શું લાગે છે?:ભાજપનાં મહિલા નેતાઓ અંદરોઅંદર બાખડ્યાં, લાફાબાજી કરી બેફામ ગાળો ભાંડી, એકબીજાના વાળ ખેંચ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાનાફૂસી, કાવાદાવાથી માંડીને ગુસપુસ, ગોસિપ અને હાંક્યે રાખો! ગપગોળામાંથી કેટલું ગાળવું ને કેટલું છાનુંછપનું ઉઘાડું કરવું એનાં લેખાં-જોખાં લઈને તમારી સમક્ષ મૂકીશું. દિવ્ય ભાસ્કર પર ચૂંટણીને લઈ સૌના મનમાં ઊઠતો એક જ સવાલ 'શું લાગે છે' તમને દરરોજ વાંચવા મળશે, જેમાં ગુજરાતના રાજકારણની અજાણી અને રસપ્રદ વાતો. ચટાકેદાર ચૂંટણીની અંદરની વાતો જાણવા માટે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ...

એક જ એન્જિનની વાત કરો છો તો બીજું એન્જિન બંધ છે કે શું?
સુરતની કતારગામ વિધાનસભા બેઠકમાં વધુ એકવાર ઉમેદવારી કર્યા પછી વિનુ મોરડિયાએ પ્રચાર શરૂ કરી દીધો છે. તેમણે જાહેરસભા યોજી એમાં સતત નરેન્દ્ર મોદીનો રાગ જ આલાપ્યો. તેમણે પોતાના કામના નામે કે ભાજપની ગુજરાત સરકારના નામે મત માગવાને બદલે માત્ર ને માત્ર મોદીના નામે જ મત માગ્યો હતો. નરેન્દ્ર મોદી પોતે કહેતા હોય છે એ રીતે તમારો મત સીધો મને મળશે. આ વખતે ઉમેદવારે જાતે જ કહ્યું કે તમે મને મત આપો એ મારા માટે નહીં, પણ સીધા નરેન્દ્ર મોદીને આપવા માટેનો મત છે. પીએમ ડબલ એન્જિનની સરકારની વાત કરે છે, પણ એમાં ગુજરાત સરકારના એન્જિને કેટલું ખેંચ્યું એની તો વાત કરો એવું ભાજપના સમર્થકોને પણ લાગ્યું, પણ કદાચ ગુજરાતની વાત કરે એટલે પોતાના વિસ્તારમાં પોતે કરેલી કામગીરીની વાત પણ કરવી પડે એટલે એ વાતને મૂકો પૂળો. સીધા નરેન્દ્ર મોદીના નામે જ મત માગી લો એટલે કામ પતે એમ માનીને તેઓ પ્રચારમાં બસ એક જ એન્જિનનો પાવો વગાડી રહ્યા છે.

ભાજપ મહિલા મોરચાનાં શહેર મંત્રીએ વોર્ડ પ્રમુખને ગાળો ભાંડી અને લાફા ઝીંક્યા
શહેરની પૂર્વની બેઠકનાં એક મહિલા ઉમેદવારનું ફોર્મ ભરવા જતાં પહેલાં શહેર ભાજપ કાર્યાલયના કાર્યક્રમમાં સંપ દાખવવાના બદલે મહિલાઓએ લાફાબાજી કરી અને એકબીજાના વાળ ખેંચ્યા. મહિલા મોરચાનાં શહેર મંત્રીએ વોર્ડ મહિલા પ્રમુખને ગાળો આપીને ફડાકા ઝીંકી દીધા. તેમણે સામે લાફો ચોડી દીધો અને મહિલાઓ રડવા લાગી તથા વાત વધી પડી એટલે સ્ત્રી કાર્યકરો એકબીજાના વાળ ખેંચવા લાગી. શહેર સંગઠન મંત્રી સાથે મહિલા મોરચાનાં વોર્ડ પ્રમુખ પણ હતાં. એ સમયે કાર્યાલયે હાજર મહિલા મોરચાના શહેર મંત્રીએ આ મુદ્દે માથાકૂટ કરી. તમે કેમ વોર્ડ મહિલા પ્રમુખને સાથે લાવ્યા, એમ કહીને શહેર સંગઠન મંત્રી સાથે ગાળાગાળી કરવા લાગ્યાં હતાં. મહિલા મોરચાના શહેર મંત્રીએ હાથ ઉપાડી લીધો અને લાફો મારી દીધો તો સામે વોર્ડ પ્રમુખે પણ ફડાકાવાળી કરી. શહેર સંગઠન મંત્રી પણ વચ્ચે કૂદી પડ્યાં અને મહિલા મોરચાના શહેર મંત્રીના વાળ ખેંચીને ઝપાઝપી કરવા લાગ્યાં. ગાળાગાળી અને આવું નારીયુદ્ધ જોઈને હાજર કાર્યકરો રડવા લાગ્યાં અને માંડ માંડ એકબીજાના જટિયા છોડાવ્યા. વાળ ખેંચાખેંચી પછી સુંદર મજાના કેશ ના રહે, જટિયા જ થઈ જાય.

