ગુજરાતમાં ભાજપ સતત 7મી વખત સરકાર બનાવી રહી છે. આ જીત બાદ પીએમ નરેન્દ્ર મોદી પણ લોકો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરવા માટે દિલ્હીમાં બીજેપી હેડ ઓફિસ પહોંચ્યા હતા. કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું કે હું જનતા જનાર્દન સમક્ષ નમન કરું છું. જ્યાં ભારતીય જનતા પાર્ટી સીધી જીતી શકી નથી ત્યાં ભાજપનો વોટશેર તમારા સ્નેહનો સાક્ષી છે.
હું ગુજરાત, હિમાચલ અને દિલ્હીના લોકોનો આભાર વ્યક્ત કરું છું. પેટાચૂંટણીમાં પણ તમારો પ્રેમ દેખાયો હતો. યુપીના રામપુરમાં ભાજપનો વિજય થયો છે. બિહાર ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન આવનારા દિવસોનું પ્રતિબિંબ છે. હું ચૂંટણીપંચનો પણ આભાર વ્યક્ત કરું છું.
મોદીના સંબોધનની ખાસ વાતો:
ગુજરાતનો પ્રેમ અભૂતપૂર્વ છે
ચૂંટણી વખતે મેં ગુજરાતની જનતાને કહ્યું હતું કે, આ વખતે નરેન્દ્રનો રેકોર્ડ તૂટવો જોઈએ. મેં વચન આપ્યું હતું કે ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડે તે માટે શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો જનાદેશ ભાજપને આપીને લોકોએ નવો ઈતિહાસ રચ્યો છે. અઢી દાયકાથી સતત સરકારમાં હોવા છતાં આવો પ્રેમ અભૂતપૂર્વ છે. લોકોએ જાતિ-વર્ગ વગેરેથી ઉપર ઊઠીને ભાજપને મત આપ્યો.
યુવાનોએ અમારા કામ પર વિશ્વાસ કર્યો
આ ચૂંટણીમાં એક કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું, જેમણે કોંગ્રેસનું કુશાસન ન જોયું હતું, માત્ર ભાજપની સરકાર જોઈ. યુવાનો જાણે છે કે કેવી રીતે પ્રશ્નો પૂછવા. યુવાનો જ્યારે આત્મવિશ્વાસ જુએ, કામ જુએ ત્યારે જ મત આપે. ભાજપને વોટ આપીને યુવાનોએ સંદેશો આપ્યો છે કે યુવાનોએ અમારા કામની કસોટી કરી તેના પર વિશ્વાસ મૂક્યો છે.
યુવાનો ભાજપની વિકાસ યોજનાઓ ઈચ્છે છે. યુવાનોને ન તો જાતિવાદ જોઈએ છે કે ન તો પરિવારવાદ. વિઝન અને વિકાસ દ્વારા જ યુવાનોનાં દિલ જીતી શકાય છે. બિહારમાં મહામારીના ગંભીર સંકટ વચ્ચે ચૂંટણી યોજાઈ ત્યારે લોકોએ ભાજપને આશીર્વાદ આપ્યા. યુપી સહિત તમામ રાજ્યોમાં મહામારી પછી ચૂંટણી યોજાઈ હતી, ત્યારે પણ લોકોએ ભાજપને પસંદ કર્યું. આજે જ્યારે ભારત વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે જનતાનો ભરોસો ભાજપ પર છે.
નિષ્ણાતો કહી રહ્યા છે કે ભારતમાં ગરીબી ઘટી રહી છે
છેલ્લાં આઠ વર્ષમાં કામ અને કાર્યશૈલીમાં બદલાવ આવ્યો છે. અમે ગરીબો માટે ઘર, શૌચાલય, સિલિન્ડર જેવી પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા કરી. આજે જે પણ સરકારી લાભો ઉપલબ્ધ છે, તે દરેક વિભાગના લાયક વર્ગને ઝડપી ગતિએ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કયા વર્ગ કે સમુદાયના કેટલા મત છે તેના આધારે અમે સરકાર ચલાવતા નથી. અમે આનાં સકારાત્મક પરિણામો જોઈ રહ્યાં છીએ.
મોટા નિષ્ણાતો કહી રહ્યા છે કે ભારતમાં ગરીબી ઘટી રહી છે. ગરીબોને પાયાની સુવિધાઓ આપવા ઉપરાંત છેલ્લાં આઠ વર્ષમાં દેશે સંસાધનોનો પણ વિકાસ કર્યો છે.
