શું લાગે છે?:ભાજપના પ્રવક્તાને ફટકારવા ફાર્મહાઉસ પર ટોળું પહોંચ્યું, લે ભાજપે તો હોટલને જ કાર્યાલય બનાવી દીધું!

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાનાફૂસી, કાવાદાવાથી માંડીને ગુસપુસ, ગોસિપ અને હાંક્યે રાખો! ગપગોળામાંથી કેટલું ગાળવું ને કેટલું છાનુંછપનું ઉઘાડું કરવું એનાં લેખાં-જોખાં લઈને તમારી સમક્ષ મૂકીશું. દિવ્ય ભાસ્કર પર ચૂંટણીને લઈ સૌના મનમાં ઊઠતો એક જ સવાલ 'શું લાગે છે' તમને દરરોજ વાંચવા મળશે, જેમાં ગુજરાતના રાજકારણની અજાણી અને રસપ્રદ વાતો. ચટાકેદાર ચૂંટણીની અંદરની વાતો જાણવા માટે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ...

ચૂંટણી પછી થાય તેવું ચૂંટણી પહેલાં થવા લાગ્યું
બહુમતી સાબિત કરવાની આવે ત્યારે ધારાસભ્યોને એકઠા કરીને રિસોર્ટમાં લઈ જવા પડે. આવા દૃશ્યો ગુજરાતે પણ ઘણી વાર જોયા છે અને દેશભરમાં રિસોર્ટ પોલિટિક્સ થતું રહે છે. પણ આ વખતની ચૂંટણીમાં તો હજી ઉમેદવારી કરી છે ત્યાંથી તેમને સાચવવાની દોડધામ પછી ગઈ છે. તેનું કારણ એ કે સૂરત પૂર્વમાં પ્રથમ ગ્રાસે જ ધાડ પડી ગઈ. કંચન જરીવાલા બેસી ગયા. એટલે તાત્કાલિક સુરતના બાકીના ઉમેદવારોને મિટિંગ અને માર્ગદર્શન માટે આમ આદમી પાર્ટીએ એક જ જગ્યાએ એકઠાં કરી લીધાં. સુરતમાં થાય તેવું સૌરાષ્ટ્રમાં પણ થાય એટલે સાવધાની ખાતર ઘણા બધા ઉમેદવારોને નજરકેદ કરી લેવાયા હતા. માત્ર ભાજપ નહીં, પણ કૉંગ્રેસ પણ કળી જાય અને કોઈ ઉમેદવારને બેસાડી ના દે માટે આવું કરાયું હતું. જોકે ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ જતી રહે તે પછીય નેતા બેસી જાય અને પ્રચાર ના કરે ત્યારે શું કરવાનું? વરરાજાની જેમ ઝાઝા અણવરો ગોઠવીને ઉમેદવારને ઘેરી રાખવાનો અને પ્રચાર માટે સરઘસ કાઢવાનું, બીજું શું...

યુવાનો રાહ જોઈને જ બેઠા હતા, પણ પ્રવક્તા મળ્યા તો...
2017ની વિધાનસભાની ચૂંટણી વખતે વાયદા કર્યા હોય અને પછી દેખાયા ના હોય એટલે પ્રચાર વખતે નેતાજી પહોંચે ત્યારે હવે પ્રજા સામેથી પૂછે છે - ક્યાં હતા, હતા ક્યાં... આવા કેટલાક ગામમાં નેતાજી આ વખતે પ્રચાર કરવા જ નથી જતા. પણ એક ગામના યુવાનોને ખબર મળી કે વડોદરાની નજીકના જ સીમાડે આવેલા ફાર્મ હાઉસમાં ટીવીને ડિબેટ ગોઠવાઈ છે. ભાજપના પ્રવક્તા તેમાં આવવાના એટલે મોકો છે એમ સમજીને ગામના લોકો તો ફાર્મ હાઉસ પર પહોંચી ગયા. શહેરની પાંચ બેઠકોમાંથી જ એકમાં આવતા વિસ્તારની ડિબેટ હતી એટલે ગયા વખતે આ ગામને વાયદા આપીને ગયા તે ગયા, આજ સુધી કેમ ના દેખાયા - આવું પૂછવા માટે યુવાનો પહોંચ્યા. યુવાનો ત્યાં પહોંચીને ભાજપના પ્રવક્તાને પૂછવા માગતા હતા કે તમે ક્યાં હતા, હતા ક્યાં તમે... આટલો વખત દેખાયા જ નહીં વગેરે. જોકે ફાર્મ હાઉસના માલિક પણ હાજર હતા અને તેમની આમન્યા ગામના યુવાનોએ રાખી. નહિતો પ્રવક્તા માટે જોયા જેવી થઈ હોત. અમારા ગામના મતો સાગમટે મળ્યા એટલે જ ભાજપના ધારાસભ્ય બન્યા, પણ પછી પ્રાથમિક સુવિધાનું કામ પૂરું કરવાનું હતું તે કર્યું જ નથી. તમારો રોષ વાજબી છે, પણ આ તો પ્રવક્તા છે એમ કહીને માંડ યુવાનોને ટાઢા પાડવામાં આવ્યા.

