ગ્રાઉન્ડ રિપોર્ટ'અમે આંખો મીંચીને ધબધબાટી બોલાવીશું':'દેડકા તો ઠેકડા મારી મારીને ભાગશે', દાદાએ દાઢીએ હાથ ફેરવી દેવાવાળી કરી, મોરબીના મતદાતાઓએ કરી મનની વાત

20 દિવસ પહેલાલેખક: કમલ પરમાર

સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતી મોરબી વિધાનસભાની બેઠક પર આ ચૂંટણીમાં ખરાખરી ખેલ થશે. 1995થી કાંતિ અમૃતિયા આ બેઠક પર સતત ચૂંટાઈ આવતા હતા. 2017માં બ્રિજેશ મેરજાએ પાટીદાર આંદોલનની અસર હેઠળ કાંતિ અમૃતિયાને હરાવ્યા હતા. જોકે, પછીથી બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાઈ જતાં તેમને સરકારમાં મંત્રીપદ મળ્યું હતું. વાંકાનેરમાં મુસ્લિમ મતદારો નિર્ણાયક હોવાથી એ બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. 2007થી આ બેઠક કોંગ્રેસના કબજામાં છે. મોહમ્મદ પીરઝાદા સતત ત્રણ વખત કોંગ્રેસમાંથી ચૂંટાઈ ચૂક્યા છે અને કોંગ્રેસે સ્વાભાવિક રીતે તેમને રિપીટ કર્યા છે. બીજી તરફ ભાજપે જીતુ સોમાણીને ચૂંટણીજંગમાં ઉતાર્યા છે.

મોરબી-વાંકાનેરના મતદારોનો મિજાજ
મોરબી વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા અને વાંકાનેર બેઠક પર ભાજપ ઉમેદવાર જીતુ સોમાણી ચૂંટણી લડવાના છે. મોરબી અને વાંકાનેર બેઠકનો મિજાજ જાણવા દિવ્ય ભાસ્કર જ્યારે જનતાની વચ્ચે પહોંચ્યું તો ક્યાંક ભાજપનું તો ક્યાંક કોંગ્રેસનું સમર્થન જોવા મળતા જંગ રસપ્રદ બને એવી શક્યતા છે. જોકે મોરબીમાં પુલ હોનારત બાદ કાંતિભાઈ અમૃતિયાએ બચાવ કામગીરી કરી તેને લોકોમાં ભારે પ્રશંસા મળી હતી. લોકોએ કાંતિભાઈને ફાયદો થાય એવો મત વ્યક્ત કર્યો. બીજી તરફ વાંકાનેર બેઠકમાં ઘણા લોકોએ પરિવર્તનની ઈચ્છા વ્યક્ત કરીને ભાજપના જીતુ સોમાણીને સમર્થન આપવાની વાત કરી. છેલ્લાં પાંચ વર્ષમાં અહીં કોણે કેટલાં કામ કર્યાં તેનો અહેવાલ લોકોએ આપ્યો હતો. ઘણા મતદારોએ આમ આદમી પાર્ટીને શૂન્ય બેઠક આવશે તેવો દાવો કરી દીધો.

જ્ઞાતિનો ઝુકાવ ક્યા ‘પક્ષે’
મોરબી બેઠક પર જ્ઞાતિનાં સમીકરણો જોઈએ તો, 28 ટકા મતદારો સાથે પાટીદારોનું વર્ચસ્વ છે. 10 ટકા કોળી મતદારો અને 9 ટકા સથવારા સમાજના મતદારો નિર્ણયાક ભૂમિકામાં છે. એ ઉપરાંત, દલિત અને મુસ્લિમ મતદારો પણ પરિણામ બદલી શકવા સક્ષમ છે. બેઠકમાં મુસ્લિમ મતદારો 13 ટકા જ્યારે દલિત મતદારો 8 ટકા છે. આ મતદારો ભાજપને મત આપે છે કે કોંગ્રેસને તે નક્કી કરવું મુશ્કેલ છે.

