શું લાગે છે?:બોલતા નહોતું આવડતું, એટલે કોંગ્રેસે ટિકિટ કાપી, રાજકોટમાં કાકા-ભત્રીજા અને મામા વચ્ચે જામ્યો ચૂંટણીજંગ

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાનાફૂસી, કાવાદાવાથી માંડીને ગુસપુસ, ગોસિપ અને હાંક્યે રાખો! ગપગોળામાંથી કેટલું ગાળવું ને કેટલું છાનુંછપનું ઉઘાડું કરવું એનાં લેખાં-જોખાં લઈને તમારી સમક્ષ મૂકીશું. દિવ્ય ભાસ્કર પર ચૂંટણીને લઈ સૌના મનમાં ઊઠતો એક જ સવાલ 'શું લાગે છે' તમને દરરોજ વાંચવા મળશે, જેમાં ગુજરાતના રાજકારણની અજાણી અને રસપ્રદ વાતો. ચટાકેદાર ચૂંટણીની અંદરની વાતો જાણવા માટે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ...

કાનાફૂસી, કાવાદાવાથી માંડીને ગુસપુસ, ગોસિપ અને હાંક્યે રાખો! ગપગોળામાંથી કેટલું ગાળવું ને કેટલું છાનુંછપનું ઉઘાડું કરવું એનાં લેખાં-જોખાં લઈને તમારી સમક્ષ મૂકીશું. દિવ્ય ભાસ્કર પર ચૂંટણીને લઈ સૌના મનમાં ઊઠતો એક જ સવાલ 'શું લાગે છે' તમને દરરોજ વાંચવા મળશે, જેમાં ગુજરાતના રાજકારણની અજાણી અને રસપ્રદ વાતો. ચટાકેદાર ચૂંટણીની અંદરની વાતો જાણવા માટે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ...

પક્ષ પસંદ કરો તોય ઉપાધી, ઉમેદવાર પસંદ કરો તોય ઉપાધી
પાનના ગલ્લે સાંભળેલી આ વાત વિચારવા જેવી છે. ઘણા મતદારો પક્ષને વફાદાર રહીને મત આપે છે અને કોઈ પણ ઉમેદવાર આવે બહુ પરવા કરતા નથી. કેટલા લોકો વિચારતા હોય છે કે આપણને પૂછવા આવે કે આપણે પૂછવાનું ઠેકાણું થાય એવો ઉમેદવાર હોય એને જ મત આપવાનો. એટલે કે પક્ષ નહીં જોવાનો, પણ ઉમેદવાર જોવાનો. પણ ગુજરાતમાં પક્ષપલ્ટાનો ઇતિહાસ એટલો લાંબો થઈ ગયો છે એટલે આ વખતેય એટલા બધાએ પાટલીઓ બદલીએ ચાર્ટ બનાવીને ગણતરી રાખવી પડે. એક ભાઈએ કહ્યું કે આમાં જબરું થયું છે - બેય બાજુની ઉપાધી છે. પક્ષને વફાદાર રહીએ તો પક્ષ જ સામા પક્ષમાંથી એવા ઉમેદવારને લઈ આવે કે ગયા વખતે તેની વિરુદ્ધમાં મત આપ્યો હોય. ઉમેદવારને વફાદાર રહીએ તો તે પક્ષ જ બદલી નાખીને સત્તા પક્ષમાં જતો રહે. આમાં કરવું શું - કોના પર ભરોસો કરવો - પક્ષ માત્ર પોતાના જ સંનિષ્ટ કાર્યકરોને ટિકિટ આપશે એવો ભરોસો રાખવો કે પછી ઉમેદવાર પાટલી નહીં બદલે એનો ભરોસો રાખવો. એક ડાહ્યો માણસ બોલ્યો અને સૌ વિખેરાયા... કોઈનો ભરોસો કરવા જેવું નથી ભાઈ.

