કાનાફૂસી, કાવાદાવાથી માંડીને ગુસપુસ, ગોસિપ અને હાંક્યે રાખો! ગપગોળામાંથી કેટલું ગાળવું ને કેટલું છાનુંછપનું ઉઘાડું કરવું એનાં લેખાં-જોખાં લઈને તમારી સમક્ષ મૂકીશું. દિવ્ય ભાસ્કર પર ચૂંટણીને લઈ સૌના મનમાં ઊઠતો એક જ સવાલ 'શું લાગે છે' તમને દરરોજ વાંચવા મળશે, જેમાં ગુજરાતના રાજકારણની અજાણી અને રસપ્રદ વાતો. ચટાકેદાર ચૂંટણીની અંદરની વાતો જાણવા માટે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ...
ખુલ જા સીમ સીમ ના થાય એ માટે સિમ બીજાનું
જાસૂસી રાજકારણનો અનિવાર્ય હિસ્સો છે. અનેક રીતે જાસૂસી થતી રહે છે અને સત્તામાં બેઠા હોય તે લોકો ફોન ટેપ કરાવી લેતા હોય છે. એ સિવાય હવે ડિજિટલ એજમાં લોકેશન પણ પકડાઇ જાય છે અને ઘણા લોકો ડમી કોલ કરીને વાત કરી લે, રેકર્ડ કરી લે અને પછી વાઇરલ કરી દે. ખુલાસા કરવાનો પછી અર્થ રહેતો નથી. એથી ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ વાતનું ખુલ જા સીમ સીમ ના થઈ જાય, કોલ રેકર્ડિંગ ના થઈ જાય, લોકેશન ખાનગી રહે, ફોન ટેપ ના થાય તેની કાળજી માટે નેતાઓ બીજાના નામે સીમ કાર્ડ વાપરતા થયા છે. નેતાઓના વર્તમાન ફોન ચાલુ છે, પણ તેમાં ભાગ્યે જ કોઈ નેતા લાંબી વાત કરે છે. ઘણા બધા હવે વૉટ્સઅપ કોલનો જ આગ્રહ રાખે છે, જેથી વાત ખાનગી રહે. પણ અત્યારે ચૂંટણી પ્રચાર વચ્ચે સતત બીજા સાથે વાતચીત કરતી રહેવી પડે. ફિલ્ડમાં ફરતી હોય તે ટીમ સાથે પળેપળની જાણકારી રાખવી પડે અને તેમની સાથે લાંબી ચર્ચા પણ કરવી પડે. પાકી સૂચના આપવી પડે જેથી કાચું કપાઈ ના જાય. એટલે જ ફોન સતત રણકતો રાખવો પડે, પણ તેની અંદરનું સીમ બીજા કોઈ સામાન્ય માણસનું રાખવાનું... વિવાદ થાય ત્યારે હાથ ઊંચા કરી દેવાના કે મારો ફોન છે જ નહીં.
કૉંગ્રેસ કાર્યાલયે એક મુલાકાતી આવ્યાં અને માહોલ બદલાઈ ગયો
કોંગ્રેસની યાદી જાહેર થઈ તે પછી કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવવા લાગ્યા હતા. એક બેઠક માટે વધારે આક્ષેપો થયા અને થોડી તોડફોડ પણ થઈ ગઈ. આ બધી ધમાલ વચ્ચે સવારે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય પર એક સ્વરૂપમાં યુવતી મુલાકાતે આવી હતી. ખુલ્લા વાળ અને સુંદર ચહેરામહોરા સાથેનાં આ મુલાકાતીને કારણે કોંગ્રેસ કાર્યાલયમાં થોડી વાર માહોલ બદલી ગયો. ધમાલ કરવા માટે લોકો આવે તેના કરતાં અલગ પ્રકારના મુલાકાતીથી બહાર વિરોધ કરી રહેલા લોકોનું પણ ધ્યાન ખેંચાયું. કોંગ્રેસના એક મોટા નેતાની ટૂંકી મુલાકાત બાદ યુવતી તો જતી રહી, પણ વિરોધ કરનારા થોડી વાર પોતે શા માટે વિરોધ કરવા આવ્યા હતા તેના બદલે આ મુલાકાતી કેમ આવ્યાં હશે તેની ગુસપુસ કરવામાં લાગ્યા હતા.
