ગ્રાઉન્ડ રિપોર્ટભાજપ જાળવી શકશે ઈડરિયો ગઢ?:'ગાયબ' થઈ રહ્યો છે ઈડરનો ડુંગર, લોકોએ કહ્યું- દેવો રૂઠશે તો ભારે પડશે, સરકાર નહીં સાંભળે તો મહાભારત સર્જાશે

ઈડર2 મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ

'ઈડરિયો ગઢ જીતી આવ્યા રે, આનંદ ભયો...' લગ્નમાં ગવાતું આ ગીત ભૂતકાળ બનવા જઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતનું ગૌરવ ગણાતો ઈડરિયો ગઢ નામશેષ થવાના આરે ઉભો છે. તમને જાણીને આંચકો લાગશે કે એક સમયે બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચને જે પથ્થર પર બેસીને ગીતનું શૂટિંગ કર્યું હતું એ પથ્થરો જ ગાયબ થઈ ગયા છે. હાલ વિધાનસભાની ચૂંટણી આવતાં ફરીવાર આ મુદ્દો સળવળી ઊઠયો છે. ઈડરના ગઢને બચાવવા માટે એક સમિતિ લડત આપી રહી છે. આ સમિતિએ છેલ્લાં પાંચ વર્ષમાં 500થી વધુ ગાંધીનગરથી લઈને દિલ્હીમાં શાસનકર્તાઓને આવેદનપત્રો આપ્યા છે. તો 400 લોકોએ 4500 પત્રો લખ્યા છતાં પરિણામના નામે શૂન્ય છે. હાલ વિધાનસભાની ચૂંટણી આવતાં ફરીવાર આ મુદ્દો સળવળી ઊઠયો છે. ભાજપે ઈડર સીટ પર ગુજરાતી અભિનેતા હીતુ કનોડિયાની ટિકિટ કાપી ફરી દિગ્ગજ નેતા રમણલાલ વોરાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ તરફથી રામભાઇ સોલંકી મેદાનમાં છે. આમ આદમી પાર્ટી તરફથી જયંતીભાઇ પ્રણામીએ ઝૂકાવ્યું છે.

કોંગ્રેસના ઉમેદવાર રામભાઇ સોલંકીએ ઐતિહાસિક વિરાસત સમા ઇડરિયા ગઢ પર ખનનમાફિયાઓ દ્વારા થતું ખનન અટકાવવા પ્રાણ ન્યોછાવર કરવાની પણ તૈયારી બતાવી છે. જો તેઓ વિજયી થશે તો ગમે તે ભોગે ખનન અટકાવવા જાહેરમાં પડકાર ફેંકયો છે. એટલું જ નહીં, પરંતુ આ અંગે બહાર પાડેલાં પેમ્ફલેટમાં પણ ઇડરિયા ગઢનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયંતીભાઇ પ્રણામીએ પણ ઇડર ગઢ બચાવ સમિતિને ઇડરિયો ગઢ બચાવવાના મુદ્દાને સમર્થન આપ્યું છે. તો ભાજપના ઉમેદવારે સરકારમાં રજૂઆત કરીને પુનઃવિચારણાં કરવાની રજૂઆત કરવાની વાત કરી રહ્યા છે.

આમ, ઇડર મતક્ષેત્રમાં ઇડરિયો ગઢ મુખ્ય મુદ્દો બની ગયો છે અને ઇડરિયા ગઢને રાજકીય રંગ લાગી ગયો છે. જ્યારે ઇડર ગઢ બચાવ સમિતિએ સતત લડતા રહેવાની નેમ લીધી છે અને આ અંગે પ્રજાને જાગ્રત કરવા માટે જાહેરસભા યોજવાની મંજૂરી માગી છે, પરંતુ તંત્ર તરફથી હજુ સુધી કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. તો અર્બુદા સેના અને રાજપૂત સેનાએ પ્રજાને લોકશાહી પર્વમાં આંગળીની તાકાત બતાવવાનું આહ્વવાન કર્યું છે. આમ, જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ઇડરિયા ગઢનો મુદ્દો વધુ સંવેદનશીલ અને ઉગ્ર બનતો જાય તો નવાઈ નહીં.

ઇડરની ઓળખ જ ગઢ છે. આ ગઢના કારણે જ ત્યાં પ્રવાસીઓ આવતા હતા. આ ગઢ અરવલ્લીની હારમાળામાં સ્થાન પામ્યો છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી ત્યાં ગઢ પર ખનનનું કામ થઇ રહ્યું છે. એને લઇને સ્થાનિક પ્રજામાં સરકાર પ્રત્યે ભારોભાર રોષ અને અસંતોષ છે, જેને કારણે જ 2017માં ગઢ બચાવો સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ તરફથી વારંવાર સરકાર સહિત સરકારી અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે. ત્યાં સુધી કે બે વખત તો આખુંય ઇડર બંધ રહ્યું હતું છતાં સરકારી તંત્રના પેટનું પાણી હાલતું નથી. છેવટે સ્થાનિક પ્રજાએ કાયદો હાથમાં લઇને ઇડરિયો ગઢ પર ખનન કરતા લોકોનો વિરોધ કરીને તેમને ભગાડયા હતા. ત્રણેક વર્ષ કામ બંધ રહ્યું હતું. ફરી પાછું એ ચાલુ થઇ ગયું છે. આમ, પોતાની નજર સામે અડીખમ ઊભેલા ઇડરના ગઢને તૂટતો જોઈને સ્થાનિક લોકોનું લોહી ઊકળી રહ્યું છે. તેઓ કહે છે, અમે બાળપણથી જ આ ઇડરના ગઢને જોઈ રહ્યા છે. ત્યાં દેવોનો વાસ છે. દેવો રૂઠશે તો લોકો માટે ભારે પડી જશે. ત્યાં સુધી સ્થાનિક રહીશો કહે છે કે જો ઇડર ગઢ તૂટી જશે તો અહીં પાણીની સમસ્યા ઊભી થશે અને ઇડરના લોકોને સ્થળાંતર કરવું પડશે. આમ, આ ઇડર ગઢ સાથે અનેક ઐતિહાસિક વાતો સંકળાયેલી છે. આ ઇડરના ગઢના કારણે ધમધમતું રમકડાંબજાર આજે મૃતઃપ્રાય હાલતમાં મુકાઇ ગયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને દિવ્ય ભાસ્કરે ઇડરની મુલાકાત લીધી ત્યારે ઇડરની અનેક સમસ્યાઓ છે, પરંતુ મુખ્યત્વે સમસ્યા ઇડર ગઢનું થતું ખનન અટકાવવાની વાત જ છે. આ અંગે સ્થાનિક આગેવાનોથી લઇને ઇડર ગઢ બચાવો સમિતિ, સમાજના આગેવાનો તેમ જ રાજકીય ઉમેદવારોએ શું કહ્યું એ આપણે જાણીએ.

