ભાસ્કર ઇનડેપ્થદિવ્ય ભાસ્કર એક્ઝિટ પોલ:ઉત્તર ગુજરાતની 32માંથી 20 પર ફરી વળી શકે છે પંજો, તમારા જિલ્લા અને સીટ પર કોણ જીતે છે અને કોણ હારે છે?

અમદાવાદ4 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે 8મી ડિસેમ્બરના રોજ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓનું રાજકીય ભાવિ નક્કી થશે. પરંતુ પરિણામ પહેલા જ દિવ્ય ભાસ્કરે એક્ઝિટ પોલ કર્યો છે. આ પોલમાં કઈ સીટ કોણ જીતે છે તેનું સીધું જ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ 32 સીટમાંથી 2017માં ભાજપને 14 અને કોંગ્રેસને 18 સીટ મળી હતી. જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં દિવ્ય ભાસ્કરે કરેલી એક્ઝિટ પોલમાં 32 સીટમાંથી કોંગ્રેસને 20 અને ભાજપને 12 સીટ મળી રહી છે.

ઉત્તર ગુજરાતના એક્ઝિટ પોલની વાત કરીએ તો આ ઝોનમાં કુલ 6 જિલ્લા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરનો સમાવેશ થાય છે. આખા ઉત્તર ઝોનમાં કુલ 32 સીટ છે. જેમાની ઘણી બેઠક પર કસોકસનો જંગ છે. માત્ર એટલું જ નહીં, જિજ્ઞેશ મેવાણીથી લઈને શંકર ચૌધરી જેવા દિગ્ગજ ચહેરાઓનું રાજકીય ભાવિ પણ 8મીના પરિણામ પર નિર્ભર છે.

બનાસકાંઠા જિલ્લો

વાવ
વાવ વિધાનસભામાં ગત ટર્મમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વિજેતા બન્યા બાદ સતત આ વિસ્તારમાં તેમનું પ્રભુત્વ વધી રહ્યું છે. દબંગ મહિલા નેતા તરીકે જાણીતા ગેનીબેન ઠાકોરે પોતાના વિસ્તારમાં અનેક પ્રકારે અન્યાય થતો હોવાનું તેમજ અસામાજિક પ્રવૃત્તિને પણ ઉજાગર કરી છે. વર્ષ 2022માં પણ કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને જ ઉમેદવારી કરાવી છે. જેની સામે ભાજપના સ્વરુપજી ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. શાંત પ્રકૃતિ અને નિર્વિવાદીત છબિ ધરાવતા સ્વરુપજી ઠાકોર આ વખતે કોંગ્રેસની કોર વોટબેંકને અસર કરી શકે તેમ છે. ગત ચૂંટણીમાં ભાજપના શંકર ચૌધરી કારમી હાર ભાળી ગયા હતા ત્યારે આ હારનો બદલો ભાજપ સ્વરુપજી ઠાકોરને ઉમેદવારી કરાવી લઈ રહ્યો હોય તેમ લાગે છે. બન્ને ઉમેદવાર ઠાકોર સમાજના હોવાથી ઠાકોર સમાજની મતબેંક વિભાજીત થવાની પ્રબળ સંભાવના છે. બીજી તરફ અન્ય જ્ઞાતિના મતો પણ ભાજપ તરફી જઈ શકે તેમ હોવાથી ભાજપ માટે આ બેઠક ફાયદારુપ નિવડી શકે છે. જો કે આમ છતાં ગેનીબેના વિજયની સંભાવના છે.

થરાદ
વાવ બેઠક પરથી વર્ષ 2017માં ચૂંટણી હારેલા ભાજપના શંકર ચૌધરી થરાદ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આયાતી ઉમેદવાર તરીકે શંકર ચૌધરીનો અગાઉ વિરોધ થયો હતો. જો કે આ વિરોધને શંકર ચૌધરીએ ઠારી દીધો છે. બીજી તરફ પેટાચૂંટણીમાં ભાજપને મ્હાત આપી વિજેતા બનેલા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત વિજેતા બન્યા બાદ 2022માં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. રસ્સાકસી ભરેલી આ સીટ પર ચૌધરી અને ઠાકોર સમાજ નિર્ણાયક બની શકે તેમ હોવાથી આ સીટ પર ટફ ફાઈટ થઈ રહી છે. જો કે આ સીટ ભાજપ જીતી શકે છે.

