ભાસ્કર ઇનડેપ્થદિવ્ય ભાસ્કર એક્ઝિટ પોલ:હાર્દિક પટેલ જીતી શકે છે, મધ્ય ગુજરાતમાં AAPનો કંગાળ દેખાવ, 61માંથી 39 બેઠક પર ખીલી શકે છે કમળ, પંચમહાલમાં કોંગ્રેસે BJPને હંફાવી

અમદાવાદ4 મહિનો પહેલા

મધ્ય ગુજરાત હંમેશાં ભાજપ સાથે રહ્યું છે અને આ વખતે પણ એ ભાજપને સાથ આપશે. દિવ્ય ભાસ્કરના એક્ઝિટ પોલમાં કંઈક આવું જ બહાર આવ્યું છે. મધ્ય ગુજરાતમાં સમાવિષ્ટ અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર એમ સાત જિલ્લામાં કુલ 61 વિધાનસભા સીટમાંથી ભાજપ આ વખતે 39 સીટ પર જીતી શકે છે, જ્યારે કોંગ્રેસની 19 બેઠક પર જીત થઈ શકે છે, જ્યારે આમ આદમી પાર્ટીને મધ્ય ગુજરાતમાં ખાલી હાથ રહેવું પડી શકે છે. આ ઉપરાંત ત્રણ સીટ અન્યના ફાળામાં જાય છે.

આ એક્ઝિટ પોલની વર્ષ 2017નાં અસલી ચૂંટણી પરિણામ સાથે સરખામણી કરીએ તો ગઈ ચૂંટણી કરતાં ભાજપને 2 સીટનો ફાયદો દેખાઈ રહ્યો છે, જ્યારે કોંગ્રેસને 3 સીટનું નુકસાન થઈ શકે છે. આખા મધ્ય ગુજરાતનાં પરિણામ પર નજર કરીએ તો અમદાવાદ અને વડોદરામાં ભાજપનો દબદબો યથાવત્ રહેતો દેખાઈ રહ્યો છે, જ્યારે પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ ઊજળો દેખાવ કરી શકે છે. બીજી વાત કે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની જેમ અહીં આમ આદમી પાર્ટીને કોઈ સીટ પર જીત મળે એવી શક્યતા નથી.

મધ્ય ગુજરાતની કુલ 61 સીટનું ડિટેઇ એનાલિસિસ આ પ્રમાણે છે.

પંચમહાલ જિલ્લો

હાલોલ

હાલોલ બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા જયદ્રથસિંહ પરમાર પાંચમી ટર્મ માટે મેદાનમાં ઊભા છે. કોંગ્રેસે પહેલા રાજેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી હતી, જોકે તેમણે નારાજ થઈને કોંગ્રેસનું મેન્ડેટ ફાડી નાખ્યું હતું. વાત એમ છે કે તેમણે ગોધારા સીટ પર ટિકિટ માગી હતી, પણ પાર્ટીએ તેમને હાલોલ સીટ પર ટિકિટ આપી હતી. એને કારણે તેઓ નારાજ થઈ ગયા હતા. કોંગ્રેસે રાતોરાત અનીસ બારિયાને ઊભા રાખ્યા હતા, જેને કોઈ ઓળખતું નથી. આ સિવાય અપક્ષમાંથી રામચંદ્ર બારિયાએ મેદાનમાં ઝુકાવ્યું છે. તેઓ મૂળ ભાજપના છે. તેમને પાર્ટીએ ટિકિટ ન આપતાં બળવો કરી ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. આમ આદમી પાર્ટીએ ભરત રાઠવાને ટિકિટ આપી છે. તેમનું આદિવાસી સમાજમાં ખાસ્સું વર્ચસ્વ છે. મતવિસ્તારમાં આદિવાસીના 59 હજાર મત છે. આ વોટબેંક કોંગ્રેસની છે, જે આ વખતે આપતરફી જઈ શકે છે. આ વિસ્તારમાં જયદ્રથસિંહ પરમાર કામ કરતા ધારાસભ્ય હોવાથી લોકપ્રિય છે અને તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે. ટૂંકમાં, ભાજપના જયદ્રથસિંહ પરમારને આ સીટ પર જાળવી રખાશે.

કાલોલ
કાલોલ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ છે. આ બેઠક પર પીઢ રાજકારણી અને કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ અને ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ મેદાનમાં છે, પણ પલડું કોંગ્રેસના પ્રભાતસિંહ ચૌહાણનું ભારે છે. આ વિસ્તારમાં તેમની ખૂબ જબરદસ્ત પક્કડ છે. અહીંના મતદારો પાર્ટી નહીં, પણ વ્યક્તિગત સંબંધોને ધ્યાનમાં લે છે. તેઓ મૂળ કોંગ્રેસના હતા, પણ 2002માં નરેન્દ્ર મોદી તેમને ભાજપમાં લઈને આવ્યા હતા. તેઓ ગુજરાત સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. ત્યાર બાદ બે વખત સાંસદ તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા. જોકે વર્ષ 2014માં ભાજપે તેમને ફરી સાંસદની ટિકિટ ન આપતાં તેમણે નારાજ થઈને પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો હતો. ભાજપે વર્ષ 2017ની ચૂંટણીમાં તેમનાં પુત્રવધૂ સુમનબેન ચૌહાણને ટિકિટ આપી હતી. તેમને જિતાડવામાં પણ પ્રભાતસિંહ ચૌહાણે ભૂમિકા ભજવી હતી. ભાજપે આ વખતે સુમનબેન ચૌહાણની ટિકિટ કાપી ફતેસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. તેઓ હિન્દુત્વની રીતે છબિ ધરાવે છે. મતદારોમાં તેઓ જોમ-જુસ્સો ઊભો કરવાનો પ્રયત્ન પણ કરે છે, પણ પ્રભાતસિંહની ઈમેજ સામે તેઓ કામ આવે એ શક્યતા ઓછી છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીમાંથી દિનેશ બારિયા મેદાનમાં છે. તેમણે કાલોલ શહેરમાં ડોર ટુ ડોર પ્રચાર સારો એવો કર્યો હતો. કાલોલ શહેરમાં ભાજપની વોટબેંક છે, એટલે આપના ઉમેદવાર ભાજપને વધુ નુકસાન કરી શકે છે. ટૂંકમાં, આ સીટ પર પાર્ટીને કારણે પણ વ્યક્તિગત પ્રભાવને કારણે કોંગ્રેસના પ્રભાતસિંહ ચૌહાણ જીતી શકે છે.

ગોધરા
પંચમહાલ જ નહીં, ગુજરાતમાં સૌથી વધુ કાંટાની ટક્કર હોય તો એ છે ગોધરા સીટ પર છે. સીટિંગ ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર સીકે રાઉલજી અને કોંગ્રેસનાં રશ્મિકા ચૌહાણ વચ્ચે જંગ છે. ભાજપે સીકે રાઉલજીને ટિકિટ આપતાં વર્ષોથી ભાજપ માટે કામ કરતા કાર્યકરોમાં થોડોક આંતરિક વિરોધ પણ છે. જોકે સીકે રાઉલજી રાજકારણના અઠંગ ખેલાડી છે અને છેલ્લી ઘડીએ ખેલ પાડવામાં માહેર છે. ગઈ વખતે તેઓ માત્ર 258 મતથી જીતી ગયા હતા. ગોધરા બેઠક પર 64 હજાર મુસ્લિમ મતદારો છે, જે કોંગ્રેસના કમિટેડ વોટર્સ છે. જોકે આ વખતે ઓવૈસીની પાર્ટી AIMIM તરફથી મુસ્લિમ ઉમેદવાર મુક્તહસન કાચબા મેદાનમાં છે. જે કોંગ્રેસનાં ઉમેદવાર રશ્મિતાબેન ચૌહાણને નુકસાન કરશે. કોંગ્રેસનાં રશ્મિતાબેન ચૌહાણ બારિયા ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને આ વિસ્તારમાં એ સમાજના ખાસ્સા એવા મત છે. રશ્મિતાબેન ચૌહાણ દુષ્યંત ચૌહાણનાં પત્ની છે. જેઓ ગઈ ચૂંટણીમાં શહેરા સીટ પર ભાજપના જેઠા ભરવાડ સામે ચૂંટણી લડ્યાં હતાં. આ ઉપરાંત આ વખતે હિન્દુ-મુસ્લિમ કોમી ફેક્ટર પણ નથી. ટૂંકમાં, આ વખતે ગોધરા સીટ પર ભાજપની રાહ મુશ્કેલ છે અને કોંગ્રેસનાં ઉમેદવાર રશ્મિતાબેન ચૌહાણ મેદાન મારી શકે છે.

શહેરા
શહેરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ખાતુભાઈ પગી બારિયા ક્ષત્રિય સમાજમાંથી આવે છે. અહીં ક્ષત્રિય સમાજના 1.20 લાખ મતદાતા છે. શહેરા વિસ્તારનો બારિયા ક્ષત્રિય સમાજ હંમેશાં ભાજપતરફી મતદાન કરતો આવ્યો છે, પણ આ વખતે સમીકરણ બદલાયાં છે. બારિયા ક્ષત્રિય સમાજ ઘણા સમયથી ભાજપ પાસેથી ટિકિટની માગણી કરતો હતો, જોકે દર વખતની જેમ આ વખતે પણ માત્ર આશ્વાસન જ મળ્યું હતું, જેથી નારાજ થઈને બારિયા ક્ષત્રિયના ખાતુભાઈ પગીએ બળવો કર્યો હતો અને કોંગ્રેસને જોઈન કરી લીધી હતી. આ વખતની ચૂંટણી ભાજપ-કોંગ્રેસ જ નહીં, પણ ભાજપ-બારિયા ક્ષત્રિય સમાજ વચ્ચે લડાતી હોય એવું ચિત્ર ઊભું થયું છે. બીજી તરફ ભાજપના જેઠા ભરવાડથી આદિવાસી સમાજ પણ નારાજ છે. ભુરખલ ગામમાં આદિવાસી દંપતીને અમુક શખસો દ્વારા માર મારવાનો એક બનાવ બન્યો હતો, જેને લઈને આદિવાસી સમાજે એક અઠવાડિયા સુધી કલેક્ટર કચેરી સામે બેસી આંદોલન ચલાવ્યું હતું. જોકે વિસ્તારમાં જેઠા ભરવાડની પક્કડ મજબૂત છે. તેઓ પંચામૃત ડેરીના ચેરમેન હોવાથી સહકારી ક્ષેત્રમાં તેમનું પ્રભુત્વ છે. જોકે અહીં આપના ઉમેદવાર તખતસિંહ સોલંકીનો કોઈ ખાસ પ્રભાવ નથી. ટૂંકમાં, શહેરામાં આ વખતે ખૂબ રસાકસી છે અને સાવ ઓછા માર્જિનથી કોંગ્રેસના ખાતુ પગીની જીત થઈ શકે છે.

મોરવાહડફ
મોરવાહડફ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ પર કાંટે કી ટક્કર છે. આ બેઠક પર ભાજપમાંથી મંત્રી નિમિષાબેન સુથાર અને કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય સવિતાબેન ખાંટનાં પુત્રવધૂ સ્નેહલતાબહેન ખાંટ મેદાનમાં છે. મોરવાહડફ સીટ પર એક પરંપરા રહી છે કે અહીં સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જ જીતતા આવ્યા છે અને પેટાચૂંટણીમાં ભાજપ જીતતો આવ્યો છે. મોરવાહડફ સીટ પર ખાંટ પરિવારનો ખૂબ પ્રભાવ છે. વર્ષ 2013ની પેટાચૂંટણીમાં ભાજપે નિમિષાબેન સુથારને ટિકિટ આપી હતી અને તેઓ 15 હજાર મતથી ચૂંટણી જીત્યાં હતાં. આમ છતાં ભાજપે 2017માં તેમને ટિકિટ આપી નહોતી અને ભાજપના વિક્રમસિંહ ડિંડોરનો 4 હજાર મતથી પરાજય થયો હતો. ભાજપે ફરી 2021ની પેટાચૂંટણીમાં નિમિષાબેન સુથારને ઉતાર્યાં અને તેમનો કોંગ્રેસના સુરેશ કટારા સામે 45 હજાર મતથી વિજય થયો હતો. આમ જોવા જઈએ તો નિમિષાબેન સુથાર જ્યારે ચૂંટણી લડ્યાં છે ત્યારે જીત્યાં છે. હવે જોવાનું રહે છે કે પેટાચૂંટણીમાં જીતતાં નિમિષાબેન સુથાર સામાન્ય ચૂંટણીમાં જીતી શકે છે કે નહીં. બીજી વાત ખાંટ પરિવાર અને નિમિષાબેન સુથારનો પહેલી વખત સીધો મુકાલબો થઈ રહ્યો છે. નિમિષાબેન સુથારને જાતિના પ્રમાણપત્રનો મુદ્દો નડી શકે છે, જોકે અહીં ભાજપનું સંગઠન મજબૂત છે. આ ઉપરાંત દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરને દાહોદ જિલ્લાની પાંચ વિધાનસભા સીટ ઉપરાંત મોરવાહડફ સીટની જવાબદારી પણ સોંપવામાં આવી છે, જ્યારે આપના ઉમેદવાર ભનાભાઈ ડામોરની અહીં કોઈ અસર નથી. ટૂંકમાં રસાકસીભરી આ સીટ પર કોંગ્રેસના સ્નેહલતાબેન ખાંટ જીતી શકે છે.