જે જગ્યાએ અમિતાભ બચ્ચને શૂટિંગ કર્યું હતું ત્યાં હવે ઉંડા ખાડા થઈ ગયા છે.
જે જગ્યાએ અમિતાભ બચ્ચને શૂટિંગ કર્યું હતું ત્યાં હવે ઉંડા ખાડા થઈ ગયા છે.

સરકારને પરિણામ ભોગવવું પડશે: અંબાલાલ પટેલ
ઈડર ગઢ બચાવો સમિતિના સક્રિય સભ્ય અંબાલાલ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ઇડરમાં ઘણા પ્રશ્ન છે. ઇડર ગઢના ખનનનો મોટો પ્રશ્ન છે. ગુજરાતમાં જ નહીં, બલકે સમગ્ર વિશ્વમાં ઇડર ગઢ જાણીતો છે. અધ્યાત્મની રીતે પણ મહત્ત્વનો છે. દરેક ધર્મ સંપ્રદાયના મંદ્રો છે. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રામચંદ્રનો આશ્રમ છે. ઘણાં વર્ષો પહેલાં અહીં ખનન શરૂ થયું છે. પ્રજા તો જાગ્રત જ હતી પણ એવું કહેવામાં આવતું હતું કે આ તો રાજાનો ડુંગર છે. એટલે આપણે કશું ના કરી શકીએ એવું ધુપ્પલ ચલાવ્યું હતું. ડુંગરની માલિકી કોઇની પણ હોય, સરકારની પરવાનગી વગર તો ડુંગર તૂટે જ નહીં. સરકારે વિચાર્યા વગર માઇનિંગની પરવાનગી આપી છે. આગળથી ડુંગર જોઇ શકાય છે, પરંતુ પાછળથી જોશો તો મોટા ભાગનો ડુંગર ડેમેજ થયેલો છે. આ ગઢનો વિસ્તાર 2700 એકર અને સાત કિલોમીટરની લંબાઇ ધરાવે છે. સરકાર સંસ્કૃતિનો નાશ કરી રહી છે. છેલ્લાં પાંચ વર્ષથી લડત ચાલે છે.

ઈડર ગઢ બચાવો સમિતિના સક્રિય સભ્ય અંબાલાલ પટેલ.
ઈડર ગઢ બચાવો સમિતિના સક્રિય સભ્ય અંબાલાલ પટેલ.

તેમણે વધુમાં કહ્યું હતું કે સરકારમાં કોઈ અધિકારી કે સંગઠનના કોઈ પદાધિકારી કે મંત્રી, મુખ્યમંત્રી એવા નથી કે તેમની સમક્ષ ઇડરની પ્રજાએ રજૂઆત ના કરી હોય. બે વખત તો ઇડર સ્વૈચ્છિક રીતે બંધ રહ્યું હતું. 20 દિવસના ઉપવાસ કરવામાં આવ્યા હતા. સરકારના માણસો જ અહીં બેઠા છે, એટલે સરકાર કાંઇ સાંભળતી નથી. લોકોના મનમાં આક્રોશ છે. તેનું પરિણામ સરકારે ભોગવવું પડશે. આ દેવોની વસ્તુ છે અને દેવો કોઇને છોડતા નથી.

ઈડરના ગઢ પર નરેન્દ્રભાઈ મોદી પોતે ફરેલા છે: રાજુભાઇ ગુર્જર
ઈડર ગઢ બચાવો સમિતિના સભ્ય રાજુભાઇ ગુર્જરે દિવ્ય ભાસ્કરને કહ્યું કે અમે લોકોએ શરૂઆતમાં આંદોલન શરૂ કર્યું હતું. પછી ધીમે ધીમે ગઢ બચાવો સમિતિની રચના કરવામાં આવી હતી. સાત વખત રેલીઓ કાઢી, બે વખત સદંતર ઇડર બંધ રહ્યું હતું. 500થી વધુ આવેદનપત્રો આપવામાં આવ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને 4 વખત અને હાલના કાર્યકારી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને ત્રણ વખત રૂબરૂમાં રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે બધું ઠીક થઇ જશે, પણ હજુ સુધી કાંઇ થતું નથી. તેમણે કાયદાની છણાવટ કરતાં કહ્યું હતું કે રૂલ્સ પ્રમાણે શહેરના મધ્યબિંદુથી પાંચ કિલોમીટરમાં ખનન ના થાય, પણ આ ત્રણ કિલોમીટરમાં જ ખનન થાય છે. બીજું કે હાઇવેથી 200 મીટરમાં પણ ખનન ના થઇ શકે, પણ 20 મીટર, 30 મીટર અને 50 મીટરના અંતરે ખનના ચાલી રહ્યું છે. ત્રીજો મુદ્દો કે સીંગલ રોડથી 100 મીટરના વિસ્તારમાં ખનન ના થાય પણ બધાં નિયમોનું ઉલ્લંઘન થાય છે. કયાં કેટલું ખનન કરવાનું છે એ સરકારી અધિકારી અને પ્રાઇવેટ પ્રોપર્ટીવાળાએ સંયુક્ત રીતે માર્ક કરવું પડે, પરંતુ અહીં મંદિરથી 150 મીટરમાં પણ ખનન થાય છે. સરકાર આ બાબતે કાંઇ ધ્યાન આપતી નથી, જેને કારણે લોકોનો રોષ વધતો જાય છે.

ઈડરવાસીઓએ ગઢ બચાવવા જંગ છેડ્યો છે.
ઈડરવાસીઓએ ગઢ બચાવવા જંગ છેડ્યો છે.