ભાજપ સરકારે મહિલાઓ માટે જેટલું કર્યું છે એટલું કોઈએ કર્યું નથી
જો કોઈ ઈમાનદારીથી આત્મનિરીક્ષણ કરે તો આઝાદી પછી આજે પહેલીવાર દેશની પહેલી સરકાર છે જે મહિલાઓની સમસ્યાઓ અને જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરી રહી છે અને તેના માટે યોજનાઓ બનાવવાનું કામ કરી રહી છે. દરેક મહિલા માટે ભાજપ સરકારે જેટલું કર્યું છે એટલું કોઈએ કર્યું નથી. ભાજપનું સાત-આઠ વર્ષનું કામ અન્ય સરકારોનાં પચાસ વર્ષનાં કામ કરતાં વધુ છે.
મહિલાઓના મુદ્દા અમારા માટે ચૂંટણીનો મુદ્દો નથી. અમારી પાસે ઠરાવ છે. દેશની જનતાએ અમને મહિલા સશક્તિકરણ માટે ઘણું બધું કરવાની તક આપી છે. આવનારો સમય આપણા બધા માટે મહત્ત્વપૂર્ણ છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની ભાવના સાથે કામ કરવું. ચાલો આપણે વિકસિત ભારતના અભિયાનમાં જોડાઈએ.
ભાજપ દેશના તમામ વર્ગોની પસંદગી છે
આજે દેશના તમામ વર્ગોની પહેલી પસંદ ભાજપ છે. ગુજરાતના આદિવાસી વિસ્તારોના ખૂબ જ આશીર્વાદ મળ્યા છે. ભાજપે 40 SCST બેઠકોમાંથી 34 બેઠકો જીતી છે. આદિવાસીઓ ભાજપને પોતાનો અવાજ માની રહ્યા છે. દાયકાઓ સુધી આદિવાસીઓની અવગણના કરવામાં આવી હતી. અમે તેમની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે સતત કામ કરી રહ્યા છીએ.
મ્યુઝિયમ બનાવીને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન
ભાજપે આદિવાસી કલ્યાણ માટે બજેટ વધાર્યું અને તેમના વિકાસને વેગ આપ્યો. અમે દેશભરમાં મ્યુઝિયમ બનાવીને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરીએ છીએ.
આવનારાં 25 વર્ષ માત્ર વિકાસની રાજનીતિનાં રહેશે
ભાજપને મળેલો જનસમર્થન પણ નોંધપાત્ર છે કારણ કે તે એવા સમયે આવ્યો છે જ્યારે ભારત અમૃત કાલમાં પ્રવેશ્યું છે. આ દર્શાવે છે કે આવનારાં 25 વર્ષ માત્ર વિકાસની રાજનીતિ માટે છે. ભાજપને મળેલ સમર્થન નવી આકાંક્ષાઓ અને યુવા વિચારસરણીનું પ્રતીક છે.
લોકોએ ભાજપને મત આપ્યો કારણ કે ભાજપે દરેક પરિવારને દરેક સુવિધા વહેલી તકે પહોંચાડી. દેશના હિતમાં સૌથી મોટા અને અઘરા નિર્ણયો લેવાની સત્તા ભાજપ પાસે છે. પરિવારવાદ અને ભ્રષ્ટાચાર સામે લોકોમાં આક્રોશ સતત વધી રહ્યો છે.
વિકસિત ગુજરાતમાંથી વિકસિત ભારતનું નિર્માણ કર્યું
હું તમામ નિષ્ણાતોને યાદ અપાવવા માગું છું કે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ થશે. ગુજરાતનાં પરિણામોએ સાબિત કરી દીધું છે કે દેશ સામે જ્યારે પણ કોઈ પડકાર આવે છે ત્યારે જનતાને ભાજપમાં વિશ્વાસ હોય છે. દેશમાં જ્યારે સંકટ હોય ત્યારે જનતાનો ભરોસો ભાજપ પર હોય છે. જ્યારે દેશ ઊંચો લક્ષ્ય નક્કી કરે છે ત્યારે જનતાનો ભરોસો ભાજપ પર હોય છે.
લાખો સમર્પિત કાર્યકરોએ બીજેપી માટે પોતાનો જીવ આપ્યો છે. વ્યક્તિગત સુખ, આકાંક્ષાઓ અને ખુશીઓનું બલિદાન આપીને ભાજપનો કાર્યકર સમાજ અને દેશને સશક્ત કરવામાં વ્યસ્ત છે. ભાજપ તેના કાર્યકરોની અપાર સંગઠન શક્તિ પર આધાર રાખીને તેની વ્યૂહરચના બનાવે છે અને સફળ થાય છે. રાજકીય જીવનમાં ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ અમે આદર્શો અને મૂલ્યોને વળગી રહ્યા છીએ.
