શું લાગે છે?:રાહુલ ગાંધીએ દાઢી વધારી તો સત્તા મળશે ને? હાર્દિક પટેલને વોટ ના આપવા 'હાર્દિક પટેલ' પ્રચાર કરે છે

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાનાફૂસી, કાવાદાવાથી માંડીને ગુસપુસ, ગોસિપ અને હાંક્યે રાખો! ગપગોળામાંથી કેટલું ગાળવું ને કેટલું છાનુંછપનું ઉઘાડું કરવું એનાં લેખાં-જોખાં લઈને તમારી સમક્ષ મૂકીશું. દિવ્ય ભાસ્કર પર ચૂંટણીને લઈ સૌના મનમાં ઊઠતો એક જ સવાલ 'શું લાગે છે' તમને દરરોજ વાંચવા મળશે, જેમાં ગુજરાતના રાજકારણની અજાણી અને રસપ્રદ વાતો. ચટાકેદાર ચૂંટણીની અંદરની વાતો જાણવા માટે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ...

દાઢીધારી રાહુલ ગાંધીને જોઈને ઘણા બોલ્યા...
ભારત જોડો યાત્રામાં નીકળેલા રાહુલ ગાંધીની દાઢી વધવા લાગી તેની તસવીરો કૉંગ્રેસના કાર્યકરોએ જોઈ જ હતી, પણ ઘણા વખત પછી રાજકોટમાં જાહેર સભામાં રૂબરૂ તેમને જોયા ત્યારે સૌએ જોયું કે હા બરાબર દાઢી વધી છે. કેટલાક કાર્યકરોએ ચર્ચા કરી કે હા હવે બરોબર, હવે સત્તા મળશે. સત્તા માટે દાઢી વધારવી પડે ભાઈ. આ જુઓને દાઢીધારીઓ જ સત્તામાં બિરાજમાન થઈને બેસી ગયા છે. કૉંગ્રેસમાં દાઢીધારી મોટા નેતાની ઘણા સમયથી કમી હતી એટલે તેય હવે પૂરી થઈ ગઈ. રાહુલ ગાંધીએ જોકે ભાષણ પણ સંયમિત સ્વરોમાં આપ્યું એટલે લોકોને લાગ્યું કે આ તો વાણીમાં પણ જાણે વડિલ થઈ ગયા છે. કોઈ એવી વાત નહીં કે ભાજપવાળા કુદી પડે અને મંડે રોદણાં રોવા. હા બરોબર, બરોબર દાઢી તો રાખવી પડે બરોબર એવું આસપાસ સાંભળી રહેલા પ્રેશ્રકોએ પણ અનુમોદન આપ્યું.

કાર્યકરોને કોરાણે મૂકી પોતાના માણસોને આગળ કર્યા
પ્રચારના ઢોલ વાગી રહ્યા છે એટલે ઉધવા વિસ્તારમાં પણ નીકળો તો ભાજપના કાર્યકરો પ્રચાર કરવા નીકળેલા જોઈ શકાય, પરંતુ જરાક જામતું નથી એવું લાગે અને તમે પૂછો તો અસલી ઉધામા ખબર પડે. એવું છે કે આ વખતે અંદરખાને બહુ કચવાટ છે. ભાજપે અહીં ઉમેદવારની પસંદગી કરી તેની સામે સ્થાનિક હોદ્દેદારોમાં જ કચવાટ છે. ભાજપ સંગઠનના લોકોની અવગણના કરવામાં આવી રહી છે અને અમુક લોકોને જ પૂછીને ઉમેદવાર નક્કી થયા અને બધુંય નક્કી થાય છે. એટલે પછી એક જ જવાબ આપી રહ્યા છે કે જુઓ ભાઈ પાર્ટીએ મૂક્યો છે એટલું અમે શું કરી શકીએ? અમારે કમળને જીતાડવાનું છે એટલા માટે થાય એટલો પ્રચાર કરીએ છીએ. બીજું કે ઉમેદવારને પણ ખ્યાલ આવી ગયો છે કે જૂના કાર્યકરોની નારાજગી છે. એટલે તેમણે પોતાની રીતે પોતાના માણસોને આગળ કરવાનું અને તે રીતે પ્રચાર ગોઠવવાનું પણ શરૂ કરી દીધું છે. ભાજપના સંગઠનના લોકોને નજીક ફરકવા પણ દેવામાં આવી રહ્યા નથી. એટલે ઉધામા વધ્યા છે કે અમે તો પક્ષનું સમજીને નારાજી છતાં બહાર નીકળતા હતા, પણ આવી અવગણના જ કરવાની હોય તો પછી...

