શું લાગે છે?:કોંગ્રેસની સરકાર બને તો પ્રિયંકા ગાંધી ગુજરાતના મુખ્યમંત્રી બનશે? બોટાદમાં પૂર્વ મંત્રીને જાહેરમાં બેફામ ભાંડ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાનાફૂસી, કાવાદાવાથી માંડીને ગુસપુસ, ગોસિપ અને હાંક્યે રાખો! ગપગોળામાંથી કેટલું ગાળવું ને કેટલું છાનુંછપનું ઉઘાડું કરવું એનાં લેખાં-જોખાં લઈને તમારી સમક્ષ મૂકીશું. દિવ્ય ભાસ્કર પર ચૂંટણીને લઈ સૌના મનમાં ઊઠતો એક જ સવાલ 'શું લાગે છે' તમને દરરોજ વાંચવા મળશે, જેમાં ગુજરાતના રાજકારણની અજાણી અને રસપ્રદ વાતો. ચટાકેદાર ચૂંટણીની અંદરની વાતો જાણવા માટે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ...

નારાજી હોય અને બળાપો પણ નીકળે, પણ ગાળો થોડી કાઢવાની હોય?
આ વખતે કૉંગ્રેસની જેમ ભાજપમાં પણ કકળાટ જાગ્યો છે. ટિકિટ વહેંચણી પછી અસંતોષ, વિરોધ, બળવો એ બધું જ કૉંગ્રેસી કલ્ચર ભાજપમાં પહોંચી ગયું હોય તેવું લાગી રહ્યું છે. કૉંગ્રેસ-મુક્ત ભારતની જગ્યાએ કૉંગ્રેસ-કલ્ચર-યુક્ત ભાજપ બની ગયું છે તેવો બળાપો સંનિષ્ટ ભાજપના સમર્થકો કાઢી રહ્યા છે. કમલમમાં તાળા મારવા પડે તેવી સ્થિતિ હતી. નારાજ થયેલા નેતાઓ જાહેરમાં નિવેદનો પણ કરી રહ્યા છે, પણ આ બધા વચ્ચે બોટાદમાં જાણે બંધ જ તૂટી ગયો. સુરેશ ગોધાણીએ બોટાદમાંથી ટિકિટ માંગી હતી. તેઓ ભાજપના જિલ્લા પ્રમુખપદે રહી ચૂક્યા છે. તેમણે અમરેલી જિલ્લાના પ્રભારી તરીકે પણ કામગીરી બજાવી હતી. આ વખતે સૌરભ દલાલ બદલાશે તેની ખાતરી હતી એટલે સુરેશભાઈને સારી તક દેખાતી હતી.પરંતુ પોતાને ટિકિટ ના મળી એટલે ગિન્નાયા છે. વધારે એટલે બગડ્યા છે કે કૉંગ્રેસમાંથી આવેતુને આગળ કરી દેવાયા અને પોતે રહી ગયા. ખાનગીમાં બળાપા કાઢ્યા પછી હવે જાહેરમાં રોષ ઠાલવી રહ્યા છે. જાહેર મંચ પર તેઓ બેફામ વાણીવિલાસ કરવા લાગ્યા છે અને સૌરભ પટેલ ખરેખર દલાલ જ વગેરે જેવું બોલવા લાગ્યા છે. સૌરભ પટેલની મૂળ અટક દલાલ પણ છે, પરંતુ ગાળો કાઢવા જેવો વાણીવિલાસ વાતને વકરાવશે એવી ચિંતા વડિલો કરી રહ્યા છે.