ટોણાંની યાદીમાં વધારો થાય તેવી ડ્રામેબાજી આ વખતે લાગે છે
રાજકારણની એક અલગ પરિભાષા છે. અહીં કહેવાનું કૈંક હોય છે અને બોલવામાં આવતું હોય છે બીજું. આયારામ ગયારામ હરિયાણાનો શબ્દ આખા દેશમાં ફેલાયો હતો. ગોવામાં આલેમો ગેલેમો એવી ચર્ચા થયેલી, પણ તે શબ્દ હજી પકડાયો નથી. ગુજરાતમાં કેશુભાઈ સામે વાઘેલાને ઉશ્કેરવામાં આવ્યા ત્યારે બળવો થયો પછી બહુ બધા શબ્દો આવ્યા હતા. તે બધા રાજકીય પરિભાષામાં ટોણાંની સૂચિમાં સામેલ થઈ ગયા છે. બળવો કરીને ખજૂરાહો ગયા તે ખજૂરિયા, પક્ષની હાજી હા કરનારા હજુરિયા અને સત્તા પણ ના મળી અને સંગઠનનું કામ કરતાં રહ્યા તે મજૂરિયાં એવા શબ્દો હતા. કૉંગ્રેસમાંથી સાગમટે ભાજપમાં ભરતી થતી રહી તે પછી પાથરણાં પાથરનારા એવો ટોણો મારવામાં આવતો. તમારે તો પાથરણાં પાથરવાના અને ખુરશીઓ ગોઠવવાની. એવો જ એક શબ્દ છે પગલૂંછણિયા. ભાજપમાં ભેળવી દેવાના પછી ઉંબરે પગલૂંછણિયા તરીકે રાખી દેવાના. જોકે ભાજપમાં આના માટે બીજા શબ્દો પણ ચાલતા રહ્યા છે - સરકારમાં આવીને ધંધો સાચવી લેનારા ધંધાર્થી, મોટા નેતાઓના કહેવા પ્રમાણે કામ કરીને કે તેમની ગરજનો લાભ લેનારા લાભાર્થી અને પેલા મજૂરિયાની જેમ... માત્ર પક્ષનું કામ કરનારા સેવાર્થી વગેરે.
વડોદરામાં વૈષ્ણાવાચાર્યની ભલામણથી ટિકિટ મળ્યાની ચર્ચા
વડોદરાની સયાજીગંજ બેઠક માટે ભાજપે લાંબી કસરત કર્યા બાદ મેયર કેયુર રોકડીયાને પસંદ કર્યા હતા. વડોદરાના એક વૈષ્ણવાચાર્યએ દિલ્હી સુધી ભલામણ પહોંચાડી તેના કારણે ટિકીટ મળી હોવાનું શહેર ભાજપમાં ચર્ચાઇ રહ્યું છે. વૈષ્ણવાચાર્યે થોડા વખત પહેલાં એક ભવ્ય સમારોહ કર્યો હતો. તેમાં દિલ્હીના વરિષ્ઠ નેતાને આમંત્રિત કરાયા હતા. તેમનું એરપોર્ટ પર ભાવભીનું સ્વાગત કરાયું હતું અને વૈષ્ણવ યુવા રેલી સાથે તેમને સ્થળ સુધી લવાયા હતા. રસ્તામાં તેમને આવકારતા હોર્ડિંગ્ઝ પણ નજરે ચડતા હતા. કેયુરભાઈ ખડાયતા વૈષ્ણવ છે. વડોદરામાં વૈષ્ણવને ટિકીટ આપવા માટે માગણી પણ થઈ હતી. તેના કારણે સયાજીગંજ બેઠક ઉપર અન્ય વૈષ્ણવ દાવેદારો પણ હતા, પરંતુ વૈષ્ણવાચાર્યની સેવામાં સદાય હાજર રહેતા કેયુરભાઈને તક મળી ગઈ. ભાજપના નેતાઓ દ્વારા અને હર્ષ સંઘવી દ્વારા પણ કાર્યક્રમોમાં અમુક પ્રસંગે રોકડિયાની અપમાનજનક સ્થિતિ થઈ હતી, પણ હવે તેઓ જ સન્માનનીય ઉમેદવાર બની ગયા છે.