દિયોદર
આ બેઠક પર ત્રણેય પક્ષના ઉમેદવાર OBC સમાજના હોવાથી સંપૂર્ણ મદાર હવે ઇતર જ્ઞાતિના મતો પર છે. ભાજપે આ સીટ પરથી કેશાજી ચૌહાણ તો કોંગ્રેસે જૂના જોગી શિવા ભૂરિયાને અને આમ આદમી પાર્ટીએ ભેમાભાઈ ચૌધરીને ચૂંટણી લડાવી છે. દલિત અને મુસ્લિમ સમાજ કોંગ્રેસની પરંપરાગત વોટબેંક માનવામાં આવે છે. તેમછતાં ગત ટર્મમાં કોંગ્રેસના શિવા ભૂરિયા માત્ર 1000 કરતા પણ ઓછા મતે જીત્યા હતા. બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૌધરી સમાજના હોવાથી ચૌધરી સમાજના હોવાથી અન્ય પક્ષના ઉમેદવારોના વોટ પોતાની તરફે વિભાજીત કરી શકે છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં શિવા ભૂરિયા માટે પણ કપરા ચઢાણ છે. જો કે આ સીટ કોંગ્રેસના શિવા ભૂરિયા જીતી શકે છે.

ડીસા
સિટીંગ MLA ભાજપના શશીકાંત પંડ્યા સામે આંતરિક રોષ ફાટી નીકળતા છેકે કમલમ સુધી તેની ફરિયાદો ગઈ હતી. જેથી ભાજપે તેમની ટિકિટ કાપી અને માળી સમાજના પ્રવીણ માળીને ટિકિટ આપી આંતરિક રોષ તો ઠારવાની કોશિષ કરી છે. પરંતુ આ બેઠક પર માળી સમાજના મતદારો મોટી સંખ્યામાં હોવાથી ભાજપને આશા છે કે, આ વખતે પણ ડિસા સીટ કબ્જે કરી શકાશે. કોંગ્રેસના સંજય રબારીની સામે પણ આંતરિક વિરોધ જોવા મળી રહ્યો છે. પરંતુ આમ આદમી પાર્ટીના ડો.રમેશ પટેલ પણ સ્થાનિકોના મુદ્દે લડત આપી મત અખત્યાર કરવાની કોશિષ કરી રહ્યા છે. ભાજપના આગેવાન લેબજી ઠાકોરે ટિકિટ ન મળતા અપક્ષમાં ફોર્મ ભર્યું હતું. આથી ભાજપના મતો તેમણે કાપ્યા છે. જો કે આ સીટ કોંગ્રેસ નજીવી સરસાઈથી સીટ મેળવી શકે તેવી સંભાવના છે.

પાલનપુર
કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય મહેશ પટેલ સામે સ્થાનિકોનો વિરોધ એટલા માટે છે કેમ કે લોકોના કોઈ કામ થઈ શક્યા ન હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે આ તકનો લાભ લઈ ભાજપે સવર્ણ સમાજના અનિકેત ઠાકરને ઉમેદવારી કરાવી છે. આમ જોઇએ તો આ સીટ પર પાટીદાર, ચૌધરી અને ઓબીસી સમાજ નિર્ણાયક ભૂમિકામાં છે. જો કે આપના રમેશ નાભાણી અહીં ચિત્રમાં નથી. 2017માં તેમને માત્ર 484 જ મત મળ્યા હતા. ભાજપ માટે આ બેઠક જીતવી સાખ સમાન છે. બન્ને સવર્ણ ઉમેદવારની લડાઈમાં ભાજપ બાજી મારવા માટે તમામ મોરચે લડત આપી રહ્યો છે. આમ આ સીટ પર કસોકસની લડાઈ થઈ રહી છે. જો કે કોંગ્રેસ આ સીટ જીતી શકે છે.

વડગામ
અનામત એવી આ સીટ પર દલિત સમાજનું પ્રભુત્વ છે. કોંગ્રેસમાંથી આ સીટ પર દલિતોના નેશનલ ફેસ જીજ્ઞેશ મેવાણી જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા મણિલાલ વાઘેલા જ્યારે આપમાંથી દલપત ભાટિયા ચૂંટણી લડી રહ્યા છે. સંપૂર્ણ મદાર દલિત અને મુસ્લિમ સમાજના મતદારો પર રહેલો છે. વર્તમાન ધારાસભ્ય મેવાણીની મુસ્લિમ-દલિત કોર વોટબેંક ડાયવર્ટ કરવા માટે ભાજપના મણિ વાઘેલા અને આપના દલપત ભાટિયા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. 2017માં આ સીટ પર મેવાણી અપક્ષમાંથી ચૂંટણી જીત્યા હતા. પરંતુ આ વખતે તેમની પાસે નેશનલ પાર્ટીનો સિમ્બોલ છે. ભાજપ માટે આ સીટ જીતવી લોઢાના ચણા ચાવવા સમાન છે. તેમ છતાં પણ સ્થાનિક સમસ્યાઓના મુદ્દે ભાજપ આ સીટ જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે, ત્યારે આ સીટ પણ કસોકસની લડાઈવાળી છે. જો કે આ સીટ પર ભાજપના મણિ વાઘેલા હારી શકે છે.