મહીસાગર જિલ્લો

બાલાસિનોર
બાલાસિનોર સીટ પર કોંગ્રેસ અને ભાજપે ગઈ ચૂંટણી લડી ચૂકેલા બંને ઉમેદવારોને આ વખતે ફરી રિપીટ કર્યાં છે. આ સીટ પર કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણ, ભાજપના માનસિંહ ચૌહાણ તેમજ આપના ઉદયસિંહ ચૌહાણ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. ત્રણેય ઉમેદવારો ક્ષત્રિય ઠાકોર ઓબીસી સમાજમાંથી આવે છે. આપના ઉમેદવાર ઉદયસિંહ ચૌહાણ મૂળ કોંગ્રેસના છે અને કોંગ્રેસ જિલ્લા ઉપપ્રમુખપદે હતા. તેઓ કોંગ્રેસના ઉમેદવારને વધુ નુકસાન કરી શકે છે. જોકે અજિતસિંહ ચૌહાણની વિસ્તારમાં લોકપ્રિયતા સારી છે. તેમણે વિસ્તારમાં વિકાસનાં કામો સારાં કર્યાં છે, પણ બાલાસિનોરમાં ડમ્પિંગ સાઈટને તેઓ બંધ કરાવી શક્યા નહોતા, જેથી મતદારો ભાજપ તરફી ખસકી શકે છે. બીજી તરફ, ભાજપના માનસિંહ ચૌહાણ જૂના જોગી છે. 72 વર્ષની ઉંમર અને ઓછો લોકસંપર્ક તેમના વિરુદ્ધમાં છે. જોકે સરકાર ભાજપની બને છે તો ધારાસભ્ય પણ ભાજપનો હોય તો સારું, એવું વિચારીને લોકો મત આપી શકે છે. બે દિવસ પહેલાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ 45 ગામના સરપંચનું સંમેલન યોજી ડેમેજ કન્ટ્રોલ કર્યું હતું. જોકે છેલ્લાં સમીકરણ મુજબ ભાજપ ત્રીજા નંબર પર હતું. સીધો મુકાબલો કોંગ્રેસ અને આપ વચ્ચે છે. જેમાં છેલ્લી ઘડીએ કોંગ્રેસ મેદાન મારી શકે છે.

લુણાવાડા
લુણાવાડા સીટ પર ચતુષ્કોણીય મુકાબલો હતો. ભાજપ તરફથી સિટિંગ ધારાસભ્ય જિજ્ઞેશકુમાર સેવક, કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ, આપમાંથી નટવરસિંહ સોલંકી, જ્યારે જયપ્રકાશ પટેલ અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. આ સીટ પર ભાજપ મુશ્કેલીમાં છે. ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ અને રાજ્ય આચાર્ય શિક્ષણ સંઘના પ્રમુખ જયપ્રકાશ પટેલ બળવો કરીને અપક્ષમાંથી ઊભા રહ્યા હતા, જેઓ સૌથી વધુ ડેમેજ ભાજપને કરશે. આ સીટ પર મોટી સંખ્યામાં પાટીદાર મતદારો છે. આ સીટ પર જયપ્રકાશ પટેલ (જેપી)નું જબરદસ્ત નેટવર્ક તેમને ફાયદો અપાવી શકે છે. બીજી તરફ સિટિંગ ધારાસભ્ય જિજ્ઞેશકુમાર સેવકને તેમણે કરેલાં વિકાસનાં કામોને કારણે મતો મળી શકે છે, પણ તેમની સામે લુણાવાણા વિધાનસભા વિસ્તારમાં આવતા ખાનપુર તાલુકામાં વિરોધ છે. અહીંના આદિવાસી સમાજને જાતિના દાખલા ન મળતા નારાજગી છે. જિજ્ઞેશકુમાર સેવકે આ અંગે રાજ્ય સરકારને રજૂઆત પણ કરી હતી, આમ છતાં પ્રશ્ન હલ થયો નહોતો. એને લઈને કેટલીક જગ્યાએ ભાજપને મત ન આપવાના બોર્ડ પણ લાગ્યા હતા, જ્યારે કોંગ્રેસના ગુલાબસિંહ ઓબીસી ઉમેદવાર છે. આ બેઠક પર મોટી સંખ્યામાં ઓબીસી મતદારો છે. આમ આદમી પાર્ટીનો અહીં કોઈ ખાસ પ્રભાવ નથી. રસાકસીભરી આ સીટમાં અપક્ષ જયપ્રકાશ પટેલ મેદાન મારી જાય તો નવાઈ નહીં.

સંતરામપુર(ST)
સંતરામપુર સીટ પર સિટિંગ ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર સામે આ વખતે ભારે વિરોધ જોવા મળ્યો હતો. સંતરામપુર વિધાનસભા મતવિસ્તારમાં આવતા સંતરામપુર અને કડાણા તાલુકામાં આદિવાસી સમાજને દાખલા મળતા બંધ થયા છે. એને કારણે ખૂબ વિરોધ છે અને એનું આંદોલન પણ ચાલે છે તેમજ વિસ્તારમાં આવાસ યોજના પણ ખોરંભે ચડી છે. આ ઉપરાંત ગામ્ય વિસ્તારમાં રસ્તાઓ સારા છે, પણ શહેરમાં રોડ-રસ્તા બિસ્માર હાલતમાં છે. ખુદ ધારાસભ્યની સોસાયટીમાં જવા માટેના રોડની ખરાબ હાલત છે. જોકે અમુક વિકાસકામો એની ફેવરમાં પણ છે. તેમણે રાઠડા બેટ વિસ્તારમાં એક પુલ મંજૂર કરાવ્યો છે. કડાણા બેટ વિસ્તારમાં સતત લોકોના સંપર્કમાં રહે છે. બીજી તરફ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા ગેંદાલભાઈ ડામોરે પૂર્વ ધારાસભ્ય તરીકે લોકચાહના મેળવી હતી, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહેલા પર્વત વાઘડિયા રિટાયર્ડ ફોજી છે. સાદું જીવન જીવે છે અને સતત લોકોના સંપર્કમાં રહે છે. આ સિવાય બાબુ ડામોર નામના ઉમેદવાર અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. તેઓ એલઆઈસીની નોકરીમાંથી રાજીનામું આપી આપમાં જોડાયા હતા, પણ આમ આદમી પાર્ટીએ તેમને ટિકિટ ન આપતાં તેઓ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે, જેઓ ત્રણેય પાર્ટીના મત તોડશે. જોકે આ સીટ પર સિટિંગ ધારાસભ્ય સામે વિરોધને કારણે કોંગ્રેસના ગેંદાલભાઈ ડામોર જીતી શકે છે.

દાહોદ જિલ્લો

દાહોદ
દાહોદ બેઠક પર કોંગ્રેસે ત્રણ ટર્મથી જીતતા ધારાસભ્ય વજેસિંહ પણદાને કાપીને હર્ષ નિનામાને ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે ગયા વખતે 15 હજાર મતથી હારી ગયેલા કનૈયાલાલ કિશોરીને ફરી મેદાનમાં ઉતાર્યા છે, પણ આ વખતે ચિત્ર બદલાયું છે. ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કનૈયાલાલ કિશોરીને ઈન્ચાર્જ બનાવ્યા હતા, જેમાં તેમણે દાહોદ તાલુકા પંચાયતની 38માંથી 32 સીટ તેમજ જિલ્લા પંચાયતની 6માંથી 4 સીટ પર પાર્ટીને વિજય અપાવ્યો હતો. કનૈયાલાલ કિશોરી ગુજરાતની બીજી સૌથી મોટી દાહોદ એપીએમસીના 10 વર્ષથી ચેરમેન છે. ગઈ ચૂંટણી કરતાં આ વખતે ભાજપનો બેઝ મજબૂત થયો છે. આ ઉપરાંત સિટિંગ ધારાસભ્ય વજેસિંહ પણદાની ટિકિટ કપાતાં તેઓ નારાજ હતા. આ ઉપરાંત દાહોદના પૂર્વ વિસ્તારના અનેક કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા હતા. આ સિવાય કિશન પલાશ નામના અપક્ષ ઉમેદવારનો લઘુમતીમાં સારો એવો પ્રભાવ છે, જેથી તેઓ ભાજપ કરતાં કોંગ્રેસને વધુ ડેમેજ કરી શકે છે. ટૂંકમાં, કોંગ્રેસના ગઢમાં ભાજપ આ વખતે ગાબડું પાડીને સીટ કબજે કરી શકે છે.

લીમખેડા
ભાજપે લીમખેડા વિધાનસભા બેઠક પર સાંસદ જસવંત ભાભોરના નાનાભાઈ શૈલેષ ભાભોરને મેદાનમાં ઉતાર્યા છે. લીમખેડા બેઠક વર્ષોથી ભાજપનો ગઢ છે. લીમખેડા સીટ દાહોદ જિલ્લા ભાજપનું એપી સેન્ટર ગણાય છે. આ સીટ પર સાંસદ જસવંત ભાભોર પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપે ભારે બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેશ બારિયાએ ભાજપના ઉમેદવારને ટેકો આપી દીધો છે, જ્યારે સામા પક્ષે કોંગ્રેસે રમેશ ગોંધિયાને ટિકિટ આપી છે. રમેશ ગોંધિયાના પિતા બદિયાભાઈ ગોંધિયા ત્રણ દાયકા પહેલાં ધારાસભ્ય રહી ચૂક્યા હતા. જોકે હાલ લીમખેડા વિસ્તારમાં રમેશ ગોંધિયા બહુ જાણીતો ચહેરો નથી. ટૂંકમાં, લીમખેડા બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે.

દેવગઢ બારિયા
દેવગઢ બારિયા પર ઓબીસી મતદારોનો પ્રભાવ છે. ભાજપે અહીં કોળી સમાજના દિગ્ગજ નેતા અને બે વખતથી જીતતા આવતા બચુભાઈ ખાબડને ફરી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે સામા પક્ષે કોંગ્રેસ અને એનસીપીએ આ બેઠક પર ગઠબંધન કર્યું હતું, જેમાં કોંગ્રેસે આ બેઠક એનસીપીને ફાળવી હતી. એનસીપીએ આ સીટ પર ગોપસિંગ લવારને ટિકિટ ફાળવી હતી. જોકે તેના થોડા જ સમયમાં એનસીપીના ઉમેદવાર પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું. આવી સ્થિતિમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ફાઈટ જોવા મળી હતી. આમ આદમી પાર્ટીએ પણ કોળી સમાજના જ નેતા ભરતસિંહ વાખલાને ટિકિટ આપી હતી. ભરતભાઈ વાખલા ગયા વખતે બચુભાઈ ખાબડ સામે 45 હજાર મતથી હારી ગયા હતા. આ ચૂંટણીમાં બે કોળી વચ્ચે જંગ જામ્યો છે. ટૂંકમાં, આ સીટ પર ભાજપની થોડીક લીડ ઘટી શકે છે, બાકી વિજય તો ભાજપનો જ નિશ્ચિત દેખાય છે.

