શું લાગે છે:શું AAPએ CM ચહેરાને પસંદ કરવામાં થાપ ખાધી? PAASના કારણે વિવાદાસ્પદ પૂર્વ મંત્રીનો મેળ પડી ગયો

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાનાફૂસી, કાવાદાવાથી માંડીને ગુસપુસ, ગોસિપ અને હાંક્યે રાખો! ગપગોળામાંથી કેટલું ગાળવું ને કેટલું છાનુંછપનું ઉઘાડું કરવું એનાં લેખાંજોખાં લઈને તમારી સમક્ષ મૂકીશું. દિવ્ય ભાસ્કર પર ચૂંટણીને લઈ સૌના મનમાં ઊઠતો એક જ સવાલ 'શું લાગે છે' તમને દરરોજ વાંચવા મળશે, જેમાં ગુજરાતના રાજકારણની અજાણી અને રસપ્રદ વાતો. ચટાકેદાર ચૂંટણીની અંદરની વાતો જાણવા માટે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ...

શું આપે સીએમ ચહેરાને પસંદ કરવામાં થાપ ખાધી?
વર્ષના પ્રારંભે ધીમી શરૂઆત પછી પંજાબમાં વિજય સાથે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખાસ્સી સક્રિય થઈ ગઈ હતી. છેલ્લા ત્રણેક મહિનામાં તો અરવિંદ કેજરીવાલ, સિસોદીયા અને ભગવંત માનની સભાઓ પણ ગાજવા લાગી હતી. એક માહોલ પણ બન્યો હતો અને ત્રીજા વિકલ્પ તરીકે ત્રિપાંખિયો જંગ ગણાવા લાગ્યો, ત્યારે જ હવે સીએમના ચહેરાને જાહેર કરવાની ઘડી આવી. પંજાબની પદ્ધતિએ જનતાના અભિપ્રાય મગાવ્યાના દાવા કરેની ઈસુદાન ગઢવીને લોકોએ પસંદ કર્યા તેવી જાહેરાત કરાઈ હતી. પરંતુ હવે તેમની ઠેકડી ઉડાડતા મેસેજ પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. પત્રકાર હોવા છતાં ઈસુદાન ગઢવીની બોલીમાં ભાષાકીય રીત શુદ્ધિ જળવાતી નથી. તેમની વાક્ય રચના વ્યાકરણ પ્રમાણે ઓછી અને ડાયરાની શૈલીમાં વધારે હોય તેવી મજાક લોકો કરી રહ્યા છે. દેશના ઇતિહાસ, ભૂગોળ, રાજકારણ, નાગરિક જીવન કે અર્થતંત્ર વિશે એવું કોઈ જ્ઞાન ભાષણોમાં દેખાતું નથી કે અઠંગ પત્રકાર લાગે, બલ્કે ડાયરાબાજ લાગે ત્યારે તેમને પસંદ કરીને આપે ઉલટાની કૉંગ્રેસની સ્થિતિ મજબૂત કરી દીધી એવી વાતોય ચાલતી થઈ છે.

પાસને કારણે કુમાર કાનાણી પાસ થઈ ગયા
'પાસ'ના નેતાઓમાંથી બાકી હતા તે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આખરે આમ આદમી પાર્ટીમાં જોડાયા તેના કારણે કુમાર કાનાણી પક્ષની પરીક્ષામાંથી પાસ થઈ ગયા. વરાછા બેઠક પરથી તેમને ફરીથી ટિકિટ મળી ગઈ છે. કેમ કે અનામત આંદોલન વચ્ચેય તેઓ પાસનો સામનો કરીને જીતીને આવ્યા હતા. અલ્પેશ અને તેની ટીમ સામે ટક્કર માટે કાનાણી જેવા જોરદાર નેતા વિના ભાજપને ચાલે તેમ નથી. કોઈ નવાને મૂકવા જતા બેઠકને જોખમમાં મૂકવી પડે ...ને પાસના નેતાઓ જીતે તો વધારે ખરાબ લાગે. એટલે કથીરિયા સામે તેમને જ રખાયા. કૉંગ્રેસ તરફથી પ્રફુલ્લ તોગડિયા છે એટલે ત્રિકોણિય જંગ થવાનો છે અને નજીવી સરસાઈથી હારજીત થશે તેમ લાગે છે.