કાંકરેજ
ભાજપ તરફથી રાજ્ય કક્ષાના મંત્રી રહી ચૂકેલા કિર્તિસિંહ વાઘેલા જ્યારે કોંગ્રેસમાંથી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નાનાભાઈ અમૃત ઠાકોર તેમજ આમ આદમી પાર્ટીમાંથી મુકેશ ઠક્કર ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર નિર્ણાયક મતદાર તરીકે ઠાકોરનું પ્રભુત્વ વધારે રહેલું છે. બદલાયેલા સિમાંકન બાદ આ બેઠક પર દર પાંચ વર્ષે પ્રજા પક્ષ બદલતી રહે છે. ત્યારે આ વખતે હવે બાજી કોંગ્રેસની તરફેણમાં આવે તો નવાઈ નહીં. કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર સમાજમાંથી આવે છે. તો બીજી તરફ કોંગ્રેસની પરંપરાગત વોટબેંક પણ સમર્થન આપે તો કોંગ્રેસ માટે આ બેઠક જીતવી સરળ માનવામાં આવી રહી છે.

દાંતા
આ બેઠકની આદિવાસી સીટમાં ગણના થાય છે. આદિવાસી મતોનું પ્રભુત્વ વધુ તો છે જ પરંતુ મુસ્લિમ સમાજના મતો પણ નિર્ણાયક ભૂમિકામાં રહેલા છે. સતત બે ટર્મથી જીતી રહેલા કાંતિ ખરાડીને કોંગ્રેસે આ વખતે પણ રીપિટ કરી અને બાજી મારવા માટે દાવ અજમાવ્યો છે. જો કે બીજી તરફ ભાજપે લધુ પારઘીને ટિકિટ આપી છે. આ ઉપરાંત ભાજપ દ્વારા તમામ આદિવાસી સીટો પર આદિવાસી સમાજના રાષ્ટ્રપતિ બનાવ્યા હોવાનો પ્રચાર કર્યો છે. ત્યારે આ પ્રચારની દાંતા બેઠક પર પણ અસર થશે અને ભાજપને આ સીટ જશે તેવી ધારણા બાંધી છે. કાંતિ ખરાડી મોટી સરસાઈ જીતતા હોવાથી આ બેઠક કોંગ્રેસ માટે જીતવી સરળ છે.

ધાનેરા
સતત બે ટર્મથી કોંગ્રેસના ફાળે આવતી આ સીટ પર કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય નાથાભાઈ પટેલને રિપીટ કર્યા છે. જ્યારે ભાજપે ભગવાનજી ચૌધરીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ગત વખતે ભાજપમાંથી હારેલા માવજી દેસાઈએ અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. તેમને ઇત્તર સમાજનું સમર્થન છે. 2017માં કોંગ્રેસ આ સીટ નજીવી સરસાઈથી જીતી હોવાથી ભાજપને પણ સીટ જીતવા માટેની આશા બંધાઈ છે અને એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. જો કે આ સીટ કોંગ્રેસ પાતળી સરસાઈથી જીતી શકે છે.

પાટણ જિલ્લો

રાધનપુર
ભાજપમાંથી સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગ સાથે લવિંગજી ઠાકોરે વિરોધ કરી આખરે ટિકિટ મેળીવી લઈ અને અલ્પેશ ઠાકોરને ખદેડી દીધા છે. આમ ભાજપના શીર્ષ નેતૃત્વ સામે જીદ કરી અને ટિકિટ મેળવ્યા બાદ જોરશોરથી પ્રચાર કર્યો છે. બીજી તરફ કોંગ્રેસના રઘુ દેસાઈએ સરકારે અગાઉ બહાર પાડેલા ઢોર નિયંત્રણ કાયદાનો મજબૂત વિરોધ કરી માલધારી સમાજના નેતા તરીકે ઉપસી આવ્યા હતા. જો કે સ્થાનિક સ્તરે રઘુ દેસાઈનો ભારે વિરોધ હોવા પાછળ કારણ એમ માનવામાં આવી રહ્યું છે કે, લોક કલ્યાણના કામો થતા નથી, સમસ્યાઓ ઉકેલાતી નથી અને આ જ તકનો લાભ લઈ ભાજપ રાધનપુર સીટ પરત મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. સ્થાનિક વિરોધ એટલો વધી ગયો છે કે, રઘુ દેસાઈ માટે આ સીટ કપરા ચઢાણ છે. જેથી આ સીટ ભાજપ પાતળી બહુમતીથી જીતી શકે છે.

