ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો જંગ જામ્યો છે. ભાજપનો ગઢ ગણાતી ઘાટલોડિયા બેઠક જીતવી ભાજપ માટે જાણે રમતની વાત છે. જ્યારે કોંગ્રેસ માટે આ બેઠક પર જીત મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન છે. તો સમગ્ર ગુજરાતની 182 બેઠકો પૈકી ઘાટલોડિયાની બેઠકનો ગાંધીનગરની ગાદી સાથે સીધો જ સંબંધ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે આ બેઠક પરથી ગુજરાતના મુખ્યમંત્રી બનવાનો રસ્તો જ ખુલી જાય છે. જ્યારથી નવું સીમાંકન અસ્તિત્વામાં આવ્યું છે. એ પછી આ બેઠક પરથી આનંદીબેન પટેલ અને ભૂપેન્દ્રભાઈ પટેલ અહીં કેસરીયો લહેરાવી રહ્યાં છે. એટલું જ નહીં આ બંન્ને ગુજરાતના મુખ્યમંત્રી પણ બન્યા છે. ત્યારે ગેમ ઓફ ગુજરાતમાં આવો જાણીએ કે જનતાના મિજાજથી લઈને અહીંના રાજકીય સમીકરણો વિશે.
2008માં અસ્તિત્વમાં આવી ઘાટલોડિયા બેઠક
ઘાટલોડિયા બેઠક 2008માં થયેલા નવા સીમાંકન પછી અમદાવાદ જિલ્લામાં આવી. ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર અંતર્ગત આવતી આ બેઠક કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહનું મતક્ષેત્ર ગણાય છે.
આ વિધાનસભા બેઠક હેઠળ કયા ગામો આવે છે?
આ વિધાનસભા બેઠક હેઠળ અમદાવાદ શહેર-તાલુકાના ત્રાગડ, ઘાટલોડિયા, મેમનગર તથા દસક્રોઇ તાલુકાના લપકામણ, લીલાપુર, ખોડીયાર, છારોડી, જગતપુર, હેબતપુર, ભાડજ, શીલજ, ચેનપુર, ઓગણજ, ઘુમા, શેલા, સોલા, બોડકદેવ, આંબલી, ગોતા (સીટી), થલતેજ (સીટી), બોપલ (સીટી) ગામનો સમાવેશ થાય છે.
આ બેઠક ગાંધીનગરની ગાદી માટેનો દરવાજો
આ બેઠકની એવી પણ માન્યતા છે. કે, આ સીટ પરથી જે ઉમેદવાર જીત છે. તેના માટે મુખ્યમંત્રી બનવાનો દરવાજો ખૂલી જાય છે. કેમ કે, 2012માં અહીંથી જીતેલા આનંદી બેન પટેલ અને એ પછી 2017માં જીતેલા ભૂપેન્દ્ર પટેલના હાથમાં ગુજરાતની કમાન આવી છે. તો એવી પણ માન્યતા છે કે આ ભાજપનો ગઢ હોવાથી અહીં ભાજપમાં જે પણ વ્યક્તિ ઉમેદવારી કરે તેની જીત નક્કી માનવામાં આવે છે.
2017માં ભૂપેન્દ્ર પટેલની રેકોર્ડબ્રેક જીત
ભૂપેન્દ્ર પટેલ 2017માં અહીંથી 1 લાખ 75 હજાર મતોથી ચૂંટણી જીત્યા હતા. આ દરમિયાન 2021માં વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી હટાવાયા ત્યારે અચાનક ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાનના અનુયાયી છે.
ઘાટલોડિયા બેઠક પર કોંગ્રેસની ખરાબ હાલત
આ સાથે જ મુખ્ય વિપક્ષ કોંગ્રેસ આ બેઠક પર અત્યાર સુધી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે, 2012ની ચૂંટણીમાં આનંદીબેન પટેલ સામે ચૂંટણી લડેલા રમેશભાઈ પટેલને માત્ર 44 હજાર મત મળ્યા હતા, જ્યારે આનંદીબેન પટેલને 1 લાખ 54 હજાર મત મળ્યા હતા. આ સિવાય 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના શશિકાંત પટેલને 57902 વોટ મળ્યા હતા જ્યારે ભાજપના ભૂપેન્દ્ર પટેલને 1,76,552 વોટ મળ્યા હતા. જો કે આ વખતે કોંગ્રેસે આ બેઠક પરથી રાજ્યસભાના સભ્ય અમીબેન યાજ્ઞિકને મેદાનમાં ઉતાર્યા છે.
અમીબેન અને ભૂપેન્દ્રભાઈ વચ્ચે જામશે જંગ
ભાજપે પહેલી યાદી જાહેર કરી તેમાં ઘાટલોડિયા બેઠક પરથી હાલના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને રિપીટ કર્યા છે. ત્યારે કોંગ્રેસે આ વખતે અમીબેન યાજ્ઞિકને મેદાને ઉતાર્યા છે. અમી બહેન રાજ્ય સભાના સાંસદ, શિક્ષિત અને અભ્યાસુ હોવાના કારણે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. જો કે, આ બેઠક ભાજપનો ગઢ હોવાના કારણે અહીં ભાજપનું પલડું ભારે હોય તેમ મનાઈ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.