સરકારી ખર્ચે જર્મન ડોમ અને આચારસંહિતામાં આડેધડ મંડપો
એ તો એવું જ છે ભઈ, આચારસંહિતા લાગી તે પહેલાં મોટા નેતાઓએ સરકારી ખર્ચે કરોડો રૂપિયાનો ધૂમાડો કરીને પ્રચાર કરી લીધો. પણ હવે આચારસંહિતા લાગી ગઈ છે એટલે દરેક બાબતનો ખર્ચ ચોપડે ચડવાનો. એક જ જગ્યાએ એવું જ થયું કે એક સ્ટાર પ્રચારકની સભા હતી, પણ ત્યાં મંડપના ઠેકાણા નહોતા. માત્ર મંચ પર થોડો છાંયડો થાય તેમ મંડપો હતા. પ્રેક્ષકોએ તો ખુલ્લામાં જ ભાષણ સાંભળવાનું હતું. શિયાળો છે, પણ એ તો સવારે ઠંડક લાગે. તડકો ચડે એટલે ગરમી લાગે છે. લોકો અકળાયા અને કહેવા લાગ્યા કે થોડા વખત પહેલાં સભા હતી ત્યારે તો મોટા ગંજાવર જર્મન ડોમ ને ખુરશીઓ લોકો માટે લગાવી દીધી હતી. હવે ખુલ્લામાં છોડી દીધા. હવે બહુ વાહનો દેખાય તોય ઉપાધી એટલે લોકો લાવવા ક્યાંથી એ મુશ્કેલી થઈ છે. સરકારી બસો દોડાવાની ટોળાં ભેગાં કરાતાં હતાં તે હવે થતું નથી. માત્ર પીએમ કે પક્ષના સર્વોચ્ચ નેતા આવે ત્યારે એક જર્મન ડોમ લાગે. તેમાં નેતાઓ અને આગળ થોડા મહેમાનો સચવાય, બાકી તો ખુલ્લું મેદાન. એટલે જ ધોરાજી, અમરેલી, બોટાદ ને રાજકોટમાં શાસ્ત્રી મેદાનમાં સભા માટે મેદની એકઠી કરવાનું ભારે પડી રહ્યું છે.

જ્યાં સફાઈ કરાવવી હોય ત્યાં સભાઓ - પ્રચાર ગોઠવો
મોટા નેતા આવે ત્યારે રસ્તાઓ રાતોરાત સુધારી લેવામાં આવે. ધોરાજીમાં નવોનક્કોર ડામર રોડ બની ગયો. પેલું મોરબીમાં હોસ્પિટલમાં રંગરોગાન થયું ત્યારે લોકોને આઘાત લાગી ગયો હતો. એવું હવે થાય નહીં, પણ રાજકોટમાં જબરું થયું. રાજકોટની મધ્યમાં બસ સ્ટેશનથી નજીક પડે એવું શાસ્ત્રી મેદાન સભાઓ માટે લોકપ્રિય છે. અહીં ભાજપની સભા થઈ ગઈ હતી અને તે પછી ગંદકી થઈ હતી તે સાફ થઈ નહોતી. રાહુલ ગાંધીની પણ સભા ગોઠવાઈ હતી. સભા માટે મંજૂરી તંત્ર તરફથી મળી ગઈ, પણ તંત્ર તરફથી અહીં સાફ સફાઈ કરાવવામાં આવી નહીં. આવી જગ્યાએ રાહુલ ગાંધીની સભા કેમ કરવી તેની મૂંઝવણ પછી તાત્કાલિક કાર્યકરોને કામે લગાવાયા. આખું શાસ્ત્રી મેદાન કૉંગ્રેસી કાર્યકરોએ ચોખ્ખું ચણાક કરી નાખ્યું. કોઈકે કહ્યું કે સભા કરવાની મંજૂરીય મળતી નથી ત્યારે મંજૂરી મળી ગઈ એટલે ભલે... સાવરણા એટલે કે ઝાડૂ તો અમે ભાજપની ગંદકી સાફ કરવા માટે મારીશું. કોઈએ કહ્યું કે અલ્યા, ઝાડૂ મારવાની વાત કરે છે, તને કાંય ખબર પડે છે...

