ભાસ્કર ઇન્ટરવ્યૂભાજપમાં જેનો ડંકો વાગતો એ રાજેન્દ્રસિંહ રાણા શું કરે છે:કોંગ્રેસ અનુભવી અને સૌથી જૂની પાર્ટી, નરેન્દ્ર મોદીએ રિમાર્કેબલ કામ કર્યું છે એમાં ના નહીં

ભાવનગર2 મહિનો પહેલાલેખક: નિર્મલ દવે

દેશની આઝાદીમાં ગુજરાતના બે સરદારોએ અતિ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. એક સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા સરદારસિંહ રાણા. સરદાર વલ્લભભાઈ પટેલે ભારતમાં રહી અહિંસાના હથિયારથી અંગ્રેજોને હરાવી દેશનું એકીકરણ કર્યું. જ્યારે સરદારસિંહ રાણાએ વિદેશમાં રહી સશસ્ત્ર ક્રાંતિ દ્વારા અંગ્રજોને ડરાવી તેમનું મનોબળ તોડવાનું કાર્ય કર્યું હતું. હવે તમને સવાલ થશે કે ચૂંટણી વચ્ચે સરદાર કેમ યાદ આવ્યા? આમ તો દર ચૂંટણીમાં રાજકીય પક્ષોને સરદાર પટેલ તો યાદ આવે જ છે. જો કે આ વખતે ભાગ્યે જ કોઈ નેતાએ સરદાર પટેલને યાદ કર્યા છે. પરંતુ આજે વાત સરદારસિંહ રાણા અને તેમના પૌત્રની કરવી છે.

વિદેશમાં રહીને સ્વદેશની સ્વતંત્રતા માટે લડનારા ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા સાથે મળીને સરદારસિંહ રાણાએ ચળવળ ચલાવી હતી. સરદારસિંહ કાયદાનો અભ્યાસ કરવા માટે લંડન ગયા હતા અને અહીં તેઓ શ્યામજી કૃષ્ણ વર્માના પરિચયમાં આવ્યા હતા. વર્માના સંપર્કમાં આવ્યા બાદ સરદારસિંહે ભીખાજી કામા સાથે મળીને લંડનમાં 'ઇન્ડિયા હાઉસ'ની સ્થાપના કરી. વિદેશની ધરતી પર ભારતીય સ્વતંત્રતાની ચળવળને 'ઇન્ડિયા હાઉસ'માંથી જ વેગ મળતો હતો. સરદારસિંહ રાણાની વેબસાઇટ અનુસાર લંડનથી પ્રસિદ્ધ થતાં 'ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ' અખબારના સ્થાપક રાણાએ વર્મા અને કામા સાથે મળીને ભારતીય સ્વતંત્રતા સંઘર્ષની ઓળખાણ પિસ્તોલ અને બૉમ્બથી કરાવી હતી. એટલું નહીં, એ સરદારસિંહ રાણા જ હતા કે જેમની પિસ્તોલથી ભારતીય ક્રાંતિકારી મદનલાલ ઢીંગરાએ બ્રિટિશ ઓફિસર કર્ઝન વાયલીની લંડનમાં હત્યા કરી હતી.

ભાવનગર લોકસભામાં લડ્યા સામસામે હવે એકબીજાના છે સાથી
આ સરદારસિંહ રાણાના વંશજો હાલ ભાવનગરમાં રહે છે. દેશભરમાં હિન્દુત્વની પ્રયોગશાળા અને ભાજપના એક મોડલ સ્ટેટ તરીકે ગુજરાતની ગણના થઈ રહી છે. 14 માર્ચ 1995ના રોજ ગુજરાતમાં પહેલીવાર કેસરિયો લહેરાયો હતો અને ભાજપે સત્તા સંભાળી હતી. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી ધ્વંસ બાદ ગુજરાતમાં હિન્દુત્વનું વાવાઝોડું ફરી વળ્યું અને 1995માં 121 બેઠકની જંગી બહુમતી સાથે ભાજપે સત્તા હાંસલ કરી. તો બીજી તરફ 1996માં લોકસભા ચૂંટણી યોજાઈ હતી અને ભાજપના સુવર્ણકાળ તરફ જવાના યુગનો આ આરંભ હતો. આ સમયે ભાવનગર લોકસભા સીટ પર સામસામે લડેલા બે ઉમેદવાર આગળ જતા સાથી બનવાના હતા અને ભાજપમાં વજનદાર નેતા બનવાના હતા. આ બન્ને નેતા એટલે બીજું કોઈ નહીં પણ પુરુષોત્તમ સોલંકી અને સરદારસિંહ રાણાના પૌત્ર રાજેન્દ્રસિંહ રાણા.