ચાણસ્મા
ભાજપમાંથી સતત ત્રણ ટર્મ સુધી જીતેલા દિલીપ ઠાકોર ફરીથી ચોથી ટર્મ માટે ઉમેદવાર તરીકે પસંદ થયા છે. બીજી તરફ કોંગ્રેસમાંથી દિનેશ ઠાકોર અને આપમાંથી વિષ્ણુ પટેલે ચૂંટણી લડી છે. જાતિગત સમીકરણ પ્રમાણે ઠાકોર સમાજના મત વિભાજીત થઈ શકે છે. જેનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીના ઉમેદવારને મળી શકે તેમ છે. પરંતુ અન્ય સમાજના મત ભાજપ તરફે આ વખતે જાય તો નવાઈ નથી. જેથી દિલીપ ઠાકોર માટે આ સીટ જીતવી સરળ બની શકે છે.

પાટણ
આ સીટ પરથી ભાજપે ડો.રાજુલબેન દેસાઈને પહેલીવાર તક આપી છે. મહિલા આયોગના સભ્ય રાજુલબેન સામે સ્થાનિક પક્ષના કાર્યકરો તેમજ ક્ષત્રિય અને ઠાકોર સમાજના મત મેળવવા એટલા માટે મુશ્કેલ છે કેમ કે વ્યાપક પ્રમાણમાં રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય કિરીટ પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે અને આમ આદમી પાર્ટીએ લાલેશ ઠક્કરને ટિકિટ આપી છે. ભાજપ સામેનો રોષ જોતા અને પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી આ સીટ પર કિરીટ પટેલની જીતની શક્યતા વધી ગઈ છે.

સિદ્ધપુર
આ સીટ પરથી ભાજપે સિદ્ધપુરના જૂના જોગી અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બળવંતસિંહ રાજપૂતને લાંબા સમય બાદ ફરી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય ચંદનજી ઠાકોરને અને આમ આદમી પાર્ટીએ મહેન્દ્ર રાજપૂતને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ઠાકોર અને મુસ્લિમ સમાજનું પ્રભુત્વ ધરાવતી આ સીટ પર ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસ હવે કોંગ્રેસનો ખેસ પહેરી પંજાનો પ્રચાર કરી રહ્યા છે. આમ કોંગ્રેસનો ગઢ ગણાતી આ સીટ ફરી એક વખત ભાજપ માટે ફરીવાર પડકારજનક સાબિત થઈ રહી છે. જેથી કોંગ્રેસ માટે આ સીટ જીતવી સરળ બની શકે છે.

સાબરકાંઠા જિલ્લો

હિંમતનગર
આ સીટ પરથી ભાજપે વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાની ટિકિટ કાપી જૂના કાર્યકર વી.ડી. ઝાલાને મોકો આપતા રાજેન્દ્રસિંહ ચાવડા અને તેમના સમર્થકો નારાજ થયા છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીએ ક્ષત્રિય સમાજના નિર્મલસિંહ પરમારને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે પાટીદાર સમાજના કમલેશ પટેલને ટિકિટ આપી છે. ક્ષત્રિય અને પાટીદાર સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મત વિભાજીત થવાની સંભાવના રહેલી છે. જેનો સીધો ફાયદો કોંગ્રેસના પાટીદાર ઉમેદવારને મળી શકે તેમ છે. આમ ભાજપ માટે આ બેઠક કબ્જે કરવા દિવસ રાત એક કરવા પડી રહ્યા છે. જો કે કોંગ્રેસ માટે પણ આ સીટ સરળ તો નથી જ. આ સીટ પર કોંગ્રેસની જીત થઈ શકે તેમ છે.

ઈડર
અનામત સીટ પરથી ભાજપે પૂર્વ શિક્ષણમંત્રી રમણભાઈ વોરાને ટિકિટ આપી છે. આ સીટ પરથી તેઓ 1995થી 2012 સુધી સતત ચૂંટાતા આવતા હતા. પરંતુ 2017માં તેમને દસાડાથી ચૂંટણી લડાવી હતી અને તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે ફરી પોતાના ગઢમાં પરત ફર્યા છે. બીજી તરફ કોંગ્રેસે ક્યારેય હાંસલ ન કરેલી આ સીટ મેળવવા રામ સોલંકીને ટિકિટ આપી છે. ઇતિહાસ જોઇએ તો આ સીટ 1995થી કોંગ્રેસ ક્યારેય જીતી શકી નથી. જો કે આ વખતે પરિવર્તન થવાની શક્યતા છે.