ખનનને કારણે જેલવાસ ભોગવી ચૂકેલા રાજુભાઇએ કહ્યું હતું કે અમે લોકોએ જ્યાં ખનન થતું હોય ત્યાં પથ્થરોને ચોટીને ઊભા રહીને ખનન કામ બંધ કરાવવાનો કાર્યક્રમ યોજયો હતો, પરંતુ લોકોનો રોષ વધી ગયો હતો. લોકોની સંખ્યા અચાનક વધી ગઇ હતી. 250થી 300 બાઇકો પર લોકોએ આવીને સીધી તોડફોડ ચાલુ કરી દીધી હતી. તેમાં મારી તેમ જ નટુભાઇ પંડયા તથા અન્ય એક યુવકની પોલીસે ધરપકડ કરી હતી અને અમે 12 દિવસ જેલવાસ ભોગવ્યો હતો. ચૂંટણીને અસર થશે એવું જણાવીને તેમણે ઉમેર્યું કે ભાજપે જેમને ટિકિટ આપી છે તે રમણભાઇ વોરા જ્યારે મંત્રી હતા ત્યારે તેમની હાજરીમાં જ ગઢનું વેચાણ થયું છે. ગઢનો મુદ્દો જ તેમનાથી શરૂ થયો છે. તેમના મળતિયાઓ જ આમાં ભાગીદાર છે. એટલે 100 ટકા લોકોમાં રોષ છે. અત્યારે કોંગ્રેસના ઉમેદવાર રામભાઇ સોલંકી તથા આમ આદમી પાર્ટીના ઉમેદવારે સમર્થન આપ્યું છે. ઇડર તાલુકાની જનતાને રામભાઇએ કહ્યું છે કે હું જીતી જઇશ તો ખનન બંધ નહીં થાય તો હું જેસીબીની નીચે સૂઇને મારો જીવ આપી દઇશે અને એ કામગીરી બંધ કરાવીને જ રહીશ.

તેમણે વધુમાં કહ્યું હતું કે 500 આવેદનપત્રો, રેલીઓ બધું કરીને અમે એટલા કંટાળ્યા છે. સબીજીરકાર એટલી જાડી ચામડીની છે કે તેમના પેટનું પાણી હલતું નથી. મને નવાઇ સાથે આશ્ચર્ય એ થાય છે કે એક બાજુ ધરોહરને બચાવવાની વાતો થાય છે. બીજી બાજુ, ધરોહર પર જ ખનન થાય છે. યોગી જેસીબીથી બધાના ઘર પાડી નાખે છે અને અહીં પ્રકૃતિ પર જ જેસીબી ચાલે છે. મને તો નવાઇ લાગે છે કે કેમ આટલી બેવકૂફ સરકાર છે કે કોઇનું સાંભળતી જ નથી. આ ગઢ પર ખુદ નરેન્દ્રભાઇ પોતે ફરેલા છે. તળેટીની શાખામાં તેઓ આવતા ત્યારે ગઢ પર વિચરણ કરતા હતા. તેમને અલગ અલગ ગામની જુદી જુદી વ્યક્તિઓએ 4500 પત્રો લખ્યા હતા. શું તેમને એકપણ પત્ર મળ્યો નથી. આમ તો નાની વાની વાતો તેમને ખબર પડી જાય છે. આટલો મોટો ઇડરનો મુદ્દો કેમ ખબર પડતો નથી. તેમણે કહ્યું હતું કે અમે ઇડર ગઢ બચાવો સમિતિએ લોકોને જાગ્રત કરવા માટે જાહેરસભા કરવા પાંચ દિવસ પહેલાં ડેપ્યુટી કલેકટરને પત્ર લખીને મંજૂરી માગી છે, પણ હજુ સુધી પરમિશન મળી નથી.

ડાબી બાજુથી ઈડર ગઢ બચાવો સમિતિના સભ્ય રાજુભાઇ ગુર્જર અને નટુભાઈ પંડ્યા
ડાબી બાજુથી ઈડર ગઢ બચાવો સમિતિના સભ્ય રાજુભાઇ ગુર્જર અને નટુભાઈ પંડ્યા

મનસુખ માંડવિયાને આવેદનપત્ર આપવા ગયા ત્યારે ધક્કા મારીને કાઢવામાં આવ્યા હતા: નટુભાઇ પંડયા
જયારે ઇડર ગઢ બચાવો સમિતિના સક્રિય સભ્ય નટુભાઇ પંડયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ઇડરમાં સૌથી મોટી સમસ્યા ઇડર ગઢનું ખનન છે. આ અમારી અસ્મિતા કહો કે આબરૂ કહો અથવા તો ઐતિહાસિક ઇડર ગઢનું મહત્ત્વ છે. એનું ખનન થઇ રહ્યું છે. એનું સમગ્ર પ્રજામાં દુઃખ અને રોષ બન્ને છે. ઇડર ગઢ બચાવો સમિતિ 2017થી કામ કરે છે. હજુ સુધી 500 જેટલા આવેદનપત્રો ઇડર નગરના નેતાઓથી માંડીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇને આપ્યા છે. ચૂંટણીપ્રચારમાં ઇડર આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આવેદનપત્ર આપવા હું અને અંબાલાલ પટેલ ગયા હતા. ત્યારે અમને ધક્કા મારીને કાઢી મૂકવામાં આવ્યા હતા. અહીંની પ્રજાએ ઇડર ગઢમાં થતા ખનનના વિરોધમાં 2018માં ઇડરની પ્રજાએ સ્વયંભૂ બંધ પાળ્યું હતું. અને આગલા દિવસે માત્ર મેસેજ કર્યો હતો કે આવતીકાલે ઇડર બંધ રાખવાનું છે અને 12-8-2021ના રોજ ઇડર સંપૂર્ણ ફરીવાર બંધ રહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે 2017માં અમે રણછોડજીના મંદિરથી 40-50 લોકો બાઇક લઇને વિરોધ કરવા નીકળ્યા હતા. આગળ જતાં 200 બાઇકો થઇ ગઈ હતી. ક્યાંથી આટલી થઈ ગઈ એ આશ્ચર્યની વાત છે. માઇન્સવાળાએ જ પોતે જ બધી તોડફોડ કરાવી હતી અને નામ અમારું આપ્યું હતું. હું, રાજુ ગુર્જર અને ધો.12માં ભણતા વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી. ભાજપ સિવાયના તમામ પક્ષો ઇડર ગઢ બચાવવા પૂરેપૂરો પ્રયત્ન કરીશું એવું કહે છે, પણ ભાજપ તરફથી આવું કોઇ નિવેદન આવતું નથી. અમે લોકશાહી ઢબે આંદોલન કરીને આ બંધ કરાવવું છે. આ અમારા માટે મહત્ત્વની વાત છે. ઐતિહાસિક કહો કે અસ્મિતા કહો. આમ તો સરકાર ગુજરાત અસ્મિતાની વાતો કરે છે. ઇડર ગઢ એ ગુજરાતની નહીં, પણ સમગ્ર વિશ્વની અસ્મિતા છે એમ કહીએ તો ચાલે. ઇડર ગઢ હિમાલય કરતાં જૂનો પર્વત છે. સાયન્ટિફિકલી રીતે પ્રૂવ થયેલું છે. તેમણે કહ્યું હતું કે અંદાજે સાત કિલોમીટર જેટલા ગઢનો વિસ્તાર ફેલાયેલો છે. ઘંટિયા પહાડથી માંડીને દેવગઢ દરબાર સુધી ખનન બંધ થાય એતેના માટે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ.

