શું લાગે છે?:ભાજપના ઉમેદવારો નક્કી કરવામાં પૂર્વ CMની દીકરીનું નામ છેલ્લી ઘડી સુધી ચર્ચામાં, દાવેદારો તો નેતાઓની તસવીરોને પગે પડી ગયા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાનાફૂસી, કાવાદાવાથી માંડીને ગુસપુસ, ગોસિપ અને હાંક્યે રાખો! ગપગોળામાંથી કેટલું ગાળવું ને કેટલું છાનુંછપનું ઉઘાડું કરવું એનાં લેખાંજોખાં લઈને તમારી સમક્ષ મૂકીશું. દિવ્ય ભાસ્કર પર ચૂંટણીને લઈ સૌના મનમાં ઊઠતો એક જ સવાલ 'શું લાગે છે' તમને દરરોજ વાંચવા મળશે, જેમાં ગુજરાતના રાજકારણની અજાણી અને રસપ્રદ વાતો. ચટાકેદાર ચૂંટણીની અંદરની વાતો જાણવા માટે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ..

ભાજપે ઇતિહાસમાં પહેલીવાર એક જ સાથે 160 ઉમેદવારોની યાદી તો જાહેર કરી દીધી હતી, પણ આ યાદીના આફ્ટર શોક્સ હજુ પણ ચાલુ જ છે. 22 સીટ પર ગુજરાત ભાજપ ગોથે ચડ્યો હતો અને કોઈ રીતે નિવેડો આવતો નહોતો, ત્યાર બાદ વધુ 6 ઉમેદવારોની જ યાદી જાહેર કરવી પડી હતી. પરંતુ હજુ 16 સીટના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. આ યાદીમાં સૌથી મોટી ગૂંચ પડવા પાછળનું કારણ લોકમુખે ખૂબ ચર્ચાઈ રહ્યું છે અને તે છે પૂર્વ મુખ્યમંત્રીની દીકરી. આ પૂર્વ મુખ્યમંત્રીની દીકરીનું નામ છેલ્લી ઘડી સુધી ચર્ચામાં રહ્યું છે. પરંતુ તેમને ટિકિટ આપવી કે નહીં તે અંગે મડાગાંઠ ઉભી થઈ છે. આ મડાગાંઠ ઉકેલાશે ત્યારે જ ભાજપન 182 ચહેરાનું લિસ્ટ પૂર્ણ થશે. હાલ તો ભાજપની ગુપ્ત બેઠકોમાં શું ચર્ચાયું અને શું લાગે છે એવા જ સવાલોએ માહોલ ગરમ કરી દીધો છે.

પ્રજાપતિ સમાજનો સૌરાષ્ટ્રમાં વિરોધ સુરતમાં પણ નડશે?
ભાજપની પ્રથમ યાદી જાહેર થઈ એટલે આપા ગીગા ઓટલાના મહંતે નરેન્દ્ર સોલંકી બાપુએ કહેવું પડ્યું કે સમાજના દબાણને કારણે મારે ફોર્મ ઉપાડવું પડશે. હવે સુરતની કતારગામ બેઠકમાં પણ મામલો રસપ્રદ બન્યો છે, કેમ કે કૉંગ્રેસે અહીં ભાજપ અને આપના પાટીદાર ઉમેદવારો સામે પ્રજાપતિ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો છે. ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પ્રજાપતિ છે, પણ પ્રજાપતિ સમાજના ગ્રુપોમાં મેસેજ મૂકાઈ રહ્યો છે કે સમાજના ઉમેદવાર સાથે રહેવું. સુરતમાં પણ પ્રજાપતિ સમાજમાં પ્રતિનિધિત્વ આપે તે પક્ષ સાથે જ રહેવાનું એવી હવા ચાલી અને એ હવા છેક કમલમ્ કાર્યાલય સુધી પહોંચી. શહેર પ્રમુખની સાથે પ્રદેશ પ્રમુખ પણ દોડતા થયા છે. નિરંજન ઝાંઝમેરા માથે મોટી જવાબદારી આવી છે, કેમ કે પ્રતિનિધિત્વ ક્યાં આપ્યું એ સવાલનો જવાબ તેઓ આપી શકે તેમ નથી. અમદાવાદમાં માત્ર એક જગદીશ પંચાલને ટિકિટ મળી છે અને કિશોર મકવાણા કપાઈ ગયા છે. આ બેઠક ઉપર ગોપાલ ઇટાલીયા અને વિનોદ મોરડિયા સામે કૉંગ્રેસના કલ્પેશ વરિયાની ઉમેદવારી રોચક બની છે.

