વર્ષ 2017ની ચૂંટણીમાં ગુજરાતમાં ચારેબાજુ ભાજપનું ધોવાણ થયું હતું, પણ દક્ષિણ ગુજરાતે પાર્ટીની લાજ રાખી હતી. શહેર અને ગ્રામ્ય બંને વિસ્તારમાં બીજેપીએ જોરદાર દેખાવ કર્યો હતો. હવે વર્ષ 2022ની ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે અને 8મી ડિસેમ્બરે ગુજરાતના ભાવિનો ફેંસલો થવાનો છે. એ પહેલાં દિવ્ય ભાસ્કરે કરેલા એક્ઝિટ પોલમાં દક્ષિણ ગુજરાતમાં ફરી ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે, જ્યારે કોંગ્રેસનું વધુ ધોવાણ થયું છે. ઉપરાંત એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટી જોઈએ એવો દેખાવ કરવામાં સફળ રહી નથી.
દક્ષિણ ગુજરાતમાં સમાવિષ્ઠ સાત જિલ્લા નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વિધાનસભાની કુલ 35 સીટ આવે છે, જેમાંથી દિવ્ય ભાસ્કરના એક્ઝિટ પોલ મુજબ ભાજપનો 23 સીટ પર, કોંગ્રેસનો 7 સીટ પર, આમ આદમી પાર્ટીનો 2 સીટ અને અન્ય 3 સીટ પર જીતી શકે છે. ભાજપને ગઈ ચૂંટણીમાં 25 સીટ મળી હતી. આમ, તેને 2 સીટનું નુકસાન થતું દેખાઈ રહ્યું છે, જ્યારે કોંગ્રેસને 7 સીટ મળી શકે છે, જે ગઈ ચૂંટણીમાં મળેલી 10 સીટ કરતાં ત્રણ ઓછી છે.
દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર અને સુરત શહેરમાં આમ આદમી પાર્ટીએ વધુ ફોકસ કર્યું હતું. એમાં પણ સુરતના પાટીદાર પ્રભુત્વવાળી સીટો પર આમ આદમી પાર્ટીએ જબરદસ્ત જોર કર્યું હતું, જોકે દિવ્ય ભાસ્કરના એક્ઝિટ પોલ મુજબ ખૂબ મહેનત છતાં અહીં આમ આદમી પાર્ટીને દક્ષિણ ગુજરાતમાં માત્ર 2 સીટ જ મળી છે. આ બધાની વચ્ચે આ વખતે અપક્ષ દક્ષિણ ગુજરાતમાં 3 સીટ પર વિજય મેળવી શકે છે.
તો આવો... નજર કરીએ કે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની તમામ 35 સીટ પર શું સમીકરણો ચાલ્યાં હતાં, કઈ સીટ પર કોણ જીતી શકે છે....
સુરત જિલ્લો
વરાછા
આખા ગુજરાતની જેના પર નજર છે એ વરાછા બેઠક પર કાંટાની ટક્કર છે. આ બેઠક પર આમ આદમી પાર્ટી કરતાં પણ વધુ અલ્પેશ કથીરિયાનો ચહેરો આગળ રહ્યો છે. અલ્પેશ કથીરિયાને કારણે વરાછા બેઠક આપ જીતી જાય તો નવાઈ નહીં. સામે ભાજપનું સંગઠન આ બેઠક પર ખૂબ જ મજબૂત છે અને કુમાર કાનાણીની પણ સારીએવી પક્કડ છે. જે પણ જીતશે ેનું માર્જિન ખૂબ ઓછું રહે એવી શક્યતા છે. વરાછા બેઠક પર અલ્પેશ કથીરિયા વિજય થાય એની પાછળનું કારણ આમ આદમી પાર્ટીનું સંગઠન તો ખરું જ ,પણ સાથે-સાથે પાસના યુવાનોની ટીમે ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. એને કારણે જ ભાજપની મુશ્કેલીમાં વધારો થતો દેખાય છે. આ વખતે વરાછા બેઠક પરથી અલ્પેશ કથેરિયા જીતી જશે એવી પણ શક્યતા રહેલી છે. જોકે આટલી રસાકસી છતાં સીટ પર જોઈએ એટલા પ્રમાણમાં ઊંચું મતદાન નથી થયું નથી, એટલે આ સીટનો કયાસ લગાવવો ખૂબ મુશ્કેલ જણાય છે. કોંગ્રેસ આ સીટ પર ક્યાંય ચિત્રમાં જ નહોતી. ટૂંકમાં, વરાછામાં જબરદસ્ત રસાકસી વચ્ચે આપ આ સીટ સાવ જ ઓછા માર્જિનથી જીતી જાય એવાં સમીકરણો જણાઈ રહ્યાં છે.
કતારગામ
ચૂંટણીપ્રચાર અને મતદાન વખતે ગુજરાતમાં સૌથી વધુ ચર્ચા કતારગામ સીટની થઈ હતી. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને ભાજપના વિનુ મોરડિયા વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. કતારગામ બેઠક પર ગોપાલ ઇટાલિયાએ ખૂબ સારી રીતે લડાયક પ્રચાર કર્યો હતો, પરંતુ અંતિમ બે દિવસમાં ફરી એકવાર મતદારો ભારતીય જનતા પાર્ટી તરફ જતા દેખાયા હતા. ગોપાલ ઇટાલિયાની સભામાં લોકો મોટી સંખ્યામાં હાજર રહેતા હતા, પરંતુ અંતિમ બે દિવસમાં આમ આદમી પાર્ટીથી વિમુખ થતા હોય એ પ્રકારની ચર્ચા શરૂ થઈ હતી. કતારગામ બેઠક પર ગોપાલ ઇટાલિયાનું હારનું કારણ તેનો વાણીવિલાસ હશે. હિન્દુ ધર્મ, કથાકારો, સંતો વિશે કરેલાં નિવેદનોને કારણે અંતિમ બે- ત્રણ દિવસમાં તેમને ભારે નુકસાન થયું છે. 15 દિવસ અગાઉ કતારગામ બેઠક પણ ગોપાલ ઇટાલિયા જીતી જશે એ પ્રકારનો માહોલ ઊભો થયો હતો, પરંતુ અંતિમ બે દિવસમાં વાતાવરણ ફરી ભાજપની તરફેણમાં બદલાયું હતું. આ ઉપરાંત પીએમ મોદીની રેલીએ પણ ભાજપતરફી માહોલ બનાવવામાં મદદ કરી હતી. ટૂંકમાં, રસાકસીભરી આ સીટમાં ભાજપ સાવ ઓછા માર્જિનથી જીતી શકે છે.
કરંજ
કરંજ બેઠક પર ભાજપે સીટિંગ ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીને રિપીટ કર્યા હતા. તેમની સામે આમ આદમી પાર્ટીએ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાને મેદાનમાં ઉતાર્યા હતા. બંને વચ્ચે મુકાબલો રસપ્રદ રહ્યો હતો. ભાજપના પ્રવીણ ઘોઘારીને લઈને સ્થાનિક લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. પ્રવીણ ઘોઘારી સંગઠનની રીતે ખૂબ જ નબળા છે, માત્ર બિલ્ડરલોબીને કારણે તેમને ટિકિટ મળી હોવાની ચર્ચા છે. તેમની વિધાનસભા બેઠક પર ભાજપના કાર્યકર્તાઓએ મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટે વધારે મહેનત પણ કરી નહોતી. આ બેઠક પર અકંદરે ખૂબ ઓછું મતદાન થયું છે, પણ જે પોકેટમાં મતદાન વધ્યું છે તે કોના સમર્થકો છે અને કોની સાથે સંકળાયેલા છે એ બાબત ખૂબ મહત્ત્વની છે. આમ આદમી પાર્ટી જે વિસ્તારમાં વધુ મહેનત કરીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે એ વિસ્તારમાંથી જો મતદાન વધુ પ્રમાણમાં થયું હોય તો પ્રવીણ ઘોઘારીની મુશ્કેલી વધી શકે છે. જો આવું ન બંને તો એનો ફાયદો ભાજપને થઈ શકે છે.