ખેડબ્રહ્મા
ગુજારાતની સ્થાપના સમયથી આ સીટ પર ભાજપનો માત્ર બે વાર જ વિજય થયો છે. નવા સીમાંકન બાદ કોંગ્રેસમાંથી સતત બે ટર્મ સુધી ચૂંટાયેલા અશ્વિન કોટવાલ ભાજપમાંથી ઉમેદવાર બન્યા છે. તો બીજી તરફ કોંગ્રેસમાંથી પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ માટે પરંપરાગત માનવામાં આવતી આ બેઠક પર અશ્વિન કોટવાલ પોતાનો દબદબો જમાવી અને ભાજપનો કેસરિયો લહેરાવે તેવા પ્રયાસ ભાજપ કરી રહ્યો છે. જો કે ભાજપ માટે આ આદિવાસી બેઠક જીતવી લોઢાના ચણા ચાવવા સમાન છે. જેથી તુષાર ચૌધરી માટે આ સીટ જીતવી સરળ માનવામાં આવે છે.

પ્રાંતિજ
ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી રહી ચૂકેલા ગજેન્દ્રસિંહ પરમાર ભાજપ તરફથી ઉમેદવાર છે. જ્યારે કોંગ્રેસના બહેચરસિંહ રાઠોડ નવા ચહેરા તરીકે ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પાટીદાર એવા અલ્પેશ પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. નવા સીમાંકન બાદ ભાજપ માટે પરંપરાગત રહેલી પ્રાંતિજ બેઠક પર એક તરફી માહોલ જોવા મળી રહ્યો છે. જેથી કોંગ્રેસ માટે આ સીટ જીતવી અતિ મુશ્કેલ છે. આમ આ સીટ પર ભાજપની જીતવાની સંભાવના છે.

અરવલ્લી જિલ્લો

મોડાસા
ભાજપ પાસે રહેલી પરંપરાગત બેઠક કોંગ્રેસે છીનવી 2017માં અપસેટ સર્જ્યો હતો. કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને ચૂંટણી લડાવી કોંગ્રેસ ફરીથી જીતનું પુનરાવર્તન કરવા માંગી રહી છે. તો બીજી તરફ ભાજપે પોતાની પરંપરાગત બેઠક કોંગ્રેસ પાસેથી ઝૂંટવી લેવા અપક્ષ અને બસપા તથા છેલ્લે ભાજપમાંથી લડીને હારેલા ભીખુસિંહ પરમારને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ભાજપ માટે આ બેઠક જીતવી જોખમરુપ છે એટલે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ ફરીથી એક વખત પુનરાવર્તન માટે મહેનત કરી રહી છે, આમ બન્ને પક્ષે રસ્સાકસી જામી છે. જો કે ગત ચૂંટણીના પરિણામને જોતા કોંગ્રેસનું પલડું ભારે દેખાઈ રહ્યું છે.

બાયડ
પેટા ચૂંટણીમાં કોંગ્રેસના વિજેતા ઉમેદવાર જશુ પટેલની ટિકિટ કાપીને તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયેલા પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને કોંગ્રેસે ટિકિટ આપી છે. અગાઉ વર્ષ 2012માં આ બેઠક ભાજપના ફાળે હતી. જે ચીલો ભૂંસી અને વર્ષ 2017માં કોંગ્રેસે ભાજપ પાસેથી બેઠક આંચકી લેતાં અપસેટ સર્જાયો હતો. જો કે બાદમાં ધવલસિંહ ઝાલાએ ભાજપનો ખેસ પહેરતા યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો વિજય થયો હતો. આમ, ભાજપ માટે આ બેઠક સંવેદનશીલ એટલે કે જોખમી માનવામાં આવતી હોવાથી વર્ષ 2022માં કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી લેવા માટે ભાજપે ભીખીબેન પરમારને મેદાનમાં ઊતાર્યા છે. જો કે સ્થાનિક ભાજપના કાર્યકરો અને નેતાઓનો વિરોધ સાથે આક્ષેપ હતો કે મહેન્દ્રસિંહ વાઘેલા સામે ઊભા રાખેલા ભાજપના મહિલા ઉમેદવાર નબળા હોવાથી કોંગ્રેસ આ બેઠક સરળતાથી જીતી શકે એમ છે.

ભિલોડા
આદિવાસી સમાજનું પ્રભુત્વ ધરાવતી ભિલોડા બેઠક પર વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહેલો છે. અહીં વર્ષ 2002થી કોંગ્રેસના ડો. અનિલ જોષિયારા સતત ચૂંટાતા આવ્યા હતા. જો કે થોડા સમય અગાઉ તેમનું કોરોનાથી નિધન થતાં ખાલી પડેલી આ બેઠક કોંગ્રેસે રાજુ પારઘીને ઉમેદવારી કરાવી છે જ્યારે ભાજપે કોંગ્રેસની પરંપરાગત બેઠક છીનવી લેવા માટે પૂર્વ IPS પી.સી. બરંડાને ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક પર ઠાકોર સમાજના મતદારો નિર્ણાયક ભૂમિકામાં રહેલા છે ત્યારે ભાજપ માટે આ બેઠક અત્યંત સંવેદનશીલ છે. જ્યારે છેલ્લા 20 વર્ષના ઈતિહાસ મુજબ જોઈએ તો કોંગ્રેસ માટે આ બેઠક જીત માટે અત્યંત સરળ છે. આમ આ સીટ ભાજપ જીતી શકે છે.