બોટાદમાં બે બાજુનો ખેલઃ છેલ્લી ઘડીએ બીજા ઉમેદવારો જાહેર થાય તો નવાઈ નહીં
બોટાદમાં બઘડાટી બોલી રહી છે. ભાજપે આયાતી ઉમેદવાર ઉમેદવાર ઘનશ્યામ વિરાણીને પસંદ કર્યા, પણ ગામમાં કોઈ આવકારો આપવા તૈયાર નથી. ભાજપમાં આંતરિક વિરોધ એટલો વધી ગયો છે કે હાલમાં ફોર્મ ના ભરવા સૂચના આપવામાં આવી હોય તેવી વાતો ચાલી છે. તેમની જગ્યાએ સુરેશ ગોધાણીને ટિકિટ આપવા ભાજપના સ્થાનિક કાર્યકરોની માગણી છે. નારાજગી એટલી હદે વ્યાપી ગઈ છે કે કાર્યાલય ખોલી શકાય તેમ નથી. ત્યારે ભાજપના સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ઘનશ્યામ વિરાણીને કહેવાયું છે કે ઘડીક ખમો, ફોર્મ ના ભરશો. બીજી બાજુ કૉંગ્રેસમાં પણ મેરનું નામ જાહેર થતા મનહર પટેલ પણ કૉંગ્રેસ કાર્યાલયે વિરોધ કરવા પહોંચ્યા છે. ભૂતકાળમાં કૉંગ્રેસે અહીં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલ્યા હતા. આ વખતેય બદલાશે? ભાજપમાંય બદલાશે? શું લાગે છે... અમે તમને સ્થાનિક લોકોને પૂછીએ છીએ તમને શું લાગે છે?

વિજાપુરના ભાજપના કાર્યકરોએ મહા મંત્રીને બોલતા બંધ કરી દીધા
વિજાપુર બેઠક પર ભાજપે રમણ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા એ સાથે જ વિજાપુર ભાજપમાં ભડકો થયો છે. વર્તમાન ધારાસભ્ય જ રાખો એવી માગણી સાથે ભાજપના વિજાપુર વિસ્તારના કાર્યકરો કમલમ્ ખાતે પહોંચી ગયા હતા. પ્રદેશ મહા મંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ તેમનાં મનામણાં કરવા કોશિશ કરી. તેમણે સમજાવાટ કરવાની કોશિશ કરી કે આપણામ માટે ઉમેદવાર મહત્ત્વનો નથી, પણ મોદીનું નામ મહત્ત્વનું છે. પ્રધાનમંત્રીના ચહેરાને જોઈને ભાજપને સૌએ સમર્થન આપવાનું છે, પણ આવી વાતો સાંભળવા કોઈ તૈયાર નહોતું. તમને શું ખબર પડે, અમારા માટે ઉમેદવાર મહત્ત્વનો છે. દોડીને જાણીતા ઉમેદવાર પાસે જ જવાનું હોય એમ કાર્યકરો ઉશ્કેરાઈને કહેવા લાગ્યા અને પ્રદીપસિંહ વાઘેલાને પણ બોલતાં બંધ કરી દીધા હતા.

