ભાસ્કર ઇન્ટરવ્યૂઅર્જુન મોઢવાડિયાને ભાજપનાં કમલમ કેવાં લાગે છે?:CM ભૂપેન્દ્ર પટેલને સારા કહીને જબરો ટોણો માર્યો, પાટીલના સર્ટિફિકેટ પર પણ ખુલીને બોલ્યા

5 દિવસ પહેલાલેખક: કમલ પરમાર

દિવ્ય ભાસ્કરઃ બાબુભાઈ બોખીરિયા બે ટર્મથી જીતતા આવ્યા છે ત્યારે હેટ્રિકને રોકવા અર્જુનભાઈની શું સ્ટ્રેટેજી છે?
અર્જુન મોઢવાડિયાઃ અહીં ભાજપ સામે લડાઈ છે. ઉમેદવાર કોણ છે એ બહુ મહત્ત્વનું નથી, કેમ કે અહીંની જનતા અમારા બંનેનાં ચારિત્ર્યને ઓળખે છે. ગુજરાતની જનતા છેલ્લાં 27 વર્ષના ભાજપના કુશાસનથી ત્રસ્ત થઈ ગઈ છે. તેણે 27 વર્ષમાં માત્ર પોરબંદર જ નહીં, સમગ્ર ગુજરાતમાં સરકારી સ્કૂલો, કોલેજો, ડેમો, બસ ડેપો નથી બનાવ્યા. તેણે પોતાના માટે જ નવા કમલમો બનાવ્યા. રિલાયન્સના ભવ્ય મોલ જેવા તો ભાજપનાં જિલ્લાકક્ષાનાં કાર્યાલયો છે. ભાજપે ભ્રષ્ટાચારનાં નાણાં આ બન્ને જગ્યાએ કેન્દ્રિત કર્યા છે. લોકોની સુવિધા ઝૂંટવી છે. પહેલાં ગામડામાં 100 વારનો પ્લોટ અને એના પર મકાન, શહેરમાં હાઉસિંગ બોર્ડના મકાન, સ્લમ વિસ્તારમાં ત્યાંના લોકો માટેનાં મકાન, શાળામાં પૂરતા શિક્ષકો હતા. આજે શિક્ષકોના પ્રશ્નો છે. ક્યાંક શિક્ષકો નથી ને ક્યાંક તો એક જ શિક્ષકથી આખી શાળા ચાલે છે. કોલેજોમાં પ્રોફેસરોની જગ્યાઓ ખાલી, દવાખાનામાં ડૉક્ટરોની જગ્યા ખાલી. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને કાયદો વ્યવસ્થા આજના મુદ્દાઓ છે.

દિવ્ય ભાસ્કરઃ ભાજપે સ્માર્ટ સ્કૂલો બનાવીને બાળકોને શિક્ષણ પૂરું પાડ્યું છે?
અર્જુન મોઢવાડિયાઃ એ કદાચ ભાજપના લોકોએ જોયું હશે, પણ આ રાજ્યના વિદ્યાર્થીઓએ જોયું નથી. શાળાઓ ખખડધજ હાલતમાં છે. 50 વર્ષ પહેલાં જે શાળા બની છે એમાં એકપણ ટાંકણી પણ ભરાવી શકાતી નથી, જ્યારે અત્યારની શાળાઓ જુઓ. આજે શિક્ષણમાં ગુજરાતમાં 1થી 10 અગ્રણી રાજ્યોમાં આવતું નથી કે એકપણ વૈશ્વિક કક્ષાની સંસ્થા ઊભી કરી શક્યા નથી. આ સ્થિતિ ગુજરાતની છે. જો તમારે શિક્ષણ જ જોવું હોય ને તો તામિલનાડુ કે કેરળ જવું પડે, જ્યાંનું શિક્ષણ આજે વૈશ્વિક કક્ષાનું છે. રાજસ્થાનમાં પણ 2 હજાર અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરાઈ છે. અહીં તો એવી પરિસ્થિતિ છે કે અંગ્રેજી માધ્યમમાં ભણવું હોય તો ખાનગી શાળામાં જવું પડે. અહીં શિક્ષણનો સ્તર ખૂબ જ કથળ્યો છે. કોરોના સમયે સરકારી હોસ્પિટલનું આખું સ્ટ્રકચર ખોરવાઈ ગયું. જો રાજસ્થાન મોડલનાં વખાણ થાય તો આપણા મોડલનાં કેમ વખાણ નથી થતાં.