ગાંધીનગર જિલ્લો

ગાંધીનગર ઉત્તર
પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના મતદારોની નિર્ણાયક ભૂમિકા ધરાવતી ગાંધીનગર ઉત્તર બેઠક પર ભાજપે પૂર્વ મેયર રીટા પટેલ જ્યારે કોંગ્રેસે વાસણ ગામના વીરેન્દ્રસિંહ વાઘેલા જ્યારે આમ આદમી પાર્ટીએ સચિવાલયના નિવૃત્ત કર્મચારી મુકેશ પટેલને ટિકિટ આપી છે. કોંગ્રેસ માટે નવા સીમાંકન બાદ પરંપરાગત ગણાતી આ બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટીના પાટીદાર ઉમેદવારને કારણે પાટીદાર મતોનું વિભાજન થઈ શકે છે. થોડા સમય પહેલા ગ્રામ્ય વિસ્તાર કોર્પોરેશનમાં ભળી ગયો છે. પરંતુ કોર્પોરેશને સ્થાનિક પ્રશ્નો ન ઉકેલ્યાની સમગ્ર વિસ્તારોમાંથી ફરિયાદો ઉઠી છે. આ ઉપરાંત કર્મચારીઓનો રોષ પણ જોવા મળ્યો છે. તેમજ ખેડૂતોની પડતર માંગણીઓ જેવી કે ગાંધીનગરની રચના સમયે આપેલી જમીનનું હજુ સુધી વળતર ન મળ્યું હોવાથી આ મુદ્દો પણ છવાયો હતો. જેનો સીધો લાભ કોંગ્રેસના ઉમેદવારને મળે એવી સંભાવના વચ્ચે ભાજપ માટે કોંગ્રેસની આ પરંપરાગત બેઠક ઝુંટવવી મુશ્કેલ છે. જો કે ગૃહમંત્રી અમિત શાહના લોકસભા મત વિસ્તારમાં આવતી આ સીટ ભાજપ માટે સાખનો સવાલ છે. જેથી આખી પાર્ટી કામે લાગેલી છે. મતદાન પણ ગ્રામ્યમાં વધુ થયું છે. જેથી તેનો સીધો ફાયદો કોંગ્રેસને મળી રહ્યો છે. જેને કારણે કોંગ્રેસ આ સીટ જીતી શકે છે.

ગાંધીનગર દક્ષિણ
આ સીટ પર કોંગ્રેસના આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોર ભાજપમાંથી ચૂંટણી લડી અને પરંપરાગત બેઠક સાચવી રાખવા માટે લડત આપી રહ્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી પાટીદાર સમાજના હિમાંશુ પટેલ 20 વર્ષ બાદ ફરીથી એક વખત ચૂંટણી લડી રહ્યા છે. અલ્પેશનું નામ જાહેર થતા જ ઠાકોર સમાજનો રોષ જોવા મળ્યો હતો. તેમજ આયાતી ઉમેદવાર પણ ગણાય છે. નવા સીમાંકન બાદ ભાજપના ફાળે રહેલી આ સીટ પર પાટીદાર સમાજ અને ઠાકોર સમાજના મત નિર્ણાયક ભૂમિકામાં છે. આમ આદમી પાર્ટી તરફથી પાટીદાર સમાજના દોલત પટેલ પણ ચૂંટણી લડી રહ્યા છે. આમ પાટીદાર મતોનું વિભાજન થઈ શકે છે. જે સીધું કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે. ગાંધીનગરનો નવો સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તાર(અમદાવાદના ચાંદખેડા સુધી)આ બેઠકમાં આવરી લેવાયો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ માટે રસ્સાકસી ભરેલી સ્થિતિ છે. જો કે ભાજપ આ સીટ જતી શકે છે.

કલોલ
આ સીટ પર ભાજપે બકાજી ઠાકોર અને કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય બળદેવજી ઠાકોરને જ્યારે આમ આદમી પાર્ટીએ કાંતિજી ઠાકોરને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી આ સીટ પર ત્રણેય પક્ષના ઉમેદવાર ઠાકોર સમાજના હોવાથી અન્ય જ્ઞાતિ જેવી કે પાટીદાર, મુસ્લિમ અને દલિત મતદારો પર નિર્ભર રહેવાનો વારો આવી શકે છે, કારણ કે ઠાકોર સમાજના 60 હજાર કરતા વધુ મતોનું વિભાજન થશે. નવા સીમાંકન બાદ કોંગ્રેસ માટે પરંપરાગત રહેલી આ બેઠક આંચકી લેવા માટે ભાજપે જોર લગાવી અને ઠાકોર સમાજના ઉમેદવારને ઉભો રાખી મોટો દાવ ખેલ્યો છે, ત્યારે આ બેઠક પર ભારે રસ્સાકસી જોવા મળશે. જો કે આ સીટ પર ભાજપ જીતી શકે છે.