ગરબાડા
દાહોદ જિલ્લામાં સૌથી વધુ રસાકસી હોય તો એ ગરબાડા સીટ પર છે. ત્રણ ટર્મથી જીતતાં કોંગ્રેસનાં ચંદ્રિકાબેન બારિયા ફરી ચૂંટણીજંગમાં ઊતર્યાં છે. સામે ભાજપે મહેન્દ્રભાઈ ભાભોરને ફરી ટિકિટ ફાળવી છે. ગઈ ચૂંટણીમાં ચંદ્રિકાબેન બારિયા સામે તેમનો 16 હજાર મતથી પરાજય થયો હતો. જોકે ત્યાર બાદ ભાજપે ગરબાડા તાલુકામાં પોતાની સ્થિતિ સુધારી હતી. ગરબાડા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટોમાંથી 80 ટકા સીટો પર વિજય મેળવ્યો હતો. ચંદ્રિકાબેન બારિયાને મળતાવડા સ્વભાવને કારણે લોકો પસંદ કરે છે. જોકે ત્રણ વખતથી જીતતાં હોવાથી એન્ટિ-ઈન્કમ્બન્સી ફેક્ટર તેમના વિરુદ્ધમાં જઈ શકે છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડતા શૈલેષ ભાભોર કોંગ્રેસના મત વધુ તોડી શકે છે, કેમ કે કોંગ્રેસનો ગઢ ગણાતો વિસ્તાર શૈલેષ ભાભોરની હોમપીચ છે. જોકે દર વખતે એવી વાતો વહેતી થાય છે કે ભાજપના અમુક સ્થાનિક નેતાઓ કોંગ્રેસેનાં ચંદ્રિકાબેન બારિયા સાથે પડદા પાછળ ગઠબંધન કરી લેતા હોય છે. આ વખતે એવી માહિતી મળી છે કે કેન્દ્રીય નેતાગીરીએ આવા કોઈ ગઠબંધન ન રાખવા સ્થાનિક નેતાઓને સ્પષ્ટ સૂચના આપી છે. ટૂંકમાં, આ સીટ પર ખેરખર કાંટાની ટક્કર છે, પણ ભાજપ કોંગ્રેસ પાસેથી આ સીટ આંચકી શકે છે.

ઝાલોદ
પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અને કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય ભાવેશ કટારાએ ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ છોડી ભાજપનો સાથ પકડી લીધો હતો. એટલું જ નહીં, તેમણે ચૂંટણી નહીં લડવાની પણ સ્વેચ્છાએ જાહેરાત કરી હતી. ભાજપ તરફથી મહેશ ભૂરિયા ચૂંટણી લડી રહ્યા છે. તેમની દબંગ નેતા તરીકેની છાપ છે. વિસ્તારના લોકોના સારા-નરસા પ્રસંગોએ તેમની હાજરી અચૂક જોવા મળે છે. આ ઉપરાંત ઝાલોદમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 2015માં જે કોંગ્રેસનું એકચક્રી શાસન હતું તેને ભાજપે વર્ષ 2021માં ઉખાડી ફેંક્યું હતું અને 80 ટકા સીટો પર કબજો જમાવ્યો હતો. સામા પક્ષે કોંગ્રેસે ડૉ. મિતેષ ગરાસિયાને મેદાનમાં ઉતાર્યા છે, જેમની સામે શરૂઆતમાં ખૂબ આંતરિક વિરોધ થયો હતો. તેઓ વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં 40 હજારની લીડથી જીત્યા હતા. 2017ની ચૂંટણી આવતાં પહેલાં તેમની સામે વિરોધ થતાં કોંગ્રેસે ટિકિટ કાપી નાખી હતી. હવે ફરી 2022માં કોંગ્રેસે તેમને ટિકિટ ફાળવી છે તો ફરી વિરોધ શરૂ થયો છે. વ્યવસાયે ડૉક્ટર મિતેષ ગરાયિસાનું ઝાલોદમાં દવાખાનું હતું, પણ બિઝનેસ અર્થે તેઓ મોટા ભાગે અમદાવાદમાં રહે છે. ટૂંકમાં સિટિંગ ધારાસભ્ય ભાવેશ કટારાનું સમર્થન અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સારા પ્રદર્શનના આંકડા જોતાં આ સીટ પર કમળ ખીલી શકે છે.

ફતેપુરા
આ સીટ પર ગઈ વખતે ભાજપના રમેશ કટારા કોંગ્રેસના રઘુ મછાર સામે માત્ર 2700 મતથી જીત્યા હતા. 2022ની આ ચૂંટણીમાં ભાજપે ફરી રમેશ કટારા તો કોંગ્રેસે રઘુ મછારને ટિકિટ આપી છે. બંનેના પિતા સીમાંકન પહેલાં એક-એક વખત ઝાલોદના ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ વખતે આ સીટ પર આમ આદમી પાર્ટી કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે. આમ આદમી પાર્ટીએ ગોવિંદ પરમારને ટિકિટ આપી છે, જેઓ કોંગ્રેસમાંથી આવે છે. તેઓ કોંગ્રેસના અમુક હજાર મત તોડી શકે છે. ટૂંકમાં, આમ આદમી પાર્ટીને કારણે આ સીટ પર ભાજપને વિજય મળી શકે છે.

છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર (ST)

10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાઈ જતાં છોટાઉદેપુર સીટનાં સમીકરણો બદલાઈ ગયાં છે. પુત્રને ટિકિટ ન આપતાં મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસથી છેડો ફાડી ભાજપ જોઈન કરી લીધી હતી. ભાજપે તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા ટિકિટ પણ આપી દીધી હતી. જોકે ભાજપે કોંગ્રેસના આયાતી ઉમેદવારને ટિકિટ આપતાં વર્ષોથી પાર્ટીની સેવા કરતા સ્થાનિક કાર્યકરોમાં અંદરખાને નારાજગી વ્યાપી હતી. એને લઈને બે દિવસ પહેલાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મિટિંગ કરી હતી. બીજી તરફ કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે. સંગ્રામસિંહ રાઠવા રાજકીય રીતે ખૂબ સક્રિય છે. હાલ છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ છે અને યુવા કોંગ્રેસના પ્રદેશ મંત્રી છે. યુવાનોમાં તેમનું સારું વર્ચસ્વ છે તેમજ રાઠ વિસ્તારમાં તેમનો પ્રભાવ છે. જ્યારે આપના ઉમેદવાર અર્જુન રાઠવા ભાજપ-કોંગ્રેસ બંનેને નુકસાન કરશે. અર્જુન રાઠવા પણ રાઠ વિસ્તારના હોવાથી કોંગ્રેસને વધુ નુકસાન કરશે, પણ અહીં રાજેન્દ્રસિંહ રાઠવાને ભાજપના સંગઠનની સાથે પિતા મોહનસિંહ રાઠવાની છબિ એમ ડબલ ફાયદો મળી શકે છે. પણ પાર્ટી બદલવાની સાથે ઓછું મતદાન રાજેન્દ્રસિંહ રાઠવાના તરફેણમાં નથી. રસાકસાભર્યા માહોલમાં કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવાની જીત થઈ શકે છે.

પાવી જેતપુર(ST)

પાવી જેતપુર સીટ કોંગ્રેસના સુખરામ રાઠવાનો ગઢ ગણાય છે. 6 વખતના ધારાસભ્ય અને ક્લીન ઈમેજ તેમની ફેવરમાં છે. જ્યારે ભાજપે ઉતારેલા જયંતીભાઈ રાઠવાની દબંગ ઈમેજ છે. ગઈ ચૂંટણીમાં સુખરામ રાઠવાનો જયંતી રાઠવા સામે માત્ર 3 હજાર મતે વિજય થયો હતો. સુખરામ રાઠવા હાલમાં ભાજપમાં જોડાયેલા મોહનસિંહ રાઠવાના વેવાઈ થાય છે. ગઈ ચૂંટણીમાં આંતરિક અસંતોષના કારણે ભાજપની હાર થઈ હતી. ભાજપના કાર્યકરોએ આ સીટ પર ક્વાંટ તાલુકાના સ્થાનિક ઉમેદવારની માગ કરી હતી, જેને કારણે જયંતી રાઠવાનો વિરોધ થયો હતો. જોકે આ વખતે આ ભાજપના કાર્યકરોની માગ છે ખરી, પણ જયંતી રાઠવા સામે જોઈએ એવો વિરોધ નથી. બીજું કે અહીં ભાજપનું સંગઠન ખૂબ મજબૂત છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ ઓસ્ટ્રેલિયાથી નોકરી કરીને આવેલાં રાધિકા રાઠવાને ટિકિટ આપી છે. પૂર્વ સાંસદની પુત્રી રાધિકા રાઠવા કોંગ્રેસ છોડીને આપમાં જોડાયાં હતાં. રાધિકા રાઠવા જે વિસ્તારમાં રહે છે એ ભાજપનો ગઢ છે. અહીં રાધિકા રાઠવાએ ગ્રાઉન્ડ લેવલ પર સારો એવો પ્રચાર કર્યો છે, જેથી તેઓ ભાજપને સારા એવા મતનું નુકસાન કરાવી શકે છે. આ ઉપરાંત અહીં મતદાન પણ ઓછું થયું છે. ટૂંકમાં, ગઈ ચૂંટણીમાં માત્ર થોડાક અંતરથી જીતેલી આ બેઠક કોંગ્રેસના સુખરામ રાઠવા જાળવવામાં સફળ થઈ શકે છે.

સંખેડા(ST)

ભાજપે ફરી સિટિંગ ધારાસભ્ય અભેસિંહ તડવીને ટિકિટ આપી છે, જેની સામે લોકોમાં ભારે રોષ છે. રોજ ને રોજ તેમનો કોઈ ને કોઈ નેગેટિવ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. તેમનો પાંચ વર્ષમાં લોકસંપર્ક પણ જોઈએ એવો નહોતો. તેમની કામગીરીને લઈને મોટાં મોટાં ગામોમાં વિરોધ છે. જોકે અહીં ભાજપનું સંગઠન ખૂબ મજબૂત છે. બીજી તરફ, કોંગ્રેસે ધીરુભાઈ ભીલને ટિકિટ આપી છે, જેઓ આર્થિક રીતે પાવરફુલ વ્યક્તિ નથી. કોંગ્રેસનું સંગઠન અહીં નબળું છે. ધીરુભાઈએ પ્રચાર કર્યો છે, પણ એમાંથી વોટમાં કેટલા કન્વર્ટ થાય છે એના પર શંકા છે. આ સીટ પર ફ્લોટિંગ વોટ બહુ છે. અંતિમ સમયે કઈ બાજુ નમે એ કહી શકાય નહીં. શાંત વ્યક્તિત્વ એ ધીરુભાઈ ભીલનો પ્લસ પોઈન્ટ છે. ધીરુભાઈ ભીલ ભીલ સમાજમાંથી આવે છે, જ્યારે અભેસિંહ તડવી તડવી સમાજમાંથી આવે છે. સંખેડા મતવિસ્તારમાં ભીલ સમાજની તુલનાએ તડવી મતદારો વધુ છે. આપના ઉમેદવાર રંજન તડવી ભાજપને વધુ નુકસાન કરી શકે છે. વર્ષ 2012માં તેઓ અપક્ષ તરીકે લડ્યા હતા અને 8 હજાર વોટ લઈ ગયા હતા. ટૂંકમાં, ભાજપના અભેસિંહ તડવી આ સીટ જીતી શકે છે, પણ લીડ ઘટી શકે છે.

અમદાવાદ જિલ્લો

વિરમગામ
પાટીદાર અનામત આંદોલન કરીને નેતા બનેલા હાર્દિક પટેલ આંદોલન વખતે ભાજપને ગાળો ભાંડતો હતો. આજે તેના ખોળામાં બેસી ગયો છે. તેના આ પગલાથી પાટીદાર યુવાનો નારાજ જરૂર છે, પણ પાટીદારો હિન્દુત્વમાં માનતા હોવાથી ભાજપનો સાથ છોડે એમ નથી. એનો લાભ હાર્દિકને સીધો મળે એમ છે. તેની સામે પક્ષે કોંગ્રેસના લાખાભાઇ ભરવાડ 2017માં કોંગ્રેસમાંથી વિજયી બન્યાં હતા, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમરસિંહ ઠાકોર છે. આ બેઠક પર ઠાકોર સમાજ પ્રભુત્વ ધરાવે છે. તેની સાથે દલિત, મુસ્લિમ તેમ જ ભરવાડ અને કોળી સમાજના મતો છે. આ મતો અત્યારસુધી કોંગ્રેસને સીધા મળતા હતા, પરંતુ આ વખતે ચૂંટણીના મેદાનમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમરસિંહ ઠાકોર ઉપરાંત દલિત કર્મશીલ કિરીટ રાઠોડે પણ ઝુંકાવ્યું છે, એટલે ઠાકોર સમાજના મતો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે વિભાજિત થઈ શકે છે. આ ઉપરાંત દલિતના મતો સીધા કોંગ્રેસને મળતા હતા. એમાં પણ દલિત કર્મશીલ કિરીટ રાઠોડ કે જે દલિતોને ન્યાય અપાવવા માટે સતત લડત ચલાવી રહ્યા છે, જેથી દલિતોના મતો પણ દલિત ઉમેદવારને મળવાની શક્યતા વધુ છે. એ જ રીતે મુસ્લિમ સમાજના મતો પણ અત્યારસુધી કોંગ્રેસને મળતા હતા, પરંતુ મુસ્લિમ સમાજનો કેટલોક વર્ગ પણ આમ આદમી પાર્ટી તરફ વળ્યો છે. આમ, કોંગ્રેસના મળતા મતો વિભાજિત થશે. જોકે ભરવાડ સમાજના મતો સીધા જ કોંગ્રેસના ઉમેદવાર લાખાભાઇ ભરવાડને સીધા મળે તોપણ પટેલ સમાજના મતો અને ભાજપના આગેવાનો હાર્દિકને જિતાડવા કામે લાગી ગયા હોવાથી તે જીતી જાય એવી શક્યતા છે.