કામરેજ
કામરેજ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા 2017ની ચૂંટણીમાં જે ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા તે જ રામ ધડૂકને ફરી એક વખત ટિકિટ આપવામાં આવી હતી. ગઈ વખતે તેમની ડિપોઝિટ પણ ગઈ હતી. જોકે આ વખતે પાસ અને તેમની સક્રિયતાને કારણે યોગીચોક સહિતના વિસ્તારમાં તેમને મોટી સંખ્યામાં મત મળ્યા હોય એવું જણાય છે. ભાજપે કામરેજમાંથી પ્રફુલ પાનશેરિયાને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પર ભાજપના કમિટેડ વોટરોની સંખ્યા બહુ વધારે છે, જૈ પૈકીના જો 70% વોટર્સ આપ તરફ જાય અને કામરેજ વિધાનસભા મતવિસ્તારનાં ગામડાંના મતદારો પણ આપ તરફ આવે તો જ ઝાડુની જીત શક્ય છે. જોકે આવું થવાની શક્યતા ખૂબ ઓછી છે. અહીં ભારતીય જનતા પાર્ટીનું સ્થાનિક સંગઠન મજબૂત છે તેમજ કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં આવતાં ગામોમાંથી દર વખતની જેમ આ વખતે પણ ભાજપને લીડ મળી શકે છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની બહુ અસર નથી અને ભાજપ-આપ બંનેના ઉમેદવારોને થોડુંક ડેમેજ કરી શકે છે. ટૂંકમાં, કામરેજમાં ભાજપ મજબૂત છે અને આપ માટે આ બેઠક જીતવી મુશ્કેલ છે.
ઓલપાડ
ઓલપાડ બેઠક પર ખરા અર્થમાં રસાકસીભર્યો ત્રિપાખ્યો જંગ જામ્યો છે. સુરતની 12 બેઠક પૈકી માત્ર ઓલપાડની બેઠક પર જ કોંગ્રેસ લડતી હોય એવું દેખાયું હતું, બાકી તમામ સીટ પર પાણીમાં બેસી ગઈ હોય એવું ચિત્ર ઊપસ્યું હતું. ખૂબ નાની સરસાઈથી કંઈપણ મોટો ઊલટફેર થઈ શકે છે. સીટિંગ ધારાસભ્ય મુકેશ પટેલ સામે સ્થાનિક સ્તરે રોષ હોવાથી ભાજપે ઓલપાડ બેઠક પર પૂરી તાકાત લગાડી હતી. બીજું કે અહીં ભાજપનું સંગઠન મજબૂત છે અને સાથે મોટી સંખ્યામાં કમિટેડ વોટરો બીજેપી સાથે રહ્યા છે. ઓલપાડ વિધાનસભા મતવિસ્તારમાં આવતા મોટા વરાછામાં આમ આદમી પાર્ટીનું જોર રહ્યું હતું. આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહેલા ધાર્મિક માલવિયા પાસ ટીમનો મુખ્ય ચહેરો હોવાના કારણે પાટીદારોના વોટ તેમની તરફેણમાં જવાની શક્યતા છે.બીજી તરફ, ગામડાંમાં ભાજપ-કોંગ્રેસને મોટી સંખ્યામાં મત મળ્યા હતા. એમાં પણ આ વખતે કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકે ગામડાંમાં ખૂબ જ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરીને કોંગ્રેસનો માહોલ બનાવ્યો હતો. ભાજપ અને આમ આદમી પાર્ટીની લડાઈમાં કોંગ્રેસના ઉમેદવાર દર્શન દેસાઈએ જે પ્રકારે મહેનત કરી છે એ જોતાં તેનો ચમત્કારિક વિજય થાય તો નવાઈ નહીં. આ ઉપરાંત ધાર્મિક માલવિયા માટે પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડવાનો અનુભવ હોવાથી અને મતવિસ્તાર ખૂબ વધુ હોવાને કારણે જે પ્રકારે ગોઠવણ થવી જોઈએ એ થઈ શકી નહોતી, એવી સ્થિતિમાં માત્ર ઝાડુના સિમ્બોલ જોઈને મતદારો મત આપે તો તેનો વિજય થઈ શકે છે.
સુરત ઉત્તર
સુરત ઉત્તર બેઠક પર આ વખતે આમ આદમી પાર્ટી ભાજપ સામે ટક્કર આપી રહી છે. કાંતિ બલરને બીજી વખત ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. છેલ્લાં પાંચ વર્ષના કાર્યકાળમાં કાંતિ બલરે જોઈએ એવી કોઈ કામગીરી નથી કરી, જેથી તેઓ લોકોમાં ચર્ચામાં રહે. સુરતના મોટા ઉદ્યોગપતિઓની સાથેના તેમના કૌટુંબિક સંબંધો હોવાને કારણે તેમને ટિકિટ આપવામાં આવે છે. આ બેઠક પર મૂળ સુરતીઓ ઉપરાંત પાટીદારો અને મુસ્લિમો સહિતના અન્ય મતદારોની સંખ્યા પણ વધુ છે. જોકે સતત આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થતો આવ્યો હોવાને કારણે આ વખતે પણ કાંતિ બલર સંગઠનના કારણે જીત પ્રાપ્ત કરી શકે છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા ઉમેદવાર તરીકે મેદાનમાં છે. જે પ્રકારે પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર આમ આદમી પાર્ટીને લહેર દેખાઈ રહી હતી એનો ફાયદો થાય તો જ મહેન્દ્ર નાવડિયા જીતી શકે છે. કોંગ્રેસ તરફથી લોકસભાના ઉમેદવાર રહી ચૂકેલા અશોક આધેવાડા ઉમેદવાર તરીકે છે. અહીં કોંગ્રેસનું નબળું સંગઠન હોવાને કારણે તેમને વધુ લાભ થાય એવું દેખાતું નથી. જો પાટીદારની આપ તરફની લહેર ચાલી જાય તો જ આમ આદમી પાર્ટીનો વિજય થઈ શકે છે, નહીં તો આ બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે, પણ એક વાત ચોક્કસ છે કે આ બેઠક પર પણ ભાજપની લીડ ઘટી શકે છે.
સુરત પૂર્વ
આ બેઠક પર મૂળ સુરતી સહિત રાણા અને ખત્રી સમાજનું ખૂબ જ પ્રભુત્વ છે. અરવિંદ રાણાને ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજી વખત ટિકિટ આપવામાં આવી હતી. અરવિંદ રાણાને લઈને સમયાંતરે આ વિસ્તારમાં રોષ જોવા મળતો હતો. લઘુમતી સમાજના મતદારોની સંખ્યા 90 હજાર કરતાં વધુ હોવાને કારણે કોંગ્રેસ દ્વારા અસલમ સાઇકલવાલાને ટિકિટ આપવામાં આવી હતી. અસલમ સાઇકલવાલાએ જબરદસ્ત ફાઈટ આપી છે. તેમને જો તેમના જ લઘુમતીના કોંગ્રેસના નેતાઓ નુકસાન નહીં પહોંચાડી શકે તો તેઓ અરવિંદ રાણા માટે મુસીબત ઊભી કરી શકે છે. આ બેઠક પર ભારે રસાકસી છે. કોઈ મોટો અપસેટ સર્જાય તો અસલમ જીતી શકે છે. બાકી ભાજપના અરવિંદ રાણા જીતશે તોપણ માત્ર 5થી 10 હજારના મતથી જ વિજય થશે.