અર્જુને બાણ મારીને પાણી કાઢયું હતું એ બાળગંગા નામશેષ થઈ ગઈ: જિજ્ઞેશભાઇ પંડિત
ઇડર ગઢ બચાવો સમિતિના વધુ એક સક્રિય સભ્ય જિજ્ઞેશભાઇ પંડિતે કહ્યું કે ઇડર ઐતિહાસિક નગરી છે અને ઇડર ગઢનું ખનન થઇ રહ્યું છે. ઇડર સ્ટેટ હતું ત્યારે પાંચ રત્નો કહેવાતા હતા. એમાં ઇડર ગઢનો સમાવેશ થાય છે. ઇડર ગઢ બચાવવા 2017થી આંદોલન ચાલે છે. ઇડર ગઢ ખનન માટે 58 માઇન્સને મંજૂરી આપેલી છે. તેમાંથી આઠ માઇન્સનો જ વિરોધ છે. આ ઇડરિયો ગઢ અંગે ગુજરાતમાં કહેવાય છે કે અમે ઇડરિયો ગઢ જીત્યો રે, આનંદ ભયો એ ઇડરિયો ગઢ બચાવવાની મુકીમ ચાલે છે. સરકાર સંસ્કૃતિ બચાવવાની વાતો કરે છે પણ કેમ કરતી નથી એ ખબર પડતી નથી. વચ્ચે ત્રણ વર્ષ કામ બંધ રહ્યું હતું. રાજકીય લોકો સંકળાયેલા હોવાના કારણે ફરી કામ ચાલુ થઇ ગયું છે. જ્યાં અર્જુને બાણ મારીને પાણી કાઢયું હતું એને બાળગંગા કહેતા હતા. એ જગ્યા નામશેષ થઇ ગઇ છે. લોકશાહી ઢબે આંદોલન કરવાનો માર્ગ જ છે એ પ્રમાણે વિરોધ ચાલુ છે.

ડાબી બાજુથી ઇડર ગઢ બચાવો સમિતિના સક્રિય સભ્ય જિજ્ઞેશભાઇ પંડિત અને ઇડરના જાણીતા ડોક્ટર હરીશભાઇ ગુર્જર.
ડાબી બાજુથી ઇડર ગઢ બચાવો સમિતિના સક્રિય સભ્ય જિજ્ઞેશભાઇ પંડિત અને ઇડરના જાણીતા ડોક્ટર હરીશભાઇ ગુર્જર.

ઇડરના જાણીતા ડોક્ટર હરીશભાઇ ગુર્જરે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ઇડરમાં પ્રશ્નો તો ઢગલાબંધ છે. ચૂંટણી થાય છે તે ખરેખર એક નાટક છે. લોકોને ઉલ્લું બનાવવા માટે ખાલી મતદાન કરાવવામાં આવે છે. બાકી ધાર્યું હોય તે રીતે જ બધા અધિકારીઓ કામ કરે છે. સરકાર બની જાય છે. મનફાવે તે રીતે વહીવટ થાય છે. પ્રજાને ઉલ્લુ બનાવાય છે. કોઇ પક્ષ દ્વારા કોઇના કશા કામ થતાં નથી. બઘા જ પક્ષો આ માટે જવાબદાર છે. આજે આઝાદીનાં 75 વર્ષ થયાં. 75 વર્ષમાં ઇડરની પરિસ્થિતિ આઝાદ થયા ત્યારે જે હતી તેના કરતાં ખરાબ થઇ ગઇ છે. આના કરતાં પહેલાં રાજાઓનો વહીવટ સારો હતો. તે પ્રજાના પ્રશ્નો સાંભળતા હતા અને નિરાકરણ કરતા હતા.

80 વર્ષે પણ પ્રજાની સારવાર કરતાં ડો. હરીશભાઇએ વધુમાં કહ્યું કે, ખરેખર તો પહાડ, વાણી, હવા, જંગલો આ બધી કુદરતી બક્ષિસ છે. આને કોઇએ બનાવી નથી. તેનો કોઇ માલિક નથી. ઇડરિયો ગઢ હજારો વર્ષોથી છે. તેના માલિક સરકાર નથી પણ સરકારે કાયદો કરીને બધી જળસંપત્તિ, જંગલ સંપત્તિ પોતાની બનાવી દીધી છે. પણ તેની ખરેખર માલિક પ્રજા છે. ગઢની વાત કરીએ તો ગુજરાતમાં ઇડરિયો ગઢ જીત્યા રે, આનંદ ભયો. લગ્ન વખતે ગવાતું ગીત હતું. તે અત્યારે નાશ થઇ રહ્યો છે. ખનિજ માફિયાઓ બેફામ થઇ ગયા છે. તેઓ લાખ્ખો કરોડોની ચોરી કરે છે. રોયલ્ટી ભરતા નથી. અમલદારો પૈસા ખાય છે. સરકારના મંત્રીઓ ભાગીદાર છે. બીજાના નામે લીઝ લીધેલી છે. પ્રજાનું જે થવું હોય તે થાય. પોતાનાં ખિસ્સાં ભરો આ એક જ વાત છે. આ ગઢ નહીં બચે તો ઇડરના કૂવામાં પાણી નહીં આવે, તળાવો ભરાશે નહીં, ઇડર સૂકુભઠ્ઠ થઇ જશે. ખેતી થશે નહીં, આખા ઇડરે સ્થળાંતર કરવું પડશે તેવી પરિસ્થિતિ પેદા થશે.

તેમણે આક્રોશ ઠાલવતા કહ્યું કે, ઇડરવાસીઓ નબળા અને નમાલા છે. તેમની મિલકતો, શહેર બચાવવું હોય કે વારસદારોને બચાવવા હોય કે શહેરને બચાવવું હોય તો ઇડરની દરેક પ્રજાએ બહાર આવવું પડશે. કારણ કે પાણી વગર બધું નકામું છે. શહેર તથા આજુબાજુની પ્રજાને વિનંતી છે કે તેઓ બધા બહાર નીકળે અને સરકારને બતાવી દે કે પ્રજા માલિક છે, તમે નથી. તમે આ બધું બંધ કરી દો, નહીં તો તમારી ખેર નથી.