કાકા મટીને ભત્રીજા ના થવાય અને કોઈ મામા ના બનાવી જાય...
આ બંને જોવું પડે, પણ રાજકારણમાં સંબંધોની રૂપરેખા જુદી જ હોય. પિતા-પુત્ર, ભાઈ-ભાઈ, ભાભી-નણંદ એક બીજાની સામે ઊભા હોય એવી ચર્ચા ચૂંટણીમાં થાય ત્યારે રાજકોટમાં કાકા, મામા અને ભત્રીજા વચ્ચેની સ્પર્ધા ચર્ચાસ્પદ બની છે. રાજકોટ દક્ષિણ બેઠકમાં ત્રણેય પક્ષોના ઉમેદવારો એક બીજાના સંબંધી નીકળ્યા છે. તેના કારણે આ કહેવતો અને મજાકો ચાલી છે કે મતદારો જ ક્યાંક મામા ના બનાવી જાય. ભાજપ તરફથી ખોડલધામ શરણમ્ કરીને રમેશ ટિલાળાને ટિકિટ આપી છે. તેમની સામે કોંગ્રેસના હિતેષ વોરાને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે આમ આદમી પાર્ટી તરફથી છે શિવલાલ બારસિયા. વોરા અને ટિલાળા વળી એક જ ગામના છે અને એક જ સમાજના પણ છે. રમેશભાઈ ટિલાળાને હિતેષ વોરા કાકા કહીને જ બોલાવે છે. પણ ચૂંટણીમાં માંડ ભલામણથી ટિકિટ મળી છે ત્યારે રમેશભાઈએ તો ધ્યાન રાખવું પડે કે કાકા મટીને ક્યાંક ભત્રીજા ના થઈ જવાય. બીજી બાજુ શિવલાલ બારસિયા છે એ વળી હિતેષ વોરાના મામાના ગામના છે એટલે ગામમાં બધા ભાઈઓને મામા જ કહેવાના હોય. આ રીતે કાકા-ભત્રીજા અને મામા-ભાણીયા વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે સૌને ટીખળ કરવાની તક મળી ગઈ છે આમાં કાકા ભત્રીજા થશે કે ભત્રીજા મામા બનશે કે મામાએ ભાણેજનું સાચવવું પડશે. શું લાગે છે તમને... સંબંધોના આટાપાટામાં?

કોંગ્રેસમાં રહી રહીને ગાબડું પડે તેવી શક્યતા
આ વખતે ભલે ઓછી ચર્ચા થઈ, પણ કોંગ્રેસમાં કંઈ ટિકિટનો કકળાટ ઓછો છે એમ કહેવાય નહીં. આ દહેગામનું જ જુઓ, રહી રહીને મામલો વણસી રહ્યો છે. પહેલાં તો કામિનીબા રાઠોડે એક ક્લિપ વહેતી મૂકીને ટિકિટો વેચાતી હોવાના આક્ષેપો મૂક્યા. મોટા નેતાઓએ કહ્યું કે આ રીતે બહુ ફ્રોડ ચાલતા હોય છે ત્યારે સૌએ સંભળાવાનું હોય અને આ રીતે જાહેરમાં ક્લિપો મૂકીને વાઇરલ કરો તેમાં પક્ષનું જ ખરાબ દેખાય. એટલે કામિનીબાને લાગ્યું કે ફરિયાદ નિવારણના બદલે આતો સામી ફરિયાદ આવી. નારાજ થઈને તેમણે અપક્ષ ઉમેદવારી કરી નાખી છે. પક્ષમાંથી કોઈ અપક્ષ ઉમેદવારી કરે ત્યારે પછી તકલીફ પડે એટલે મનામણા કરવા પડે. પણ થયું છે એવું કે કોંગ્રેસ મનામણા કરે તે પહેલાં ભાજપે દાવ માંડી દીધો. અપક્ષ બન્યા પછી કદાચ હવે ભાજપમાં જ જોડાઈ જશે એવી ચર્ચા છે. તેમનું કહેવું છે કે મારું કામ પૂરું થઈ જાય એટલે બધી જ હકીકતો સામે મૂકીશ અને ભાવી રણનિતી અંગે વાત કરીશ.

નીલેશ કુંભાણીને હવે બરાબર બોલતા આવડી ગયું હોં
સુરતની કામરેજ વિધાનસભા બેઠક ઉપર જાહેર સભામાં હાસ્યનું મોજુ ફરી વળ્યું. આ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીની જાહેર સભામાં લોકો ખડખડાટ હસી પડ્યા. તો એમાં નવાઈની શી વાત છે? વજુભાઈ, રૂપાલા જેવા ઘણા નેતાઓ તેમની સભામાં જલસા કરાવી દેતા હોય છે. અરે યાર તમે વાત તો પૂરી સાંભળો... નીલેશ કુંભાણીને ગયા વખતે ટિકિટ નહોતી મળી. તેમની જગ્યાએ બીજાનો નંબર લાગી ગયો. શું થયું હતું તેનો ખુલાસો હવે નીલેશભાઈએ કર્યો. તેમણે કહ્યું કે આંતરિક વિખવાદને કારણે છેલ્લા દિવસે મારી ટિકિટ કપાઈ ગઈ હતી. ભાઈઓ મને ત્યારે બોલતા નહોતું આવડતું એટલે મારી ટિકિટ કોંગ્રેસે કાપી લીધી હતી. પણ જુઓ હવે, તમારી સામે ભાષણ આપું છું. હવે મને બરાબર બોલતા આવડી ગયું છે... આ રીતે જૂની વાત કરી એટલે વાહ, વાહ નેતા પાંચ વર્ષમાં જોરદાર ભાષણ કરતાં શીખી ગયા હો એવો રિસપોન્સ આવ્યો. ઉત્સાહી ટેકેદારોએ નારા પણ લગાવ્યા નીલેશ કુંભાણી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. હવે નીલેશભાઈએ ખરેખર તેઓ બોલતા શીખી ગયા છે તેનો પરિચય આપ્યો. તેમણે કહ્યું, ભાઈ હું તો આ આગળ વધ્યો, પરંતુ તમે પાછળ ઊભા રહેજો. નહિતો હું એકલો આગળ જતો રહિશને પાછળથી તમે બધા ગાયબ થઈ જશો. આ વાત કરતાની સાથે જ સમગ્ર સભા મંડપની અંદર હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. અશોક ગેહલોત જેવા મંચ પર બેઠેલા તમામ નેતાઓ પણ હસવા લાગ્યા હતા.