સુરત પશ્ચિમ
સુરત પશ્ચિમ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું જબરદસ્ત સંગઠન છે. આ સીટ પર કોઈપણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર રહે તો તે જીતી જાય એવી પૂર્ણ શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂર્ણ મોદીની આ વિસ્તારમાં પકડ સારી છે અને સંગઠનમાં પણ તેઓ ખૂબ કામ કરે છે. ભાજપમાં આંતરિક જૂથબંધી બાદ પણ પોતે ટિકિટ મેળવી શક્યા હતા અને તેઓ જીતી જશે એમાં પણ કોઈ શંકા નથી. બીજી તરફ, આપના ઉમેદવાર મોક્ષેષ સંઘવી અને કોંગ્રેસના સંજય પટવા મેદાનમાં હતા. સંજય પટવા આયાતી ઉમેદવાર હતા, માત્ર પાર્ટી ફંડને કારણે તેઓ લડ્યા હોય એવી સ્થિતિ દેખાઈ હતી. બીજી તરફ, મોક્ષેસ સંઘવી ખૂબ જ નિષ્ક્રિય હતા. આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી લીડથી જીતે એવી શક્યતા છે.
મજૂરા
સુરત મજૂરા બેઠક પર રાજસ્થાની મારવાડી સમાજનું તેમજ પર પરપ્રાંતીઓનું ખૂબ મોટું વર્ચસ્વ છે, સાથે સાથે જૈન સમાજના મતદારોની સંખ્યા પણ વધુ છે. ભાજપના ઉમેદવાર અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની લોકપ્રિયતા ખૂબ જ સારી છે. તેમનું ગ્રાઉન્ડ કનેક્ટ જબરદસ્ત છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીના પીવીએસ શર્માએ અંતિમ ઘડીએ આ બેઠક પરથી લડવાનું નક્કી કર્યું હતું. જ્યારે કોંગ્રેસ દ્વારા બલવંત જૈનને ટિકિટ આપવામાં આવી હતી. આ બંને ઉમેદવારો ખૂબ જ નબળા પુરવાર થયા છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ સારી લીડ મળે એવી પૂર્ણ શક્યતા છે.
ઉધના
ઉધના બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ મનુ પટેલને ઉમેદવાર ઉતાર્યા ત્યારે તેને લઈને આંતરિક રીતે પણ ગણગણાટ શરૂ થયો હતો, પરંતુ એકવાર ઉમેદવાર જાહેર કરી દીધા બાદ ભાજપનું સંગઠન કમળને જિતાડવા માટે કામ કરતું હોય છે, જેનો સીધો લાભ મનુ પટેલને થયો છે. આ બેઠક પર ઉત્તર ગુજરાતના પાટીદારોનું ખૂબ સારું પ્રભુત્વ છે અને પરપ્રાંતીઓ મતદારોની સંખ્યા પણ ખૂબ વધારે છે. વર્તમાન ધારાસભ્ય વિવેક પટેલ ખૂબ જ પ્રામાણિક અને પારદર્શક વહીવટ કરતા તરીકે જાણીતા છે છતાં પણ તેમની ટિકિટ કાપીને મનુ પટેલને આપવામાં આવી છે. મનુ પટેલની આ બેઠક પર કોઈપણ રીતની પકડ નથી અને તેઓ જીતી શકે તેવા ઉમેદવાર નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંગઠનને કારણે તેઓ જીતી જશે. તેમની પોતાની કોઈ લોકપ્રિયતા નથી. બીજી તરફ, કોંગ્રેસના સિનિયર નેતા ધનસુખ રાજપૂતને ટિકિટ આપવામાં આવી છે, જેમણે નબળું સંગઠન હોવા છતાં પણ ખૂબ સારી રીતે આયોજનબદ્ધ રીતે ચૂંટણીપ્રચાર કરીને લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. આમ આદમી પાર્ટી કંઈ વધુ સારું પ્રદર્શન કરી શકે એવી શક્યતા દેખાતી નથી. આ બેઠક પર પણ ભાજપનો વિજય થશે.
લિંબાયત
આ બેઠક પર સંગીતા પાટીલને ત્રીજી વખત ટિકિટ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને જંગી જાહેરસભા બાદ સંગીતા પાટીલની ટિકિટ પાક્કી માનવામાં આવતી હતી. પાર્ટી-પ્રમુખની નજીકનાં હોવાને કારણે તેમને ટિકિટ મળશે એવું પહેલાંથી જ નક્કી હતું. સંગીતા પાટીલને લઈને લિંબાયત વિધાનસભા બેઠકમાં ખૂબ જ વિરોધ હતો, પરંતુ સીઆર પાટીલના લોકસભા વિસ્તારમાં આવતી આ બેઠક પર પાટીલ સમાજનું વર્ચસ્વ વધારે છે. સીઆર પાટીલને કારણે સંગઠન કામે લાગતું હોય છે, એને કારણે સંગીતા પાટીલનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. જોકે તેમની આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની લોકપ્રિયતા પણ નથી. આંતરિક રીતે પણ સંગીતા પાટીલને ફરીથી ટિકિટ આપવામાં ન આવે એવી રજૂઆતો પણ કરવામાં આવી હતી. કોંગ્રેસે ગોપાલ પાટીલને ટિકિટ આપી હતી, જે સૌથી નિષ્ક્રિય પુરવાર થયા છે. તેઓ પણ માત્ર પાર્ટી ફંડ માટે જ ચૂંટણી લડ્યા હોય એવી સ્થિતિ જોવા મળી હતી. આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતાં સારું પ્રદર્શન કરશે, પરંતુ તેને વિજયમાં ફેરવી શકશે નહીં. આ બેઠકો પર પણ ભાજપનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે.
ચોર્યાસી
સુરત ચોર્યાસી વિધાનસભા પર ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ મજબૂત પક્કડ છે. આ વખતે ઇતિહાસમાં પહેલી વખત કોળી પટેલ સમાજને બદલે સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી હતી. એનાથી કોળી પટેલ સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી. આ સીટ પર પરપ્રાંતીઓ પણ મોટી સંખ્યામાં છે. જોકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ કોન્ટ્રાક્ટર અને કોંગ્રેસના કાંતિ પટેલ નબળા સંગઠનને કારણે આ બેઠક પર જીતી શકે એમ નથી. કોળી પટેલની નારાજગીને કારણે ભારતીય જનતા પાર્ટી દર વખતે જે જંગી લીડથી વિજય મેળવતી હતી એના કરતાં ઓછી લીડથી વિજય મેળવશે, પરંતુ ચોર્યાસી બેઠક પર ભાજપનો જ વિજય થશે.
મહુવા
મહુવા વિધાનસભા બેઠકો પર ઢોડિયા પટેલ મતદારોનું પ્રભુત્વ વધુ છે. ભારતીય જનતા પાર્ટીએ મોહન ઢોડિયાને ટિકિટ આપી છે. ગઈ વખતે માત્ર 6,000 જેટલા મતોથી તેમનો વિજય થયો હતો. એ વખતે આ બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી મેદાનમાં હતા, પણ આયાતી ઉમેદવાર હોવાને કારણે ઢોડિયા પટેલ સમાજના મત મેળવવામાં તેઓ વધુ સફળ થયા નહોતા. આ વખતે કોંગ્રેસે હેમાંગિની ગરાસિયાને ટિકિટ આપી છે. હેમાંગિની હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે અને કોંગ્રેસના ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તા તરીકે તેમની છબિ છે. આ વખતે કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટીને પછાડવામાં સફળતા મળે એવી શક્યતા દેખાઈ રહી છે. નજીવી સરસાઈથી પણ કોંગ્રેસના ઉમેદવાર હેમાંગિની ગરાસિયાનો વિજય થાય તો નવાઈ નહીં.