સાણંદ
સાણંદમાં ભાજપના ઉમેદવાર તરીકે કનુભાઇ પટેલ, કોંગ્રેસના રમેશભાઇ કોળી અને આમ આદમી પાર્ટીમાંથી કુલદીપસિંહ વાઘેલાએ ઝુંકાવ્યું છે. આ બેઠક પર કોળી સમાજના આગેવાને વિરોધ કર્યો હતો, પરંતુ ભાજપના રાષ્ટ્રીય આગેવાનોની દરમિયાનગીરીથી મામલો થાળે પડી ગયો હોવાથી બધા એક થઇ ગયા હતા. વળી, પાછું કનુભાઇ ગત 2017ની ચૂંટણીમાં પણ વિજયી થયા હતા. એ પહેલાં તેમના પિતા કમસીભાઇ વિજેતા થયા હતા. આમ, આ બેઠકમાં કોળી પટેલ તથા ક્ષત્રિયોનું પ્રભુત્વ છે. જ્યારે બીજા પ્રભુત્વ ધરાવતા ક્ષત્રિય સમાજમાંથી પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હોવાથી ત્યાં જો જ્ઞાતિવાદનું રાજકારણ ચાલે તો ક્ષત્રિયોના મતો વિભાજિત થાય અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે મતો વિભાજિત થાય તો એનો સીધો લાભ ભાજપને મળી જાય અને ભાજપ ઓછા માર્જિંનથી પણ બેઠક અંકે કરી દે એવી શક્યતા છે.

ઘાટલોડિયા
ઘાટલોડિયાની બેઠક ભાજપનો ગઢ છે. આ બેઠક પર ભાજપ વર્ષોથી વિજેતા બને છે. એમાંય વળી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બેઠક પર ઊભા હોવાથી જીત નિશ્ચિત છે. ભાજપ આ બેઠક પર માત્ર લીડ વધારવા જ મહેનત કરી રહ્યો છે. આ વિસ્તાર પહેલાં સરખેજ મતક્ષેત્રમાં હતો, ત્યારે પણ ભાજપ જ વિજયી બનતો હતો. 2012થી ઘાટલોડિયા બેઠક અલગ પડી હતી, પરંતુ એ પછી પણ લાગલગાટ વિધાનસભા કે લોકસભાની બેઠક ભાજપ જ અંકે કરે છે. જેથી તેનું જોર વધુ છે. તેની સામે કોંગ્રેસનાં અમીબેન યાજ્ઞિક અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય પટેલ છે. તેઓ પાટીદાર હોવાને કારણે થોડાઘણા વોટ તોડી શકે છે, પણ મનમાં હાર ભાળી ગયા હોય એમ તેમની મહેનત વિસ્તારમાં પ્રમાણમાં ઓછી દેખાય છે. બંને પક્ષના ઉમેદવારોએ એકમાત્ર રોડ શો કરીને સંતોષ વ્યક્ત કર્યો છે. બાકી કયાંય ડોર ટુ ડોર કે અંતરિયાળ વિસ્તારમાં પ્રચારકાર્ય પણ ઘણું ઓછું હતું. આમ, ભાજપની જીત નિશ્ચિત મનાય છે.

વેજલપુર
વેજલપુર બેઠક પર ભાજપમાંથી અમિત ઠાકર, કોંગ્રેસમાંથી રાજેન્દ્ર પટેલ અને આમ આદમી પાર્ટીમાંથી કલ્પેશ પટેલ ઉર્ફે ભોલિયોએ ઝુંકાવ્યું છે. આમ તો આ બેઠક પરથી ભાજપ સતત વિજય મેળવી રહ્યો છે. વળી, પાછું અમિત ઠાકર સક્રિય અને ઉત્સાહી ઉમેદવાર હોવાથી તેનું પલ્લું ભારે છે. તેની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કલ્પેશ પટેલે કોરોનાના સમયમાં સ્થાનિક વિસ્તારમાં ઘણા લોકોને મદદ કરી હતી. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પટેલ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કલ્પેશ પટેલ પિત્રાઈ ભાઇ છે અને ઔવેસી પાર્ટીના ઉમેદવાર તરીકે મુસ્લિમ ઉમેદવાર ઊભા છે. આમ તો મુસ્લિમોના મતો વધુ છે. આ વખતે મુસ્લિમો આમ આદમી પાર્ટી તરફ વળ્યા હોય એમ દેખાય છે. ત્યારે જો મુસ્લિમોના મતોનું ધ્રુવીકરણ થાય તો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા ઔવેસીની પાર્ટીના ઉમેદવાર વચ્ચે મતો વેચાઇ જાય. બીજી તરફ, હિન્દુઓના મતો સીધા ભાજપના ફાળે જાય એવી શકયતા વધુ છે, જેથી વેજલપુર બેઠક પણ ભાજપના ફાળે જઈ શકે છે.

વટવા
વટવા બેઠક પર ભાજપના ઉમેદવાર બાબુસિંહ જાદવ, કોંગ્રેસના બળવંત ગઢવી અને આમ આદમી પાર્ટીમાંથી બિપિનચંદ્ર પટેલે ઉમેદવાર તરીકે ઝુંકાવ્યું હતું, પણ આ બેઠક પર ભાજપનું પ્રભુત્વ છે. ત્યાંથી ગત ચૂંટણીમાં ઝુંકાવનારા ભાજપના સિનિયર નેતા પ્રદીપસિંહ જાડેજાએ જીત મેળવી હતી. તેઓ રાજયના ગૃહમંત્રી પણ બન્યા હતા. ત્યાર બાદ પણ તેઓ સતત વટવાના રહીશો સાથે જોડાયેલા રહ્યા હોવાથી વટવામાં આજે પણ તેમનું વર્ચસ્વ છે, જેને કારણે ભાજપની જીતની શક્યતા વધી જાય છે અને ત્યાં પરપ્રાંતીઓની વસતિ પણ છે. જોકે પાટીદારો પણ હોવાથી આમ આદમી પાર્ટીએ પાટીદાર ઉમેદવાર ઊભો રાખ્યો છે, પણ તેમનું કદ કે જાણીતો ચહેરો ના હોવાથી બને તેટલી અસર થવાની શક્યતા ઘણી જ ઓછી છે. પરિણામે, ભાજપ માટે આ બેઠક જીતવી લગભગ નિશ્ચિત મનાઈ રહી છે.

એલિસબ્રિજ
એલિસબ્રિજની બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહ છે, જ્યારે કોંગ્રેસમાંથી ભીખુભાઈ દવે અને આમ આદમી પાર્ટીમાંથી પારસ શાહ ચૂંટણી લડવાના છે. અમિત શાહ કોર્પોરેટર તરીકે પણ ત્યાંથી જીતેલા છે. અમદાવાદ શહેરના મેયર સહિત હાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ છે. તેમ જ તેઓ વિસ્તારમાં સતત સક્રિય છે. બીજી તરફ, કોંગ્રેસના ભીખુભાઇ દવેએ કોરોનાના સમયમાં લોકોની સારી સેવા કરી છે. જ્યારે પારસ શાહ નવો ચહેરો છે, પણ તે વણિક છે. આ બેઠકમાં જૈનોના મતોનું પ્રુભત્વ છે. જેથી તેમને મતો મળશે, પણ આ બેઠક વર્ષોથી ભાજપ પાસે રહી છે. ત્યાં જૈનો તથા બ્રાહ્મણની વસતિનું પ્રભુત્વ છે, પરંતુ વર્ષોથી ભાજપ જીતતી આવતી હતી, એટલે ભાજપ માટે આ બેઠક સરળતાથી મેળવી શકે એમ કહી શકાય, કેમ કે અગાઉ પણ કોંગ્રેસે બ્રાહ્મણ ઉમેદવાર ઊભા રાખ્યા હતા, પણ ધાર્યું પરિણામ મેળવી ન શકી હતી જેથી આ બેઠક પણ ભાજપ જીત નિશ્ચિત છે.

નારણપુરા
નારણપુરા બેઠકમાં ભાજપમાંથી જિતેન્દ્ર પટેલ, કોંગ્રેસમાંથી સોનલબેન પટેલ અને આમ આદમી પાર્ટીમાંથી પંકજ પટેલે ઉમેદવારી નોંધાવી છે, પરંતુ આ બેઠક પર પણ વર્ષોથી ભાજપનો ભગવો લહેરાતો આવ્યો છે. પરિણામે, એ પણ ભાજપનો ગઢ ગણાય છે, જેથી આ બેઠક પર પણ ભાજપનો વર્ષોથી કબજો રહ્યો છે, એટલે આ બેઠક પર ભાજપની જીત નિશ્ચિત ગણાય છે. જોકે કોંગ્રેસ તેમ જ આમ આદમી પાર્ટી તરફથી મહેનત કરવામાં આવે છે, પરંતુ સોલા રોડ કે જ્યાં પોળની મહત્તમ વસતિ રહે છે. આ સોલા રોડ પર હાઉસિંગના પ્રશ્નો છે, પરંતુ એ પ્રશ્નોને લઇને મતદારો ફંટાય તો ભાજપ માટે જોખમ ઊભું કરી શકે છે, પરંતુ વર્ષોથી તેઓ ભાજપ સાથે જોડાયેલા છે. જોકે સંજયનગરના છાપરાંના મતો કોંગ્રેસમાં જતા હતા, પરંતુ એ નામશેષ થઇ ગયા છે. મતદારો વેરવિખેર થયા હોવાથી કોંગ્રેસ માટે એ મતો મેળવવા દુષ્કર છે. આ બધું હોવા છતાં નારણપુરા બેઠક પરથી ભાજપ જીતતું આવ્યું હોવાથી નારણપુરા બેઠકમાં પણ ભાજપ માટે નિશ્ચિત છે.

નિકોલ
નિકોલ બેઠક પર ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલ, કોંગ્રેસના ઉમેદવાર રણજિતસિંહ બારડ અને આમ આદમી પાર્ટીના અશોક ગજેરા ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ આ બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે. હાલના ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલ મંત્રી છે. વળી, પાછું તેમણે પોતાના વિસ્તારમાં કામ પણ કર્યા છે. ગત ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે ઊકળતા ચરુ જેવી સ્થિતિ હતી છતાં ભાજપના ઉમેદવાર જીત્યા હતા. તો આ વખતે પાટીદારોની પરિસ્થિતિ બદલાઈ છે, જેને કારણે ભાજપ માટે આ બેઠક સિક્યોર છે.