ઝૂલતા પુલની દુર્ઘટનાનો રોષ
મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં 135 લોકોનાં મોત થયાં છે. આ ઘટનામાં હજુ પોલીસે અને સરકાર દ્વારા આરોપીઓ પર કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપ થયા છે . જો કે સમયસર પગલાં લેવામાં આવ્યાં નથી જેના કારણે ક્યાંક આંતરિક વિરોધ છે, ઉમેદવારોમાં આ દુર્ઘટનાની અસરો મતદાન પર થાય તેવો છૂપો ડર છે.

વાંકાનેર વિધાનસભા બેઠકની સમસ્યા
સતત ત્રણ ટર્મથી કોંગ્રેસ વાંકાનેર બેઠકથી ભાજપને માત આપે છે. અહીંના કોંગ્રેસ ઉમેદવાર મોહમ્મદ પીરઝાદાએ છેલ્લી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર સોમાણીને 1,361 માર્જિનથી હરાવ્યા હતા. હવે આ ચૂંટણીમાં પણ જીતુભાઈ સોમાણી ઉમેદવાર છે ત્યારે વાંકાનેરની પ્રજા કયા પક્ષ તરફ ઝુકાવ રાખે છે તે ખૂબ અગત્યનું બની રહેશે. વાંકાનેર શહેરમાં સૌથી વધુ ટ્રાફિક અને ગંદકીની સમસ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. જે આ વખતની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બની શકે છે. વાંકાનેર બેઠક પર જ્ઞાતિ સમીકરણો જોઈએ તો, 62 હજાર કરતાં વધુ કોળી સમાજના મતદારો છે. તો 52 હજાર મુસ્લિમ મતદારો અને 22 હજાર પાટીદાર સમાજના મતદારો પ્રભુત્વ ધરાવે છે. આ ઉપરાંત, માલધારી સમાજ અને દલિત સમાજ અનુક્રમે 20 હજાર અને 15 હજાર મતદારો સાથે નિર્ણાયક ભૂમિકામાં છે.

જીતેન્દ્ર સોમાણી
જીતુ સોમાણીના નામથી જાણીતા ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર સોમાણી વાંકાનેરથી ચૂંટણી મેદાને ઊતર્યા છે. સમસ્ત કોળી સમાજના સમર્થન સાથે જીતુ સોમાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું. ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં જીતુ સોમાણીના સમર્થનને લઈ ભંગાણ સર્જાયું હતું. કોંગ્રેસના પ્રભુભાઈ વીંજવાડિયા પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા પંચાયત મોરબી, અલુભાઈ ઉડેશા સરપંચ સરતાનપર, વીંજવાડિયા ભનુભાઈ પૂર્વ સરપંચ ભીમગુડા, મહેશભાઈ અઘારા, સાદુરભાઈ સરાવાડિયા, સહિત પંદર ગામના સરપંચો સાથે દોઢસોથી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસને રામ રામ કરી મોરબી જિલ્લા પ્રભારી પ્રકાશભાઈ સોની, બાબુભાઈ હુંબલ મહામંત્રી જિલ્લા ભાજપ, અરજણભાઈ રબારી વાંકાનેર 67 વિધાનસભા પ્રભારી સહિત આગેવાનોની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો. આ વખતે કોંગ્રેસના બદલે આ સમર્થકો જીતુ સોમાણી માટે મતદાનની અપીલ કરતા નજરે પડશે.

મોહમ્મદ પીરઝાદા
કોંગ્રેસના નેતા મોહમ્મદ જાવેદ પીરઝાદા વાંકાનેરથી ચૂંટાતા આવે છે. 15 વર્ષથી વાંકાનેર બેઠક પર પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. વર્ષ 2007, 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કારમી હાર આપીને જીત મેળવી છે. મોહમ્મદ પીરઝાદાના પિતા અબ્દુલ પીરઝાદા અને તેમના બે ભાઈ મંજૂર પીરઝાદા અને ખુર્શીદ પીરઝાદાએ પણ વાંકાનેરના પ્રતિનિધિ તરીકે કામ કર્યું છે. રાજનીતિમાં ઝંપલાવતા પહેલાં મોહમ્મદ પીરઝાદા એક શાળાના આચાર્ય હતા. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી BA અને B.Ed કર્યું છે. મોહમ્મદ પીરઝાદાને ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.