પ્રેસ કૉન્ફરન્સ ફાઈવ સ્ટારમાં, મીડિયા સેન્ટર ઉજ્જડ ગામ
ડોનેશનથી ચાલતી આમ આદમી પાર્ટી ફાઈવ સ્ટાર હોટેલમાં પ્રેસ કૉન્ફરન્સ કરતી થઈ ગઈ છે, પણ પક્ષે મીડિયા સેન્ટર ઊભું કર્યું છે ત્યાં ઉજ્જડ ગામ જેવી સ્થિતિ છે. સી. જી. રોડ પર કમર્શિયલ કૉમ્પ્લેક્સમાં મીડિયા સેન્ટર ખોલાયું છે, પરંતુ ત્યાં માંડ બેએક જણ હાજર હોય છે. મીડિયા કૉઓર્ડિનેટર જેવા હોદ્દા સાથે બેઠેલા આ બંને જણ પાસે ભાગ્યે જ કોઈ માહિતી હતી. દિવ્ય ભાસ્કરે જાહેર કરેલા ઉમેદવારોનો બાયોડેટા અને ફોન નંબરો માગ્યા હતા, પણ જવાબ મળ્યો કે આવું બધું અમારી પાસે નથી. તો પછી મીડિયા સેન્ટરમાં હોય શું? ઉમેદવારોની પસંદગી માટે સર્વે કરાવાયા વગેરેના દાવા પણ થયા. આ સર્વે કોણે કર્યો, કેવી રીતે, તેનો ડૅટા શું કશું જ અહીંથી મળતું નથી. સવાલોના જવાબો લીધા વિના જ ઉજ્જડ ગામનો ધક્કો ખાધા જેવો અનુભવ લઈને પત્રકારો પાછા ફરે છે.

હવન ફળ્યો હશે કે નહીં અને હવે બાધા પૂરી કરવી કે નહીં?
અમદાવાદ શહેરમાંથી એક સક્ષમ ઉમેદવારે ટિકિટ માટે દાવેદારી કરી હતી. સાથે જ શ્રદ્ધા અનુસાર હવન કરાવ્યો હતો અને માનતા પૂર્ણ કરવા જવાની બાધા પણ રાખી હતી. ટિકિટ મળી જાય તો તેમનું કદ બહુ વધી જાય તેમ છે એટલે તેઓ આમ પાછા લૉ પ્રોફાઇલ રહ્યા છે. કાર્યકરોમાં ગુસપુસ હતી કે તેમનું નામ પણ બહુ લોકો ના જાણે તેવી કોશિશ હતી. હવે કાર્યકરોમાં ચર્ચા છે કે નામો તો જાહેર થઈ ગયા તો પછી હવન કરાવનારા ઉમેદવારનો ચાન્સ લાગ્યો કે નહીં? અમદાવાદમાં બે સિવાય બધાની બદલી થઈ ગઈ છે એટલે દાવેદારોમાં નજર રાખીને બેઠા છે કે કોણ હવે માનતા પૂરી કરવા જવાના છે. બસ ત્યારે ખબર પડી જશે કે હવન ફળ્યો.

વજુભાઈનું એક જગ્યાએ ના ચાલ્યું તો બીજે ચાલ્યું
વિજય રૂપાણીએ જાહેર સભામાં પાટીલ આવ્યા છતાં બેઠા રહ્યા અને મેસેજ આપ્યો હતો. તે પછી નરેન્દ્ર મોદીએ બે વાર જાહેરમાં તેમની સાથે ટૂંકી વાતચીત કરી, પણ તેનું કોઈ ફળ મળ્યું હોય તેવું લાગતું નથી. રૂપાણીને ટિકિટ નહીં મળે, પણ તેમની ભલામણ ચાલશે એવી ખાતરી ટેકેદારોને થઈ હતી, પણ ચાલ્યું વજુભાઈનું. વજુભાઈના પીએ ભટ્ટી માટે ટિકિટ માગી હતી તે ના મળી, પરંતુ તેમણે એક ઓબીસી રાજકોટમાં જોઈએ એવું કહેલું અને ઉદય કાનગડ માટે પણ ભલામણ કરેલી. સૌથી યુવાન મેયર કાનગડને તક મળી ગઈ. રૂપાણીએ ભંડેરી, ભારદ્વાજ જેવા નામો આપેલા અને બે જગ્યાએ ભલામણો કરેલી, પણ એકેય ચાલી નથી.

સંઘનું જ ચાલ્યું
અમદાવાદની જેમ જ રાજકોટ ગઢમાં પણ ભાજપે મોટા ફેરફારો કર્યા છે. વજુભાઈની બેઠક, તેમણે ખાલી કરી, પ્રથમવાર નરેન્દ્ર મોદી ત્યાંથી જીત્યા અને તે પછી વિજય રૂપાણીને તે બેઠક મળી તો મુખ્ય પ્રધાન બનવાનું પણ મળ્યું. આવી હાઈ પ્રોફાઈલ રાજકોટ પશ્ચિમ બેઠકમાં રૂપાણી રિપિટ નહીં થાય તે નક્કી હતું, પણ આખરે ડૉ. દર્શિતાબહેનને ટિકિટ મળી છે. તેની પાછળ સંઘની ભલામણ હોવાનું મનાય છે. તેમના પિતા અને દાદા બંને સંઘના પાયાના પથ્થર તરીકે શહેર અને સૌરાષ્ટ્રમાં કામ કરતા રહ્યા છે.