પુરુષોત્તમ સોલંકી અને રાજેન્દ્રસિંહ રાણા 1996માં સામ સામે લોકસભા ચૂંટણી લડ્યા હતા.
પુરુષોત્તમ સોલંકી અને રાજેન્દ્રસિંહ રાણા 1996માં સામ સામે લોકસભા ચૂંટણી લડ્યા હતા.

રાજેન્દ્રસિંહના કાર્યકાળમાં ઇતિહાસમાં સૌથી વધુ સીટ જીત્યો ભાજપ
રાજેન્દ્રસિંહ સામે સોલંકી અપક્ષમાંથી લડ્યા અને હારી ગયા જ્યારે રાણાની લોકસભામાં એન્ટ્રી થઈ. સમય જતા પુરુષોત્તમ સોલંકી ભાજપમાં આવ્યા અને 20 વર્ષ સુધી મંત્રીપદે પણ રહ્યા. હાલ તેઓ ભાવનગર ગ્રામ્ય સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ પદે રાજેન્દ્રસિંહ રાણા જ હતા. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાત ભાજપે 2002માં ઇતિહાસમાં સૌથી વધુ 127 સીટ પર જીત મેળવી હતી. તો રાજેન્દ્રસિંહ રાણા ક્યાં છે અને શું કરે છે? આ સવાલનો જવાબ આપણે રાજેન્દ્રસિંહ પાસેથી જ મેળવીએ. દિવ્ય ભાસ્કરે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ, પાંચ ટર્મ સાંસદ, 1998-2006 સુધી કાર્યકારિણી પ્રદેશ અઘ્યક્ષ, રાષ્ટ્રીય મંત્રી રહેલા રાજેન્દ્રસિંહ રાણા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.

હાલ શું પ્રવૃત્તિ કરે છે રાજેન્દ્રસિંહ રાણા?
‘1996થી રાજનીતિના જાહેર જીવનમાં છું. હું 18 વર્ષ સાંસદ રહ્યો એટલે જૂના સંબંધો જે પોલિટિકલ અને નોન પોલિટિકલ રહ્યા છે એ બધાની સાથેના સંબંધો અને જ્યાં આમંત્રણ છે, મળવાનું થાય અને જુદા જુદા કાર્યક્રમો થાય એમાં વિષયો મૂકવાનું થાય એવી બધી જાહેર જીવનની પ્રવૃત્તિ થાય છે.’

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી સાથે રાજેન્દ્રસિંહ રાણા.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી સાથે રાજેન્દ્રસિંહ રાણા.

ભાવનગરના રાજવી પરિવાર સાથે આપના સંબંધો કેવા છે?
મહારાજા કૃષ્ણ કુમારસિંહજીના વંશજો. ભાવનગર અને મારા માટે એકદમ ગૌરવનો વિષય કે એમની સાથે સંબંધ રાખવાનું સૌભાગ્ય મને પણ મળ્યું છે. એ પણ રાજવી પરિવાર અને કૃષ્ણ કુમારસિંહજીનો પરિવાર એટલે હું પણ ગૌરવાન્વિત અનુભવું છું.

ગુજરાતની ચૂંટણીમાં ક્યાંય અન્ડર કરંન્ટ છે કે નહીં?
જ્યાં સુધી ભાવનગરને સંબંધ છે ત્યાં સુધી 7 સીટો પર જ્યાં જ્યાં ભાજપના ઉમેદવારો ઊભા છે. વર્ષોથી ભાવનગર જિલ્લો અને જેટલી વિધાનસભાની સીટ છે એ બીજેપીની સીટ ગણાય એ એસ્ટાબ્લિશ થયેલી વાત છે. કુલ મળીને કહેવાય કે આ ભાજપનો જ જિલ્લો છે. આ વખતે જે ભારતીય જનતા પાર્ટીએ 25 વર્ષ પછી સરકારનો ભારતીય જનતા પાર્ટીની ઇલેક્ટેડ વિંગનો જે નવો ચહેરો મૂકવાનું ભગીરથ કામ કર્યું છે, તો એને ધ્યાનમાં રાખીને સંગઠનના બધા કાર્યકરોએ આ પડકાર ઉપાડ્યો છે. આ જિલ્લાની તાસીર જોતા લાગે છે કે, ફરી એકવાર આ ભાજપનો જ જિલ્લો છે એ એસ્ટાબ્લિશ થશે એવું અત્યારના સંજોગોમાં લાગે છે.