મતદાનનો વાપર બતાવશે તો ખનન માફિયા ઊભી પૂંછડીએ ઇડર છોડીને ભાગશે: હિરેન્દ્રસિંહ ચૌહાણ
ઇડરથી 15 કિલોમીટર દૂર આવેલા અબડાસણા ગામમાં રહેતા હિરેન્દ્રસિંહ ચૌહાણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હું ઇડર ગઢ બચાવ સમિતિ સાથે સંકળાયેલો છું. ઇડર અમારું નાક, ધરોહર અને અસ્મિતા છે. માતુભૂમિનું ચીરહરણ થઇ રહ્યું છે. અમારા અઢારે આલમના સમાજે સમર્થન આપ્યું હતું અને પબ્લિક બહુ આક્રોશથી બહાર આવી હતી. પરંતુ અહીંયા સરકારના દબાણથી આંદોલન વેરવિખેર કરીને બધાને દબાવી દીધા છે. શામ, દામ, દંડ, ભેદથી બધાને દબાવી દીધા છે. પબ્લિક એટલી ગભરાઇ ગઇ છે કે, બહાર આવવા માંગતી નથી. હવે ચૂંટણી નજીક આવી રહી છે. મતદાનનો વાપર બતાવશે તો ખનન માફિયા ઊભી પૂંછડીએ ઇડર છોડીને ભાગશે.

હિરેન્દ્રસિંહે કહ્યું કે ઇડરની અઢારે આલમ અને મારા રાજપૂત ભાઇઓને એક જ કહેવું છે કે, તમે જ્યાં હોવ ત્યાં, તમે ખૂલીને બોલી ના શકતા હોય તો કાંઇ નહીં પરંતુ 5 તારીખે ચૂંટણી આવી રહી છે તો તમે મતદાનનો પાવર બતાવજો. આપણી જે અસ્મિતા છે ઇડર ગઢ કોઇ જીતી શક્યો ન હતો. જે આપણા પૂર્વજોએ ઇડર ગઢ બચાવ્યો છે તે ઇડર ગઢ અંગે લગ્નપ્રસંગમાં ગવાય છે કે ઇડરિયો ગઢ જીત્યા રે, આનંદ ભયો. હવે એવું લાગતું નથી. જો આમ ને આમ રહેશે તો ખનન માફિયાઓ ઇડર ગઢ તોડી નાંખશે અને ઇડર ગઢની અસ્મિતા પૂરી થઇ જશે.

ઇડર ગઢ બચાવ સમિતિ સાથે સંકળાયેલા હિરેન્દ્રસિંહ ચૌહાણ.
ઇડર ગઢ બચાવ સમિતિ સાથે સંકળાયેલા હિરેન્દ્રસિંહ ચૌહાણ.

મહાભારતમાં દ્રૌપદીનું ચીરહરણ થયું હતું અને આખી મહાભારત રચાઇ હતી. તે જ રીતે ઇડર ગઢ અંગે સરકાર નહીં સાંભળે તો મોટું મહાભારત થશે તેમ જણાવવાની સાથે અઢારે આલમને આહવાન કરતાં હિરેન્દ્રસિંહે કહ્યું હતું કે, બહાર નીકળો અને 5મી તારીખે તમારું મતદાન સારા વ્યક્તિને કરશો તો તમારો ગઢ બચશે. જો ભૂલા પડ્યાં તો આવનારા સમયમાં તમારો ઇડર ગઢ જોવા નહીં મળે. કાલે તમને તે ફોટોફ્રેમમાં જોવા મળશે. ખનન માફિયાઓને એટલું જ કહેવું છે કે, સુધરી જજો. ખનન બંધ કરજો નહીં તો તમારે મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે.

તેમણે વધુમાં સંદેશો પાઠવતાં જણાવ્યું કે હવે 5મી તારીખે ચૂંટણી આવી રહી છે તેમાં ગઢ બચાવ સમિતિ તથા ઇડરની જનતા જે નક્કી કરે તેને જ વોટ પડવો જોઇએ. જો તે રીતે વોટ પડશે તો ખનન માફિયાઓ આપોઆપ ભાગશે. આ લોકશાહી છે તેનો પાવર બતાવવો જ પડશે. આંદોલન કરીને હવે થાક્યા છીએ. ગાંધીચિંધ્યા માર્ગે બહુ આંદોલન કર્યાં હતાં. હવે અમારે મહારાણા પ્રતાપ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહના માર્ગે જવું પડશે તો જઇશું. હવે અમે પાછા નહીં પડીએ. ઇડર ગઢ બચાવીશું. અમારી ધરોહર, સંસ્કૃતિનું ચીરહરણ નહીં થવા દઇએ.

મહેસાણિયા નેતાઓ 50 પેઢીનું ભેગું કરવા અહીંયા આવ્યા છે: અર્બુદા સેના
અર્બુદા સેનાના ચેતન ચૌધરીએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે ઇડર સ્ટેટના 1444 ગામનો મુખ્ય પ્રશ્ન ઇડર ગઢ અને તેની અસ્મિતા છે. ગુજરાતમાં ભયંકર ભૂંકપ આવ્યો તો પણ ઇડર ગઢની કાંકરી હલી નહોતી. પરંતુ છેલ્લાં બે વર્ષમાં તેના પથ્થરો ખરવા માંડ્યા છે. અત્યારે ગામેગામ, તાલુકે તાલુકે, રાફડો ફાટયો છે કે મને ટિકિટ આપો, મને ટિકિટ આપો. મારે સેવા કરવી છે. પણ કોઇની પાસે કોઇની સેવા કરવાનો ટાઇમ નથી. તેમને તેમની, તેમના પરિવારની સેવા કરવી છે. એક નેતા તેની 50 પેઢીનું વિચારીને ચાલે છે. અમુક મહેસાણિયા નેતાઓ અહીંયા આવ્યા છે અને વિચારે છે કે મારી 50 પેઢીઓ માટે ભેગું કરું. આ ઇડરના જીવતા જાગતા ડુંગરો, જીવતા જાગતા દેવ કહેવાય. અત્યાર સુધી પબ્લિકે ઘણાં આંદોલન કર્યાં, ઘણી મીણબત્તીઓ સળગાવી, હવે એ સમય આવ્યો છે કે, આંગળીની તાકાત બતાવવાની છે. હું માનું છું ત્યાં સુધી આવનાર દિવસોમાં પ્રજા જાગૃત થઇને પોતાની આંગળીની તાકાત બતાવશે.

અર્બુદા સેનાના ચેતન ચૌધરી.
અર્બુદા સેનાના ચેતન ચૌધરી.