દહેગામ
નવા સીમાંકન બાદ દરેક ટર્મમાં પાર્ટી બદલતી પ્રજાનો મૂડ સૌથી મોટો મદાર રાજકીય પક્ષ માટે રહ્યો છે. ટિકિટ ન મળવાથી બળવાખોર બનેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડ પણ હવે કમળનો પ્રચાર કરી રહ્યા છે. ભાજપે વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને ટિકીટ આપી છે. તો બીજી તરફ કોંગ્રેસના વખતસિંહ ચૌહાણને નવા ચહેરા તરીકે કોંગ્રેસે ચૂંટણી લડાવી છે. ક્ષત્રિય સમાજના પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ઠાકોર સમાજના મત પણ નિર્ણાયક ભૂમિકામાં રહેલા છે, ત્યારે ઓબીસી સમાજના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુહાગ પંચાલ પણ ક્યાંક બન્ને પક્ષને અસર કરી શકે તેવી સંભાવના વચ્ચે ભાજપ માટે આ બેઠક ફરી એકવાર હાંસલ કરવી સરળ માનવામાં આવી રહી છે.

માણસા
આ બેઠક પર ભાજપે ગત ટર્મમાં ચૌધરી સમાજના ચૂંટણી હારી ગયેલા ચૌધરી સમાજમાંથી આવતા અમિત ચૌધરીને ટિકિટ આપતા હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ વખતે ભાજપે પાટીદાર સમાજના અગ્રણી નેતા અને રાજ્યના સૌથી ધનવાન ઉમેદવાર એવા જયંતી પટેલને ટિકિટ આપી પાટીદાર કાર્ડ ખેલ્યું છે. જો કે ભાજપ માટે ચિંતાનો વિષય એ પણ છે કે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાસ્કર પટેલ પણ પાટીદાર સમાજમાંથી આવે છે અને સમાજમાં તેમની પણ નામના રહેલી હોવાથી પાટીદાર સમાજના 50 હજાર કરતા વધારે મતોનું વિભાજન થઈ શકે છે. જો કે આમ આદમી પાર્ટી ભાજપની વોટબેંક કોઈ નોંધપાત્ર ગાબડું નહીં પાડી શકે. કોંગ્રેસના ઉમેદવાર બાબુસિંહ ઠાકોરનું ખાસ પ્રભુત્વ દેખાતું નથી. આમ આ સીટ ભાજપ જીતી શકે છે.

મહેસાણા જિલ્લો

મહેસાણા
2015માં પાટીદાર સમાજનું એપી સેન્ટર રહેલી મહેસાણા સીટ પરથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ટિકિટ કાપીને ભાજપે પાટીદાર સમાજના અગ્રણી મુકેશ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે કોંગ્રેસે પીકે પટેલ અને આમ આદમી પાર્ટીએ ભગત પટેલને ટિકિટ આપી છે. પાટીદાર સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ત્રણેય પક્ષના ઉમેદવાર પાટીદાર સમાજના જ હોવાને કારણે પાટીદાર મતો વિભાજીત થવાની શક્યતા વચ્ચે અન્ય જ્ઞાતિ એવી ઠાકોર, મુસ્લિમ, ચૌધરી અને દલિત મતદારો પર વધારે નિર્ભિત રહેવું પડશે. ભાજપ માટે પરંપરાગત બેઠક જાળવી રાખવી કોઈ મોટો પડકાર નથી.

ઊંઝા
પાટીદાર આંદોલનમાં ભાજપ પાસેથી ઝૂંટવી લીધેલી આ સીટ કબ્જે કરવા ભાજપે કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ઉર્વિશ પટેલ અને કોંગ્રેસે અરવિંદ પટેલને ટિકિટ આપી છે. ભાજપ માટે એ કેટેગરીમાં રહેલી આ બેઠક જીતવા જાજી મહેનત કરવાની જરૂર પડશે નહીં.