દિવ્ય ભાસ્કરઃ ભાજપની કોરોનામાં કરેલી કામગીરી વિશે શું કહેશો?
અર્જુન મોઢવાડિયાઃ આ દેશના વડાપ્રધાન છે એ ભાજપના છે. તેમણે મુખ્યમંત્રીઓની કોન્ફરન્સમાં કહ્યું હતું કે રાજસ્થાન મોડલની બીજા મુખ્યમંત્રીઓએ અનુસરવું જોઈએ. કોરોનાને અટકાવવા માટેનાં પગલાં કઈ રીતે લીધાં, સારવારથી લઈને કેટલી એફિશિયન્સીથી આ કામ કર્યું એ બધા જ જાણે છે. રાજસ્થાનનું મોડલ તો વૈશ્વિક સ્તરે વખણાયું હતું, જેની નોંધ WHOએ પણ લીધી હતી.

દિવ્ય ભાસ્કરઃ આવા વૈશ્વિક મુદ્દા પર તમે રાજનીતિ કરો છો એ કેટલી યોગ્ય?
અર્જુન મોઢવાડિયાઃ જેણે સારી કામગીરી કરી હોય એને વખાણવી જ પડે. કેરળમાં કોમ્યુનિસ્ટ સરકાર હતી એના આરોગ્યમંત્રીએ શ્રેષ્ઠ કામગીરી કરી તો એ વખાણવી જ પડે. મુંબઈમાં શિવસેનાની સરકાર હતી અને એમના મુંબઈના કમિશનરે સારી કામગીરી કરી તો એને વખાણવી જ પડે. નબળી કામગીરીએ એમાંથી કંઈક શીખવું જ જોઈએ. આજે ગુજરાતમાં સૌથી નબળી કામગીરી છે. એ સમયે ગુજરાતમાં લાઈનો લાગી હતી. ઈવન અમારા પોરબંદરમાં દર્દીઓની લાઈન લાગી હતી ને ભાવસિંહજી હોસ્પિટલમાં બોર્ડ માર્યું કે અમારા ત્યાં જગ્યા નથી એટલે દર્દીઓને લેવામાં નહીં આવે, એ સમયે લોકો તરફડિયાં મારતા હતા. ત્યારે મેં ત્યાં પહોંચીને એ બોર્ડ ઉતરાવ્યું હતું. અમારા કાર્યકરતાઓ કામે લાગ્યા, ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા કરાવી આપી. વેન્ટિલેટરવાળી એમ્બ્યુલન્સ પણ અમે અપાવી હતી. એટલે ગુજરાતનું કોરોનામાં તો સાવ શરમજનક જ મોડલ હતું. આજે પણ ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને કાયદો વ્યવસ્થા ખોરવાઈ છે.