નરોડા
નરોડા બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે ડો. પાયલ કુકરાણી, એસ.સી.પી.માંથી મેઘરાજ ડોડવાણી અને આમ આદમી પાર્ટીમાંથી ઓમપ્રકાશ તિવારી છે. કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સમજૂતી સધાઈ હોવાથી કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો નથી. આમ તો આ બેઠક પર ભાજપ વર્ષોથી જીતતી આવી છે, પરંતુ આ વખતે ભાજપે ડો. પાયલ કુકરાણીને ટિકિટ ફાળવતાં શરૂઆતમાં વિવાદ થયો હતો. ત્યાં સુધી કે તેની રિસેપ્શનની કંકોત્રી સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી, પરંતુ પાયલના પિતા આરએસએસના ચુસ્ત કાર્યકર હોવાની સાથે પાયલની માતા સ્થાનિક કક્ષાએ કોર્પોરેટર છે. બીજી બાજુ, ભાજપના ટોચના નેતાની સમજાવટથી સરદારનગરમાં ભાજપના આગેવાનોનો વિરોધ શમી ગયો હતો. તેઓ ભાજપને બેઠક જિતાડવા કામે લાગી ગયા હતા. આ બેઠક પર સીંધી સમાજનું પ્રભુત્વ વધુ છે અને આ સમાજ હિન્દુત્વમાં માનતી હોવાથી ભાજપને એનો ફાયદો થશે. જો કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો હોત તો કદાચ ભાજપ માટે કપરાં ચઢાણ સાબિત થયા હોત, પરંતુ કોંગ્રેસે એ બેઠક એન.સી.પી.ને આપી હતી અને એન.સી.પી. સાથે સરદારનગરમાં બહુ કામગીરી નહીં હોવાથી એનો લાભ ભાજપને સીધો મળી શકશે, જેથી આ બેઠક પર ઓછા માર્જિંનથી પણ ભાજપ પોતાનું પ્રભુત્વ જાળવી શકે છે.

ઠક્કરબાપાનગર
ભાજપમાંથી કંચનબેન રાદડિયા, કોંગ્રેસમાંથી વિજય બ્રહ્મભટ્ટ તેમ જ આમ આદમી પાર્ટીમાંથી સંજય મોરીએ ઉમેદવારી કરી છે. આ વિસ્તારમાં સૌરાષ્ટ્રના પટેલો અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા લોકોનું પ્રભુત્વ વધુ છે. આ બેઠક પર ભાજપના વલ્લભ કાકડિયા જીત્યા હતા. તેઓ પાટીદાર હોવાની સાથોસાથ હીરા ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા હોવાથી તેમનું બંને સમાજ પર વર્ચસ્વ છે. તેમણે ગત ચૂંટણી સમયે પાટીદાર ઇસ્યુ હોવા છતાં જીત મેળવી હતી, જેથી અહીં ભાજપનું વર્ચસ્વ છે. જોકે ભાજપે આ વખતે મહિલા ઉમેદવાર, વળી પાછું નવો ચહેરો ઊભો રાખ્યો છે. તેની સામે કોંગ્રેસના વિજય બ્રહ્મભટ્ટ પૂર્વ કોર્પોરેશનના કર્મચારી છે. તેઓ પણ સ્થાનિક વિસ્તારના કામ કરતા હોવાથી તેમનું કામ બોલે છે, પરંતુ પાટીદાર અનામત આંદોલન વખતે પણ આ બેઠક ભાજપ જીતી હતી. આ વખતે આંદોલનની કોઇ અસર હાલ નથી અને આ બેઠક ભાજપનો ગઢ ગણાતો હોવાથી બેઠક ભાજપ પાસે જ રહેશે.

બાપુનગર
બાપુનગરની બેઠક પર ભાજપમાંથી દિનેશ કુશવાહ, કોંગ્રેસના હિંમતસિંહ પટેલ તેમ જ આમ આદમી પાર્ટીના રાજેશ દીક્ષિત ઊભાં છે. ઉપરાંત સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પણ છે. કોંગ્રેસના હિંમતસિંહ પટેલ ચાલુ ધારાસભ્ય છે. તો દિનેશ કુશવાહ ભાજપના કોર્પોરેટર છે. આ વિસ્તારમાં પરપ્રાંતીઓ વસતિનું પ્રભુત્વ છે, પરંતુ કોંગ્રેસના હિંમતસિંહ પટેલ 3 હજાર જેટલા મતોની સરસાઇથી અગાઉની ટર્મમાં જીત્યા હતા. તેમાં પણ મુસ્લિમ મતદારોના મતો કોંગ્રેસને મળ્યા હતા, પરંતુ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મુસ્લિમ સમાજમાંથી આવ્યા હોવાની સાથે તેઓ તેમના સમાજમાં વધુ પ્રભુત્વ ધરાવતા હોવાથી સ્વાભાવિકપણે મુસ્લિમ સમાજના મતો વિભાજિત થવાની શકયતા છે. જ્યારે અન્ય જ્ઞાતિ ભાજપને મતો આપે તેમ હોવાથી આ બેઠક ભાજપ માટે જીતવી શક્ય બની ગઇ છે.

અમરાઇવાડી
અમરાઇવાડી બેઠક પર ભાજપમાંથી ડો. હસમુખ પટેલ, કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ તેમજ આમ આદમી પાર્ટીના વિનય ગુપ્તા લડી રહ્યા છે. આમ તો આ બેઠક પર ભાજપ જીતતી આવી છે અને અમરાઇવાડી બેઠક પણ ભાજપનો ગઢ ગણાય છે. એને કારણે જ 2017માં વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ વિજયી થયા હતા. પાછળથી લોકસભાની ચૂંટણી જીતી જતાં આ બેઠક ખાલી પડી હતી. આ બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં પણ ભાજપના જ ઉમેદવાર જગદીશ પટેલ વિજયી થયા હતા અને કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલની હાર થઇ હતી. ત્યાર બાદ જગદીશ પટેલે ભારે લોકચાહના મેળવી હતી, પરંતુ આ વખતે તેમનો સ્થાનિક કક્ષાએ ભાજપના જ કાર્યકરોએ વિરોધ કરતાં તેમને ખસેડીને નવા ચહેરા તરીકે ડો. હસમુખ પટેલને ઉતારવામાં આવ્યા છે. શિક્ષિત હોવાની સાથે પટેલ હોવાથી આ બેઠક ભાજપના ફાળે જવાની સંભાવના છે. જોકે કોંગ્રેસના ધર્મેન્દ્રભાઇ જોર કર્યું હોવાથી ભાજપને જીતનું માર્જિંન ઓછું થઇ શકે એમ માની શકાય છે.

દરિયાપુર
દરિયાપુર બેઠક પર ભાજમાંથી કૌશિક જૈન, કોંગ્રેસના દિગ્ગજ નેતા ગ્યાસુદ્દીન શેખ તેમ જ આમ આદમી પાર્ટીના તાજ કુરેશી વચ્ચે ખરાખરીનો જંગ છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન જીતતા આવ્યા છે. ભાજપનો ભગવો અમદાવાદમાં મહત્તમ બેઠકો જીતીને લહેરાયો હોવા છતાં એ કોંગ્રેસના ફાળે જ રહી હતી, જેથી ભાજપે આ બેઠક યેન કેન પ્રકારેણ જીતવા માટે મરણિયા પ્રયાસો કર્યા છે. તેના ભાગરૂપે એ બેઠક હાંસલ કરવા માટે ભાજપ ભરપૂર કોશિશ કરી રહ્યો છે. તેઓ 10 હજાર મતોના માર્જિન સાથે જીતી જશે એવું ભાજપના ઉમેદવારના ટેકેદારો દાવો કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ કામ કરતી સરકાર જેવા છે. કોઇપણ કોમની વ્યક્તિનાં કામમાં તાત્કાલિક તેઓ દોડી જાય છે અને તેઓ બે ટર્મથી સતત જીતતા આવ્યા છે. તેઓ 20 હજારના માર્જિનથી જીતી જશે એવો દાવો કરી રહ્યા છે. ત્યારે આ બેઠક પર મુસ્લિમ મતોનું પ્રભુત્વ છે, પરંતુ આમ આદમી પાર્ટીએ મુસ્લિમ ઉમેદવારને ઊભા રાખ્યા છે. આ ઉમેદવારને મતો મેળવી પણ જાય એવી આશંકા છે, પરંતુ મુસ્લિમ સમાજના લોકોને ગુંડાતત્ત્વો દ્વારા ધમકી અપાઇ હોવાથી મુસ્લિમ સમાજનું મતદાન એકતરફી એટલે કે કોંગ્રેસને મળે એવી શક્યતા છે.

જમાલપુર-ખાડિયા
જમાલપુર-ખાડિયા બેઠક પર ભાજપમાંથી ભૂષણ ભટ્ટ, કોંગ્રેસમાંથી ઇમરાન ખેડાવાલા તથા આમ આદમી પાર્ટીમાંથી હારુન કુરેશીએ ઝુંકાવ્યું છે. આ બેઠક પહેલાં ખાડિયા એકલાની હતી. હિન્દુત્વની હવા હોવાથી ત્યાં વર્ષોથી ભૂષણના પિતા અશોક ભટ્ટ ચૂંટાઇ આવતા હતા, પરંતુ સીમાંકન બાદ આ બેઠક જમાલપુર વિસ્તાર ભળી જવાથી હાલ મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ વધી ગયું છે. ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટને કોંગ્રેસના હાલના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાએ હરાવીને વિજયી થયા હતા. આ ઉમેદવાર ફરી એકવાર સામસામે આવ્યા છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હારુન કુરેશી ઉપરાંત ઔવેસીની પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલાએ પણ ઝુંકાવ્યું છે, જેથી મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ થશે એવું મનાઇ રહ્યું છે, પરંતુ ઇમરાન ખેડાવાલાની કામગીરીથી સ્થાનિક રહીશોને સંતોષ છે. બીજી તરફ ભૂષણ ભટ્ટથી સ્થાનિક રહીશોમાં અંસતોષ હોવાથી ફરી વખત ઇમરાન ખેડાવાલા જ જીતે એવી શક્યતા પ્રબળ છે.

મણિનગર
મણિનગર બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે અમૂલ ભટ્ટ, કોંગ્રેસના ઉમેદવાર સી.એમ. રાજપૂત તથા આમ આદમી પાર્ટી તરફથી વિપુલ પટેલ છે, પરંતુ આ બેઠક વર્ષોથી ભાજપ જીતતી આવી છે. ત્યાંથી હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ ત્રણ વખત વિજેતા બન્યા છે. મતલબ કે ભાજપ માટે આ બેઠક સલામત ગણાય છે. આ બેઠક પર લોકો ઉમેદવારને નહીં, બલકે ભાજપને જોઇને મત આપે છે, એટલે કે ભાજપનો ગઢ કહેવાય છે. મણિનગરમાં પાટીદાર, બ્રાહ્મણ અને જૈન સમાજનું પ્રભુત્વ વધુ છે. આ ઉપરાંત દલિત મતદારો પણ નિર્ણાયક ભૂમિકા છે, પરંતુ પાટીદાર, બ્રાહ્મણ અને જૈન સમાજ મહત્તમ ભાજપને સાથ આપે છે. મણિનગર બેઠક ભાજપનો ગઢ ગણાતી હોવાથી ભાજપ માટે લગભગ નિશ્ચિત છે.

દાણીલીમડા
દાણીલીમડા બેઠક પરથી ભાજપના નરેશ વ્યાસ, કોંગ્રેસના શૈલેષ પરમાર તથા આમ આદમી પાર્ટીના દિનેશ કાપડિયા ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઊભા છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમાર સતત વિજેતા થતા આવ્યા છે અને આ વખતે પણ તેઓ જીતી જશે એવો કોંગ્રેસના સક્રિય સભ્યો દાવો કરી રહ્યા છે. બીજી તરફ ભાજપે પણ આ બેઠક કબજે કરવા રીતસરની કમર કસી છે. આમ તો આ બેઠક પર મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે. એ જ રીતે દલિત, ખિસ્તી, દરબાર, પટેલ, બ્રાહ્મણ અને જૈન સમાજની વસતિ પણ છે, પરંતુ ભાજપ તરફથી ઝુંકાવનાર ઉમેદવાર નવો ચહેરો છે. અને કોંગ્રેસની આ બેઠક પર વર્ષોથી પકડ છે અને શૈલેષ પરમાર સ્થાનિક કક્ષાએ કામ કરતા હોવાથી તેઓ બરકરાર રહી શકે છે. ટૂંકમાં, કોંગ્રેસ બેઠક જાળવી શકે છે.

સાબરમતી
સાબરમતી બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ડો. હર્ષદ પટેલ, કોંગ્રેસના દિનેશ મહીડા અને આમ આદમી પાર્ટી તરફથી જશવંત ઠાકોરે ઉમેદવારી કરી છે. આ બેઠક પણ ભાજપના ગઢ સમાન છે. ઘણાં વર્ષોથી આ બેઠક ભાજપ પાસે જ છે. ઓબીસી અને પટેલ મતદારોનું પ્રભુત્વ છે. આ બેઠક પર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા જાય છે. એની સીધી અસર ઉમેદવારોની જીત માટે અસરકારક સાબિત થાય છે અને આ બેઠક ભાજપના ગઢ સમાન ગણાતી હોવાથી ભાજપના ઉમેદવાર ડો. હર્ષદ પટેલની જીત નિશ્ચિત છે.