મોરબીમાં ઉમેદવારો સામે નવી આફત - નો એન્ટ્રી મીન્સ નો એન્ટ્રી...
મોરબીની દુર્ઘટના એમ કંઈ ભૂલી ભૂલાય એમ નથી. પણ આ મોરબીના ઉમેદવારો માટે બીજી એક સમસ્યા છે અને બધા ઉમેદવારોને નડી રહી છે તેની વાત છે. મોરબીના નવલખી રોડ પર આવેલા રણછોડનગર અને અમૃત પાર્ક વિસ્તારમાં લોકો આજેય પાયાની સુવિધાઓની વંચિત છે. નાની મોટી સમસ્યાઓનો ઉકેલ જ આવતો નથી એટલે બરાબર કંટાળ્યા છે. ચૂંટણી સમયે જ નેતાઓ આવે અને પછી ગાયબ. આવું થાય ત્યારે ઘણી વાર અહીં પ્રચાર કરવા આવવું નહીં તેના બોર્ડ લાગી જતા હોય છે. જોકે ઉમેદવારો પછી કોઈને મોકલે અને જેમ તેમ મનામણા થાય. પણ આ વખતે આ વિસ્તારની પ્રજા મક્કમ બની છે. વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ નેતાઓએ મત માંગવા આવવું નહિ એવા બેનરો લગાવી દીધા છે. કોઈ એટલે કોઈ નહીં. સમસ્યાનો નિકાલ ના આવે ત્યાં સુધી આ વખતે માનવાનું જ નથી અને દર વખતની જેમ વાયદા લેવાના જ નથી. નો એન્ટ્રી એટલે નો એન્ટ્રી... ત્રણેય પક્ષ અને અપક્ષો પણ મૂંઝાયા છે કે બીજા વિસ્તારના લોકો આટલા મક્કમ થઈ જશે તો પછી મત માગવા જઈશું ક્યાં.

ચોર્યાસીમાં કોળી પટેલ મતદારોનો મિજાજ બદલાયો છે
સુરતની ચોર્યાસી બેઠક પર આંતરિક ધમાસણ શમવાનું નામ લેતો નથી. ચોર્યાસી બેઠકમાં રંગરૂપ બદલાયા છે અને પરપ્રાંતીય વસતિ વધી છે. તેને કારણે કાયમ અહીં કોળી પટેલને ટિકિટ મળતી હતી તે રીત બદલાવા માટે મોટા નેતાઓએ ખેલ માંડ્યા છે. પરપ્રાંતીયને આકર્ષી શકાય તે રીતે ઉમેદવાર મૂકવામાં આવે તો ભવિષ્યમાં આ સીટ પક્ષની સીટ થઈ જાય. કોઈ જ્ઞાતિની કે નેતાની ગણતરી ના કરવી પડે તેવી ગણતરી મોટા નેતાઓની હતી, પણ સ્થાનિક લોકો ચાલ સમજી ગયા છે. કોળી પટેલ સમાજે ભાજપ સાથે રહેવું હોય તો રહે, નહિતો આપણને કંઈ જરૂર નથી એવા સૂરમાં ભાજપના એક નેતાએ વાત કરી તેણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. પરપ્રાંતીય મતદારો આપણને જ મળવાના છે તેવું ભાજપનું ગુમાન જોઈને કોળી પટેલ સમાજના યુવાનો ગીન્નાયા છે. એક તો ટિકિટ કાપી અને પાછા તમારી જરૂર નથી એવું કહેવાય રહ્યું છે તેનાથી યુવાનો સમસમી ગયા છે એટલે જોઈએ હવે આ બદલાયેલો મિજાજ શું કરે છે.

અન્ય સમાચારો પણ છે...