ભાજપના કાર્યકરોમાં ગણગણાટ- બધે બાબરિયા જ કેમ?
આવો વાંધો લેવાઈ રહ્યો છે રાજકોટ ગ્રામ્ય વિધાનસભા-૭૧ બેઠકમાં, કેમ કે એક જ પરિવારના સભ્યને ફરીથી જીતાડવાની જવાબદારી ભાજપના કાર્યકર્તાઓ પર આવી છે અને તેનો જબરો કચવાટ છે. મહિલાને ટિકિટ આપવાની છે એમ કહીને અહીં ભાનુબેન બાબરિયાને મૂકવામાં આવ્યો તો કાર્યકરોએ પૂછ્યું કે બીજા સારા મહિલા દાવેદારો પણ હતા જ. તેના કરતાંય વાંધો એ વાતનો છે કે બાબરિયા પરિવારને જ દર વખતે કેમ પસંદ કરી લેવાય છે. મજાની વાત એ છે કે આ જ બેઠક પર ભૂતકાળમાં બે વાર ભાનુબેન જીત્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. તે પછી લાખાભાઈ સાગઠિયાને ગત વખતે ટિકિટ મળી હતી. બીજી બાજુ ભાનુબેનને વળી રાજકોટ કોર્પોરેશનમાં વોર્ડ નંબર વનમાં ટિકિટ અપાઈ અને તેઓ કોર્પોરેટર તરીકે પણ જીત્યા હતા. લાખાભાઈને બસ એક જ ટર્મ પછી બદલી દેવાયા ત્યારે ઘણાને બદલ્યા તો એમનો પણ વારો આવે તે ઠીક, પણ વળી પાછા જૂના બાબરિયા પરિવારને જ પસંદ કરી લેવાયા. આવો તે કેવો પરિવારવાદ - ધારાસભા હોય તોય બાબરિયા, મહાપાલિકા હોય તોય બાબરિયા, બદલવાના હોય તો બાબરિયા, બહેનોને પસંદ કરવાના હોય તોય બાબરિયા ... આ તે કેવો પરિવારવાદ આપણામાં ઘૂસ્યો એવું ભાજપના કાર્યકરો પૂછી રહ્યા છે અને હોદ્દેદારોને જવાબ દેવામાં તકલીફ પડી રહી છે.

હાર્દિક પટેલને વોટ ના આપવા હાર્દિક પટેલ પ્રચાર કરે છે
વિરમગામ બેઠક પર ઉમેદવાર હાર્દિક પટેલ પ્રચાર કરવા માટે નીકળે છે ત્યારે કહે છે કે ભાઈઓ મને મત આપો કે ના આપો, પણ આ હાર્દિક પટેલને આલશો નહીં. અરે! હાર્દિક પટેલ પ્રચારમાં હાર્દિકને મત આપવાની ના પાડે - એ કેવું? બહુ ઉતાવળા... પૂરી વાત તો સાંભળો. અરે આ હાર્દિક પટેલ છેને એ અપક્ષ ઉમેદવાર છે. જે હાર્દિક પટેલને મત નથી આપવાનો એ ભાજપના ઉમેદવાર છે. આ કંઈ પહેલીવાર થોડું થયું છે કે એક જ બેઠક પર એકસરખા નામ હોય. ગુજરાતમાં તો આ મુદ્દો જૂનો અને જાણીતો છે, કેમ કે શંકરસિંહ વાઘેલાને હરાવવાના હતા ત્યારે તેમની સામે ઢગલાબંધ શંકરજી, શંકરસિંહ, શંકરભાઈ એવા નામધારી અપક્ષોને ખડા કરી દેવાયા હતા. એટલે તમને નવાઈ ના લાગવી જોઈએ કે વિરમગામ બેઠક પર એક નહીં, ત્રણ ત્રણ હાર્દિક પટેલ ચૂંટણી લડી રહ્યા છે. એક અપક્ષ ઉમેદવારનું નામ પણ હાર્દિક પટેલ જ છે અને બંને જણ પોતાના માટે વોટ માગવાના બદલે હાર્દિક પટેલને મત ના આપશો એનો જ વધારે પ્રચાર કરી રહ્યા છે.