અસારવા
અસારવા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે દર્શનાબેન વાઘેલા, કોંગ્રેસના ઉમેદવાર વિપુલ પરમાર તથા આમ આદમી પાર્ટી તરફથી જે. જે. મેવાડા ઉમેદવાર છે. આ બેઠક આમ તો ભાજપ પાસે હતી અને અનુસૂચિત જાતિની અનામત બેઠક થયા પછી પણ સતત ભાજપ પાસે જ રહી હતી. આ બેઠક પર અનુસૂચિત જાતિ તથા દેવીપૂજક સમાજનું પ્રભુત્વ છે. જ્ઞાતિની રીતે જોઈએ તો દર્શનાબેનને અનુસૂચિત જાતિના મતો વિભાજિત થવાની શક્યતા છે અને કોંગ્રેસના ઉમેદવાર વિપુલ પરમાર સ્થાનિક ઉમેદવાર છે, મહત્તમ સોસાયટીઓમાં તેમના એક-બે ઓળખીતા રહે છે. તેની સાથોસાથ તેઓ સિવિલ હોસ્પિટલમાં સેવા કરે છે તેમ જ તેમના દાદા પણ કોંગ્રેસમાં હતા, એ સમયે તેમણે સમાજ માટે સારું કામ કર્યું હોવાનું પણ લોકોની જાણમાં છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે. જે. મેવાડાએ ચૂંટણી જાહેર થઇ એ પહેલાંથી જ પોતાનું નેટવર્ક જમાવવાનું શરૂ કરી દીધું હતું એવું સ્થાનિક વિસ્તારમાં ચર્ચા છે, પરંતુ દેવીપૂજક તથા અનૂસૂચિત જાતિના મતોનું વિભાજન થવાની શક્યતા રહેલી છે. જ્યારે બીજી જ્ઞાતિઓના મતો ભાજપને સીધા જ મળી જવાની સંભાવના છે. છેલ્લી કેટલીક ટર્મથી આ બેઠક ભાજપ પાસે જ રહી હોવાથી એ પણ ભાજપના ગઢ સમાન બની ગઇ છે. એનો સીધો ફાયદો ભાજપના ઉમેદવારને થશે અને જીત પણ મેળવશે. કદાચ જીતનું માર્જિન ઘટવાની શક્યતા રહેલી છે.

દસક્રોઇ
દસક્રોઇ બેઠક પર ભાજપના બાબુભાઇ જમનાદાસ પટેલ, કોંગ્રેસના ઉમેદ ઝાલા અને આમ આદમી પાર્ટીના કિરણ પટેલ છે. આમ તો બાબુભાઇ છેલ્લી ઘણી ટર્મથી દસક્રોઇ બેઠક પરથી જ વિજેતા થઇ રહ્યા છે. આ બેઠક પર પણ પાટીદારોનું પ્રભુત્વ હોવાથી તેમની તકો વધુ દેખાઇ રહી છે. કોંગ્રેસે મજબૂત ઉમેદવાર ઊભા રાખ્યા છે, પણ આ બેઠક પણ ભાજપનો ગઢ ગણાતો હોવાની સાથોસાથ ભાજપ પાસેથી આ બેઠક છીનવાઈ ના જાય એટલા માટે જ બાબુભાઇ જમનાદાસ પટેલને વયસ્ક હોવા છતાં રિપીટ કર્યા હતા, તેનો લાભ ભાજપને જ મળશે.

ધોળકા
ધોળકા બેઠક પર ભાજપમાંથી કિરીટસિંહ ડાભી, કોંગ્રેસના અશ્વિન રાઠોડ અને આમ આદમી પાર્ટીના જટુભા ગોળે ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પર ગત ચૂંટણીમાં ભાજપના ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સામાન્ય માર્જિનથી આ વખતના કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે જીત મેળવી હતી. આ બેઠકને લઇને એ વખતે હાઇકોર્ટ સુધી મામલો ગયો હતો અને અશ્વિન રાઠોડની તરફેણમાં ચુકાદો આવ્યો હતો, પરંતુ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યાં હાલ આ મેટર પડતર છે, પરંતુ હાઇકોર્ટના હુક્મ તથા એકદમ સામાન્ય માર્જિન હોવાથી કોંગ્રેસે અશ્વિન રાઠોડને રિપીટ કર્યા હતા. ગત ચૂંટણીમાં જ ભાજપના સિનિયર આગેવાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને હંફાવી દીધા હતા. આ બેઠક પર ત્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે જ સામસામે ટક્કર હતી. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ ઓછા માર્જિનથી જીતી શકે છે.

ધંધૂકા
ધંધૂકા બેઠક પરથી ભાજપમાંથી કાળુભાઇ ડાભી, કોંગ્રેસના હરપાલસિંહ ચૂડાસમા તથા આમ આદમી પાર્ટીમાંથી ચંદુભાઇ બામરોલિયાએ ઝુંકાવ્યું છે. આ બેઠક પર 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કાળુભાઇ ડાભી કોંગ્રેસના ઉમેદવાર રાજેશકુમાર ગોહિલ સામે 5 હજારથી વધુ મતોથી હારી ગયા હતા છતાં ભાજપે તેમને રિપીટ કર્યા હોવાથી કોંગ્રેસના ઉમેદવારને સરળતાથી બેઠક મળી જાય એવું પણ જણાતું નથી, જેથી આ બેઠક પર પણ ભાજપ જીતી શકે છે.

ખેડા જિલ્લો

નડિયાદ
આમ આદમી પાર્ટીના ઉમેદવારનું રાજકીય વર્ચસ્વ ના હોવાથી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. ભાજપના પંકજ દેસાઈ ખૂબ જ સિનિયર ધારાસભ્ય છે, જ્યારે કોંગ્રેસના ધ્રુવલ પટેલ નવો ચહેરો છે. કોંગ્રેસે પહેલી વખત નડિયાદ બેઠક પર ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારને ટિકિટ આપી છે. મતદારોની નવી યાદીમાં નડિયાદ ખાતે મુસ્લિમ અને ખ્રિસ્તી સમાજના મળી કુલ 47 હજાર જેટલા મત વધ્યા છે જેનો સીધો ફાયદો કોંગ્રેસને મળી શકે છે. પંકજ દેસાઈએ થોડા દિવસ પહેલાં લઘુમતી સમાજમાં ક્યારેય મત માગવા નથી ગયા હોવાનું વક્તવ્ય કોંગ્રેસ માટે પ્રચારનો મુદ્દે અને ફાયદારૂપ સાબિત થઈ શકે છે. જોકે પાછળથી પંકજ દેસાઈ આ નારાજગી થોડે ઘણે અંશે દૂર કરવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ નડિયાદ નગરપાલિકા તથા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે. શહેરી વિસ્તારમાં પંકજ દેસાઈએ તમામ જ્ઞાતિ સાથે સમન્વય કેળવ્યો છે. ગત ટર્મમાં પંકજ દેસાઈ 20 હજાર આસપાસ મતોની સરસાઈથી વિજેતા બન્યા હતા. આ વખતે પણ ભાજપના પંકજ દેસાઈ જીતી જશે, પણ લીડ ઘટી શકે છે.

માતર
માતર બેઠક પર ચતુષ્કોણીય જંગ જામ્યો છે. કોંગ્રેસે આ બેઠક પર પોતાના ગત ટર્મના ઉમેદવાર સંજય પટેલને રિપીટ કર્યા છે, જ્યારે ભાજપે નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. ગઈ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર માત્ર 2406 મતથી હાર્યા હતા. તેઓ મળતાવડા સ્વભાવના કારણે વિસ્તારમાં જાણીતા છે. ભાજપે સિટિંગ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની ટિકિટ કાપીને કલ્પેશ પરમારને ટિકિટ આપી હતી. ટિકિટ કપાતા નારાજ થયેલા કેસરીસિંહ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જોકે તેના એક જ દિવસમાં તેઓ ફરી ભાજપમાં પાછા આવી ગયા હતા. જોકે હજી અંદરખાને કેસરીસિંહ અને તેમના ટેકેદારોની આંતરિક નારાજગીનો ભોગ ભાજપના ઉમેદવાર બની શકે છે, જેનો સીધો ફાયદો કોંગ્રેસને મળી શકે છે. આમ આદમી પાર્ટીમાંથી લાલજી પરમાર ઊભા છે. જ્યારે મહિપતસિંહ ચૌહાણે અપક્ષ તરીકે લડી રહ્યા છે. જોકે ચતુષ્કોણીય જંગમાં આ સીટ પર ભાજપ જીતી શકે છે.

મહેમદાવાદ
2017ની ચૂંટણીમાં ભાજપ તરફથી પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા અર્જુનસિંહ ચૌહાણ 17 હજાર કરતાં વધુ મતોથી મેળવતા તેમને જિલ્લા પ્રમુખ બનાવ્યા અને મંત્રી બનાવતા જિલ્લા સ્તરે તેમનું વર્ચસ્વ વધ્યું છે. ભાજપના ઉમેદવાર જાહેર કરવાની પ્રક્રિયામાં પણ મહેમદાવાદ સીટ પર પેંચ ફસાયા બાદ અંતે અર્જુનસિંહ ચૌહાણને ટિકિટ મળી હતી. બીજી તરફ કોંગ્રેસે જુવાન ચૌહાણ કે જે મૂળ ભાજપના અને ગત સમયમાં કોંગ્રેસનો સાથ મેળવનાર ઓબીસી ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ આપી હતી. અર્જુનસિંહ ચૌહાણે પોતાના વિસ્તારમાં સામાજિક કાર્યક્રમ, રમતગમતના કાર્યક્રમ, મહેમદાવાદ વિધાનસભામાં સૌપ્રથમ વખત ઔદ્યોગિક સમિટનું વિધાનસભા સ્તરે આયોજન કરતાં તેમને સામાજિક, યુવાનો, ઉદ્યોગપતિઓ તરફથી ફાયદો મળી શકે છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારનું રાજકીય રીતે સ્પષ્ટ ચિત્ર ના દેખાતું હોવાની માહિતી મળી રહી છે. ટૂંકમાં આ સીટ ભાજપના ખાતમાં જઈ શકે છે.

કપડવંજ
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ભૂતકાળમાં જે બેઠક પરથી વિજેતા બન્યા છે તેવી કપડવંજ બેઠક પર ગત ટર્મમાં કોંગ્રેસના કાળુસિંહ ડાભી 25 હજાર આસપાસ મતથી જીત્યા હતા અને આ વખતે ફરી ઉમેદવાર બન્યા હતા. તો ભાજપે નવો અખતરો કર્યો હતો, જેમાં કોંગ્રેસના સ્થાનિક પ્રમુખ રાજેશ ઝાલાને ભાજપમાં લાવી ઉમેદવાર બનાવ્યા હતા. કપડવંજ એવી વિધાનસભા છે જેમાં જૂની કઠલાલ વિધાનસભા પણ મર્જ કરવામાં આવી છે. આ કારણોસર કઠલાલના તત્કાલીન ધારાસભ્ય કનુભાઈ ડાભીએ વર્ષ 2017માં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને હાર મેળવી હતી. આ વખતે કનુ ડાભીને ટિકિટ નહિ આપી અને કોંગ્રેસમાંથી આવેલા આયાતી ઉમેદવારને ટિકિટ આપતા કોંગ્રેસ પક્ષના જ આગેવાન બીજા કોંગી આગેવાન સામે ચૂંટણી લડી રહ્યા છે. જો કે ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા કાર્યકરોની આંતરિક જૂથબાજી અને અસંતુષ્ટિ કોંગ્રેસને મદદ કરી શકે છે. આ સીટ પર કોંગ્રેસ જીતી શકે છે.