ભાજપ, આપ અને કોંગ્રેસમાંથી કોને કેટલી સીટ મળશે?
સીટોનો ચોક્કસ અંદાજ કહેવો મુશ્કેલ પડે, પણ મોટું મોટું કહું તો થર્ડ પાર્ટી તરીકે ગુજરાતે આજ સુધી તો કોઈને એક્સેપ્ટ કર્યા નથી. ભૂતકાળમાં બધા પ્રયોગો થઈ ચૂક્યા છે. પરંતુ 2022નો સમયગાળો એ ટેક્નોલોજીનો સમયગાળો છે અને વોટર્સના માઇન્ડસેટ પણ ઘણા મોટા અંશે બદલાયેલા છે. ભાવનગરના યંગસ્ટર્સ ખાસ્સા બદલાયેલા છે. આ વખતે યંગ વોટર્સની સંખ્યા ખાસી છે. પરંતુ વોટર્સ નહોતા ત્યારનો ભાજપનો ઝુકાવ છે એ જોતા બે જ પાર્ટી વચ્ચેનો જંગ જોઉં છું. હા આમ આદમી પાર્ટીની ઉપસ્થિતિ છે. ચૂંટણીમાં પોતાની જાતને એસ્ટાબ્લિશ કરવાનો કોઈપણ રાજકીય પાર્ટી પ્રયાસ કરે એ લોકશાહી પ્રક્રિયાનો એક ભાગ છે, પણ બાય એન્ડ લાર્જ 2022માં પણ અત્યારે જે પેટર્ન દેખાય છે એમાં ભાજપ અને કોંગ્રેસ જ દેખાય છે.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ અને ભાવનગરના તત્કાલીન સાંસદ રાજેન્દ્રસિંહ રાણા.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ અને ભાવનગરના તત્કાલીન સાંસદ રાજેન્દ્રસિંહ રાણા.

મોદી ભાવનગર આવ્યા ત્યારે તેમની સાથે શું વાત થઈ?
હાય, હેલ્લો જેવું જ હતું. છેલ્લી સભા હતી અને પછી દિલ્હી જવાનું હતું. વર્ષોના સંબંધો છે, સંઘમાં અને આરએસએસમાં પણ વર્ષો સુધી કામ કર્યું છે. એ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે હું પ્રદેશ પ્રમુખ હતો. એમની સાથે ચારેક વર્ષ કામ કર્યું છે અને સંબંધને 35-40 વર્ષ થઈ ગયાં છે. સ્ટેજ પર તો બીજી વાતો થવાની સંભાવના ઓછી હોય તે સ્વભાવિક હોય.