કોંગ્રેસનું મૌન હવે ભાજપને બહુ ભારેખમ લાગી રહ્યું છે
પંજાબમાં વિજય પછી આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય થઈ ગઈ હતી અને તેનો હાઇ વૉલ્ટેજ પ્રચાર શરૂ થઈ ગયો હતો. પરંતુ હજી સુધી કૉંગ્રેસ ક્યાંય જાણે દેખાતી જ નથી. કૉંગ્રેસ બાજી હારી ચૂકી હોય એવી કોઈ વાત આમાં નથી, ઉલટાની જોરદાર ચાલ ચાલી હોય તેવું લાગ્યું છે. મૌન રહો અને લોકોના મન સુધી પહોંચવા ઘરઘર પહોંચો એવી વ્યૂહરચનાને કારણે ભાજપની નેતાગીરી મૂંઝાઇ છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં જ સરકારી ખર્ચે ભાજપે ધૂમ પ્રચાર કરી લીધો - પીએમ મોદી, અમિત શાહ અને સીએમના પણ અનેક કાર્યક્રમો થઈ ગયા. કેજરીવાલ, ભગવંત માન અને સિસોદીયા જેવા નેતાઓ સતત બેઠકો અને ટાઉનહોલમાં મિટિંગો કરતા રહ્યા. આ બધા વચ્ચે કૉંગ્રેસમાં કોઈ હલચલ જ નહોતી. કોઈ રાષ્ટ્રીય નેતાઓની રેલીઓ પણ નહીં, રોડશો નહીં, કોઈ મોટી જાહેરાતો નથી. તેના બદલે કૉંગ્રેસના મજબૂત ધારાસભ્યો ગામડામાં ખાટલા પરિષદો કરી રહી છે એવું પીએમે કહેવું પડ્યું. આ વખતે મને ગાળો પણ ભાંડી રહ્યા નથી અને તે કામ આઉટસોર્સ કરી નાખ્યું છે એવું કહીને વાતને વાળવાની કોશિશ પણ કરી. પણ કૉંગ્રેસ કોઈ ટ્રેપમાં આવી જ નથી અને કોઈ જાતનો કકળાટ ના થાય તેની કાળજી લઈને નેતાઓ પોતપોતાના કામે લાગી ગયા. બોલીને બગાડવું નહીં એવું આપણે કહેતા હોઈએ છીએ, પણ મૌન પણ બહુ અકળાવનારું હોય. મૌન લાંબુ ચાલે ત્યારે ભારેખમ થવા લાગે અને એવું જ થયું છે - ભાજપને હવે કૉંગ્રેસના મૌનનો ભાર લાગવા લાગ્યો છે.

પુત્રનું ગોઠવાયું, પણ પિતાનો હજી મેળ પડતો નથી
આ વાત વસાવા પરિવારની નથી. મહેશ વસાવાએ પિતા છોટુભાઈને જ ઘરે બેસાડી દીધા, પણ ત્યાં હવે વાત થાળે પડી છે. પિતા માટે મહેશ વસાવાએ ફરીથી બેઠક ખાલી કરી આપી, પરંતુ બીજા એક પિતાને હજી પ્રવેશ મળ્યો નથી. અહીં વાત છે શંકરસિંહ વાઘેલાની. તેમના પુત્ર મહેન્દ્રસિંહનો કૉંગ્રેસ પ્રવેશ થઈ ગયો છે અનેબાયડની ટિકિટ મળી ગઈ છે. પરંતુ શંકરસિંહ વાઘેલા સત્તાવાર રીતે કૉંગ્રેસમાં જોડાઈ તેનું મૂહૂર્ત આવી રહ્યું નથી. કેન્દ્રીય નેતાગીરીની હાજરીમાં તેમના સ્વાગતની વાત છે, પણ તે થાય ત્યારે ખરું. અત્યારે કૉંગ્રેસના લોકો જૂના અનુભવનેઆધારે કહી રહ્યા છે કે સીધો જ બાપુનો પ્રવેશ ના કરાવવાનો જોઈએ. આ વખતે તેમને નાણવાની જરૂર છે. લિટમેસ ટેસ્ટ કરવો જોઈએ. તેમને અમુક સમય પ્રોબેશન જેવું આપીને પક્ષમાં લેવાના ખરા, પણ પછી જોવાનું કે તેઓ કાયમી થવાના છે કે કેમ... તે પછી જ કાયમી ગણીને કોઈ હોદ્દો આપવો જોઈએ એવું કાર્યકરો કહી રહ્યા છે.

મીડિયા મેનેજમેન્ટ અને આઈટીની આવડત બંને બાબતમાં આપ બરોબરિયું
સોશ્યલ મીડિયાની ભૂમિકા 2014થી ચર્ચામાં રહી છે અને હવે તો બધા જ પક્ષો શીખી ગયા છે. પરંતુ ભાજપના નેતાઓ ખાનગીમાં કબૂલ કરે છે કે આમ આદમી પાર્ટીનું મીડિયા મેનેજમેન્ટ અને આઈટી એટલે કે સોશ્યલ મીડિયાના ખેલ બંને બાબતમાં તે ભાજપ બરોબરિયાની ભૂમિકામાં આવી ગઈ છે. 2014માં ભાજપની જીતમાં સોશ્યલ મીડિયામાં પ્રચારનો સિંહ ફાળો હતો. ભાજપનું મીડિયા સેલ એકદમ મજબૂત બની ગયું હતું, જ્યારે કૉંગ્રેસમાં આઈટી સેલનો વિચાર પણ હજી આવ્યો નહોતો. બીજી બાજુ અન્ના આંદોલન વખતથી જ સોશ્યલ મીડિયાની તાકાતને સમજી ગયેલા આપના નેતાઓ રાજકીય રીતે તેને વધારે ધારદાર હથિયાર તરીકે વાપરવાનું શીખી ગયા હતા. આ વખતે ગુજરાતમાં તેનો પરચો મળી રહ્યો છે. ખાનગીમાં ભાજપના નેતાઓ સ્વીકારી રહ્યા છે વિડીયો કે ક્લિપો વાઇરલ કરવાની હોય, સોશ્યલ મીડિયામાં કમેન્ટ્સનો મારો ચલાવવાનો હોય, મુદ્દો ઊભો થાય ત્યારે વાતને જુદી જ દિશામાં વાળી દેવાની હોય - આ બધી જ બાબતમાં આપ ટક્કર આપી રહી છે. હવે એવું થયું કે ભાજપના આઈટી સેલમાં સતત આમ આદમી પાર્ટીના આઈટી સેલની ઍક્ટિવિટીને મોનિટર કરે છે.