તેમણે કહ્યું કે, દર પાંચ વર્ષે સંવિધાન મોકો કેમ આપે છે કે તમે જેને ચૂંટ્યા છે તે આગળ ફરીવાર ચૂંટાવવાલાયક છે કે નહીં માટે એક મોકો આપે છે. આ એક મોકો પ્રજાને અહીંયા મળી રહ્યો છે. પ્રજાને જે ગઢ માટે ખૂલીને સપોર્ટ કરવા તૈયાર હોય અને 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખીને આપે કે હું ગઢ માટે મારી આન, બાન અને શાન હિટાચી કે જેસીબીની આગળ પડી લડી લઇશ. પણ ગઢનું ખનન થતું અટકાવી દઇશ તેવા જ વ્યક્તિની ઇડરની પ્રજાએ ચૂંટવો જોઇએ. પછી તે કોઇપણ પક્ષનો હોય. અત્યારે કોંગ્રેસના ઉમેદવાર રામભાઇ સોલંકીએ તૈયારી બતાવી છે, પરંતુ તેઓ સ્ટેમ્પ પેપર ઉપર લેખિતમાં આપશે ત્યારે અમે ખુલ્લંખુલ્લાં સમર્થન કરીશું. તેમ છતાં બીજી એક વાત કહેવા માગું છું કે, અમે કહીએ અને તમે કરો તેવું હું ઇડર કે ઇડરની જનતાને કહેવા માંગતો નથી. તમે ગઢ સામે જુઓ, છાતી પર હાથ મૂકો અને ભગવાનનો દીવો કરો. અંદરથી અવાજ આવે કે સારું શું અને ખોટું શું તે નક્કી કરીને તમે 5મી તારીખે મતદાન કરવા જજો તેવું હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું.

ગઢના પ્રશ્નને વાચા આપવા, ભાજપમાંથી રાજીનામું આપીને આપમાં જોડાયો છું : મનીષ પટેલ
ઇડરના રહીશ મનીષ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હું વૈચારિક રીતે ભાજપ જોડે જોડાયેલો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઇડર ગઢ બચાવ સમિતિ જે ગઢ બચાવવા માટે આંદોલન ચલાવી રહી હતી પણ બચાવવા માટે તેને લઇને આ પક્ષમાં મારો અવાજ રુંધાતો હતો. એટલે યોગાનુયોગ 26 નવેમ્બરને સંવિધાનના દિવસે આ પ્રશ્નને વાચા આપવા માટે મેં મૌખિક રીતે ભાજપમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. ઇડર ગઢ બચાવવા માટે પાર્ટીના કાર્યકર તરીકે અને અમારા ઉમેદવાર જયંતીભાઇ પ્રણામીએ ગઢ બચાવો સમિતિને સમર્થન જાહેર કર્યું છે. આગામી સમયમાં જીતીએ કે ના જીતીએ પણ ગઢ બચાવવા માટે જે પણ કાંઇ કરવું પડશે તે આમ આદમી પાર્ટી કરશે.

ઇડરના રહીશ મનિષ પંડ્યા.
ઇડરના રહીશ મનિષ પંડ્યા.

તેમના માણસોને બચાવવા જ રમણલાલ મેદાનમાં આવ્યા છે: રામભાઇ સોલંકી
ઇડર મતક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવાર રામભાઇ સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આપણે ગઢ માટે તો ખુલ્લેઆમ પત્રિકાઓ વેચી દીધી છે. જાહેર મંચ પરથી કીધું છે કે, સ્થાનિક વ્યક્તિને ચૂંટો તો ઇડરિયા ગઢનું ખનન બંધ થઇ જશે. અને ખનન કરનારા રમણલાલ વોરાના જ માણસો છે. લીઝ તેમના નામે છે અને પ્રજાને ખબર છે કે, આ તેમના માણસો છે. તેમને બચાવવા જ 71 વર્ષે રમણલાલ મેદાનમાં આવ્યા છે. મેં ફોર્મ ભરતાં પહેલાં જ કીધું છે કે જેસીબી, હિટાચી સામે સૂઇ જવું પડે તો મંજૂર છે પણ ધારાસભ્ય મને બનાવો. 30 વર્ષથી બહારના માણસોને ચૂંટો છો. એક તક સ્થાનિકને આપો. 2012માં મને ટિકિટ મળી હતી. 2017માં મળી નહોતી. ગઢ બચાવવાની શરૂઆત જ અમે કરી છે. 10 વર્ષ પહેલાં વિશ્વ હેરિટેજના દિવસે મેં સ્પીચ આપી હતી. કોંગ્રેસ પક્ષમાં આ અંગે ઠરાવ કર્યો હતો અને પ્રાંતને આવેદનપત્ર પણ આપ્યું હતું. તેનો બધો રેકર્ડ મારી પાસે છે. અમે તો ક્યારના મથીએ છીએ કેમ કે તે રોડ પર મારું ગામ છે દંત્રોલી. 500 મીટરમાં બ્લાસ્ટિંગ ના કરી શકે પણ તે લોકો કરતા હતા. રોડ પર ફેક્ટરીઓ બનાવવાની મંજૂરી પણ સરકારે આપી છે. ખનનનો જે રસ્તો જાય છે તે પાછળનો રસ્તો મારા વતને જવાનો છે. પ્રથમ વિરોધ જ મેં કર્યો હતો. પછી જ ગઢ બચાવો સમિતિ બની છે. ઇડર ગઢ બંધ, અમે પત્રો લખ્યા છે. હવે થાકી ગયા છીએ. આ મુદ્દો ધારાસભ્ય અનિલ જોશિયારા પાસે હાઉસમાં ઉઠાવડાવ્યો હતો. કાંઇ થયું નથી.

ઈડર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર રામભાઈ સોલંકી
ઈડર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર રામભાઈ સોલંકી

એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, સરકાર ભલેને ભાજપની હોય પણ સંવિધાનમાં બેઠેલ વ્યક્તિ ઘણું બધું કરી શકતો હોય છે. ધારાસભ્ય તાકાતવાળો હોય તો બધું કરાવી શકે. પ્રજા સાથે હોય પછી શું જોઇએ. ખનન માફિયાઓ કોર્ટમાં જઇને ઓર્ડર લઇ આવ્યા છે. તે લોકોએ પ્રજા પર કેસ કર્યા હતા. અમારે જામીન લેવા પડ્યા તેવી સ્થિતિ થઇ હતી. ધારાસભ્યોની આગેવાની લઇને 10 હજાર માણસને લઇને બેસી જાય તો સરકારની તાકાત છે કે ઉઠાવે. ઇડરની પ્રજાને વિનંતી કરીએ છીએ. તેમણે કહ્યું કે, સિંચાઇ માટે 25 વર્ષથી વલખાં મારીએ છીએ. જીઆઇડીસી નથી. કેટલાક ચોક્કસ માણસો જીન હતું તે ખાઇ ગયા. કોંગ્રેસના જમાનાનું જીન હતું ત્યાં કોમર્શિયલ સેન્ટર બનાવીને કમાવવાનું સાધન બનાવી દીધું. કોંગ્રેસે અહીં મોહનપુરા પાટિયા પાસે દિવેલા પ્લાન્ટ માટે જમીન રાખી હતી, તેમના 8થી 10 મળતિયાઓનો વિકાસ થઇ રહ્યો છે. હિન્દુ-મુસ્લિમ, ભારત-પાકિસ્તાનની વાત કરીને લોકોમાં બે દિવસ માટે ઝેર ફેલાવી દે છે.