દિવ્ય ભાસ્કરઃ કોંગ્રેસ વિરોધ પક્ષની ભૂમિકામાં કેમ જોવા નથી મળતી?
અર્જુન મોઢવાડિયાઃ એના માટે કંઈ તલવાર લઈને રસ્તામાં લડવા જવાનું, વિરોધ પક્ષ આંદોલન કરે, વિધાનસભામાં પોતાનો પ્રસ્તાવ રજૂ કરે અને એ રાખ્યો પણ છે. આજે પણ રાખીએ છીએ. સૌથી મોટી વાત તો એ છે કે ભાજપની સરકાર કેટલી નકામી હશે કે આખી વિજય રૂપાણીની સરકારને મંત્રીઓ સહિતને બદલી નાખ્યા એવા તો શું કુકર્મો કર્યાં કે ભાજપના હાઈ કમાન્ડના ધ્યાનમાં આવ્યાને આખી સરકાર બદલવી પડી. આખી એવી સરકાર લાવ્યા, જેને કોઈ ઓળખતું પણ નથી. અત્યારે તો સી.આર પાટીલ એમ કહે છે કે અમારા મુખ્ય મંત્રી તો એટલા સીધા છે કે તેમની પાસે કોઈ ફાઈલમાં સહી ન કરાવી જાય એનું અમારે રખોપું કરવું પડે છે. તમે સરકાર કેવી લાવ્યા છો એનું સર્ટિફિકેટ હું નહીં, પણ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આપે છે.

દિવ્ય ભાસ્કરઃ કોંગ્રેસ પર સીધા આક્ષેપ છે કે કોંગ્રેસ માત્ર 4થી 5 લોકોથી ચાલે છે?
અર્જુન મોઢવાડિયાઃ આ વાત તદ્દન વાહિયાત વાત છે. આજે અમારા ઉમેદવારોની સરેરાશ ઉંમર 50 વર્ષની છે. અમે ખૂબ જ મોટા પ્રમાણમાં યુવાનોને ટિકિટ આપી છે.

દિવ્ય ભાસ્કરઃ તો કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયમાં વિરોધ જ ન થયો હોત ને?
અર્જુન મોઢવાડિયાઃ શું અહીં એક જ જગ્યાએ વિરોધ થયો છે. ભાજપમાં રાજીનામાં નથી પડ્યાં અથવા તો કોઈ પદ છોડીને નથી ગયા. ભાજપે પણ 13 જેટલા સીટિંગ ધારાસભ્યોમાંથી કેટલાક લોકોને સસ્પેન્ડ કર્યા છે. હજી કેટલાય બખાડા ચાલે છે. નીતિન પટેલને પણ કહેવું પડ્યું કે મારી જે લોકપ્રિયતા છે એ એટલી બધી હતી કે એને કોઈની નજર ના લાગે એટલે કાળું ટપકું કરાયું હતું, પણ તેમને ટિકિટ ન આપી. ભાજપમાં ઊકળતા ચરુ જેવી સ્થિતિ છે.

દિવ્ય ભાસ્કરઃ કોંગ્રેસમાંથી મોટા નેતાઓ કેમ ભાજપમાં જાય છે, શું કોંગ્રેસ નેતાઓને સાચવી નથી શકતી?
અર્જુન મોઢવાડિયાઃ એની સામે હું એમ પ્રશ્ન પૂછવા માગું છું કે અહીં રાજ્યસભાની ચૂંટણી હોય ત્યારે જ કેમ ખરીદ પરત ચાલે છે. એક સ્ટિંગ કર્યું, જેમાં ધારાસભ્યએ કહ્યું હતું કે મને 10 કરોડ આપ્યા હતા. અમારા 80 ધારાસભ્યો હતા, એમાંથી આવા 5 કે 10 લાલચુ ધારાસભ્ય હોય, જે બધી જ જગ્યાએ હોય છે. એના કરતાં પણ ભાજપનો સ્તર કેટલી નીચલી કક્ષાનો છે, જેણે અહીં સરકાર બનાવવા કાળાં નાણાં છૂટથી વાપરવાં પડે છે, પણ એ નાણાં ક્યાંથી આવે છે એ જ પ્રશ્ન છે. અત્યારે બાટલીઓ ચાલે છે તો આપણે પીવાવાળાને દોષ દઈએ છીએ, વેચવાવાળાને દોષ દેવો જોઈએ. ભાજપનું તો ખરીદ પરતનું મોડલ છે.