બારડોલી
બારડોલી વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ જ મજબૂત છે. ભાજપ દ્વારા ઈશ્વર પટેલને ટિકિટ આપવામાં આવી હતી, તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે. બારડોલી વિસ્તારમાં સહકારી માળખું ખૂબ જ મજબૂત છે અને એમાં ભાજપની પકડ ખૂબ સારી છે, એને કારણે અલગ અલગ શુગર ફેક્ટરીઓ અને સહકારી સંસ્થાઓની મંડળીના સંચાલકો અને સભાસદો ભાજપ તરફેણમાં હોવાને કારણે આ બેઠક પર ફરીથી ઈશ્વર પટેલ જીતી શકે છે. કોંગ્રેસના ઉમેદવાર પન્ના પટેલ કોંગ્રેસનું નબળું સંગઠન હોવાને કારણે જીતવું મુશ્કેલ લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીનું કોઈપણ વર્ચસ્વ બારડોલી વિધાનસભા બેઠક પર દેખાઈ રહ્યું નથી. આ બેઠક પર ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવે છે.
માંડવી
માંડવી બેઠક પર વર્તમાન ધારાસભ્ય કોંગ્રેસના આનંદ ચૌધરી છે. આનંદ ચૌધરીને આદિવાસી નેતા તરીકે ખૂબ સારી લોકચાહના છે. લોકો સાથેનો તેમનો સંપર્ક પાંચ વર્ષ દરમિયાન સારો હોવાને કારણે આ બેઠક પર તેઓ ખૂબ સારી રીતે લડ્યા છે. બીજી તરફ, માંડવી બેઠક પર કુંવરજી હળપતિ ભાજપના ઉમેદવાર હતા. કુવરજી હળપતિ મૂળ કોંગ્રેસ ગોત્રના છે. તેઓ માંડવી બેઠક પર છેલ્લાં બે વર્ષથી ખૂબ જ સક્રિય હતા, તેથી આનંદ ચૌધરીની સામે તેમને ઉતારવામાં આવ્યા છે. છેલ્લી ત્રણ ટર્મથી માંડવી બેઠક કોંગ્રેસના ફાળે જઈ રહી છે. આ વખતે ટક્કર બરાબર જામી છે અને ઊલટફેર થવાની શક્યતા પણ છે. કોંગ્રેસનો વિજય થાય તોપણ ખૂબ જ નજીવા માર્જિનથી થાય એવી શક્યતા છે.
માંગરોળ
માંગરોળ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો દબદબો ખૂબ જ મજબૂત છે. પૂર્વ વન-પર્યાવરણમંત્રી ગણપત વસાવાનો આ ગઢ માનવામાં આવે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ બેઠક પર જ્યારે ભાજપના નિરીક્ષકો સેન્સ લેવા માટે આવ્યા હતા ત્યારે માત્ર ગણપત પટેલ જ દાવેદારી નોંધાવવા ગયા હતા. તેમના સિવાય એકપણ ભાજપના સ્થાનિક નેતાએ દાવેદારી નોંધાવી ન હતી. એના પરથી જ સમજી શકાય કે ગણપત વસાવાનો આ બેઠક પર કેવો પ્રભાવ છે. કોંગ્રેસ દ્વારા આ વખતે રિટાયર્ડ આઈએસ ઓફિસર અનિલ ચૌધરીને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં કોંગ્રેસના 50000 જેટલા જે કોમિટેડ વોટર્સ છે એ મત તેમને મળવાની શક્યતા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને બીટીપી વધુ સક્રિય દેખાતું નથી, તેમને માત્ર 10000-15,000 જેટલા વોટ મળી શકે એવી સ્થિતિ છે. આ બેઠક પર પણ ગણપત વસાવા ખૂબ જ સારી લીડથી જીતશે.
નવસારી જિલ્લો
જલાલપોર
જલાલપોર સીટ અત્યારસુધી ભાજપનો ગઢ ગણાતી હતી, જોકે હવે સમીકરણો બદલાયાં છે. છેલ્લી પાંચ ટર્મથી આ સીટ પર જીતતા ભાજપના દિગ્ગજ નેતા આરસી પટેલને આ વખતે કોંગ્રેસના ઉમેદવાર રણજિત પંચાલ તરફથી જોરદાર લડત મળી છે. સીટિંગ ધારાસભ્ય આરસી પટેલને એન્ટી-ઇન્કમ્બન્સી નડી શકે છે. તેઓ વિજલપુર શહેર તેમજ પૂર્વ પટ્ટીનાં ગામડાંમાં માઇનસમાં રહી શકે છે તેમજ વર્ષોથી અટવાયેલા દરિયાઈ પટ્ટીમાં ઝિંગા તળાવને માન્યતાના પ્રશ્નનો હલ ન આવતાં અહીંના લોકો નારાજ છે. આ ઉપરાંત દાંડીને વૈશ્વિક ઓળખ અને સીધા ટ્ર્રાન્સપોર્ટેશનનો અભાવ જેવા મુદ્દા પણ તેમને નડી શકે છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રણજિત પંચાલ વર્ષ 2012માં 17500 મતની લીડથી હાર્યા હતા, જે ગેપ તેમણે 10 વર્ષમાં ઓછો કરી નાખ્યો છે, એવું નિષ્ણાતો કહી રહ્યા છે. જ્યારે આપના પ્રદીપ કુમાર મિશ્રાની કંઈ કોઈ અસર દેખાઈ નથી. ટૂંકમાં આ સીટ પર ભાજપને સરળ જીત મળવી ખૂબ અઘરી છે.
નવસારી
ભાજપે નવસારી બેઠક પર આ વખતે અજાણ્યા ચહેરા રાકેશ દેસાઈને મેદાનમાં ઉતાર્યા હતા. તેઓ 20 વર્ષથી આરએસએસ સાથે સંકળાયેલા હતા, પણ પ્રજામાં બહુ જાણીતા નહોતા. જોકે ભાજપનું અહીં મજબૂત સંગઠન હોવાથી તેમને જીતવામાં બહુ મુશ્કેલી નહીં આવે. પણ લીડ જરૂર ઘટી શકે છે. સામે કોંગ્રેસના ઉમેદવાર દીપક બારોટ જાણીતો ચહેરો છે, પણ કોંગ્રેસનું સંગઠન અહીં વિખરાયેલું હોવાથી મત ભેગા કરવામાં તેમને બહુ મુશ્કેલી પડી છે, જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉપેશ પટેલે ભાજપ કરતાં કોંગ્રેસના મત વધુ કાપી શકે છે. આ બેઠક પર કોળી અને હળપતિ મતદારો નિર્ણાયક રહ્યા છે. ત્યારે આપના ઉમેદવાર કોળી હોવાથી અમુક કોળી મતોને તેમને મળી શકે છે. જેનું કોંગ્રેસને નુકસાન જઈ શકે છે. ટૂંકમાં, આ સીટ ભાજપ જાળવી રાખી શકે છે, પણ લીડ ઓછી થઈ શકે છે.
ગણદેવી
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી રહી ચૂકેલા નરેશ પટેલનો ઘોડો વિનમાં છે. તેઓ લાંબા સમયથી સંગઠનમાં સક્રિય છે. નરેશ પટેલને સૌથી વધારે આદિવાસી મતો છે. તેમણે આદિવાસી યોજનાઓમાં સારું કામ પણ કર્યું છે. કોંગ્રેસ અહીં અસમંજસ સ્થિતિમાં હતી. પહેલાં શંકર પટેલને ટિકિટ આપી, પણ વિરોધ થતાં બદલીને ટિકિટ અશોક પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. અશોક પટેલ ભલે નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા હોય, પણ નબળા સંગઠન અને નેતાગીરીનું નુકસાન તેમને ઉઠાવવું પડી શકે એમ છે. જ્યારે બીટીપીમાંથી આપમાં આવેલા પંકજ પટેલે પોતે આદિવાસી હોવા છતાં આદિવાસી મતદારોમાં કોઈ પ્રભાવ પાડી શક્યા નહિ. ટૂંકમાં આ સીટ પર ભાજપના જીતવાના ચાન્સ ખૂબ વધુ છે.