ચૂંટણીપંચ વિશે આ વાત કહી
ચૂંટણીપંચનો આભારી છું. એક પણ પોલિંગ બૂથ પર રીપોલ કરાવાની નોબત નથી આવી. તેનો અર્થ છે કે સુખ અને શાંતિપૂર્વક લોકતંત્રની મૂળ ભાવનાને સ્વીકારી મતદારોએ પોતાની તાકાત બતાવી છે. આથી ચૂંટણીપંચનો આભારી છું.
નડ્ડાએ કહ્યું- ગરીબોનું ધ્યાન રાખનારી નીતિએ અમને જીત અપાવી છે
પોતાના સંબોધનમાં પાર્ટી અધ્યક્ષ નડ્ડાએ ગુજરાત, હિમાચલ અને દિલ્હી ચૂંટણીમાં કામ કરનારા કાર્યકરોનો આભાર માન્યો અને કહ્યું- મોદીના નેતૃત્વમાં અમને ગુજરાતમાં રેકોર્ડ જીત મળી છે. તેમણે કેજરીવાલનું નામ લીધા વગર AAP પર પ્રહારો કર્યા હતા. નડ્ડાએ કહ્યું કે ગુજરાતનું અપમાન કરવા માટે નવી પાર્ટી આવી છે. તેઓ એક પત્રિકા લઈને આવ્યા અને ભવિષ્યવાણી કરવા લાગ્યા કે તેમની પાર્ટી સરકાર બનાવશે. જનતાને ગેરમાર્ગે દોરનાર બેદરકાર નેતાઓએ ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ. સ્વતંત્ર ભારતમાં એક પણ નેતા એવો નથી કે જે હું કટ્ટર પ્રમાણિક છું એવું બોર્ડ લઈને ચાલે. આ કટ્ટરપંથીઓ બેઈમાન છે.
ખાનપુર સભામાં અમદાવાદના તમામ 14 વિજેતા હાજર
અમદાવાદના ખાનપુર સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભાજપ અને તેનો કાર્યકર્તા લોકો સાથે જોડાયો છે એ આ ચૂંટણી પરિણામ બતાવે છે. ભાજપનો કોઈપણ ધારાસભ્યથી લઈ કાર્યકર્તા હોય એ ઓફિસમાં બેસી કામ કરવા ટેવાયેલો છે. લોકો વચ્ચે જઈ કામ કરવાનો પ્રયત્ન કરે છે. ચૂંટણી અને તેનું કામ હોય ત્યારે કોઈક ને કોઈ વાત ઊભી કરી ચૂંટણી આવતી પરંતુ નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે વિકાસની રાજનીતિ શરૂ કરી છે અને પ્રજાએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. આજે ગુજરાતની જનતાએ લોકલાડીલા વડાપ્રધાનની વિકાસની રાજનીતિ પર ભરોસાની મોહર લગાડી છે. ભાજપનો કાર્યકર્તા કોરોનામાં પણ પ્રજા વચ્ચે કામ કરતો હતો. કોઈપણ સંજોગોમાં અને મુશ્કેલીમાં જોડે ઊભા રહ્યા છે. આટલી મોટી જવાબદારી ગુજરાતની પ્રજાએ આપી છે તો નરેન્દ્રભાઈની વિકાસની રાજનીતિને સમૃદ્ધિ તરફ આગળ વધારી છે. વધુમાં તેમણે કાર્યકર્તાઓને કહ્યું હતું કે તમને થાક તો લાગ્યો હશે, તમારી વાત અમે સમજી જઈએ. કારણ કે તમે અને અમે કોઈ જુદા નથી. તેનું પરિણામ આજે જોઇએ છીએ.
ગુજરાતની જનતાને નતમસ્તક
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને જણાવ્યું હતું કે 'લોકોએ વિકાસને વોટ આપ્યો છે. જેના કારણે હું ગુજરાતની જનતાનો આભાર માનું છું.'
કોંગ્રેસથી મોટી જીત ભાજપના નામે
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ કોંગ્રેસના નામે હતો. પાર્ટીએ 1985માં માધવસિંહ સોલંકીની આગેવાનીમાં 149 સીટો જીતી હતી. ભાજપ 150નો આંકડો વટાવી સૌથી મોટી જીતનો રેકોર્ડ તોડી દીધો. મોદી CM હતા તે સમયે 2002ની ચૂંટણીમાં 127 સીટ જીત્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન PM મોદીએ કહ્યું હતું નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે અને પરિણામોમાં તે ખરેખર જોવા મળી રહ્યું છે.