દિવ્ય ભાસ્કરઃ ભાજપ અને આમ આદમી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ મેદાને છે, પણ કોંગ્રેસ કેમ ઓફલાઇન મોડમાં જોવા મળે છે?
અર્જુન મોઢવાડિયાઃ અમે તો પહેલાંથી જ ઓનલાઈન મોડમાં છે. ગુજરાતમાં ભાજપનું અસ્તિત્વ જ નથી. અહીં ગુજરાતના નેતાઓ ક્યાં જોવા મળે છે. ચૂંટણી ગુજરાતની છે, ગુજરાતના મુખ્યમંત્રી બનાવવના છે. ગુજરાતના નેતાઓએ લડવાનું હોય એને બદલે વડાપ્રધાન દેશ ચલાવવાનું છોડીને દિલ્હીથી આવીને ગુજરાતની ચૂંટણીમાં આવવું પડે એ કેટલી મજબૂરી હશે. ક્યારેય એવું બને નહીં, ભારતના ઈતિહાસમાં બન્યું નથી કે એક રાજ્યની ચૂંટણીમાં પ્રધાનમંત્રી 30 દિવસમાં 9 દિવસ અહીં રહ્યા હોય.

દિવ્ય ભાસ્કરઃ લોકો કહે છે કે ગુજરાતના પુત્ર છે એટલે આવે છે અને તેમની લોકચાહના છે એટલે આવે છે?
અર્જુન મોઢવાડિયાઃ કેમ ગુજરાતના બીજા પુત્રો નથી. હવે ગુજરાતના બદલે દેશપુત્ર કેમ નથી કહેતા. એનું કારણ છે કે અહીં પગની નીચેથી ધરતી ખસી રહી છે. લખી રાખજો આ વખતે લોકોને ગુસ્સો છે. ભાજપે જે શબ્દો કહ્યા હતા એ જ શબ્દો પાછા આવે છે. બહુત હુંઈ મહેંગાઈ કી માર અબકી બાર મોદી સરકાર, 410નો બાટલો અત્યારે 1100 રૂપિયામાં મળે છે. અમે કહીએ છીએ કે અમે 500 રૂપિયામાં બાટલો આપીશું, પણ એ લોકો 300માં બાટલી વેચે છે. 50 રૂપિયાનું પેટ્રોલ 90થી 95 રૂપિયા થઈ ગયું. અહીં 3 રૂપિયા યુનિટ વીજળી હતી, જે 8 રૂપિયા થઈ ગઈ. કોઈની આવક બમણી નથી થઈ, બેરોજગારી પરાકાષ્ઠા પર છે. શિક્ષણ, આરોગ્ય અને અન્ય બાબતોનું વેપારીકરણ થયું છે. એટલાં કૌભાંડ થયાં. મોરબીનો પુલ તૂટ્યો, પણ એ ખાલી બ્રિજ જ નહોતો તૂટ્યો, એની સાથે પ્રજાનો વિશ્વાસ પણ તૂટ્યો.

દિવ્ય ભાસ્કરઃ રાહુલ ગાંધી દેશમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે, માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં પ્રચાર કરવા આવ્યા છે?
અર્જુન મોઢવાડિયાઃ ભારત જોડો યાત્રા એ દેશની એકતાને બચાવી અને ટકાવી રાખવા માટે છે. એ રાજનૈતિક યાત્રા નથી, એટલા માટે લાખ્ખો લોકો રોજ એમાં જોડાય છે. એટલા માટે એ યાત્રા 150 દિવસ ચાલવાની છે. ચૂંટણી અને આ યાત્રાને કંઈ જ લેવાદેવા નથી છતા જે દિવસે વિરામનો દિવસ છે ત્યારે રાહુલ ગાંધી આવવાના છે. ભૂતકાળમાં પણ તેઓ ત્રણ વખત ગુજરાતમાં આવી ચૂક્યા છે, પણ હું એમ કહું છું કે રાહુલ ગાંધી અહીં થોડી ચૂંટણી લડીને મુખ્યમંત્રી બનવાના છે. નરેન્દ્ર મોદી કે અરવિંદ કેજરીવાલ થોડા ગુજરાત ચલાવવાના છે. એ તો ગુજરાતના જે ધારાસભ્યો ચૂંટાશે તેમાંથી બનશે ને, તેમણે અને અમારે લડવું જોઈએ, અમે તો 27 વર્ષથી ગુજરાતમાં લડી રહ્યા છે.