ભણેલા ખરા, પણ ગણેલા ના હોય તો શું કામના?
વડોદરા શહેરની અકોટા બેઠક ઉપર ભાજપે ચૈતન્ય દેસાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષો જુના મિત્ર અનેભૂતકાળમાં ધારાસભ્ય રહી ચૂકેલા સ્વ. મકરંદ દેસાઈના તેનો પુત્ર છે. ચૈતન્ય દેસાઈ નગરસેવક રહી ચૂક્યા છે, પણ તે વખતનો અનુભવ કાર્યકરોને સારો નથી એમ લાગે છે. દેસાઈ ખૂબ ભણેલા છે એવા વખાણ થયા પણ કાર્યકરો કહે છે કે અમારે ભણેલા નહીં, ગણેલા હોય તે કામના. નગરસેવક તરીકે નિષ્ક્રિય જ રહ્યા હતા. ભાષણ આપવાની વાત જવા દો, ચાર માણસો વચ્ચે સંવાદ પણ કરી શકે તેમ નથી. નગરસેવક હતા ત્યારેય સ્થાનિક મુશ્કેલી થાય ત્યારે તેઓ કંઈ કરી શકતા નહીં અને કાર્યકરોએ સ્થાનિક લોકોને સાથે રાખીને સીધી મહાપાલિકા કચેરીએ જવું પડતું હતું. તેમના વૉર્ડના લોકો જ મતો નહીં આપે અને કદાચ પક્ષને કારણે જીતી જશે, પણ પછી ધારાસભ્ય તરીકે કેવી રીતે કામ આવશે?

સ્વામીનારાયણ સાધુની રાજકીય પ્રવૃત્તિથી ભક્તજનોનાં ભવાં ખેંચાયા
સુરતની કામરેજ વિધાનસભા વિસ્તારમાં એક ગ્રુપમાં મેસેજ જોઈને ઘણા લોકોના ભવાં ખેંચાયા. સ્વામીનારાયણ સંપ્રદાયના એક સાધુના વૉટ્સગ્રુપમાં ધાર્મિક ઉપદેશો ના બદલે રાજકીય મેસેજ આવવા લાગ્યા ભક્તો ભડક્યા છે. કામરેજમાં ભાજપના ઉમેદવાર તરીકે પસંદ થયેલા નેતાના ફોર્મ ભરવા આપણે સૌએ જવાનું છે એવું તેમણે લખ્યું. ફોર્મ ભરવાના દિવસે મોટર સાયકલ રેલી કાઢવાની છે માટે તમે સૌ આવી જજો. નીચે રિપ્લાયમાં ઓકે જણાવજો, જેથી આપણને ખબર પડે કે કેટલા બાઇકની રેલી નીકળશે. આ પ્રકારના રાજકીયવેડાંથી ગ્રુપના કેટલાક સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. મંદિરની બાબતમાં આવું રાજકારણ લાવવાની જરૂર નથી એવા મેસેજ મૂકાયા. ભક્તો ભડક્યાં છે એવું કદાચ સ્વામી સમજી ગયા એટલે તેમણે પછી ગ્રુપમાં કોઈ મેસેજ મૂક્યો નથી એમ કહેવાય છે.

ધમકીની ક્લિપો વાતાવરણ કરી રહી છે કલૂષિત
ટિકિટો પહેલાં જ ખેંચતાણ શરૂ થઈ હતી અને ગોંડલમાં તો ઘર્ષણના તણખાં ઝરવા લાગ્યા હતા. ટિકિટો પછી વાતાવરણ ઉગ્ર બન્યું છે. માત્ર ગોંડલ નહીં, જેતપુરમાં પણ ગાળાગાળી અને ધમકીઓ શરૂ થઈ ગઈ છે. ફોન કરીને ધમકીઓ આપવામાં આવે છે તેની ઑડિયો ક્લિપો વાઇરલ થઈ રહી છે. આજ પછી ફોન કરતો નહીં અને પીછાં ખેરી નાખીશ એવી ધમકીઓ ફિલ્મી ડાયલોગ કરતાંય વધારે ધણધણાટી કરે તેવી હતી. મળતી માહિતી અનુસાર જેતપુરમાં ચૂંટણી પ્રચાર કરવા આવતો નહીં તો પતાવી દઈશ એવી ધમકી પછી મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જોકે બાદમાં બંને પક્ષે સમાધાન કરી લીધું, પણ મતદારોના મનમાં આવા કલૂષિત વાતાવરણમાં કેવી રીતે સ્વચ્છ અને શાંતિમય ચૂંટણી થશે તેના સવાલો જાગ્યા છે. જેતપુરમાં વાઇરલ થયેલી ક્લિપમાં આમ આદમી પાર્ટીના કાર્યકરને એક શખ્સ બેફામ ગાળો ભાંડે છે અને બાવાવાળા પરા વિસ્તારમાં સભા કે મિટિંગ કરવી નહીં એવી ધમકી આપે છે.