તમે ભાજપમાં રહીને જે સપનાં જોયાં હતાં તે મોદીએ પૂરાં કર્યાં છે?
મારા વ્યક્તિગત સપનાં તો ઠીક છે. કુલ મળીને આપણો દેશ દુનિયાના નકશામાં નોંધ લેવી પડે એવી તાકાતવાળો બને અને આજના સમયમાં અનુરૂપ જે પરિવર્તનો લાવવાનાં છે, સત્તાના માધ્યમથી જે લાંબાગાળાની અસરો મૂકતા જાય એવાં પરિવર્તનોને પડકાર સમજીને જે અમલમાં મૂક્યાં છે. દાખલા તરીકે 370ની કલમ. લગભગ પોલિટિકલ ફિલ્ડમાં એવી માન્યતા હતી કે ઇમ્પોસિબલ ટુ રિમોવ ધીસ 370, પણ એને પણ આવનારા સમયમાં ધ્યાનમાં રાખીને જે દેશ માટે જરૂરી છે. એટલે કે દેશ માટે જે કંઈ બદલાવ લાવવાની આવશ્યકતા હોય અને એ સત્તાના માધ્યમથી કરવાનું હોય એને પોલિટિકલ વીલ કહે છે એ પોલિટિકલ વીલ ખૂબ સરસ રીતે દર્શાવી છે. લોકોને અનુભવવા પણ મળી છે અને ગ્રાઉન્ડ પર પરિણામદાયી રહ્યું છે એ ગ્રાઉન્ડ રિયાલિટી બની. 370 કાઢી નાંખવી છે એ તો અમે વર્ષોથી જનસંઘ વખતથી કહીએ છીએ. પરંતુ એક્ચ્યુલમાં સત્તામાં આવ્યા પછી પોલિટિકલ વીલના માધ્યમથી કરી શક્યા આ એક દાખલો છે. આવી જે બિલકુલ પડકારરૂપ સમસ્યાઓ જે છે, એનું કાયમી નિરાકરણ અને આવનારા સમયને ધ્યાનમાં રાખીને ભારત એક શક્તિશાળી રાષ્ટ્ર બનીને ઊભરે અને ઊભરી રહ્યો છે એ મુજબ તો તેમણે રિમાર્કેબલ કામ કર્યું છે એમાં ના નહીં.

તત્કાલીન નાયબ વડાપ્રધાન અડવાણી, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તત્કાલીન પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા.
તત્કાલીન નાયબ વડાપ્રધાન અડવાણી, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તત્કાલીન પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા.

2014ની લોકસભા ચૂંટણીમાં તમારી ટિકિટ કેમ કાપવામાં આવી?
કારણ જે કંઈપણ હશે. પાર્ટીએ નક્કી કરેલું 1996માં હું સાંસદ બન્યો અને 2014 સુધી રહ્યો. પાર્ટીની વ્યવસ્થાઓ હોય છે અને 18-20 વર્ષ સુધી કામ કર્યું અને પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું. પછી એક સમય એવો પણ આવતો હોય છે કે બધું આપણે જ કર્યા કરવું તો જગ્યા પણ ખાલી કરવી પડે અને નવી પેઢીને પણ નવી જવાબદારી એમના ખભા પર લઈને નવા સમયમાં કામ કરવાનું છે તો એના માટે પણ એમને માર્ગ તો આપવો પડે. તમે ટિકિટ કાપ્યાનો ઉલ્લેખ કર્યોને એને હું દૃષ્ટિએ જોઉં છું. જિવાતા જીવનની આ વાસ્તવિકતા છે. રાજકારણ હોય, ઘર હોય, ધંધો હોય, નોકરી હોય કે ગમે તે હોય માગ(જગ્યા) આપ્યા વિના છૂટકો નથી રહેતો, તમારી ઇચ્છા હોય કે ન હોય. સવાલ એટલો છે કે, તમે એને કઈ દૃષ્ટિથી મૂલવો છો અને જુઓ છો. હું એને આ દૃષ્ટિથી જોઉં છું.

વર્ષ 2014 બાદ તમે સક્રિય રાજકારણમાંથી દેખાતા કેમ બંધ થઈ ગયા?
હું જન્મજાત સંઘનો સ્વયં સેવક છું. મારા પિતાજી(ઘનશ્યામસિંહ રાણા) પણ સ્વયં સેવક હતા. સ્વયં સેવક તરીકે જે કંઈ કરવાનું અત્યારે ભાજપ કે સંઘ કહે છે તે કામ નિષ્ઠાપૂર્વક અને પરિણામ આવે એ પ્રમાણે કામ આજે પણ કરું છું. છેલ્લા શ્વાસ સુધી સ્વયં સેવક જ રહેવાનો છું.

હું જ જો બધે ફર્યા કરું તો બાકીના જે અત્યારે ઇલેક્ટડ વિંગ અને સંગઠનમાં છે. હું પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યો, પાંચ ટર્મ સાંસદ રહી ચૂક્યો, એટલે મારું જાહેર જીવનમાં એક ફિગર બન્યું હોય હવે જો એના એ ફિગરને જો અત્યારના સંજોગોમાં આગળ ધર્યા કરું તો બાકીના ઢંકાવાની સંભાવના છે. જે પોલિટિકલી ન કરાય. હું મારી જાતને રિસ્ટ્રિક્ટેડ એટલે રાખી રહ્યો છું કે, બાકીના લોકો એમના અનુભવથી શીખે એમનેય ખાટા-મોળા અનુભવ થવા જોઇએ. બધે જ હું ઢાલ બનીને ફર્યા કરું એ એમના વિકાસ અને કરિયર માટે ઠીક નથી. જ્યાં પાર્ટીની આવશ્યકતા હોય ત્યાં હું સક્રિય જ હોઉં છું.