વાંસદા
નવસારી જિલ્લામાં સૌથી વધુ રસાકસી વાંસદા બેઠક પર જોવા મળી રહી છે. કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા અનંત પટેલના મોટા પ્રમાણમાં કમિટમેન્ટ મતદારો છે, પણ આ વખતે ભાજપના પીયૂષ પટેલે જોરદાર ફાઈટ આપી છે. અનંત પટેલ શિક્ષક છે, જ્યારે પીયૂષ પટેલ નાયબ મામલતદાર રહી ચૂક્યા છે. તેમણે વાંસદામાં ત્રણ વર્ષ નાયબ મામલતદાર રહીને આ વિસ્તાર અને યોજનાઓનું મૂલ્યાંકન કર્યું હતું. રાજકીય પંડિતોના કહેવા મુજબ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ બેઠક રાજકીય દત્તક લીધી હતી, એટલે અહીં જીત તેમના નાકનો પ્રશ્ન બની ગઈ હતી. આ ઉપરાંત આખું નવસારીના જિલ્લાતંત્રને અહીં કામ લગાડવામાં આવ્યું હતું તેમજ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે પણ પાર્ટીને આ બેઠક અપાવવા માટે પોતાની સાથે વાંસદા બેઠક પર પણ એડીચોટીનું જોર લગાડ્યું હતું. મતદાનના એક દિવસ પહેલાં ભાજપના ઉમેદવાર પીયૂષ પટેલ પર જીવલેણ હુમલો થયો હતો, જેથી તેમના મતદારોની તેમના તરફેણમાં સહાનુભૂતિ મળી શકે છે. આપના ઉમેદવાર પંકજ પટેલનો કોઈ પ્રભાવ જોવા મળ્યો નહોતો. ટૂંકમાં, કોંગ્રેસના અનંત પટેલનો થોડો હાથ ઉપર છે, પણ ભાજપના પીષૂય પટેલ કાંટાની ટક્કર આપી રહ્યા છે.
વલસાડ જિલ્લો
ધરમપુર
વલસાડ જિલ્લાની ધરમપુર બેઠક પર મોટા ઊલટફેરની શક્યતા છે. અહીં અપક્ષ ઉમેદવાર કલ્પેશ પટેલ મેદાન મારી શકે છે. ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલ પૂરતો જનસંપર્ક કરવામાં ઊણા ઊતર્યા છે. જ્યારે ધરમપુર બેઠકમાં આવતાં વલસાડ તાલુકાનાં 42 ગામમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મતો વહેંચાઈ ગયા હતા, જેનો ફાયદો અપક્ષ ઉમેદવારને થઈ શકે છે. આ સિવાય ઉપરવાસનાં ગામોમાં 80 ટકાથી વધુ મતદાન અપક્ષતરફી થયું હોઈ શકે છે. ભાજપને સ્થાનિક રોજગારીનો મુદ્દો નડી શકે છે. કોંગ્રેસના ઉમેદવાર કિશન પટેલ પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે અને વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ સારી રીતે વાકેફ છે, પણ જોઈએ એવું જનસંપર્ક કરી શક્યા નહિ. જ્યારે અપક્ષ ઉમેદવારે મતદાનના બે દિવસ પહેલાં જબરદસ્ત શક્તિપ્રદર્શન કર્યું હતું, જેમાં CMની રેલી જેવો માહોલ હતો. તેની પાસે મેન પાવર અને વોટર પાવર બંને છે, જ્યારે આમ આદમી પાર્ટીના કમલેશ પટેલનો કોઈ પ્રભાવ જોવા મળ્યો નહોતો. આ સિવાય આ સીટ પર આદિવાસી સમાજના 9-9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા, જેનો પણ બીજેપી-કોંગ્રેસને ફટકો પડી શકે છે. ટૂંકમાં, આ સીટ અપક્ષના ખાતામાં જાય તો નવાઈ નહીં.
વલસાડ
ભાજપના ઉમેદવાર ભરત પટેલનો મતદાનમાં પણ દબદબો જોવા મળ્યો હતો. વલસાડ તાલુકા કોળી સમાજના પ્રમુખ ભરત પટેલનો જનસંપર્ક ખૂબ વધુ રહ્યો હતો. ભરત પટેલને આ વખતે કાંઠા વિસ્તારનાં 2-3 ગામમાં નુકસાન જઈ શકે છે. સરકારી જમીન પર મત્સ્ય ઉદ્યોગ ખોલવાને કારણે ઝિંગા તળાવ પર નિભતા લોકોમાં નારાજગી જોવા મળી છે. આ સિવાય ભાજપને વલસાડ સિટીના અમુક મતદારો પણ ગુમાવવા પડી શકે છે, કેમ કે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડતા રાજુ પટેલ ઉર્ફે રાજુ મરચા વલસાડ શહેરના અમુક મતો પર કબજો જમાવી શકે છે. રાજુ પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. લોકોના પ્રશ્નોને લઈને હંમેશાં તંત્ર સામે બાંયો ચડાવતા રહે છે. દરેક મુદ્દા પર એગ્રેસિવ રજૂઆતો કરે છે. આમ, રાજુ પટેલ ભાજપની લીડ ઘટાડી શકે છે. આ સીટ પર કોંગ્રેસ તરફથી લેઉવા પાટીદાર કમલેશ કુમાર પટેલ મેદાનમાં હતા. તેઓ ક્રિકેટ સાથે સંકળાયેલા હતા. જોકે કોંગ્રેસનું સંગઠન અહીં સાવ નબળું હોવાથી તેમના ચાન્સ સાવ ઓછા છે. ટૂંકમાં, આ સીટ પર ભાજપ જીતી શકે, પણ લીડ ઓછી થઈ શકે છે.
પારડી
પારડી વિધાનસભા સીટ ભાજપનો ગઢ ગણાય છે. આ સીટમાં પારડી અને વાપી તાલુકાના વિસ્તારનો સમાવેશ થાય છે. નાણામંત્રી કનુ દેસાઈની પોતાની કમિટેડ વોટરબેંક છે. તેમણે કરેલાં વિકાસકાર્યોને કારણે તેમની મતદારોમાં સારી છાપ છે. કનુ દેસાઈ બે વખત ધારાસભ્ય અને એક વખત મંત્રી બન્યા પહેલાં સાત વર્ષ વલસાડ જિલ્લા ભાજપ-પ્રમુખપદે રહી ચૂક્યા છે, એટલે સંગઠન પર તેમની પક્કડ મજબૂત છે. જ્યારે કોંગ્રેસે આયાતી ઉમેદવાર જયશ્રી પટેલને મેદાનમાં ઉતાર્યાં હતાં. જયશ્રી પટેલ પોતે વલસાડમાં રહે છે અને તેમણે ધરમપુર સીટ માગી હતી, જ્યારે કોંગ્રેસ પાર્ટીએ તેમને પારડી સીટની ટિકિટ આપી હતી. પારડી સીટ પર જયશ્રીબેનનાં માતા સવિતાબેન પટેલ 1985માં ચૂંટણી જીત્યાં હતાં, જેના બેઝ પર જયશ્રીબેનને 27 વર્ષ પછી લડાવ્યાં છે. ઢોડિયા પટેલ આદિવાસી સમાજમાંથી આવતાં જયશ્રીબેનની જગ્યાએ બીજા કોઈ સ્થાનિક આદિવાસીને ટિકિટ આપી હોત તો વધુ ટાઈટ ફાઈટ થઈ શકી હોત. આપના ઉમેદવાર કેતન પટેલ મૂળ ભાજપમાંથી આવ્યા છે અને વાપી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. જોકે તેમની પાસે પૂરતો મેનપાવર નથી. જ્યારે પીએમ મોદીએ ખુદ વાપીમાં રોડ કરી ભાજપ તરફથી માહોલ બનાવ્યો હતો. ટૂંકમાં, આ સીટ પર ભાજપને સરળ જીત મળી શકે છે.