ઘઉં અને સાડી બાબતે મહિલાઓ જબરી બાખડી
સૌ માટે બહુ ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ હતી અને ફોર્મ ભરતી વખતે મહિલા કાર્યકરોની સંઘશક્તિનું પ્રદર્શન બાજુએ જ રહી ગયું. મામલો કાર્યાલયના ઉચ્ચ પદાધિકારીઓ સુધી પહોંચ્યો હતો. સિનિયરોએ ભારે જહેમત કરીને આ મામલો થાળે પાડ્યો છે. અંગત અદાવતમાં પક્ષનું કામ બગડ્યું એવું થયું હતું. હકીકતમાં આ બહેનો એક વખતે સાથે કામ કરતી હતી. મહિલા મોરચાનાં શહેર મંત્રી સાડીનો ગૃહઉદ્યોગ ચલાવે છે એટલે વોર્ડ પ્રમુખ તેમની પાસેથી સાડીઓ ભરવાનું કામ લઈ આવતાં હતાં. તેમણે બે-ત્રણ મહિના સુધી સાડીનું કામ કર્યું, એ પછી તેની મજૂરી માગી હતી. વચ્ચેના સમયમાં એવું થયેલું કે મહિલા મોરચાનાં શહેર મંત્રીએ તેમને બે વખતે પાંચ-પાંચ કિલો ઘઉં આપ્યા હતા. હિસાબની વાત આવી એટલે તેમણે કહ્યું, ઘઉંના પૈસા આપી દે એટલે મજૂરીનો હિસાબ કરી લઈએ. એ વખતથી બંને વચ્ચે બગડ્યું હતું, પણ હવે ચૂંટણી વખતે કાર્યાલયમાં જ બઘડાટી બોલી... એને કારણે ભાજપની જ બદનામી થઈ.

વિજયભાઈની જીભ લપસી તો ભાજપના કાર્યકરોનાં દિલની વાત આવી ગઈ કે શું?
ભાજપના સ્ટાર પ્રચારકની યાદીમાં વિજયભાઈ રૂપાણીનું નામ છે અને તેમના હસ્તે જ મોરબીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યો. અહીં તેઓ ભાષણ દરમિયાન એવું બોલી ગયા કે કાર્યકરો મોં વકાસી ગયા. તેઓ વિચારવા લાગ્યા કે વિજયભાઈની જીભ લપસી કે પછી આપણા સૌના દિલની વાત તેમના હોઠ પર આવી ગઈ. થયું એવું કે ભાષણમાં કૉંગ્રેસને ભાંડતાં ભાંડતાં તેઓ એવું કૈંક બોલી ગયા કે કૉંગ્રેસમુક્ત ભાજપ કરવાનો છે. કૉંગ્રેસમુક્ત ભાજપ એટલે શું - શું ભાજપમાંથી કૉંગ્રેસીઓને દૂર કરવાના? જોકે તરત તેમણે વાત વાળી લીધી અને કહ્યું કે કૉંગ્રેસમુક્ત ભારત કરવાનું છે. એ બરાબર, કેમ કે કૉંગ્રેસમુક્ત ભારતનો નારો જૂનો છે, પણ ભારતને બદલે ભાજપને કૉંગ્રેસમુક્ત કરવાની વાત સાંભળીને ગણગણાટ શરૂ થઈ ગયો હતો. સૌ જાણે છે કે અત્યારે ભાજપા કૉંગ્રેસયુક્ત થઈ ગઈ છે. કૉંગ્રેસમાંથી આવેલા બધાને ટિકિટ આપી દેવાય, પણ ભાજપના પોતાના દિગ્ગજો કપાઈ ગયા. મોરબીમાં જોકે કૉંગ્રેસમાંથી આવેલા બ્રિજેશ મેરજાને આ વખતે ટિકિટ ના મળી, કેમ કે મોરબી દુર્ઘટના પછી ભારે કફોડી સ્થિતિ થઈ છે. તેઓ અંગ્રેજીમાં ફાડફાડ કરવા ગયા, તેની ફજેતી થઈ અને કાંતિ અમૃતિયા મચ્છુ નદીએ દોડી ગયા હતા, એટલે તેમને ટિકિટ મળી ગઈ છે. મોરબી પૂરતો ભાજપ કૉંગ્રેસમુક્ત થયો ખરો, એટલે આમ જુઓ તો વિજયભાઈની વાણી સાર્થક કહેવાય કે નહીં?