RSSના સરસંઘચાલક મોહન ભાગવત સાથે રાજેન્દ્રસિંહ રાણા.
RSSના સરસંઘચાલક મોહન ભાગવત સાથે રાજેન્દ્રસિંહ રાણા.

આપ અને કોંગ્રેસના ભવિષ્ય અંગે આપ શું માનો છો?
કોંગ્રેસના ભવિષ્યના સંદર્ભે શંકા રાખવાનું કોઈ કારણ નથી. અનુભવી અને સૌથી જૂની પાર્ટી છે. હા, સમય સંજોગો મુજબ એમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે એ અલગ વિષય છે. આમ આદમી પાર્ટીનું ગુજરાતના સંદર્ભમાં નવી એન્ટ્રી છે એટલે એકદમથી મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે. પરંતુ 8મી તારીખે જે પરિણામો આવે છે, હું વિધાનસભાના કે લોકસભા ચૂંટણીમાં ગુજરાતના પોલિટિક્સ અને વોટર્સના માઇન્ડને સમજી શક્યો છું ત્યાં સુધી તો મને લાગે છે કે ગુજરાતની બેઝિક મેન્ટાલિટી એ કોંગ્રેસ અને બીજેપી વચ્ચે જે પસંદગી કરવાની એ જ પેટર્ન દેખાય છે. કોંગ્રેસનું ભવિષ્ય નથી ને જે એવું બધું છે એ ઠીક નથી અને લોકશાહી માટે પણ ઠીક નથી. એક સબળ વિરોધ પક્ષ, સારો વિરોધ પક્ષ, સક્ષમ વિરોધ પક્ષ જોઇએ એ પછી કોઈપણ પાર્ટી હોય.

બિલ્કીસબાનુના રેપિસ્ટોને માફી આપવા અંગે શું કહેશો?
બિલ્કિસબાનુ જે આખો કેસ છે એમાં સુપ્રીમ કોર્ટના કે જે બાકીના ચુકાદા આવ્યા છે એમાં આખો બિલ્કિસબાનુ કેસ છે. એમાં પડદા પાછળ જે ટોળી હતી અને એક-બે પાત્રો જ બહાર દેખાતાં હતાં, એમાનાં જ તિસ્તા સેતલવાડ છે. તિસ્તા સેતલવાડજીની જે હિસ્ટ્રી છે અને એમની જે કામ કરવાની પદ્ધતિ રહી છે એ જોતાં મને લાગે છે કે જે થયું છે તેમાં બાકી બીજો કોઈ હોબાળો કરવાનો મતલબ દેખાતો નથી, કારણ કે પ્લાન્ડ વેમાં ઊભું કરાયેલું અથવા તો તેને દિશા આપવાનું કામ એક ચોક્કસ પ્રકારની મેન્ટાલિટીવાળાએ કર્યું એટલે મને લાગે છે કે જે નિર્ણય આવ્યો છે એમા કંઈ ખોટું તો છે નહીં.

રાજેન્દ્રસિંહ રાણાના ચરણસ્પર્શ કરી રહેલા સી.આર.પાટીલ
રાજેન્દ્રસિંહ રાણાના ચરણસ્પર્શ કરી રહેલા સી.આર.પાટીલ

તમારા પરિવારમાં કોણ કોણ છે?
પરિવારમાં મારાં બા, પત્ની, પુત્ર, પુત્રવધૂ છે. અત્યારે અમે પાંચ લોકો છીએ. સૂર્યપદમ સિંહ મારવેલ એન્ટરપ્રાઇઝ નામથી પોતાની ફર્મ ચલાવે છે. આમ તો તેણે લોમાં ડોક્ટરેટ કર્યું છે અને અંગ્રેજી સાહિત્યમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...