દિવ્ય ભાસ્કરઃ અરવિંદ કેજરીવાલ જાહેરમાં ગેરંટી આપે છે કે કોંગ્રેસની પાંચ સીટ પણ નહીં આવે?
અર્જુન મોઢવાડિયાઃ આ બધા મુંગેરીલાલનાં હસીન સપનાં જેવી વાત છે.

દિવ્ય ભાસ્કરઃ પંજાબમાં પણ કહ્યું હતું કે કોંગ્રેસ નહીં આવે અને તમારી સીટો નહોતી આવી?
અર્જુન મોઢવાડીયાઃ જો મુંગેરી લાલનાં હસીન સપનાં છે... ફરી કહું છું કે આ પંજાબ અને દિલ્હીની વાત નથી. આ ગુજરાતની વાત છે. અહીં ઈન્દુચાચાની જનતા પરિષદ નહોતી ચાલી ને કોંગ્રેસમાં જોડાઈ ગઈ. ચીમનભાઈ પટેલ હોય, શંકરસિંહ વાઘેલા હોય કે કેશુભાઈ પટેલ જેવા દિગ્ગજ નેતા કે જેઓ લોકપ્રિય હોવાની સાથે ગુજરાતના નેતા હતા છતા પણ તેમની પાર્ટી થર્ડ ફોર્સ તરીકે નથી ચાલી અને જે સાવરણાવાળા આવ્યા છે તેમણે પોતાનો તંબૂ હિમાચલમાંથી સંકેલી લીધો. એવી તો કઈ સમજૂતી થઈ કે ત્યાંથી સંકેલીને અહીં આવી જવું પડ્યું. એ લોકો તો માત્ર વોટ કાપવા માટે અહીં આવ્યા છે. ભાજપ અહીં હારે છે, તેમને બચાવવા માટે તેઓ અહીં આવ્યા છે, એટલે મિલીજુલી કુસ્તી દેખાય, પણ એ તો વોટ કટાઉ પાર્ટી છે. આ જ રીતે અરવિંદ કેજરીવાલે ગોવા અને ઉત્તરાખંડમાં પણ કહ્યું હતું, પણ ત્યાંય હજી ખાતું પણ ખૂલ્યું નથી ને, ગુજરાતમાં પણ ખાતું ખૂલવાનું નથી. આ ગેરંટીની વાત છે, સરકાર બનાવવાની તો વાત જ ભૂલી જવાની, ખાતું નથી ખૂલવાનું. ચૂંટણી સમયે અહીં આવી જાય એટલે કંઈ પ્રજા મત આપી દેવાની, ગમે તેવા કાગળો પર સાચાં કે ખોટાં વચનો આપી દો, એટલે લોકો પણ તેમને ઓળખી ગયા છે કે આ તો વોટ કટાઉ પાર્ટી છે. હાસ્યાસ્પદ નિવેદનો છે આ બધાં.

દિવ્ય ભાસ્કરઃ પોરબંદરમાં કેટલા મતોથી જીતશો અને કોંગ્રેસને ગુજરાતમાં કેટલી સીટો મળશે?
અર્જુન મોઢવાડિયાઃ અમે ગુજરાતમાં 125 સીટ જીતીને સરકાર બનાવવાના છે અને ભારે બહુમતી સાથે પોરબંદરની સીટ પણ જીતીશું.

અન્ય સમાચારો પણ છે...