કાનાફૂસી, કાવાદાવાથી માંડીને ગુસપુસ, ગોસિપ અને હાંક્યે રાખો! ગપગોળામાંથી કેટલું ગાળવું ને કેટલું છાનુંછપનું ઉઘાડું કરવું એનાં લેખાં-જોખાં લઈને તમારી સમક્ષ મૂકીશું. દિવ્ય ભાસ્કર પર ચૂંટણીને લઈ સૌના મનમાં ઊઠતો એક જ સવાલ 'શું લાગે છે' તમને દરરોજ વાંચવા મળશે, જેમાં ગુજરાતના રાજકારણની અજાણી અને રસપ્રદ વાતો. ચટાકેદાર ચૂંટણીની અંદરની વાતો જાણવા માટે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ...
દિલ્હી તો દિલ્હી, ગુજરાતમાં પણ દિલ્હીનું પૉલ્યુશન અને ખોં ખોં
પ્રેમ કરો કે ધિક્કારો, પણ અવગણના ના કરી શકો. આવું ઘણાં ક્ષેત્રોમાં થતું હોય છે અને રાજકારણમાં તો વિશેષ. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અણ્ણા આંદોલનથી દેશભરમાં જાણીતા થયા ત્યારથી આ વાત તેમને લાગુ પડે છે. કેજરીવાલને ના પસંદ કરનારા લોકો પણ તેમની વાત કર્યા વિના રહી શકતા નથી. દિલ્હીમાં તો રોજ ભાજપના નેતાઓ અરવિંદ આલાપ લેતા રહે છે, પરંતુ હાલમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અહીં પણ એ જ... કેજરીવાલના નામનો કકળાટ! ગયા અઠવાડિયે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા ગુજરાત આવ્યા હતા ત્યારે એક તો તેમણે ઉપદેશ આપતા હોય એવી લાંબી સ્પીચ આપી. પત્રકારો કંટાળી ગયા હતા, પણ તેમણે શરૂઆત જૂના અને જાણીતા રાગથી જ કરી હતી. તેમણે શરૂઆત કરી કે અમદાવાદ આવીને તેમને સ્વચ્છ હવા શ્વાસમાં લેવાની મળી અને તબિયત સુધરી ગઈ છે. પછી કેજરીવાલ નામનો કટાક્ષ કરતાં કહ્યું હતું કે આજકાલ કોઈની ખાંસી સંભળાય તો કોરોના કોઈને યાદ આવતો નથી. એને બદલે તરત કોઈને થાય કે દિલ્હીવાલ કોઈ આયે. લો બોલો, કેજરીવાલની ખાંસીને પણ ભાજપના પ્રવક્તાઓ ભૂલી શકતા નથી અને તેમના નામે જાતે ખોં ખોં કરવા લાગે છે.
ગુજરાતની ચૂંટણીમાં પ્રશાંત કિશોર ક્યાં છે?
ચૂંટણી અને એમાં પણ ગુજરાત વિધાનસભા જેવી હાઈ પ્રોફાઈલ ચૂંટણી હોય અને કહેવાતા નેશનલ ચાણક્ય પ્રશાંત કિશોર ક્યાંય દેખાય નહીં એવું બને ખરું? પરંતુ હા, આ વખતે આવું બન્યું છે અને ભાજપની લેબોરેટરી ગણાતા ગુજરાતની આટલી મોટી ચૂંટણીમાં PKના હુલામણા નામથી ઓળખાતા પ્રશાંત કિશોર ક્યાંય નથી. છેલ્લે બે મહિના પહેલાં ખોડલધામ 'નરેશ' સાથે ખૂબ બધી મસલતોને લીધે PK થોડી ઘણી લાઈમલાઈટમાં આવ્યા હતા. એ વખતે તો એવું પણ કહેવાતું હતું કે PK ગુજરાત આવવાના જ છે અને એક યા બીજી પાર્ટી કે ગ્રુપને “સલાહ” આપવાના છે, પરંતુ આ વાતનોય પરપોટો ઊડી ગયો અને હવે આ ચૂંટણીમાં પ્રશાંત કિશોર ઉર્ફે PKનું કોઈ નામ પણ લેતું નથી. એક સમયે કહેવાતું હતું કે PK ગુજરાતની ચૂંટણીના ખરા ચાણક્ય બનશે, પરંતુ હવે તો નરેશ પટેલ જ શાંત થઈ ગયા તો PKનો કોણ ભાવ પૂછે?
અપક્ષ તરીકે જિતાડીને ફાયદો શું મેળવવાનો?
દરેક રાજકીય પક્ષ અમુક રીતે અપક્ષોને પણ ઊભા રખાવતા હોય છે. આ તેમની વાત નથી કે અપક્ષોને આગળ કરીને શું ફાયદો. આ અસલ અને પડકારરૂપ અપક્ષ ઉમેદવારોની વાત છે. વડોદરા જિલ્લાની પાંચ બેઠકમાંથી એક બેઠક આ મુદ્દે જ ચર્ચામાં રહી હતી. આ વખતે એક અપક્ષ આ બેઠક પર બાજી મારી જશે એવું લાગતું હતું, પરંતુ બંને પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો નક્કી થઈ ગયા પછી ચિત્ર બદલાયું હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. મતદારોને લાગે છે કે 25 વર્ષ પહેલાં એક અપક્ષને જિતાડ્યા હતા અને પછી છેતરાયા હતા. અપક્ષ પછી કોઈ પક્ષમાં જોડાઈ જતા હોય છે. એવો પણ અનુભવ થયો હતો કે ચૂંટણી પહેલાં અપક્ષ દાવેદારે પોતાની કાળી કમાણીમાંથી ઘણો ખર્ચ મતવિસ્તારમાં કર્યો હતો, પણ ધારાસભ્ય બન્યા બાદ ખર્ચ વસૂલી લીધેલો અને પછી જાતનો જ વિકાસ વધારે કર્યો છે. એ જ વાતનું રિપીટેશન થઈ રહ્યું હોય એમ અપક્ષ દાવેદાર અઢળક નાણાં ખર્ચી રહ્યા છે. ત્યારે મતદારોને જૂની સ્થિતિ યાદ આવી છે અને તેમને લાગે છે કે અપક્ષને જિતાડી દઈએ પછી મતવિસ્તારનો નહીં, પણ ધારાસભ્ય બનેલા અપક્ષનો જ વિકાસ થવાનો છે.
