીં, જેથી તેમણે વિચાર્યું કે ખેતી પર જ નિર્ભર રહીશું તો કંઈ નહીં કરી શકીએ. ત્યાર બાદ તેમણે અન્ય વિકલ્પો પર નજર દોડાવી. રોજગારની શોધમાં તેઓ અમદાવાદ ખાતે આવ્યા હતા. અનેક સપનાં લઈને અમદાવાદ આવેલા બાબુસિંહે સૌથી પહેલા તો 1977માં કુબેરનગરમાં આવેલી ITIમાં વેલ્ડરનો કોર્સ કર્યો. વેલ્ડરનો કોર્સ કર્યા બાદ અનુપ એન્જિનિયરિંગ કંપનીમાં લેબર વર્ક શરૂ કર્યું. આ કામની સાથે સાથે રાજકીય રીતે પણ સક્રિય બન્યા.

ભાજપના પાયાના નેતા લેખરાજ બચાણી(ખેસ)
ભાજપના પાયાના નેતા લેખરાજ બચાણી(ખેસ)

લેખરાજ બચાણીની પેટાચૂંટણીમાં બન્યા સામાન્ય કાર્યકર
લેબરવર્કની સાથે સાથે તેમણે ભાજપ માટે એક સંનિષ્ઠ કાર્યકર્તા બનીને કામ કર્યું, જેમાં તેમને સૌથી પહેલા ભાજપના એક સમયના ધુરંધર નેતા અને જેને જનસંઘનો પાયો ગણી શકાય એવા લેખરાજ બચાણી પેટાચૂંટણી લડ્યા ત્યારે ગ્રાઉન્ડ પર ઊતરીને ખૂબ ઉમદા કામગીરી કરી. લેખરાજ બચાણી જેવા નેતા ચૂંટણી લડતા હોય અને તમે એક સામાન્ય કાર્યકર માટે તેમાંથી શીખવા જેવું ઘણું મળે છે. બાબુસિંહ જાદવને આ જ અનુભવ આગળ જતાં કામમાં આવવાનો હતો.

ચશ્માંની નાનકડી દુકાન અને કોમ્પ્યુટર જોબવર્ક
તો બીજી તરફ, તેમણે એન્જિનિયરિંગ કંપનીમાં કામ કર્યા બાદ તેમણે નોકરીને અલવિદા કહ્યું અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો. તેમણે 1995માં ઓઢવ વિસ્તારમાં પોતાની ચશ્માંની એક નાનકડી દુકાનની શરૂઆત કરી. આ સમયે પણ તેઓ ભાજપમાં તો સક્રિય જ હતા. 19 વર્ષ સુધી ચશ્માંની દુકાન ચલાવ્યા બાદ તેમણે 2014માં કોમ્પ્યુટર જોબવર્ક શરૂ કર્યું. હાલ તેમનો વ્યવસાય કોમ્પ્યુટર જોબવર્ક જ છે.

ભાજપે પોતાની સ્ટાઇલમાં જ અચાનક જ બાબુસિંહનું નામ જાહેર કરી ચોંકાવ્યા.
ભાજપે પોતાની સ્ટાઇલમાં જ અચાનક જ બાબુસિંહનું નામ જાહેર કરી ચોંકાવ્યા.

ટિકિટ માગવા ગયા બીજા માટે પણ પાર્ટીએ આપી દીધી બાબુસિંહને
લગભગ 45 વર્ષ સુધી ભાજપ માટે કામ કર્યા બાદ તેમના રાજકીય જીવનમાં એક નવો જ વળાંક આવ્યો છે અને ક્યારેય સપનામાં પણ વિચાર કર્યો નહોતો. ઓક્ટોબરના છેલ્લા વીકમાં ભાજપ દ્વારા સેન્સપ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં વટવા સીટ માટે એકમાત્ર પ્રદીપસિંહ જાડેજા સિવાય કોઈનું નામ સામે આવ્યું નહોતું. પ્રદીપસિંહની દાવેદારી કરવા માટે તેમના નજીકના એવા બાબુસિંહ જાદવ જ ગયા હતા, પરંતુ ભાજપે તેમની જૂની સ્ટાઈલ મુજબ આ સીટ પર ધારણા કરતાં વિરુદ્ધ જ નિર્ણય કર્યો અને પ્રદીપસિંહનું નામ સૂચવવા ગયેલા બાબુસિંહને જ પાર્ટીએ ટિકિટ આપી દીધી. આમ, બાબુસિંહ કંઈ વિચાર કરે એ પહેલાં જ તેમને ઉમેદવાર બનાવી દીધા.

‘મને તો ખબર જ નહોતી ને ઉમેદવાર બનાવી દીધા’
ટિકિટ માટેની પસંદગી અંગે બાબુસિંહ જાદવે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 10 વર્ષ સુધી પ્રદિપસિંહ જાડેજાએ ખૂબ વિકાસ કર્યો અને આ વ્યક્તિત્વ એવું છે કે અમને તો બીજા કોઈની આશા જ નહોતી, પણ આ તો ભાજપ છે. મેં મુખ્યમંત્રીની સભામાં કહ્યું હતું કે આ વિચારધારા ભાજપની છે કે ક્યારે કોને ક્યાં બેસાડે છે? એક વોર્ડના પ્રમુખને વિધાનસભાનો ઉમેદવાર બનાવે એ ભાજપ જ કરી શકે. આ અંગે મને તો ખબર જ નહોતી. પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વને મારામાં એવું કંઈક લાગ્યું હશે અથવા તો ભાજપને એવું લાગતું હોય કે મારો કાર્યકર્તા કેટલા સમયથી અને કેવી નિષ્ઠાથી કામ કરે છે આ બધું જ ધ્યાન રાખ્યું હોય.

આ ચૂંટણી બાબુસિંહ નહીં, પણ પ્રદીપસિંહ જાડેજા લડે છેઃ બાબુસિંહ.
આ ચૂંટણી બાબુસિંહ નહીં, પણ પ્રદીપસિંહ જાડેજા લડે છેઃ બાબુસિંહ.

જ્યારે પ્રદીપસિંહે કહ્યું, તમે ત્યાં જ રહો, હું આવું છું
જ્યારે પ્રદીપસિંહ અંગે તેમણે જણાવ્યું કે જ્યારે 9.30 વાગ્યે મારું નામ જાહેર થયું ત્યારે ધીમે ધીમે કાર્યકરો મારા ઘર તરફ આવવા લાગ્યા, પરંતુ આ જગ્યા નાની પડતી હતી એટલે બધા મને પકડીને કોમન પ્લોટ તરફ લઈ ગયા. મેં મારા ધારાસભ્ય પ્રદીપસિંહને ફોન કર્યો કે મારે ત્યાં આવવું છે, મારા ધારાસભ્યએ કહ્યું, તમે ત્યાં જ બેસો હું ત્યાં આવું છું અને 3000ની મેદની વચ્ચે હું જ્યાં રહું છે ત્યાં પ્રણામી બંગલોઝ ખાતે તેમના માનમાં હરોળ બનાવીને પ્રદીપસિંહને લઈ આવ્યા અને તેમણે સભા સંબોધી કહ્યું કે આ ચૂંટણી બાબુસિંહ જાદવ નથી લડતા, પણ પ્રદીપસિંહ જાડેજા લડે છે. મારું ફોર્મ ભરાવવા માટે પોતે સાથે હતા અને કોઈપણ જાતનું માર્ગદર્શન પણ તેઓ જ આપે છે.

અન્ય સમાચારો પણ છે...