ચૂંટણી ટાણે આઇટી રેડ એટલે પૂછાય તો ખરુંને કે શું ફંડમાં વાંકું પડ્યું?
રોકડની હેરફેર માટે સ્થાયી દેખરેખ ટુકડી કામે લાગેલી છે ... અરે ભઈ અમે સ્ટેટિક સર્વેલન્સ ટીમની વાત કરીએ છીએ. સમજી ગયાને? ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું! ચાલો મૂળ વાત કરીએ કે રોકડની હેરફેર પર નજર રાખવાની હોય છે, પણ ચૂંટણી દરમિયાન આઇટીની કે ઈડીની કાર્યવાહી થાય ત્યારે તેને ચૂંટણી ફંડ સાથે જોડવામાં આવે તો જ નવાઈ. આઇટી પોતાની રીતે રેઇડ કરતી રહેતી હોય છે, પણ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટ અને અન્યત્ર બે મોટી આઇટી કાર્યવાહી થઈ છે. સૌરાષ્ટ્રના અમુક મોટા માથાને હડફેટે લઈ લેવાયા છે. ઘણી બેનામી સંપત્તિ પણ મળી છે. મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓમાં ચર્ચા છે કે ફંડમાં વાંકું પડ્યું લાગે છે... પોતે તો શક્તિ મુજબ ડોનેશન આપી આવ્યા હોય એટલે આમ બહુ ચિંતા ના હોય, પણ ખબર નહીં નેતાઓને ફંડ ઓછું પડ્યું હોય કે વાંકું પડ્યું હોયતો આઇટીને મોકલે પણખરા. ધ્યાન રાખતા રહેવું, બીજું શું!
કાઉન્ટ ડાઉન ઘડિયાળ - રાજસ્થાનમાં ફળી એવી ગુજરાતમાં કૉંગ્રેસને ફળશે
રાજસ્થાનમાં ગત ચૂંટણી વખતે કૉંગ્રેસ કાર્યાલય પર સમયનો તકાજો યાદ રહે તે માટે રિવર્સ કાઉન્ટ ડાઉનની એક ઘડિયાળ લગાવાઈ હતી.માથે ચૂંટણી છે અને હવે આટલા દાડા જ બાકી છે એવું રોજ આ ઘડિયાળ યાદ કરાવે. રાજસ્થાન કૉંગ્રેસે મહેનત પણ કરી અને સત્તા પણ મળી એટલે ઘણા તેને લકી ઘડિયાળ ગણવા લાગ્યા હતા. આવી જ લકી ઘડિયાળ હવે ગુજરાત કાર્યાલયની બહાર પણ લગાડવામાં આવી છે. કાઉન્ટ ડાઉન જોઈને કેવું કામ થયું તે સમય જ કહેશે, પણ આ ઘડિયાળ લગાવ્યા બાદ ઉલટાનું એવું થયું કે કોંગ્રેસ કાર્યાલય પર સતત વિરોધ પ્રદર્શનો થવા લાગ્યા છે. આ વખતે લાંબો સમય સુધી પક્ષમાં શાંતિ રહી હતી અને છેલ્લે જ અસંતોષ જાગ્યો હતો. યોગાનુયોગે કાઉન્ટ ડાઉન ઘડિયાળ લાગી અને રાબેતા મુજબ કાર્યકરો આવીને વિરોધ અને તોડફોડ કરવા લાગ્યા એટલે કેટલાકે કટાક્ષ કર્યો કે કાઉન્ટ ડાઉન ખરું, પણ શેનું...