મહુધા
મહુધા કોંગ્રેસની પરંપરાગત બેઠક છે. અહીં નટવરસિંહ ઠાકોર અનેક વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા છે. ગુજરાત બન્યું ત્યારથી ભાજપ ક્યારેય આ સીટ મેળવી શક્યું નથી. ભાજપે અગાઉ પણ આ બેઠક પર મોટા આગેવાનોને ટિકિટ આપી હોવા છતાં હજુ સુધી ભગવો ફરકી શક્યો નથી ત્યારે ભાજપે આ વખતે નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયસિંહ મહિડાને મહુધા વિધાનસભા પરથી ટિકિટ આપી છે. આ પાછળનું સમીકરણ એ છે કે મહુધા વિધાનસભામાં આવતાં અનેક એવાં ગામડાં છે જે નડિયાદ વિધાનસભા ક્ષેત્ર સાથે જોડાયેલાં છે. સંજયસિંહ મહિડા ભાજપનો 10 વર્ષ જૂનો ચહેરો હોવાથી મજબૂત નેતા તરીકે ભાજપે ઉતાર્યા તો છે પરંતુ તે નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ હોવાથી ભાજપને ઓછો ફાયદો મળી શકે તેમ છે. છતાં સંજયસિંહે છેલ્લા ઘણા સમયથી ધુંઆધાર પ્રચાર કરતાં આ બેઠક પર પ્રથમવાર કમળ ખીલી શકશે તેવી આશા ભાજપને બંધાઈ છે. બીજી તરફ મહુધા વિધાનસભામાંથી મૂળ વીએચપીના કાર્યકર ઘનશ્યામ સોઢાને સંગઠનમાં લાવી ભાજપે મહામંત્રી બનાવ્યા બાદ તેમને ચૂંટણી લડાવવાની ચર્ચા ચાલી હતી. સામાન્ય પરિવારના અને સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારનું નામ ચાલતા મહુધામાં ભાજપ માટે હકારાત્મક વાતાવરણ હતું. જોકે એકાએક સંજયસિંહ મહિડાનું નામ આવતા સ્થાનિક સ્તરે અસંતુષ્ટિ જોવા મળી હતી. ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જયંતી સોઢાને પણ ભાજપે મહુધા બેઠક પરથી ટિકિટ ના આપતા અંદરખાને તે અસંતુષ્ટ હોઈ શકે છે. ભાજપ માટે આંતરિક જૂથવાદ યથાવત્ રહે તો કપરાં ચડાણ સાબિત થઈ શકે છે જ્યારે કોંગ્રેસ માટે ફરીથી રસ્તો સરળ બની શકે છે. આમ, આ સીટ પર કોંગ્રેસ જીતી શકે છે.

ઠાસરા
ઠાસરા બેઠક પર મૂળ ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે. અમૂલના ચેરમેન રામસિંહ પરમારે આ બેઠક પર પોતાનું એકહથ્થું શાસન સાબિત કર્યું હતું. જો કે ગત ચૂંટણીમાં કાંતિ પરમાર કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને ભાજપનો હાથ પકડનાર રામસિંહ પરમારને હરાવ્યા હતા. આ ઉપરથી ફરીથી એક વાર સાબિત થયું હતું કે આ બેઠક કોઈ એક નેતાની નહિ પરંતુ કોંગ્રેસની પરંપરાગત બેઠક છે. આ ચૂંટણીમાં રામસિંહ પરમારના પુત્ર યોગેન્દ્ર પરમારને ટિકિટ આપી ભાજપે ફરી એક વખત ક્ષત્રિય આગેવાન કોંગ્રેસના ક્ષત્રિય ઉમેદવાર ને માત આપે તેવાં સમીકરણ ઊભાં કર્યાં છે. જોકે મુસ્લિમ અને ક્ષત્રિય સમાજના 78 હજાર મત વર્તમાન ધારાસભ્ય માટે ગત ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થયા હતા ત્યારે આ વખતે પણ આ મત ફરીથી એક વખત નિર્ણાયક સાબિત થઈ શકે છે. ભાજપમાંથી પાટીદાર મહિલા નેતાએ પણ ટિકિટ માટે દાવેદારી કરી હતી. જોકે તેમને ટિકિટ ન મળતાં પાટીદાર સમાજના મત થોડા અંશે ભાજપને અસર કરી શકે તેમ હોવાથી અસમંજસભરી સ્થિતિ ઊભી થઈ હતી. જોકે છેલ્લે ભાજપ આ સીટ પર બાજી મારી શકે છે.

આણંદ જિલ્લો

આણંદ
આણંદ બેઠક પરના મતદારાઓ કોઈ એક પક્ષના છે એમ આજે પણ કહી શકાય તેમ નથી કેમ કે ભાજપના બિલકુલ નવા ઉમેદવાર હોય કે બાહુબલી નેતાએ પણ આ બેઠક પરથી જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે પણ પોતાની સફળતા આ બેઠક પર સાબિત કરી છે. આણંદ બેઠક પર ક્ષત્રિય અને મુસ્લિમ વોટબેંક નિર્ણાયક સાબિત થાય છે. વર્ષ 2017માં આણંદ ગ્રામ્ય વિસ્તારના કાંતિ પરમારે પાટીદાર ઉમેદવાર યોગેશ પટેલને હરાવ્યા હતા. યોગેશ પટેલ સફળ વેપારી, મૂડીપતિ અને આણંદ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ છે અને તેમણે વર્ષ 2017માં હાર મેળવી હોવા છતાં ભાજપે બીજી વખત તેમને તક આપી છે. સામા છેડે આણંદ એક એવી વિધાનસભા છે જ્યાં પાટીદાર સમાજના મોટા આગેવાનોએ ભાજપમાંથી ટિકિટ માંગવા છતાં તેમને ટિકિટ આપી નથી તે સમીકરણ વોટબેંકને કેટલી અસર કરે છે તે પણ મોટો સવાલ છે. હાલની સ્થિતિએ કાંતિ સોઢા પરમારને મતદાતાઓ તરફથી સીધી રીતે કોઈ નડતર હોય તેમ લાગતું નથી પણ વર્ષો પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા, જિલ્લા પંચાયતમાં ભાજપ વિજેતા થતાં ભાજપ માટે આ બેઠક પર સીધાં ચઢાણ હોય તેમ છે. ભાજપ અહીં બાજી મારી શકે છે.

ઉમરેઠ
ભાજપના વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પરમારને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસે આ બેઠક પર એનસીપી સાથે ગઠબંધન કરતાં અહીં જયંત બોસ્કી ઉમેદવારી કરી રહ્યા છે. ગોવિંદ પરમારનો ભાજપના સાંસદ મિતેશ પટેલ સાથેનો ગજગ્રાહ વારંવાર બહાર આવ્યો છે. ગોવિંદ પરમાર તથા તેમના પુત્રની બાહુબલીગીરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપને જોવા મળી હતી. ધારાસભ્ય અને સાંસદ વચ્ચે ગજગ્રાહની ફરિયાદો ભાજપના ટોચના સ્તર સુધી એક કરતાં વધુ વખત પહોંચી હોવા છતાં ભાજપે નમતું જોખી અને ગોવિંદ પરમારને ભાજપે ફરીથી ઉમેદવાર બનાવ્યા છે. સાંસદ સાથેનો ગજગ્રાહ તેમજ બોસ્કીને હરાવવામાં ભાજપને સફળતા મળે છે કે કેમ તે સવાલ છે. ગોવિંદ પરમાર બીજી વખત સરળતાથી જીતશે તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી. એનસીપી જીતી શકે છે.

સોજીત્રા
ભાજપે પોતાના જિલ્લા પ્રમુખ વિપુલ પટેલને બે વખત હાર મેળવી ચૂકેલા ઉમેદવારને તક આપી છે. કોંગ્રેસ તરફથી વર્તમાન ધારાસભ્ય પૂનમ પરમારને રિપીટ કરવામાં આવ્યા છે. પૂનમ પરમાર ક્ષત્રિય સમાજનું મોટું માથું પણ ગણાય છે. પૂનમ પરમાર ભલે સફળ રાજનેતા સાબિત ન થઈ શક્યાં હોય પણ તેમના જેવા બીજા કોઈ નેતા ન ઊભા થાય તેમાં સફળતા ચોક્કસ મેળવી હોય તેમ લાગે છે. ક્ષત્રિય વોટબેંક અહીં નિર્ણાયક છે ત્યારે ભાજપે પોતાના ઉમેદવારને રિપીટ કરીને એ તર્ક સાબિત કર્યો હોય તેમ લાગે છે કે સોજીત્રા ખાતે પક્ષ પાસે કોઈ મજબૂત ઉમેદવાર નથી. આમ છતાં, ભાજપે આ બેઠક જીતવા માટે તમામ તાકાત લગાવી છે ત્યારે નવા સીમાંકન બાદ કોંગ્રેસના ફાળે જતી આ બેઠક પર નિષ્ણાતોના મતે પરિવર્તન થવાની સંભાવના રહેલી છે અને ભાજપ જીતી શકે છે.

પેટલાદ
પેટલાદ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક માનવામાં આવે છે. જો કે વર્તમાન ધારાસભ્ય નિરંજન પટેલને કોંગ્રેસે ટિકિટ ના આપતા આ બેઠક પર કોંગ્રેસે જાતે જ પોતાની સ્થિતિ વધુ નબળી બનાવી હોય તેમ કહેવાય છે. બીજી તરફ ભાજપના ઉમેદવાર પણ નવા હોવાને કારણે એટલું રાજકીય રીતે મજબૂત વર્ચસ્વ નથી ધરાવતા કે જે આ બેઠક પર ભગવો લહેરાવી શકે. ભૂતકાળમાં પેટલાદ બેઠક પર કોંગ્રેસ તરફથી ભરતસિંહ સોલંકીને ટિકિટ આપવાની ચર્ચાએ જોર પકડ્યું હતું એવામાં કોંગ્રેસે નવા જ ઉમેદવારને ટિકિટ આપતા કોંગ્રેસ માટે આ બેઠક પર કપરાં ચઢાણ સાબિત થઈ શકે છે. કોંગ્રેસની પરંપરાગત પેટલાદ બેઠક પર જો નકારાત્મક પરિણામ આવે તો વર્તમાન ધારાસભ્યની ટિકિટ ના આપવાનું કારણભૂત બની શકે છે. કોંગ્રેસ આ બેઠક જાળવી શકે છે.

ખંભાત
ભાજપ માટે પરંપરાગત માનવામાં આવતી આ બેઠક પર કમળને ધ્યાને રાખીને મતદાન થતું હોય તેમ છેલ્લી પાંચ ચૂંટણીનાં પરિણામ પરથી જોઈ શકાય છે. અગાઉ થયેલા ખંભાત ખાતે કોમી હુલ્લડ દરમિયાન વર્તમાન ધારાસભ્ય પાર્ટીને ગમે એવું વલણ ના રાખી શક્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. સ્થાનિક ભાજપ સંગઠનમાં મહેશ (મયૂર) રાવલને ટિકિટ નહિ આપે તેવા સમીકરણ ઊભા થયા હોવા છતાં મયૂર રાવલને ભાજપે ફરીથી ઉમેદવાર બનાવ્યા છે. ખુદ અમિત શાહ પણ મયૂર રાવલ માટે પ્રચાર કરવા આવ્યા ત્યારે તેમણે ભાજપના ઉમેદવારને જિતાડવા અપીલ કરી છે. કોંગ્રેસે પણ નવા ઉમેદવારને આ બેઠક પર તક આપી છે ત્યારે જ્ઞાતિ આધારિત મતદાન થાય તો કોંગ્રેસ માટે સરળતા થઈ શકે છે. જો કે, ભાજપના ઉમેદવારે જે પ્રમાણે રામમંદિર, 370 કલમ, હિન્દુ વિચારધારા જેવા મુદ્દાઓને વળગીને કરેલા પ્રચારથી જો મત મેળવવામાં સફળતા મેળવશે તો કોંગ્રેસના ફાળે આ બેઠક જઈ શકશે નહિ. જો કે, ભાજપના ઉમેદવાર માટે પણ ટિકિટ મેળવવા જેટલાં જ કપરાં ચડાણ ચૂંટણી સમયે પણ જોવા મળ્યાં છે તેમ છતાં જીત તેમને ફાળે જઈ શકે છે. ટૂંકમાં આ સીટ ભાજપના ખાતામાં જઈ શકે છે.