આ હોટલ છે કે ભાજપ માટેનું કાર્યાલય?
અમદાવાદના એસ જી હાઈવે પર આવેલી એક હોટેલ આજકાલ ધ્યાન ખેંચી રહી છે. સારી હોટેલની બહાર રંગબેરંગી ડિઝાઇનવાળા ધ્વજ લાગેલા હોય છે. એ જરાક વટ મારવા માટે હોય, પણ અત્યારે આ હોટેલમાં જે ઝંડાઓ લાગ્યા છે તે ભાજપના છે. હોટેલ પર 24 કલાક ભાજપના ધ્વજ ફરકતા રહે છે. ભાજપના નેતાઓનો કાર્યક્રમ હશે એવું પણ લાગે, કેમ કે નજીક જઈને જુઓ તો ખબર પડે કે પીએમ મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા નેતાઓની આદમકદ તસવીરો પણ મૂકાયેલી છે. હોટેલમાં બેઠક, કાર્યક્રમ, કોન્ક્લેવ હોય ત્યારે તસવીરો અને ઝંડાઓ હોય તે પણ બરાબર છે... પરંતુ આ હોટેલ પરથી તો આ સજાવટ હટતી જ નથી. રાત્રે તો લાઇટિંગ સાથે આખો માહોલ કોઈ ચૂંટણી કાર્યાલય હોય તેવો ઝળાંહળાં લાગે છે. નજીકમાં નવનિર્મિત બ્રીજ છે તેના પરથી પસાર થતાં સૌ કોઈનું ધ્યાન હોટેલ પર જાય છે અને નિયમિત પસાર થાય છે એમને ખ્યાલ આવે છે કે આ સજાવટ તો કાયમી થઈ ગઈ છે. એટલે જ કોઈ કાર્યક્રમ નહીં, પણ આ હોટેલ ભાજપનું કાર્યાલય હોય તેવું લાગે છે.

ફોર્મ પરત ખેંચાવા ધમકીના આક્ષેપ સામે જવાબ - પોલીસ ફરિયાદ કેમ કરતાં નથી?
એક ઉમેદવારે કહ્યું કે ફોર્મ ભર્યું ત્યારથી ધમકીઓ મળવા લાગી છે. પત્રકારોએ પણ પૂછેલું કે ફરિયાદ કરો... પણ ગોળગોળ જવાબ મળ્યો. પછી ભાજપના એક મોટા નેતા મળ્યા તો તેમનેય પૂછી નાખ્યું - શું તમે લોકો ફોર્મ પરત ખેંચવા માટે ધમકી આપો છો? તેમણે કહ્યું કે ચૂંટણી વતે આવા આક્ષેપો થવાના, પણ ખરેખર એવું હોય તો પોલીસ ફરિયાદ કેમ કરતાં નથી? આમ જુઓ તો ચૂંટણી પંચને પણ ફરિયાદ થઈ શકે. પણ પાણીમાં રહેવું અને મગર સાથે ક્યાં વેર કરવું. હરિફ મજબૂત ઉમેદવાર જીતીને ધારાસભ્ય બનવાના હોય ત્યારે કાયમી દુશ્મની ના થાય. એટલે ફરિયાદો થવાની નથી. તેથી જ આવા ગંભીર આક્ષેપો પણ માત્ર આક્ષેપો રહી જાય. 21 તારીખ છેલ્લી તારીખ છે ઉમેદવારી પાછી ખેંચવાની. તે પછી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જોવાનું એ છે કે ધમકી મળે છે એમ કહેનારા ઉમેદવાર ખરેખર 21 તારીખે નાટકીય રીતે, પોલીસ પહેરા સાથે ઉમેદવારી પાછી ખેંચવા હાજર થાય છે કે નહીં. ડ્રામા માટેની તૈયારી રાખજો...