સંકલ્પ પત્રના સૂચનોની પેટી પત્રકારો સામે ખુલ્લી મૂકાય તો?
ચૂંટણી ઢંઢેરામાં શું હોવા જોઈએ તેનું સૂચન મગાવવાની વાત નવી નથી. અગાઉ એવા ગતકડાં થઈ ચૂક્યા છે. આ વખતે પણ ભાજપે જિલ્લા અને તાલુકા સ્તરે પેટીઓ મૂકી છે. તેમાં સૂચનો લખીને નાખવા માટે નાગરિકોને આહવાન કરાયું છે. લોકોના મુદ્દા આ ચીઠ્ઠીઓમાં આવે તેના આધારે સંકલ્પ પત્ર તૈયાર કરવાનો છે. પણ પત્રકારો કહે છે કે અમે તો લોકો વચ્ચે ફરીએ છીએ એટલે શું મુદ્દાઓ છે એ ખબર જ છે. પણ આ પેટીમાંથી શું નીકળશે? ખરેખર લોકોને જ સાંભળવાની વાત હોય તો પછી શું સૂચનોની પેટીમાં મીડિયા સામે ખોલવામાં આવશે ખરી? શું સૂચનોને બદલે લોકોએ પેટીમાં રોષ ઠાલવ્યો હશે? આપના સર્વેની જેમ ભાજપના સંકલ્પ પત્રની સંરચના ક્યારેય જાણવા મળશે નહીં...

એટલા બધા ફોન આવ્યા કે બેટરી ઉતરી ગઈ
ઉમેદવારોની યાદી જાહેર થાય એટલે માંડે મોબાઈલની રિંગો વાગવા. અભિનંદન અને ખરખરો બંને કરવાનો હોય. ખાસ તો દાવેદારોએ જે મોટા નેતા પર ભરોસો રાખ્યો હોય તે ફળે નહીં ત્યારે કેમ આમનું થયું એવું પૂછવાના. એટલે એવા કેટલાક મોટા નેતાઓએ ફોન બંધ કરી દીધેલા. જેમને ટિકિટ મળી ગઈ હોય તે તેમના ગોડફાધરને ફોન નહીં, રૂબરૂ નમન કરવા જ પહોંચી ગયા હતા. ઉમેદવાર તરીકે નામ આવ્યું ત્યારે અભિનંદનો મળે એટલે તેઓ ફોન ચાલુ જ રાખે અને તરત ઉપાડે, પણ પછી સતત ફોન ચાલ્યા કરે એટલે ધડાધડ બેટરી ઉતરી જાય. એવી રીતે કેટલાક ઉમેદવારનો ફોન થોડી વાર માટે સ્વીચ ઑફ થઈ ગયા હતા. કેટલાક કાર્યકરે જોકે કટાક્ષ પણ કરી લીધો કે ટિકિટ મળી એટલે હવે નેતા ફોન પણ નથી ઉપાડતા, ધારાસભ્ય થશે પછી શું થશે?

ખોડલધામ શરણમ્ ગચ્છામી સામે ભાજપના જૂથોમાં નારાજગી઼
ખોડલધામના ટ્રસ્ટીઓ સામાજિક અને ધાર્મિક સંસ્થા ચલાવે છે કે રાજકીય કેન્દ્ર? આવો સવાલ પૂછાતો જ રહ્યો છે, પણ હવે ભાજપના સંનિષ્ઠ કાર્યકરો વિમાણસમાં પડી ગયા છે કે ખોડલધામ શરણમ્ ગચ્છામી આવી રીતે? વિધાનસભા નંબર 70ની બેઠક રાજકોટ દક્ષિણ રમેશ ટિલાળા જેવા ઉદ્યોગપતિ ટ્રસ્ટીને આપી દીધી, ત્યારે પક્ષને માટે કામ કરનારા કાર્યકરોનું શું? નિરીક્ષકો આવે, કાર્યકરોને મળે, સેન્સ લે, સ્થિતિ જાણે અને પછી કોથળામાંથી બિલાડું નીકળે એમ ભળતા સળતાને જ ટિકિટ આપી દેવાનો હોય તો પક્ષના સંનિષ્ઠોને શા માટે આટલી દોડધામ કરાવી - આવો અસંતોષ જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રમાં બોલાતું હોય છે તેમ ઘણા લોકોએ ગ્રુપમાં મેસેજ મૂક્યા છે કે હવે આપણે આમાં કાંઈ કરવાનું રહેતું નથી. ટિકિટ અપાવી હોય તે જીતાડે, જય બોલો...

અન્ય સમાચારો પણ છે...