પ્રદેશ પ્રમુખ અને મુખ્યપ્રધાનનું કોઈ માનતું નથી
હર્ષ સંઘવીએ વડોદરામાં જઈને બાજી બગાડી એ પછી પ્રદેશ પ્રમુખ પાટીલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈએ ભાજપના અસંતુષ્ટોને ફોન કરવાનું શરૂ કર્યું, પણ તેમની વાત કોઈ માનવા તૈયાર નહોતું. એને કારણે આખરે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ જાતે જ બાજી સંભાળવી પડી હતી. હકુભાએ પ્રચાર કરવાની પણ ના પાડી દીધી હતી, પણ તેમને ફોર્મ ભરતી વખતે પણ સાથે રહેવા અને સારો સંદેશ જાય એવું કરવા માટે આ બંને નેતાઓએ જ ફોન કરવા પડ્યા હતા. ભરત બોઘરાને એક વખતે જાહેરમાં પાટીલે કહેલું કે આપણે ચૂંટણી લડવાની નથી, પણ તેમને જસદણ નહીં, પણ રાજકોટની આશા હતી. એને બદલે ખોડલધામને ટિકિટ આપી દેવાઈ એ પછી તેમને તર્ક સમજાવવો મુશ્કેલ બની ગયો હતો. ઘણા નેતા ના માન્યા અને રાજીનામાં આપીને અપક્ષ તરીકે ઉમેદવારી કરવા લાગ્યા એ પછી બંને ટોચના નેતાઓએ જાતે સૌને સમજાવવાના કામે લાગવું પડ્યું છે એવું જાણકારો જણાવી રહ્યા છે.
ખંભાળિયામાં તક છે એવું આપણા સર્વે કહે છે, તમતમારે ઝુકાવોઃ કેજરીવાલ
આમ આદમી પાર્ટીએ મુખ્યપ્રધાનના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીને જાહેર કર્યા એ પહેલાં પણ લોકોનો અભિપ્રાય માગ્યો હતો. એ જ રીતે દરેક બેઠક પર સર્વે પણ કરાવાયો હતો. ગુજરાતની ટીમ ઉપરાંત દિલ્હીથી સીધા જ સર્વે થતો હતો. જાણકારી અનુસાર કેજરીવાલે જ ગઢવીને કહ્યું કે પક્ષ માટે અને તમારા માટે ખંભાળિયાની બેઠક જ સૌથી બંધબેસતી છે. દ્વારકા સહિત ત્રણ અન્ય બેઠક માટે પણ સર્વે કરાવાયા હતા, પણ એમાં દિલ્હી અને પંજાબના અનુભવ પ્રમાણે ખંભાળિયા બેઠક ઉત્તમ રહેશે તેવું તારણ આપની ટોચની ટીમે કાઢ્યું હતું. ઈસુદાન દ્વારકા સહિત અન્ય બેઠક માટે પણ અવઢવમાં હતા, પણ કેજરીવાલે આત્મવિશ્વાસ અપાવ્યો કે આ જ બેઠક આપણે જીતવાના છીએ, માટે તમતમારે ઝુકાવો.
ચૂંટણી આવી, ઉધારી યાદ આવી
ઘણીવાર એવું કે દોસ્તાર એકવાર ઉધાર લઈ જાય પછી દેખાતો બંધ થઈ જાય, પણ આ વખતે ચૂંટણીમાં એવું થયું કે બે પરિચિતો આમનેસામને આવી ગયા છે. ચર્ચા મુજબ કૉંગ્રેસના એક ઉમેદવાર પાસેથી ગત ચૂંટણી વખતે એક જણ પાંચ હજાર રૂપિયા લઈ ગયો હતો. એ વખતે કૉંગી નેતા પ્રચાર કરી રહ્યા હતા અને ભાજપના એક કાર્યકર્તા મળ્યા પાંચ હજાર રૂપિયા લઈ ગયા હતા. ચૂંટણીમાં લાખો ખર્ચવાના થતા હોય છે અને ઘણીવાર પોતાનાય ખરા અને પારકાય કાર્યકરોને સાચવી લેવા પડતા હોય છે. પાંચ હજાર રૂપિયા લઈને કાર્યકર ગયા તે ગયા ને કૉંગ્રેસના નેતા પણ ચૂંટણી અને એ પછીનાં પરિણામોને કારણે વ્યસ્ત થઈ ગયા હતા. તેઓ વાત ભૂલી ગયા હતા, પણ હવે જુઓ યોગાનુયોગ, જે કાર્યકર પાંચ હજાર રૂપિયા લઈ ગયા હતા એ જ હવે સામે ચૂંટણી લડવા આવી ગયા છે! કેટલાક લોકોને ઉધારીની વાત યાદ આવી ગઈ એટલે હસી પડ્યા કે હવે સામે આવ્યા પણ એમ કંઈ મળવાના નથી અને મળે તોય અત્યારે કંઈ ઉઘરાણી થોડી થશે...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.