કપરાડા
વલસાડ જિલ્લામાં હાઇએસ્ટ વોટિંગ કપરાડા સીટ પર થયું હતું. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાઈને પેટાચૂંટણી જીતીને પાણીપુરવઠામંત્રી બનેલા જિતુ ચૌધરી ફરી મેદાનમાં છે. ખૂબ વરસાદ છતાં પથરાળ જમીનના કારણે અહીં પીવાના પાણીની સમસ્યા મોટો પ્રશ્ન હતો. પાણીપુરવઠામંત્રીના હોદ્દા પર રહીને જિતુ ચૌધરીએ આ વિસ્તારમાં અસ્ટોલ જૂથે પાણીપુરવઠા યોજનાનો અમલ કરાવ્યો હતો, જેનો તેને ચૂંટણીમાં મોટો ફાયદો મળી શકે છે. જિતુ ચૌધરીની પોતાની કમિટેડ વોટ બેંક પણ છે. જ્યારે કોંગ્રેસ તરફથી પૂર્વ કેબિનેટ મંત્રી બરજુલ પટેલના દીકરા વસંત પટેલ ચૂંટણી લડી રહ્યા છે. બરજુલ પટેલે વર્ષો પહેલાં કપરાડામાં કરેલાં સામાજિક ઉત્થાનનાં કામોનો ફાયદો મળી શકે છે. જ્યારે આમ આદમી પાર્ટીના જયેન્દ્ર ગાવિતને સારુંએવું જનસમર્થન છે, લોકોના પ્રશ્નો માટે કોઈ એવો અધિકારી બાકી નહીં હોય જેની સામે અવાજ નહીં ઉઠાવ્યો હોય. જોકે તેઓ મતદારોને વોટિંગ કરાવવામાં સફળ રહ્યા નથી. જેનો સૌથી વધુ ફાયદો બીજેપીને મળશે. ટૂંકમાં, વલસાડ સીટ ભાજપના ખાતામાં જઈ શકે છે.
ઉમરગામ(ST)
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી રમણલાલ પાટકર 9 ટર્મથી ચૂંટણી મેદાનમાં છે, જેમાંથી તેઓ માત્ર એક વખત ઓછા માર્જિનથી હાર્યા છે. રમણલાલ પાટકરના પોતાના કમિટેડ વોટરો છે. વિસ્તારમાં સારી લોકચાહના ધરાવે છે. ઉમરગામ તાલુકામાં કોરોના બાદ હાઈએસ્ટ વેક્સિન કરાવવામાં તેમણે સારીએવી કામગીરી કરી હતી. તેમણે આખી ટીમ ઉતારી હતી. સરકારી યોજના લોકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે. જ્યારે કોંગ્રેસ તરફથી વારલી સમાજના નરેશ વળવી મેદાનમાં હતા, જેમને કોંગ્રેસની નિષ્ક્રિયતા નડી શકે છે. તેમણે ચૂંટણીમાં એગ્રેસિવ પ્રચાર કર્યો નહોતો. આ સિવાય આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહેલા અશોક પટેલ મૂળ કોંગ્રેસમાંથી આવેલા છે, જેથી તેઓ કોંગ્રેસને વધુ નુકસાન કરી શકે છે. ટૂંકમાં, અહીં જીતવામાં ભાજપ માટે કોઈ જોખમ નથી.
ડાંગ જિલ્લો
ડાંગ (ST)
ગુજરાતના છેવાડાની બેઠક ડાંગમાં ત્રિપાંખિયો જંગ હતો. ભાજપે સીટિંગ ધારાસભ્ય વિજય પટેલને ઉતાર્યા હતા. ભાજપે તેમને છઠ્ઠીવાર ટિકિટ આપી છે, જેને કારણે સ્થાનિક કાર્યકરોમાં રોષ વ્યાપ્યો, જેની ભરપાઈ વોટમાં કરવી પડી શકે છે. ચાર ગામે તો વિજય પટેલનો બહિષ્કાર કર્યો હતો, જ્યાં 1500થી વધુ મતદારો છે. વિજય પટેલ વર્ષ 2020ની પેટાચૂંટણીમાં આ સીટ જીત્યા હતા. એ પહેલાં વર્ષ 2007 અને વર્ષ 2017માં મંગળ ગાવિત આ સીટ પર જીત્યા હતા, જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા હતા. ભાજપે તેમને જિલ્લા પ્રમુખ બનાવ્યા હતા. કોંગ્રેસ તરફથી મુકેશ પટેલનું પલડું થોડું ભારે લાગે છે. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી સુનીલ ગાવિત મેદાનમાં છે. જેઓ તાપી જિલ્લાના હોવાથી સ્થાનિક આપના કાર્યકરોમાં નિરાશ વ્યાપી હતી. આહવા શહેરમાં ભાજપ અને આપ વચ્ચે મતદારો વહેંચાશે. જ્યારે વઘઈ તાલુકામાં ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે મતદારોના ભાગ પડશે. જ્યારે સુબીર તાલુકામાં કોંગ્રેસ તરફથી મતદાન થયું હોઈ શકે છે. તાલુકામાં ખ્રિસ્તી મતદારોની સંખ્યા વધારે છે, જેઓ કોંગ્રેસના કમિટેડ વોટર બેંક છે. જ્યારે આપના સુનીલ ગાવિતને યુવાનો પસંદ કરી રહ્યા છે તેમજ આઉટસોર્સિંગ નોકરિયાતો અને ઓલ્ડ પેન્શન સ્ક્રીમ સમર્થિત કર્મચારીઓએ આપતરફી મતદાન કર્યું હોઈ શકે છે. ટૂંકમાં, અહીં ટાઈટ ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ મેદાન મારી શકે છે.
ભરૂચ જિલ્લો
જંબુસર
જંબુસર સીટ દર પાંચ વર્ષે મૂડ બદલે છે. રાજસ્થાનની જેમ અહીં સીટિંગ ધારાસભ્યને પ્રજા ફરી ચૂંટતી નથી. એન્ટી-ઇન્કમ્બન્સી આ ફેક્ટરને ધ્યાનમાં રાખીએ તો કોંગ્રેસ તરફથી ચૂંટણી લડતા સીટિંગ ધારાસભ્ય સંજય સોલંકી હારી શકે છે, પણ આ વખતે પરંપરા તૂટી શકે છે. ભાજપ તરફથી મેદાનમાં ઊતરેલા સ્વામિનારાયણના સંત અને જેની તુલના યોગી આદિત્યનાથ સાથે થઈ રહી છે એ ડીકે સ્વામીના વિરુદ્ધમાં અમુક પરિબળો સામે આવ્યાં છે, જેમ કે કોંગ્રેસના ઉમેદવાર કોળી પટેલ છે અને આ વિસ્તારમાં 92 હજાર મત કોળી સમાજના છે, જે કોંગ્રેસના સંજય સોલંકીની તરફેણમાં ઊભા રહી શકે છે, જ્યારે 55 હજાર મુસ્લિમ મત છે, જેમાંથી મોટાભાગના મત કોંગ્રેસના ખાતામાં જઈ શકે છે. ભાજપે ડીકે સ્વામીના બદલે કોળી પટેલ કિરણ મકવાણાને ટિકિટ આપી હોત તો જીતની શક્યતા વધી જાત. કિરણ મકવાણા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા અને તેમને ટિકિટનું પ્રોમિસ પણ આપવામાં આવ્યું હતું. જોકે ભાજપે ટિકિટ ન આપતાં તેઓ પોતે અને કોળી સમાજ નિરાશ થઈને નિસ્ક્રિય થઈ ગયો હતો. જેની અસર મતદાનમાં પણ થઈ હતી અને મતદાન પાંચ ટકા જેટલું ઘટ્યું હતું. બીજી તરફ, કોંગ્રેસના સંજય સોલંકી નિર્વિવાદ છે. ટૂંકમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઈટ ફાઈટ છે, પણ પરંપરા તોડી કોંગ્રેસ આ બેઠક જાળવી શકે છે.