કદીર પીરઝાદાનું નામ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બાકાત
સુરતના મેયર રહી ચૂકેલા કદીર પીરઝાદા દક્ષિણ ગુજરાતમાં કૉંગ્રેસના મોટા નેતા રહ્યા છે. તેમને સૂરત પૂર્વની ટિકિટ પણ પાર્ટી આપતી, પણ પીરઝાદા હારી જાય તોય સ્ટાર પ્રચારક તરીકે તેમને મુસ્લિમ વિસ્તારમાં ફેરવવામાં આવતા. હા, હા, સૂરત પૂર્વ એટલે સાયકલવાળાને જ્યાં ટિકિટ આપી છે તે અને જ્યાં કંચન જરીવાલાએ જોરદાર ડ્રામા જગાવ્યો છે એ વિસ્તાર. જરીવાલા અરવિંદ રાણાના મતો કાપે તેમ હતા એટલે તેમને બેસાડી દેવાયા એ જાણીને કૉંગ્રેસીઓ નિરાશ છે, પણ આમ આ વાત રાજી છે. જરવાલા નહીં, પીરઝાદાની વાતે રાજી છે કે તેમનું નામ સ્ટાર પ્રચારકોમાં નથી. બસ મેયર બની ગયેલા તે પછી મીર માર્યો હોય તેમ અને અહમદ પટેલની ભલામણ હોય એટલે સ્ટાર પ્રચારક ગણાઈ જાય, પણ લઘુમતી કાર્યકરો જ કહેતા રહેતા કે શાના સ્ટાર પ્રચારક? કોના સિતારા તેમણે ચમકાવ્યા?
અમે કાર્યકરો છીએ કે ઓનલાઇન ભણનારા નિશાળિયા છીએ?
ભાજપના કાર્યકરો મનોમન આવું વિચારતા થઈ ગયા હતા. પોતે જાણે નિશાળિયા હોય, રાજકારણના વિદ્યાર્થીઓ હોય અને માસ્ટર આગળ ભણવાનું હોય તેવું થયું હતું. આ વાત સાબરમતી મતવિસ્તારની છે. અહીં આ વખતે ભાજપે ડૉ. હર્ષદ પટેલને ટિકિટ આપી છે. તેમને હર્ષદ દાઢીના નામે અમદાવાદમાં સૌ ઓળખે. તેઓ વેજલપુર વિસ્તારની આર. આર. દ્વિવેદી શાળાના આચાર્ય તરીકે રહી ચૂક્યા છે એટલે કે મૂળભૂત રીતે શિક્ષક. સાબરમતી વિધાનસભા મતવિસ્તારમાં ઉમેદવારી પછી કાર્યકરો સાતે તેમને મિટિંગો કરવી જરૂરી બની. હવે કોરોના વખતે વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવ્યા હતા. વર્ચ્યુઅલ જગતનો એ અનુભવ તેમને ગમી ગયો હશે કે જે હોય તે તેમણે ચૂંટણીલક્ષી ચર્ચા માટે કાર્યકરો સાથે પણ વર્ચ્યુઅલ મીટ ગોઠવી કાઢી. લગભગ એકાદ કલાક સુધી ઓનલાઇન બેઠક ચાલી ત્યારે રૂબરૂ મળવા અને હળવામળવા ટેવાયેલા કાર્યકરો વિચારવા લાગે કે અલ્યા, આપણે કાર્યકરો છીએ કે ઓનલાઇન સ્ટુડન્ટ્સ બની ગયા!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.