12મીએ મુખ્યમંત્રી પદના શપથ
ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપની સ્પષ્ટ બહુમતની સરકાર બની રહી છે. અમદાવાદની ઘાટલોડિયા સીટ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીતી ગયા છે. આ સિવાય રાજકોટ પશ્ચિમની બેઠક, જે સીટ પરથી નરેન્દ્ર મોદી જીતીને મુખ્યમંત્રી બન્યા હતા, વિજય રૂપાણી પણ એ જ સીટ પરથી મુખ્યમંત્રી બન્યા હતા એ સીટનાં ઉમેદવાર ડૉ. દર્શિતા શાહ જીતી ગયાં છે. દર્શિતા શાહે વિજય રૂપાણીનો રેકોર્ડ તોડીને 54,000 માર્જિન સાથે જીત મેળવી લીધી છે, જ્યારે ભૂપેન્દ્ર પટેલે 1 લાખ 92 હજાર મતના માર્જિનથી જીત મેળવી છે. જીતની ઉજવણી ગાંધીનગર કમલમમાં શરૂ થઈ ગઈ છે. જ્યારે આજે સાંજે મોદી પણ દિલ્હી કાર્યાલયમાં આ જીત વધાવવા માટે આવશે અને કાર્યકરોને સંબોધન કરવાના છે. કમલમમાં ઉજવણી દરમિયાન સી.આર. પાટીલે જણાવ્યું છે કે, 12 ડિસેમ્બરે ગાંધીનગર વિધાનસભાની પાછળ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે 2 વાગે શપથવિધિ યોજવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી પદના શપથ લેશે.
ભાજપને મોદીએ જીત અપાવવા 21 સભા અને 3 રોડ શો કર્યા
સીઆર પાટીલે જણાવ્યું હતું કે ભાજપે 27 બાદ પણ સરકાર બનાવી રહી છે. જનતાએ પહેલાંથી સરકાર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. ગુજરાતની જનતાનો હું આભાર માનું છું. નરેન્દ્ર મોદીએ ભાજપને જિતાડવા 21 સભા 3 રોડ શો કર્યા. નરેન્દ્ર મોદીને કારણે જીત મળી છે. ગૃહમંત્રી અમિત શાહે 33 સભા તેમજ રોડ શો કર્યા અને કાર્યકર્તાને માર્ગદર્શન આપી તૈયાર કર્યા.
સીઆર પાટીલે તમામ લોકોનો આભાર માન્યો તેમજ 80 લાખ પેજ કમિટી સભ્યોનો આભાર માન્યો હતો. કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને વિકાસકાર્યોને પહોંચાડ્યાં. ગુજરાતમાં બીજી પાર્ટીએ વાયદા કર્યા, કારણ કે તેમને સત્તામાં આવવાનું નહોતું. બીજી પાર્ટીએ એવા વાયદા કર્યા જે ક્યારે પૂરા ના થાય. ગુજરાતમાં રાષ્ટ્રવિરોધી શક્તિ પણ ઇલેક્શનમાં જોવા મળી. ગુજરાતે ગુજરાતવિરોધી શક્તિને નકારી ભાજપને જિતાડી. કેટલાક લોકોએ અમારી સરકાર બનશે એવું લખીને આપ્યું, ગુજરાતની જનતા સમજીને વોટ કરે છે. ભરોસાને ટકાવી રાખવો એ અમારી જવાબદારી. શપથ વિધિ 12 ડિસેમ્બરે ગાંધીનગર વિધાનસભાની પાછળ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 2 વાગે થશે. અમિત શાહ અને નરેન્દ્ર મોદી શપથવિધિમાં હાજર રહેશે.
ભૂપેન્દ્ર પટેલ-સીઆર પાટીલ પહોંચ્યા કમલમ્
8 વાગે મતગણતરી શરૂ થઈ અને 11 વાગતાં તો લગભગ પરિણામો ક્લિયર થઈ ગયાં હતાં. શરૂઆતના વલણમાં ભાજપે માધવસિંહ સોલંકીનો 149 સીટનો રેકોર્ડ પણ તોડી દીધો હતો. ભાજપ ગુજરાતમાં સ્પષ્ટ બહુમતીની સરકાર બનાવે છે એ નક્કી થઈ ગયું છે. ગાંધીનગર કમલમ્ ઓફિસમાં મતગણતરીનો એક કલાક જતાં વલણ જોઈને ઉજવણીની શરૂઆત થઈ ગઈ હતી. બપોરે સાડા બાર વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ્ ઓફિસ પહોંચીને જીતની ઉજવણીમાં ભાગ લીધો. કાર્યકરોએ કમલમ્ ઓફિસમાં મીઠાઈ વહેંચી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.