...પણ ચૂંટણીમાં તો અણવર અણમાનીતા થઈ ગયો હોય
લગન હોય ત્યારે વરરાજાનો વટ પડે. ચૂંટણી હોય ત્યારે ઉમેદવાર જ વરરાજા જેવો હોય, સજીધજીને નીકળ્યો હોય. લોકોએ હાર પહેરાવ્યા હોય ઈ એમ જ ગળામાં રઇ ગયા હોયને... એયને... વરરાજા હોય એટલે એની આગળપાછળ પાછા અણવર પણ જોઈએને! એકાધિક અણવરો વરરાજાની આસપાસ ગોઠવાઈ ગયા હોય. પણ આ બધાની વચ્ચે એવા કેટલાક નેતા હોય જેને આમ કહેવાય અણવર અથવા કહોને કે આધિકારિક અણવર. આધિકારિક એટલે સત્તાવાર અણવર એમ... આ હિન્દી ટીવીના કારણે એટલું ઘૂસી ગયું છેને કે વચ્ચે હિન્દી આવી જ જાય. મુદ્દાની વાત કરોને તો એવું છે કે રાજકીય પક્ષો વળી નિરીક્ષકો નિમતા હોય. દરેક મતવિસ્તારમાં એક સિનિયરને નિરીક્ષક તરીકે મૂક્યા હોય. પ્રચારની સમગ્ર કામગીરીનું સંકલન તેમણે કરવાનું હોય અને પક્ષની સ્ટ્રેટેજી પ્રમાણે ક્યાંય ભૂલચૂક થવી જોઈએ નહીં. એટલે અણવર તરીકે માત્ર વરરાજાની સંભાળ લેવા સાથે આખો પ્રસંગ પાર પાડવાની જવાબદારી હોય, પણ સાજનમાજન સાથે વરઘોડો નીકળ્યો હોય ત્યારે પછી કોઈ ભાવ પૂછે નહીં. અસલી લગનમાં અણવરનેય સાચવવા પડે અને અણવર પણ વટ પાડે, પણ ચૂંટણીમાં તો અણવર અણમાનીતા થઈ ગયો હોય. એટલે એક જગ્યાએ થોડીક માહિતી અમે પૂછી તો કાર્યકરો હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ઈ હંધુય તમે અણવરને પૂછો અણવરને. અમે કહ્યું કે અણવર અહીં ક્યાંથી તો કહે ભલા માણસ, નિરીક્ષકોને અણવર કહેવાય. પણ અમને તો લાગ્યું કે અણવર અહીં અણમાનીતા જ વધારે હતા.

રાજકીય પક્ષોએ પ્રચાર માટે મંદિરને આમન્યા પણ ના રાખી
આવું પણ ચૂંટણી સમયે ક્યાંક ને ક્યાંક દેખાતું જ હોય છે. લોકો ધાર્મિક સ્થાને ઝંડા લગાવી દે, પણ એ ઝંડા પોતાના પક્ષના અને પ્રચારના હોય ત્યારે દર્શનાર્થીઓને દુખ થાય કે મંદિરમાં ધર્મની ધજાને સ્થાન હોય. અહીં રાજકીય સ્પર્ધા પ્રવેશે ત્યારે ભક્તોને ગમે નહીં. પણ એની પરવા કોઈ કરે નહીં અને પ્રચારની એકેય જગ્યા નેતાઓ છોડે નહીં. ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં આવેલા વાસણીયા મહાદેવના દર્શને જાવ તો આ વાત સમજાઈ જશે. શંકરસિંહ વાઘેલાનું આ ગામ એટલે વાસણિયા મહાદેવનું નામ ગુજરાતભરમાં જાણીતું છે. આમ પણ આ પ્રખ્યાત મંદિર હોવાથી મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શને આવતા રહેતા હોય છે. પરંતુ હાલમાં ચૂંટણી પ્રચાર જામી ગયો છે ત્યારે રાજકીય પક્ષના ઉમેદવારો પણ ભક્તિ દર્શાવવા દર્શને આવી જાય છે. દર્શન સુધી બરાબર છે, પણ પછી રાજકીય પક્ષોએ મંદિરની દિવાલ અને પાળીઓ પર રાજકીય પક્ષના ઝંડા પણ લગાવી દીધા છે. મંદિર પર ધરમની ધજાને બદલે રાજકીય પક્ષોના ઝંડા જોઈને દર્શનાર્થીઓ એક જ પ્રાર્થના કરે છે કે આ નેતાઓને સદબુદ્ધિ આવે તો સારું...

અન્ય સમાચારો પણ છે...