વિસનગર
પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ અને બાદમાં અર્બુદા સેનાનો સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિરોધ આ બેઠક પર ભાજપને અસર કરી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જેની સામે કોંગ્રેસે કિરીટ પટેલ જ્યારે આમ આદમી પાર્ટીએ જયંતી પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. વર્તમાન ધારાસભ્ય ઋષિકેશ પટેલનો આંતરિક વિરોધ પણ ક્યાંક ભાજપને નુકસાન પહોંચાડી શકે તેવી સંભાવના વચ્ચે ભાજપે પરંપરાગત સીટ જીતવા એડીચોટીનું જોર લગાવ્યું છે. પાટીદાર પ્રભુત્વ ધરાવતી હોવાથી આ સીટના મતોનું ત્રણેય ઉમેદવાર વચ્ચે વિભાજન થઈ શકે છે. જેથી ચૌધરી, ઠાકોર, મુસ્લિમ અને દલિત મતદારો નિર્ણાયક બનશે. તેમાં પણ ચૌધરી સમાજનો મૂડ નક્કી કરી શકે છે કે આ બેઠક પર કોના શિરે તાજ પહેરાવવો. જો કે ભાજપ આ સીટ કોઈપણ સંજોગોમાં ગુમાવવા માગતો નથી. જેથી ભાજપે આ સીટ કબ્જે કરવા તમામ તાકાત લગાડી દીધી છે. જેથી હાલ ભાજપનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. તેમ છતાં છેલ્લી ઘડીએ ચોંકાવનારું પરિણામ પરિવર્તન લાવી શકે છે.

કડી
એક સમયે નીતિન પટેલનો ગઢ ગણાતી આ અનામત સીટ પરથી ભાજપે વર્તમાન ધારાસભ્ય કરશન સોલંકીને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે પ્રવીણ પરમાર અને આમ આદમી પાર્ટીએ એચ.કે. ડાભીની ટિકિટ આપી છે. પરંતુ આ સીટ પર કોંગ્રેસનું પલડું ભારે છે. જેથી કરશન સોલંકી જીતી શકે છે.

વિજાપુર
ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય સી.જે. ચાવડા વિજાપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે વર્તમાન ધારાસભ્ય રમણ પટેલને રિપીટ કરતા સ્થાનિક ભાજપના કાર્યકરોનો રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. સ્થિતિ એ હદે વણસી હતી કે ઉમેદવારી કરતી વખતે પણ રમણ પટેલ સાથે એકપણ સ્થાનિક ભાજપના નેતા જોવા મળ્યા નહોતા. ભારે વિરોધ વચ્ચે આ સીટ કોંગ્રેસ માટે તબક્કાવાર સરળ બનતી જતી હોય તેવા સમીકરણો ગોઠવાઈ રહ્યા છે ત્યારે ભાજપ માટે વિજાપુર સીટ જીતવી ચિંતાજનક છે. આમ આ સીટ કોંગ્રેસને મળી શકે છે.

ખેરાલુ
ભાજપની પરંપરાગત સીટ માનવામાં આવતી ખેરાલુ બેઠક પર ભાજપનો પેચ અંતિમઘડી સુધી અટવાયો હતો. જો કે અંતે ભાજપે વર્તમાન ધારાસભ્ય અજમલજી ઠાકોરની ટિકિટ કાપી અને સંપૂર્ણ મદાર સરદારસિંહ ચૌધરી કે જે કિસાન સંઘના મહામંત્રી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કોંગ્રેસના મુકેશ દેસાઈ અને આપના દિનેશ ઠાકોર એમ આ બન્ને ઉમેદવાર ઠાકોર સમાજ અને તેમજ ઓબીસી વોટબેંકને અસર કરી મત વિભાજીત કરે તેવી સંભાવના છે. તો બીજી તરફ ભાજપે ટિકિટ ન આપતા પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના ભત્રીજાએ અપક્ષમાંથી ફોર્મમાં ભર્યું છે. જે ભાજપની વોટબેંકમાં ગાબડું પાડી શકે તેમ છે. જેથી આ સીટ પર કોંગ્રેસ જીતી શકે છે.

બેચરાજી
નવા સીમાંકન બાદ રાજ્યને ગૃહમંત્રી આપનારી બેચરાજી બેઠક પર પાટીદાર અને ઠાકોર સમાજના મત નિર્ણાયક માનવામાં આવે છે. ભાજપ અને કોંગ્રેસે અનુક્રમે સુખાજી ઠાકોર અને ભોપાજી ઠાકોરને ટિકિટ આપી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. આ બેઠક પર ત્રિ-પાંખિયો જંગ છે. ભાજપ અને કોંગ્રેસમાં ઠાકોર મતોનું વિભાજન થઈ શકે છે, જેથી આમ આદમી પાર્ટીના સાગર રબારીને તેનો સીધો ફાયદો પહોંચવાની શક્યતા છે. આ સીટ પર હાલ ખરાખરીનો જંગ છે. આ સીટ પરથી કોંગ્રેસ જીતી શકે છે.

અન્ય સમાચારો પણ છે...