વાગરા
વાગરાની સીટ હંમેશાં ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ સમાન હોય છે. દર ચૂંટણીમાં અહીં રસાકસી જામે છે અને સાવ ઓછા માર્જિનથી હાર-જીતનો ફેંસલો થાય છે. આ વખતે પણ એવી જ સ્થિતિ છે. ભાજપના ઉમેદવાર અરુણસિંહ રાણા ભરુચ ડિસ્ટ્રિક્ટ કો-ઓપર્ટિવ બેંકના ચેરમેન હોવાથી અમુક મુસ્લિમ મતદારોનો પણ તેમને સાથ મળતો હતો. આ વખતે એમાં કાપ આવી શકે છે, કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાગરા મતવિસ્તારમાં આવતા અમોદમાં રેલી યોજી રામમંદિર સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા, જેના કારણે મુસ્લિમો નિરાશ થઈને ભાજપના અરુણસિંહ રાણાને મત આપવાથી અળગા રહ્યા હોઈ શકે છે. બીજી તરફ સુલેમાન પટેલની છબિ સારી છે અને મુસ્લિમોમાં ફેવરિટ છે. તેમણે અમુક યૂથને નોકરી અપાવવામાં પણ મદદ કરી છે. આ વખતે મુસ્લીમિ એક થયા છે, જેની અસર મતદાનમાં પણ પડી હતી. વાગરામાં ગઈ વખતની તુલનાએ મતદાન પણ આ વખતે વધ્યું હતું. અહીં ઊંચા મતદાનથી ભાજપને લોસ થતો દેખાય છે. આ ઉપરાંત ભરૂચનાં 3-4 ગામો વાગરા બેઠકમાં ભેળવવામાં આવ્યાં છે, જેની ટીપી સ્ક્રીમ ભાવના મુદ્દે પણ નિરાશ વ્યાપી હતી. અહીંના મતદારો પણ મત આપવા બહાર આવ્યા નહોતા. જોકે સામે અરુણસિંહ રાણા રાજકારણના અઠંગ ખેલાડી ગણાય છે. છેલ્લી ઘડીએ ખેલ પાડવામાં માહેર છે. ટૂંકમાં, અહીં નેક ટુ નેક ફાઈટ છે, જેમાં પલડું કોઈપણ બાજુ નમી શકે છે. ભાજપની જીતની શક્યતા 51 ટકા તો કોંગ્રેસની જીતની શક્યતા 49 ટકા કહી શકાય.
ઝઘડિયા(ST)
ઝઘડિયામાં બીજું કોઈ ન ચાલે, ચાલે તો માત્રને માત્ર છોટુભાઈનું ચાલે. આ સ્લોગન આ વખતે પણ સાચું પડી શકે છે. શરૂઆતમાં પરિવારનો ઝઘડો બહાર આવતાં વસાવા પરિવાર મુશ્કેલીમાં જાણાતો હતો. દીકરા મહેશ વસાવાએ ફોર્મ પાછું ખેંચી લેતાં છોટુભાઈનો રસ્તો સાફ થઈ ગયો હતો. છેલ્લી ઘડીએ પરિવાર એક થઈ જતાં બીટીપીના સિમ્બોલ વગર પણ છોટુભાઈની જીત નિશ્ચિત થઈ ગઈ હતી. અહીં મતદાન પણ સૌથી વધુ થયું હતું. જોકે ભાજપના રિતેશ વસાવા થોડીક ફાઈટ જરૂર આપશે. એટલું જ નહીં, છોટુભાઈને દર વખતની જેમ આ વખતે જંગી લીડ નહીં મળે. જ્યારે કોંગ્રેસના ફતેહસિંહ વસાવા ત્રીજા નંબર પર આવી શકે છે. આપનાં ઉર્મિલા ભગત તો ક્યાંય ચિત્રમાં જ નથી. ટૂંકમાં, છોટુભાઈ ગઢ જાળવી રાખશે, પણ લીડ ઘડશે.
ભરૂચ
ભરુચ બેઠક ભાજપનો કિલ્લો ગણાય છે. ભાજપે આજથી 15 વર્ષ પહેલાં એ વખતના સીટિંગ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ટિકિટ આપી દુષ્યંત પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. હવે ફરી સમયનું ચક્ર ફર્યું છે. ભાજપે આ વખતે સિટિંગ ધારાસભ્ય દુષ્યંતની ટિકિટ કાપી ફરી રમેશ મિસ્ત્રી પર ભરોસો વ્યક્ત કર્યો છે. રમેશ મિસ્ત્રી આરએસએસના ચુસ્ત કાર્યકર છે. દુષ્યંત પટેલનો કાર્યકરોમાં ગ્રાઉન્ડ લેવલ પર વિરોધ હતો. જોકે ભરૂચના મતદારોમાં નેતા કરતાં પાર્ટી મહત્ત્વની છે. ભાજપનું અહીં મજબૂત સંગઠન છે. ભરૂચ નગરપાલિકા અને શહેરી વિસ્તારમાં બીજેપીની સારીએવી પક્કડ છે. બક્ષી પંચ, ઘાંચી સમાજ અને પાટીદાર મતદારો બીજેપીતરફી રહે છે. સામે કોંગ્રેસે જૂના જોગી જયકાંત પટેલને ટિકિટ આપી છે. ભરૂચ વિધાનસભા મતવિસ્તારમાં અંકલેશ્વરનાં 17 ગામનો પણ સમાવેશ થાય છે. જયકાંત પટેલ એમાંથી એક ગામ માંડવાના વતની છે. આ 17 ગામમાં કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. જોકે એનાથી ભાજપને બહુ નુકસાન થાય એવી શક્યતા નહિવત્ છે. ટૂંકમાં, ભરૂચ બેઠક ભાજપનો ગઢ છે અને આ વખતે પણ રહેશે.
અંકલેશ્વર
અંકલેશ્વરમાં બે સગા ભાઈઓ વચ્ચે જંગ ખેલાયો છે. અંકલેશ્વર પરંપરાગત રીતે ભાજપની બેઠક છે. આ વખતે પણ અહીં ભાજપના ઈશ્વર પટેલ મેદાન મારી શકે છે. સામે કોંગ્રેસે તેમના ભાઈ વિજયસિંહને ટિકિટ આપી છે. વિજયસિંહ આમ તો રાજકારણમાં બહુ સક્રિય નહોતા. બંનેના પિતા ઠાકોરભાઈ પટેલ મૂળ કોંગ્રેસી હતા. જોકે ઈશ્વર પટેલ અનેક વર્ષોથી ભાજપ સાથે છે અને પાંચ ટર્મથી જીતતા આવે છે. કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ હાંસોટ પટ્ટી પર મજબૂત દેખાય છે. અહીં તેને 5-7 હજારની લીડ મળી શકે છે. જોકે એનાથી પરિણામ પર બહુ અસર નહીં થાય. જ્યારે અંકલેશ્વરના જીઆઈઆઈડીસી વિસ્તાર અને શહેરી વિસ્તારમાં દર વખતે ભાજપને જંગી લીડ મળતી હોય છે, આ વખતે પણ મળશે. ટૂંકમાં અંકલેશ્વર સીટ ભાજપ જાળવી રાખશે, કદાચ અમુક હજાર લીડ ઓછી શઈ શકે છે.