બોરસદ
કોંગ્રેસની પરંપરાગત બેઠક પર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને રિપીટ કરવામાં આવ્યા છે. બીજી તરફ રમણ સોલંકી આણંદ જિલ્લા સંગઠનમાં મહામંત્રી તરીકે જવાબદારી નિભાવે છે તેને ભાજપે ઉમેદવાર તરીકે તક આપી છે. આ ચૂંટણીમાં આ વિસ્તારના એનઆરઆઈ ઉમેદવારો પણ ભાજપ સાથે રહે તેવું વાતાવરણ ઊભું થયું છે. કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર વિજયી થશે તેવો આશાવાદ તેમણે પોતાની દરેક સભામાં વ્યક્ત કર્યો છે પરંતુ ચૂંટણીને ગણતરીના દિવસો પહેલાં યુવતીઓ બોલાવી ડાન્સ કરાવી અને ચૂંટણી પ્રચાર થતો હોવાનો વીડિયો વાઇરલ થતાં તેની ટીકા પણ કરવામાં આવી હતી અને ભાજપે તેને પ્રચારનો મુદ્દો પણ બનાવ્યો છે. આમ છતાં રાજેન્દ્રસિંહ પરમારનું સામાજિક વર્ચસ્વ વધારે હોવાથી તેની અસર પરિણામમાં પણ જોવા મળી શકે છે. જો એનઆરઆઈ પણ કોંગ્રેસની વિરુદ્ધમાં મતદાન કરે તો કોંગ્રેસ માટે આ બેઠક ગુમાવવાનો વારો આવી શકે તેવી સ્થિતિ જોવા મળતી નથી. કોંગ્રેસ આ બેઠક જાળવી શકે છે.

આંકલાવ
કોંગ્રેસના પ્રદેશ મોવડી મંડળના સભ્ય અમિત ચાવડાની આ બેઠક પર કોંગ્રેસે ઉમેદવારી કરાવી છે. બીજી તરફ ભાજપના સાંસદ મિતેષ પટેલ આંકલાવ વિધાનસભામાં આવતા વાસદ ગામના વતની હોવાથી આ બેઠક જીતવી મિતેશ પટેલ માટે શાખનો સવાલ છે તેમજ ભાજપનું પણ અપેક્ષાભર્યું વલણ છે કે આ બેઠક ભાજપના ગુલાબસિંહ પઢિયાર જીતી શકે અને એટલે જ ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. અમિત ચાવડાનું સ્થાનિક નેતૃત્વ અને કોંગ્રેસનું સિમ્બોલ હંમેશાં કોંગ્રેસ અને ઉમેદવારને સફળતા અપાવી રહી છે ત્યારે ભાજપ પાસે અત્યાર સુધી મજબૂત વર્ચસ્વ ધરાવતા ઉમેદવાર ના હોવાથી આ બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસના ફાળે જાય છે. ક્ષત્રિય મતદારો નિર્ણાયક ભૂમિકામાં હોવા છતાં ભાજપ આ બેઠક જીતશે કે હારશે તે કહેવું આજે પણ મુશ્કેલ છે, તેમ છતાં કોંગ્રેસ આ બેઠક જીતી શકે છે.

વડોદરા જિલ્લો

વડોદરા શહેર
વડોદરા શહેર સીટ પર BJPના ઉમેદવાર અને વર્તમાન મંત્રી મનીષાબહેન વકીલની જીત નક્કી મનાય છે. BJPએ તેમને ત્રીજી વખત રિપીટ કર્યાં છે. કોંગ્રેસના ઉમેદવાર ગુણવંત પરમાર જાણીતો ચહેરો નથી અને મતદારો ભાજપના ઉમેદવાર કરતાં પક્ષ જોઇને મતદાન કરે છે.

રાવપુરા
રાવપુરા બેઠક પર BJPએ વર્તમાન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના બદલે પૂર્વ સાંસદ અને મેયર બાલકૃષ્ણ શુક્લને ટિકિટ આપી છે. તેમની જીત પણ નિશ્ચિત છે. વડોદરામાં જાતિવાદ ફેક્ટર ચાલતું નથી. પક્ષને મત આપે છે. કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલ (એસ.પી.) છે. કોંગ્રેસને માત્ર પક્ષના જ મળે એમ છે. વ્યક્તિગત ધોરણે મત મળશે નહિ.

માંજલપુર
માંજલપુર બેઠક પર ભાજપે વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલને 8 રિપીટ કરવામાં આવ્યા છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ડો. તશ્વિનસિંહ છે. કોંગ્રેસના ઉમેદવાર એન.સી.પી.માંથી કોંગ્રેસમાં આવેલા છે. તેમના ઉમેદવાર જાહેર કરતાં કોંગ્રેસના સ્થાનિક કાર્યકરોમાં ભારે નારાજગી છે. BJPના ઉમેદવાર 76 વર્ષના હોવા છતાં મતદારો ઉમેદવાર તો ઠીક ભાજપને જોઈ મત આપશે, આથી આ બેઠક પર યોગેશ પટેલની જીત નક્કી છે.

સયાજીગંજ
સયાજીગંજ બેઠક પર BJP અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર છે. BJPએ મેયર રોકડિયાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે વિપક્ષી નેતા અમીબહેન રાવતને ટિકિટ આપી છે. આ બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર અમીબહેન રાવતે એડીચોટીનું જોર લગાવ્યું છે. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં અમીબહેન રાવત ભાજપના વાવાઝોડા વચ્ચે પેનલને ચૂંટી લાવ્યા હતા, સામે ભાજપના ઉમેદવાર કેયૂર રોકડિયા પક્ષના ભરોસે છે. મેયર તરીકે તેઓ ધરાર નિષ્ફળ ગયા હોવાથી મતદારો નારાજ છે. ઉપરાંત આ બેઠક પર મોંઘવારી અને બેરોજગારીનું ફેક્ટર અસર કરી શકે એમ છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્વેજલ વ્યાસ છે. તેઓ BJP અને કોંગ્રેસના મતદારો પર અસર પહોંચાડી શકે છે. ઉમેદવાર સામે ભલે રોષ પણ પાર્ટના જોરે ભાજપ આ બેઠક જીતી શકે છે.

અકોટા
અકોટા બેઠક પર BJP અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર છે. BJP દ્વારા વર્તમાન ધારાસભ્ય સીમાબહેન મોહિલે કાપીને માજી કાઉન્સિલર ચૈતન્ય દેસાઇને આપવામાં આવી છે. તેઓ કાઉન્સિલર તરીકે નિષ્ફળ ગયા છે. કહેવાય છે કે આ ઉમેદવારને તેમના પિતાના વડાપ્રધાન સાથે સંબંધોને કારણે આપવામાં આવી છે. પરિણામે, પ્રબળ દાવેદારો નિષ્ક્રિય છે. જ્યારે કોંગ્રેસ દ્વારા શહેર કોંગ્રેસપ્રમુખ ઋત્વિજ જોષીને ટિકિટ આપવામાં આવી છે. ઋત્વિજ જોષીને કોંગ્રેસના મતો ઉપરાંત કોલેજિયન યુવાનો તેમની સાથે છે. તેમને ભાજપાના યુવા મતદારો પણ આંતરિક મદદ કરી રહ્યા છે. આ બેઠક પર મોંઘવારી અને બેરોજગારી મુદ્દો પણ અસર કરે એવી શક્યતા છે. કોંગ્રેસના ઉમેદવારને વ્યક્તિગત મતોનો પણ ફાયદો થાય એમ છે, પણ ભાજપ માટે અહીં સ્થિતિ બહુ મુશ્કેલી છે, પણ પાર્ટીના જોરે ભાજપ આ બેઠક પર સાવ ઓછા માર્જિનથી જીતી શકે છે.

સાવલી
સાવલી બેઠક પર કાંટે કી ટક્કર બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવેલા કેતન ઇનામદાર સામે કોંગ્રેસે ક્ષત્રિય આગેવાન કુલદીપસિંહ રાઉલજીને મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે સાવલી બેઠકના મતદારો પરિવર્તન લાવવાના મૂડમાં હોવાનું જાણવા મળ્યું છે. સાવલી બેઠક પર માત્ર ક્ષત્રિય મતદારો જ નહીં, પરંતુ, અન્ય જ્ઞાતિના મતદારો પણ પરિવર્તન લાવવાના મૂડમાં છે. સાવલી તાલુકાના મતદારો મૌન સેવીને બેઠા છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને એકસરખો જ આવકાર પણ આપી રહ્યા છે. કોંગ્રેસમાંથી કોઈ રાષ્ટ્રીય નેતા પ્રચારમાં આવ્યો નથી. માત્ર કોંગ્રેસ ઉમેદવાર સ્થાનિક કાર્યકરોને સાથે રાખી પ્રચાર કરી રહ્યા છે. જ્યારે બે વખત સાવલી બેઠક પરથી ચૂંટાઈ આવેલા ભાજપના ઉમેદવારને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સભા કરવા માટે બોલાવવાની ફરજ પડી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ટૂંકમાં, અહીં ભાજપ જીતી શકે છે.

વાઘોડિયા
વાઘોડિયા બેઠક પર એક ભાજપના બળવાખોર ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ સહિત બે અપક્ષ ઉમેદવારો અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ભાજપ ઉમેદવાર અશ્વિન પટેલને જીતવું મુશ્કેલ થઈ ગયું છે. વાઘોડિયા બેઠક જાળવી રાખવા માટે જિલ્લા ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. જોકે જે રીતે વાઘોડિયામાં ચૂંટણીપ્રચાર જોતાં અને મતદારોનો મૂડ જોતાં આ બેઠક ભાજપ માટે જીતવી મુશ્કેલ છે. આ બેઠક નસીબનો બળિયો જ મેદાન મારી જશે એમ હાલના તબક્કે જણાઇ રહ્યું છે. વાઘોડિયા બેઠકના ઉમેદવારોમાં મોંઘવારી, બેરોજગારી તેમજ વિકાસના મુદ્દાને લઇ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વ્યક્તિગત ઈમેજના જોરે અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ જીતી શકે છે.

ડભોઈ
ડભોઈ બેઠકના મતદારોમાં મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્ને સામે ભારે રોષ છે. આ ઉપરાંત ડભોઇ બેઠક પર કોંગ્રેસે ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)ને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેઓ સ્થાનિક હોવાના કારણે મતદારો તેમનાતરફી રહેશે એમ મનાઇ રહ્યું છે. ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતા (સોટ્ટા) પાતળી સરસાઇથી જીત્યા હતા. ડભોઇ બેઠક પણ નબળી બેઠકની યાદીમાં મુકાઈ હોવાથી બેઠકને ઉગારી લેવા માટે કટ્ટર હિંદુવાદી નેતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પ્રચાર માટે લાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ બેઠક પર એક વખત ભાજપ અને એક વખત કોંગ્રેસના ઉમેદવાર જીતતો હોવાની પરંપરા ચાલી રહી છે. આ બેઠકના ઉમેદવારોમાં મોંઘવારી, બેરોજગારી તેમજ વિકાસના મુદ્દાને લઇ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ ભાજપ પાસેથી આ બેઠક આંચકી શકે છે.

કરજણ
કરજણ બેઠક પર કોંગ્રેસમાંથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા બાદ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં આવેલા અને ભાજપાની ટિકિટ પર પેટાચૂંટણી જીતેલા અક્ષય પટેલ સામે મતદારોમાં રોષ છે. ટિકિટ ન મળતાં નારાજ પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળિયા) પણ દેખાડા પૂરતો જ પ્રચાર કરી રહ્યા હોવાનું કહેવાય છે. બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર પ્રિતેશ ઉર્ફે પિન્ટુ પટેલ ફ્રેશ ઉમેદવાર હોવાથી અને યુવા મતદારોમાં પ્રભુત્વ ધરાવતા હોવાથી ભાજપને આ બેઠક પર પણ ખતરો જણાઇ રહ્યો છે. આ બેઠકના ઉમેદવારોમાં મોંઘવારી, બેરોજગારી તેમજ વિકાસના મુદ્દાને લઇ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે અનેક પરિબળો સામે હોવા છતાં ભાજપ આ બેઠક કાઢવામાં સફળ રહી શકે છે.

પાદરા
પાદરાની બેઠક કોંગ્રેસ પાસે છે. આ બેઠક પર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય જસપાલસિંહ ઠાકોર (પઢિયાર)ની જીત નિશ્ચિત મનાય છે. ભાજપમાંથી ટિકિટ ન મળતાં ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ(દિનુ મામા) બળવો કરી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે સીધો જંગ છે. ભાજપ દ્વારા ક્ષત્રિય ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ અપક્ષ ઉમેદવારને નુકસાન પહોંચાડે એવી શક્યતા હોવાથી આ બેઠક પર કોંગ્રેસ જીતી રહી છે.

અન્ય સમાચારો પણ છે...