સ્વપરિચયમાં કોણ પોતાની શક્તિ ઓછી આંકે? તો હવે પક્ષને જિતાડો...
કાર્યકરોને કહેવામાં આવે કે તમારો પરિચય બધાની હાજરીમાં આપો, એટલે સ્વાભાવિક છે કે પોતપોતાના એરિયામાં પોતે કેટલા મજબૂત છે એની જ વાત કરવાના. પોતાના વિસ્તારમાં કેવું પ્રભુત્વ છે અને પક્ષ માટે શું શું કર્યું એની જ વાત કરે અને એ રીતે પક્ષ માટે પોઝિટિવ પણ થઈ જાય. આવું જ કૈંક ગાંધીનગર દક્ષિણ બેઠક માટે થયું લાગે છે. કાર્યકર્તા પરિચય સંમેલન યોજાયું અને તેમાં સ્થાનિક હોદ્દેદારો તથા કાર્યકરોએ પોતપોતાનો પરિચય આપ્યો. પરિચય શું સમજોને થોડા થોડા આપ વખાણ પણ કરી લીધા. અલ્પેશ ઠાકોર પણ સંમેલનમાં હતા અને તેમણે પણ પોતાનો પરિચય કાર્યકર્તા તરીકે આપ્યો. આ બધી વિધિઓને કારણે સ્થાનિક ઉમેદવારને કેમ ટિકિટ નથી આપી અને સંગઠન કેમ બહારના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અમને આપી રહ્યું છે એ મુદ્દો જાણે વિસારે જ પડી ગયો. ભાજપને જિતાડવા માટેની જ ચર્ચા તરફ વાતને વાળમાં આવી અને અલ્પેશ ઠાકોરનો વિરોધનો સ્વર હતો તો પણ એ ક્યાંક એમાં દબાઈ ગયો.

ભાજપે ટિકિટ તો ન આપી, કાયમી દરવાજા પણ બંધ કર્યા?
ભાજપમાં જોડાઈ ગયેલા મૂળ કૉંગ્રેસી ધવલસિંહ ઝાલાને બાયડ બેઠકની ટિકિટમાંથી આ વખતે કાપી નાખવામાં આવ્યા. પેટાચૂંટણીમાં તો ભાજપના જ કાર્યકરોએ તેમને હરાવી દીધા હતા એવા આક્ષેપો ત્યારે થયેલા. મૂળ કૉંગ્રેસી કલ્ચર એટલે ઝાલા બસો ભરીને બે હજાર જેટલા કાર્યકરોને લઈને ગાંધીનગર કમલમ્ કાર્યાલય પહોંચી ગયા હતા. કમલમના દરવાજા બંધ કરી દેવા પડ્યા અને ઘેરો ઘાલવામાં આવ્યો હોય એવી સ્થિતિ થઈ હતી. આ ધમપછાડા છતાં ટિકિટ ના જ મળી અને હવે ભવિષ્યમાં કેવી રીતે કોરાણે કરી દેવાશે એ બાકી જ છે. કૉંગ્રેસના જૂના કાર્યકરો યાદ કરવા લાગ્યા કે જતી વખતે અહીંના દરવાજા પણ આ રીતે જ બંધ કરીને ઝાલા ગયા હતા. એ વખતે ઘણાએ સલાહ આપેલી કે ભાજપમાં ના જોડાશો, ભેરવાઈ જશો. એ વખતે તેઓ માન્યા હોત તો આ વખતે 2022માં તેમણે જાતે પણ ટિકિટ માટે રજૂઆત કરવાની રહી ના હોત. આ વખતે બીજા ધારાસભ્યોની જેમ તેમને પણ રિપીટ જ કરી દેવાયા હોત.

વિજાપુરમાં સ્થાનિક નેતાઓ ઉમેદવારી ફોર્મ વખતે ફરક્યા નહીં
વિજાપુર બેઠક પર રમણ પટેલને ટિકિટ આપવામાં આવી એની સામે સ્થાનિક નેતાઓ અને કાર્યકરોની નારાજગી હજી દૂરી થઈ નથી. સ્થાનિક નેતાને ટિકિટ આપવા માટેની માગણી હતી, પણ ભાજપે રમણ પટેલને પસંદ કર્યા છે. એને કારણે રમણભાઈ ફોર્મ ભરવા માટે પ્રાંત કચેરીએ પહોંચ્યા, ત્યારે ત્યાં સ્થાનિક આગેવાનો ફરક્યા નહોતા. વિજાપુરના વર્તમાન ધારાસભ્યને જ ટિકિટ આપવા માટેની લાગણી અને માગણી સ્થાનિક હોદ્દેદારોની હતી, પણ ઉપરથી ફેરફારો થઈ ગયા, એટલે ઘણી જગ્યાએ ભાજપમાં આ વખતે અસંતોષ છે એમાં વિજાપુરને પણ ઉમેરવું પડે એમ છે.

અન્ય સમાચારો પણ છે...