અમે નગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયત અને ધારાસભા જીત્યા, ઇડરનો ગઢ નડવો જોઇએ ને: રમણલાલ વોરા
ઇડર મતક્ષેત્રના ભાજપના ઉમેદવાર રમણલાલ વોરાએ દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે, ગઢનો 1995નો પ્રશ્ન છે. આજનો નવો પ્રશ્ન નથી. તે ઊભો કરનારો પણ હું છું. અમારો ડુંગર બોડો છે. જેથી ત્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો. તે ડુંગર મહારાજ હસ્તક હતો. તેમણે કાર્યક્રમ કરવાની ના પાડી. એ વખતે શહેરી જમીન ટોચમર્યાદા ધારાનો તેમણે કેસ કર્યો. જે વખતે ઇડર સ્ટેટ સોંપ્યું તે વખતના કાગળો બાકીનું બધું હતું. સરવાળે હાઇકોર્ટે હુક્મ કર્યો હતો. 1-3 જમીન ટોચમર્યાદા ધારા અન્વયે સરકાર તેનો ઉપયોગ કરી શકશે. જ્યારે સોંપ્યો ત્યારે સરકાર સામે ત્રણ શરતો હતી. જે ખનન કરે છે તેમણે રોકાણ કર્યું હોવાથી રોકાણની રકમ આપી છૂટા કરવા અથવા તેમને ત્યાંથી બીજી જગ્યાએ શિફ્ટ કરવા અથવા ત્રીજો તે જ્યાં ખનન કરે છે ત્યાં કોઇપણ ધાર્મિક સ્થાનથી 200 મીટર દૂર ખનન કરવાની સરકારે મંજૂરી આપવી, અને સરકારે મંજૂરી આપી હતી. બધી જ લીઝ સરકારે આપી દીધી છે. લીઝ સિવાય કોઇ કાંઇ કશું કરી ના શકે અને એમનેમ કોઇ ખનન કરી શકે નહીં અને કોઇ કરવા પણ ના દે. જેમ રાજસ્થાનમાં આરસનું ચાલે છે તેમ અહીંયા 17 કલરના ગ્રેનાઇટ છે. ઉપરથી પથ્થર લાગે અંદર ગ્રેનાઇટ હોય છે. આ કામ હું હતો તે પહેલાંથી ચાલે છે.

ભાજપના ઉમેદવાર રમણલાલ વોરા તેમના કાર્યકરો સાથે.
ભાજપના ઉમેદવાર રમણલાલ વોરા તેમના કાર્યકરો સાથે.

તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, હાઇકોર્ટનો ચુકાદો અને સરકારે જે હુક્મ કર્યો છે, બંને આધારે જ્યાં સુધી તેનો અભ્યાસ ના કરીએ ત્યાં સુધી આ ખનન ગેરકાયદેસર છે તો તે ખોટી વાત છે. હાઇકોર્ટના હુકમ અને રાજ્ય સરકારના પરિપત્ર પ્રમાણે ચાલે છે. 1995થી 2017 સુધી હું ત્યાં જ હતો. હાઇકોર્ટ હુકમ કરે અને સરકાર અમલીકરણ કરે. તો પછી લોકલ ધારાસભ્ય હું નહીં કોઇપણ હોય, કશું ના કરી શકે. રમણલાલ વોરાએ કહ્યું કે, ગઢ બચાવો સમિતિમાં ચાર જણા છે 3-4 બહુમતીથી નગરપાલિકા જીત્યા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ધારાસભા જીત્યાં તો ગઢ નડવો જોઇએ ને. ત્રણ-ચાર જણા લઇને ફરે છે તેમનો શું ઇરાદો છે તે હું તમને કહું તે બરોબર નથી. તો ચાલવા દો. મીડિયા આ વિષયને ઉપાડે છે અમે બોલતાં નથી. ગામમાં ક્યાં ઝઘડો કરવો. મેં તમને કહ્યું હાઇકોર્ટનો હુક્મ અને રાજ્ય સરકારના પરિપત્ર વિરુદ્ધ તો કોઇ કાંઇ કરી નહીં શકે. હાઇકોર્ટના હુક્મ પ્રમાણે જ ખનન થાય છે.

તેમણે કોંગ્રેસના ઉમેદવાર અંગે કહ્યું કે, કોંગ્રેસની કોઇ દિવસ જીતવાની સંભાવના નથી. આજેય નહીં અને આવતીકાલે પણ નહીં. 1995થી ભાજપની સત્તા ચાલે છે. એ તો કહે કે ગઢ પરથી પડતું મૂકવાનો છું. તેમનું જાય છે શું? એટલે એ તો વાત કરે. એમની કોઇ સંભાવના જ નથી. અમે ફરીથી સરકારમાં આ અંગેની રજૂઆત કરીશું. સરકાર આની અંદર પુનઃ વિચારણા કરે. હું સરકારની બહાર હોઉં અને હું સરકારની વાત કરવા જઉં તો મતલબ નથી.

હાઇકોર્ટના હુક્મના આધારે સરકાર તરફથી લીઝ અપાઇ છે: સાબરકાંઠા જિલ્લા કલેક્ટર
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર હિતેષ કોયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઇડર ગઢ વિસ્તાર છે. તે ડુંગર પર 17 કે 18 જેટલી લીઝ વર્ષો પહેલાં આપવામાં આવી હતી તે બધી પ્રાઇવેટ નામ પર છે. તે સરકારી લેન્ડ નથી. પ્રાઇવેટ ઓનરશિપ લેન્ડ છે. રજૂઆત થઇ એટલે જે તે વખતના કલેક્ટરે લીઝ રદ કરી નાખી હતી. એટલે લીઝ હોલ્ડરો હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટના આદેશના પગલે જિઓલોજીના કમિશનર તરફથી એક લીઝ ગઢ રેડિએશનમાં આવતી હોવાથી કાયમી રદ કરી નાખી હતી. જ્યારે બેથી ત્રણને અંશતઃ ચાલુ રાખવામાં આવી હતી. જ્યારે 12થી 15 ગઢથી દૂર હોવાથી ચાલુ જ છે. હાઇકોર્ટના હુક્મના આધારે સરકારે નિર્ણય કર્યો છે.