નર્મદા જિલ્લો
નાંદોદ (ST)
નાંદોદમાં આ વખતે ત્રિપાંખિયો જંગ છે. ભાજપે પૂર્વ સાંસદ સ્વ. ચંદુભાઈ દેશમુખની પુત્રી ડો. દર્શના દેશમુખને ટિકિટ આપી હતી, જેના કારણે ભાજપમાંથી બે ટર્મ જીતેલા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાએ બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના 80 ટકા કાર્યકરો બળવાખોર હર્ષદ વસાવા સાથે છે. નર્મદા જિલ્લા ભાજપ-પ્રમુખ અને દૂધ સાગર ભરૂચ ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલનો ડો. દર્શના દેશમુખને સારેએવો સપોર્ટ મળ્યો હતો, જેથી શેરડી પકવતા ખેડૂતોએ ભાજપ તરફથી મતદાન કર્યું હોઈ શકે છે. આ ઉપરાંત રાજપીપળા શહેરમાં ભાજપને લીડ મળી શકે છે. જ્યારે પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ દેસાઈએ ભાજપના બળવાખોર હર્ષદ વસાવાને સાથ આપ્યો હતો. તેમની બાજુના વિસ્તાર લાછરછ, બદાભ, વાવડી, ગોપાલપુરા, કાગરોજ, પોઈંચા વગેરે ગામોના પટ્ટામાં 70 ટકા મત કપ-રકાબી (હર્ષદ વસાવાના ચૂંટણી સિમ્બોલ)માં પડ્યા હોઈ શકે છે. ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા કાર્યકરોએ હર્ષદ વસાવાના સમર્થનમાં બૂથ લેવલ પર કામ કર્યું છે. આ સિવાય ડો. દર્શના દેશમુખને તેમની સરનેમ પણ નડી શકે છે. જ્યારે કોંગ્રેસના હરેશ વસાવાને અંતરિયાળ વિસ્તારના મત મળ્યા હોઈ શકે છે. આ સિવાય અંદરોઅંદરની આ લડાઈમાં ભાજપના મત તૂટશે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર હરેશ વસાવા ફાવી પણ શકે છે. આ ઉપરાંત આપમાંથી લડતા પ્રફુલ વસાવાને નર્મદા યોજનાનાં 6 અસરગ્રસ્ત ગામમાંથી સમર્થન મળ્યું હતું. ટૂંકમાં જોકે છેલ્લી સ્થિતિ પ્રમાણે ભાજપના બળવાખોર અને અપક્ષમાંથી લડતા હર્ષદ વસાવા મેદાન મારે તો નવાઈ નહીં.
ડેડિયાપાડા
આખા ગુજરાતમાં જેની ચર્ચા છે ચૈતર વસાવાના રૂપમાં ગુજરાતને યુવા ધારાસભ્ય મળી શકે છે. બીટીપીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી મેદાનમાં છે. ડેડિયાપાડા મતવિસ્તારમાં કાર્યકરના ઘરે નાનામાં નાનો પ્રસંગ હોય તો ચૈતર વસાવાની હાજરી અચૂક હોય છે. યુવાનોમાં વર્ચસ્વ સાથે બિરસા મુંડાની મૂર્તિની સ્થાપનાના કારણે પણ તેમને આદિવાસી મતદારોનો સાથ મળી રહ્યો છે. ચૈતરને કુનબાર, મોજદા, સામોદ, નાની બેરવાણ, મોટી બેરવાણ, દેવરોપણ, દેવમોગરા વગેરે ગામોમાં લીડ મળી શકે છે. બીજી તરફ ભાજપ તરફથી જિલ્લા પંચાયત સભ્ય હિતેષ વસાવા ચૂંટણી લડી રહ્યા છે. હર્ષદ વસાવા ચાર વર્ષ પહેલાં બીટીપી છોડીને ભાજપમાં જોડાયા હતા. હર્ષદને ટિકિટ મળતાં ભાજપમાં અંદરખાને કાર્યકરોમાં નારાજગી પણ વ્યાપી હતી. જોકે હર્ષદ વસાવાને તેમના પિતા દેવજીભાઈ વસાવાની પ્રસિદ્ધનો ફાયદો મળી શકે છે. તેઓ એક સમયે સરપંચ હતા, હાલ વિસ્તારમાં તેમનું મોટું નામ છે. હર્ષદ વસાવાને ડિયાપાડા ગામ, ચિતદા, ગાજરગોટામાં લીડ મળી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસમાંથી લડતાં જેરમાબેનને પણ નિશ્ચિત પ્રમાણમાં મત મળશે. જેરમાબેન પાંચ હજાર બહેનોનું સંગઠન ચલાવે છે, જેનો ફાયદો તેમને મળી શકે છે. બીટીપી તરફથી બહાદુરસિંહ વસાવા લડી રહ્યા છે, જેનો આ વખતે અહીં કોઈ પ્રભાવ નથી.
તાપી જિલ્લો
વ્યારા
વ્યારા બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ છે. ભાજપ તરફથી ચૂંટણી લડી રહેલા મોહનભાઈ કોંકણીની જીતની શક્યતા ઓછી છે. એનાં બે કારણ છે. એક કારણ જાતિય ફેક્ટર તેમની તરફેણમાં નથી. તેઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે, જેથી ગામડાંના હિન્દુ મતદારોને તેઓ આકર્ષી શક્યા નહિ. બીજું કારણ એ છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર બિપિન ચૌધરી. તાપી જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ બિપિન ચૌધરીએ ત્રણ વર્ષ પહેલાં અમુક પદાધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આરોપી મૂકી પાર્ટી છોડીને આપ જોઈન કરી હતી, આથી આ ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવારને વધુ નુકસાન કરી શકે છે. બીજી તરફ કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય પૂનાભાઈ ગામિત સતત ચાર ટર્મથી ચૂંટાઈ આવે છે, પણ તેમની સામે એન્ટી-ઈન્કમ્બન્સી નથી. વ્યારા બેઠક કોંગ્રેસનો ગઢ અને એની કમિટેડ વોટ બેંક મોટી છે. આ સીટ પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરી અને તુષાર ચૌધરીનું હોમટાઉન છે. આ ઉપરાંત વર્ષ 2020માં ભાજપે જ્યારે કોંગ્રેસના અનેક ધારાસભ્યો તોડ્યા ત્યારે પૂનાભાઈ ગામિત પાર્ટીને વફાદાર રહ્યા છે, જેથી લોકોમાં તેમની સારી છબિ જળવાઈ રહી છે. ટૂંકમાં આ સીટ કોંગ્રેસ જાળવી રાખવામાં સફળ રહેશે.
નિઝર
નિઝર બેઠક પર બીજેપીએ પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ જયરામ ગામિતને ઉતાર્યા છે. જોકે તેમનો ચૂંટણીમાં જરા પણ લોકસંપર્ક રહ્યો નહોતો. લોકો સાથે તેમની કનેક્ટિવિટી નહોતી. આ ઉપરાંત તેમનો પરિવાર ખિસ્તી ધર્મ પ્રત્યે લગાવ રાખે છે. જેથી હિન્દુ મતદારોને આકર્ષવામાં સફળ રહ્યા નથી. બીજી તરફ કોંગ્રેસે સીટિંગ ધારાસભ્ય સુનીલ ગામિતને ફરી ટિકિટ આપી છે. નિઝરના આદિવાસી મતદારો હંમેશાં કોંગ્રેસ પ્રત્યે વધુ વફાદાર રહ્યા છે, જે પરંપરા આ વખતે પણ જળવાશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સોનગઢ એપીએમસીના ચેરમેન અને સુમૂલ ડેરીના પૂર્વ ડિરેક્ટર અરવિંદ ગામિતને ટિકિટ આપી હતી. જેઓ જીતશે તો નહીં, પણ ભાજપ-કોંગ્રેસ બંનેને ડેમેજ કરશે. ટૂંકમાં કોંગ્રેસની જીતશે ખરી, પણ લીડ ઘટી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.