હેલિકોપ્ટરની જેમ ફાયર ફાઇટર એન્જિનો મગાવવાની જરૂર હતી!
ભાજપમાં 160+6=166ની યાદી જાહેર કરી તે પછી 144મી જેવી સ્થિતિ ઊભી થઈ છે. પક્ષમાં આંતરિક રોષ વધી પડ્યો એટલે વરિષ્ઠોને આદેશ છૂટ્યા છે કે ફાયર ફાઇટિંગમાં લાગી જાવ. પ્રચાર પડતો મૂકીને સિનિયર નેતાઓ મનામણાં કરવા માટે દોડ્યા છે. હેલિકોપ્ટર આવ્યું તે કમલથી લઈને હર્ષ સંઘવીને ઉપડ્યું, પણ પ્રચારને બદલે વડોદરા જઈને બેઠકો કરવી પડે. બેઠકોમાં શ્રીવાસ્વત સહિતના ઘણા અસંતુષ્ટો આવ્યા જ નહીં. બાદમાં સંઘવીએ એક જગ્યાએ ધમકી ઉચ્ચારી કે નડનારા એકેએકનો હિસાબ કરવાનો છે. પણ અત્યારે હિસાબ નહીં, ડેમેજ કન્ટ્રોલ કરવાનો છે એવું મોવડીઓએ જણાવ્યું છે. સૌરાષ્ટ્રમાં વિજય રૂપાણી, દિલીપ સંઘાણી, રૂપાલા જેવા જૂના નેતાઓને કામ સોંપાયું છે. મહુવા, ગઢડા, બોટાદમાં ઉમેદવારોને ફોર્મ ના ભરવા સૂચના આપવી પડી છે. નરેન્દ્ર સોલંકી પણ માન્યા નથી અને ઉપલેટામાં પણ ઉપાધી જાગી છે. દક્ષિણ ગુજરાતમાં બહુ ઉમેદવારો ના બદલાયા તોય અસંતોષ જાગ્યો ત્યારે ખુદ સી. આર. પાટીલે ફાયર ફાઇટિંગ માટે નીકળવું પડ્યું છે.

કમલમ્ ખાતે ટિકિટ માટે વરિષ્ઠ નેતાની તસવીરોને નમનમ્
કમલમ્ કાર્યાલય પર આજકાલ રાજકીય ચહલપહલ વધારે હોય તે સમજી શકાય. પહેલાં ટિકિટ લેવા ભલામણ સાથે કાર્યકરો આવતા હતા અને હવે ટિકિટ કપાતા વિરોધ કરવા કાર્યકરો આવતા રહે છે. તેમાં જાતભાતનાં જોણાં થાય, પણ આ દરમિયાન એક નવી ચાપલૂસીની રીત ધ્યાન ખેંચી રહી છે. હજીય થોડી બેઠકોના નામો બાકી છે ત્યારે છેલ્લી ઘડીએ નમસ્તે કરી લેવા માટે કમલમ્ કાર્યાલયે નેતાઓ અને કાર્યકરો આવે છે. તેમાંથી અમુકે સિનિયર નેતાઓની તસવીરોને નમન કરવાનું શરૂ કર્યું તે જોઈને કમલમ્ ખાતે કામય બેસતા કર્મચારીઓને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે. અહીં અમિત શાહ અને જે. પી. નડ્ડાની તસવીરો લાગેલી છે. કેટલાક લોકો આવતાં-જતાં આ તસવીરોને નમન કરતાં જાય છે! કૃપા પામવાની આ રીત જોણું બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...