મહેમાન બનીને નથી આવ્યો, ધામા નાખવા આવ્યો છું
પરાણે પરોણા અને મહેમાનને પ્રેમથી રાખો તો માથે પડે અને ધામા નાખે... એ બધી કહેવતો છે, સામાજિક રીતે ચાલે, પણ રાજકીય રીતે ના ચાલે. આયાતી ઉમેદવારો એટલે કે કોઈ મતવિસ્તારમાં મહેમાનની જેમ બહારથી ઉમેદવાર આવ્યા હોય ત્યારે કોઈ પ્રેમથી આવકારો આપે નહીં. મોવડીઓ ટિકિટ આપે અને બીજા મતવિસ્તારમાં મોકલે, પછી સ્થાનિક હોદ્દેદારોના મનામણા કરવા પડે. ભાજપમાં આ વખતે ઘણાની બેઠકો બદલાય છે, ઘણાને અણધાર્યા વિસ્તારમાં મોકલાયા છે. આવા એક નેતાએ જઈને કહેવું પડ્યું એટલે કે કહેવતથી ઊંધી વાત કરવી પડી કે હું તો ધામા નાખવા આવ્યો છું. મહેમાનની જેમ જતો રહેવાનો નથી. મજાકના સ્વરમાં કહ્યું ને પછી આત્મિયતા દાખવવા કહ્યું કે આપણે સૌ એક જ પક્ષના છીએ. હું તમારો સૌનો જ છું. આપણે પક્ષને જીતાડવાનો છે. હું તો નિમિત્ત છું વગેરે. ટૂંકમાં માનંવતા મહેમાનની લેવાય એવી કાળજી હું બાદમાં તમારી કાયમ લઈશ એવી બહુ આજીજીઓ કરવી પડી હતી. એ બધી વાતોમાં વિસ્તારના પ્રશ્નોની તો ચર્ચા જ ના થાય.

અમે સરકાર બનાવી દઈશું, તમે પ્રિયંકાબેનને સીએમ બનાવી દેજો
ટિકિટનો મામલો પૂરો થઈ ગયો છે અને કકળાટ પણ શમી ગયો છે. એટલે હવે કૉંગ્રેસના ઉમેદવારો પોતપોતાની રીતે ચૂંટણી પ્રવાસમાં નીકળી પડ્યા છે. રોજેરોજનો કાર્યક્રમ ગોઠવાઈ જાય છે અને ગામેગામ સભાઓ ગોઠવાઈ રહી છે. નાના ગામોમાં પ્રચારમાં તો શું હોય બીજું, થોડું ભાષણ હોય પણ વધારે તો રામરામ ને જેશ્રીકૃષ્ણ ને જય માતાજી હોય અને સૌ મજામાં છોને એવી વાતું પણ હોય. ગામ લોકો સાથે વાતચીત થાય એટલે જાતભાતની વાતો નીકળે. ઉત્તર ગુજરાતના એક ઉમેદવાર ટેકેદારો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે એક જણાએ કહ્યું કે અમે તો મત આલવાના અને સરકાર બનાવી દઈશું. બસ કૉંગ્રેસની સરકાર બને એટલે તમે પ્રિયંકા ગાંધીને બોલાવીને મુખ્ય મંત્રી બનાવી દેજો. કાર્યકર તો ઉત્સાહમાં ભોળાભાવે વાત કરી રહ્યા હતા, પણ ઘણા લોકો આ સાંભળીને હસી પડ્યા. ઉમેદવારે તેમને સમજાવ્યા કે મુખ્ય મંત્રી આપણે ગુજરાતમાંથી જ અને આંહીથી જીતે તેમને જ બનાવવાના હોય. તમે સીએમનું શીદ વિચારો છો, મત લઇ આવો ખોબા ભરીને એટલે સરકાર બને.

અન્ય સમાચારો પણ છે...