નગરપાલિકા - તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન
ઇડર વિધાનસભા મતક્ષેત્રમાં આવતી ઇડર અને વડાલી નગરપાલિકામાં તેમજ બંને તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે. તેમાંય ઇડર નગરપાલિકામાં તો 1995થી ભાજપનું શાસન છે. હાલમાં 28 પૈકી 20 બેઠકો ભાજપ તથા છ કોંગ્રેસ અને બે અપક્ષના સભ્યો છે. જ્યારે તાલુકા પંચાયતની સ્થિતિ જોઇએ તો બંને તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા પર છે. તે જ રીતે સહકારી ક્ષેત્રની વાત કરીએ તો માર્કેટ યાર્ડમાં પણ ભાજપ પ્રેરિત પેનલના ડિરેક્ટરો હાલમાં વહીવટ કરે છે.

બોલિવૂડ ગીત માટે અમિતાભ ઈડરના ગઢમાં શૂટિંગ કર્યું હતું.
બોલિવૂડ ગીત માટે અમિતાભ ઈડરના ગઢમાં શૂટિંગ કર્યું હતું.

અમિતાભ બચ્ચનના કભી કભી આલ્બમવાળા ડુંગરો નામશેષ થઇ ગયા
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચેન ઉર્ફે બિગ બીએ ઇડરના લાલોડ ગામ પાસે આજથી ત્રીસેક વર્ષ પહેલાં કભી કભી આલ્બમનું શૂટિંગ કર્યું હતું. ઇડર પાસેના ડુંગરની શિલાઓથી આકર્ષાઇને જ ત્યાં આખા આલ્બમનું શૂટિંગ કર્યું હતું. જેના કારણે ડુંગરાઓની સુંદરતા ફિલ્મરસિકોથી માંડીને સૌ કોઇની નજરમાં આવી હતી. ત્યાં આજે ડુંગરા નામશેષ થઇ ગયાની જાણ થતાં દિવ્ય ભાસ્કરની ટીમ તે સ્થળે તપાસ કરવા પહોંચી હતી. ત્યારે જોયું તો આ ડુંગરા પર જેસીબી અને બુલડોઝરો ફરી વળતાં ડુંગરાઓ અને તેની શિલાઓનું નામોનિશાન રહ્યું નથી. શિલાની એક એક કાંકરી ખરી પડી છે.

ડુંગરાના સ્થળ જમીનદોસ્ત થઇને આજે 100 ફૂટથી ઊંડો કૂવો બની ગયો
ખનન કરતી એજન્સીઓએ આખાય ડુંગરના પથ્થરોનું ખનન કરીને જમીનદોસ્ત કરી દેતાં ડુંગરના સ્થળે આજે 100 ફૂટથી ઊંડો ખાડો મતલબ કે કૂવો બની ગયો છે. જેના કારણે અમિતાભ બચ્ચનના કભી કભી આલ્બમમાં કંડારાયેલાં ડુંગરાઓ કભી થા એવી સ્થિતિ નિર્માણ પામી છે. જેનાથી કલારસિકો સહિત ફિલ્મરસિકો અને પર્યાવરણ માટે લડનારા કુદરતી સૌંદર્ય પ્રેમીઓમાં ભારોભાર રોષ ફેલાયો છે. ત્યાં સુધી કે ઇડરના રહીશોમાં પણ આક્રોશ ભભૂકી રહ્યો છે.

અમિતાભ બચ્ચને જે પથ્થરો પર શૂટિંગ કર્યું હતું તે હવે નામશેષ થઈ ગયા છે.
અમિતાભ બચ્ચને જે પથ્થરો પર શૂટિંગ કર્યું હતું તે હવે નામશેષ થઈ ગયા છે.

આઠ હેક્ટર જગ્યા લીઝ પર ચાર એજન્સીને અપાઇ
અમિતાભ બચ્ચને કરેલા કભી કભી આલ્બમના ડુંગરાનું ખનન કરવાની લીઝ સરકાર દ્વારા ચાર એજન્સીઓને આપવામાં આવી છે. જેમાં શક્તિ સ્ટોન, ગ્રીન શિલા, જેમ આશાપુરા તથા મુહ ગ્રેનાઇટનો સમાવેશ થતો હોવાનું એજન્સીના સ્ટાફે જણાવ્યું હતું. જ્યાં મસમોટાં આધુનિક સાધનો જેવાં કે હિટાચી મશીન, જે.સી.બી. તથા બુલડોઝર ફેરવીને ડુંગરને નામશેષ કરી દીધો છે. આ એજન્સીઓને બે-બે હેક્ટર મળીને કુલ આઠ હેક્ટરની લીઝ આપવામાં આવી હતી. આમ તો નિયમ પ્રમાણે રોડથી 200 મીટરના અંતરે ખનનની કામગીરી કરવાની લીઝ આપવામાં આવતી હોય છે. પરંતુ હાલ તે રસ્તાને અડોઅડ જ આ કામગીરી ચાલી રહી છે. જો કે આ અંગે એજન્સીના સ્ટાફે કહ્યું કે, પહેલાં રોડ ગામના તળાવ પાસે હતું. હમણાં સ્ટોન ફેક્ટરીઓની નજીક થઇ ગયો છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે અમિતાભ બચ્ચન જ્યારે આલ્બમ બનાવવા આવ્યા ત્યારે પણ લીઝ હતી જ. પરંતુ તે સમયે એક ખૂણામાં કામ ચાલતું હતું.

રોડ તૂટીને ગામના ઘરના પ્રાંગણમાં પડતા હતા
લાલોડા ગામ વિસ્તારમાં ડુંગર ખનનની કામગીરી ચાલતી હોવાથી નજીકમાં જ રહેતા લોકોના ઘરના પ્રાંગણમાં પથ્થરો તૂટીને તેમને ત્યાં પડતા હતા. જેથી ગ્રામજનોએ આ અંગે લીઝ પરમિટધારકોને રજૂઆત કરી હતી. ત્યાર પછી પથ્થરો નહીં પડતાં હોવાનું સ્થાનિક ગ્રામજનોએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું.

શૂટિંગ થયું હતું ત્યાં ખાડો થઇ ગયો છે તેવી કોઇ વિગત મારા ધ્યાનમાં નથી
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર હિતેષ કોયાએ આ અંગે જણાવ્યું હતું કે, શૂટિંગ થયું હતું ત્યાં ખાડો થઇ ગયો છે તેવી કોઇ વાત મારા ધ્યાનમાં નથી, ખનન કરવા માટેની પરવાનગી હશે તેના આધારે જ તેઓ ખનન કરતાં હશે.

અન્ય સમાચારો પણ છે...