બાપુનગરમાં ઓવૈસીનો ઉમેદવાર બેસી ગયો, પણ એસપી અડિખમ છે
અમદાવાદની બેઠકોમાં બાપુનગર બેઠક પણ ગઈ વખતે હિંમતસિંહ પટેલને મળી ગઈ હતી. કૉંગ્રેસ આ વખતે ફરી તેમને જ ટિકિટ આપી છે, પણ આ વખતે ત્રીજા અને ચોથા મોરચાની પણ ગણતરી કરવી પડે તેમ હતી. ઓવૈસીના પક્ષ એમઆઈએમનો ઉમેદવાર અહીં ઊભો હતો તે નડે તેમ હતો. સમયસર એ ઉમેદવારને બેસાડી દેવાયો છે. તેણે ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું અને કૉંગ્રેસમાં ભળી પણ ગયો. જોકે હિંમતસિંહ માટે હજી જોખમ ટળ્યું નથી. કેમ કે એસપી તરફથી પણ એક ઉમેદવાર હજી અહીં ઊભો છે. એસપીના ઉમેદવાર અલતાફ ખાન પણ મુસ્લિમ મતોમાં થોડું ગાબડું પાડી શકે તેમ લાગે છે. એટલે ભાજપ માટે સુરત પૂર્વમાં જરીવાલાનું સંકટ ટળ્યું એવું બાપુનગરમાં થયું નથી. જોકે આપને કારણે ભાજપના મતો કપાઇ તો વળી બેલેન્સ થાય અને પાછી ફાઈટ તો ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ થાય. માટે જુઓ, હજી એક દિવસ છે.

આનું નામ આયારામ, ગયારામ પછી ત્રયારામ રાખવું પડે કે નહીં?
એક પક્ષમાંથી બીજા પક્ષમાં કૂદકો માટે ત્યારે પક્ષપલ્ટો કહેવાય, પણ કોઈ એક જ વર્ષમાં ફરી પલટી મારીને ત્રીજા પક્ષમાં જતા રહે ત્યારે પછી શું કહેવું. આયારામ ગયારામની જગ્યાએ ત્રયારામ - એક વર્ષમાં ત્રણ ત્રણ પક્ષમાં કુદકા મારવાના. આવા એક કાર્યકર છે ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના. આમ તો વર્ષો સુધી કૉંગ્રેસ માટે કામ કરતાં રહ્યા. ગાંધીનગર જિલ્લા સંગઠનના પ્રમુખ પણ એક વાર બનેલા. પછી લાગ્યું કે મોટા મોટા નેતાઓ પણ પક્ષ છોડીને જાય છે ત્યારે આપણે કેટલી રાહ જોવાની... કૉંગ્રેસમાં આ વખતેય ટિકિટનો મેળ નહીં પડે એમ લાગ્યું એટલે તેમણે વર્ષની શરૂઆતમાં આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો હતો. આપમાંથી ધારાસભાની ટિકિટ મળશે એવી આશા લઈને ગયેલા, પણ આપ તરફથી પણ ટિકિટ ના મળી. આ વખતે તો આ નેતાએ નક્કી કરેલું કે ચૂંટણી તો લડવી જ. ભાજપમાં તો એટલી ભીડ છે કે વાત ના જવા દો એટલે છેવટે તેમણે એસપીમાં જોડાઈ જવાનું નક્કી કર્યું. એસપીના ઉમેદવાર તરીકે આખરે ચૂંટણીમાં લડવાનો અભરખો પૂરો કરી જ નાખ્યો.

અન્ય સમાચારો પણ છે...