ભાસ્કર એક્સપ્લેનરએક્ઝિટ પોલ કેટલા સાચા પડે?:એ ચાર ચૂંટણીનાં અનુમાનથી ભાજપ હરખાયો, પણ સત્તાવાર પરિણામે ઊંધા માથે પછાડ્યા, જાણો 6 રોચક તથ્યો

2 મહિનો પહેલા

આપણા દેશમાં લોકસભા કે વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થાય એટલે તરત જ એક્ઝિટ પોલના આંકડા આવવાની શરૂઆત થઈ જાય છે. સામાન્ય રીતે મત ગણતરીના બે દિવસ પહેલાં વિવિધ મીડિયા દ્વારા રજૂ કરવામાં આંકડા ન માત્ર દર્શકો, વાચકોની ઉત્સુકતા વધારે છે, પરંતુ વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારોને પણ આ આંકડા એકવાર વિચારવા માટે મજબૂર તો કરી નાખે છે કે, 'આ વખતે એક્ઝિટ પોલના આંકડા આવ્યા છે, તે સાચા પડશે કે ખોટા?' ત્યારે છેલ્લાં 10 વર્ષમાં મતદાન બાદ કેટલાક ચૂંટણીના એક્ઝિટ પોલ, સત્તાવાર પરિણામોમાં કેટલા સાચા સાબિત થયા તે સમજો.

વર્ષ 2017ના એક્ઝિટ પોલ અને પરિણામ

વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ ખૂબ રસપ્રદ રહ્યા હતા, ટાઈમ્સ નાઉએ ભાજપને 115 અને કોંગ્રેસને 64 સીટ પર જીત મળવાનું અનુમાન કર્યું હતું. જ્યારે ટુડે ચાણક્યએ ભાજપને 135 સીટ અને કોંગ્રેસને માત્ર 47 સીટ મળશે તેવો એક્ઝિટ પોલ પ્રસારિત કર્યો હતો. એબીપી ન્યૂઝે ભાજપને 117 જ્યારે કોંગ્રેસને 64 સીટ પર જીત મળશે તેવું અનુમાન એક્ઝિટ પોલ મારફતે લગાવ્યું હતું. જ્યારે ઈન્ડિયા ટુડેએ ભાજપને 99થી 113 અને કોંગ્રેસને 68થી 82ની રેન્જમાં સીટ મળશે તેવો દાવો કર્યો હતો. છેલ્લા જ્યારે સત્તાવાર મત ગણતરી થઈ તો ભાજપ 100 બેઠકોનો આંકડો પણ પાર ન કરી શકી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 સીટ પર જીત મળી, જ્યારે કોંગ્રેસ 77 સીટ પર સફળ રહી, અન્ય પક્ષને 6 સીટ પર જીત મળી હતી.

વર્ષ 2012ના એક્ઝિટ પોલ અને પરિણામ

10 વર્ષ પહેલાં 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ન્યૂઝ 24એ એક્ઝિટ પોલ પ્રસારિત કર્યો હતો કે ભાજપ પોતાના તમામ રેકોર્ડ તોડીને 140 સીટ પર જીતી જશે અને કોંગ્રેસને માત્ર 40 સીટ મળશે. એબીપી ન્યૂઝે ભાજપને 126 અને કોંગ્રેસને 50 સીટ પર જીતનું એક્ઝિટ પોલમાં અનુમાન લગાવ્યું હતું. સી વોટરે ભાજપ 119થી 129 સીટ અને કોંગ્રેસ 49થી 59 સીટ જીતશે તેવો દાવો કર્યો હતો. 2012ની ચૂંટણીના સત્તાવાર પરિણામમાં ભાજપને 115 અને કોંગ્રેસને 61 સીટ પર જીત મળી હતી. એટલે ગુજરાતની ચૂંટણીના ઈતિહાસમાં ઘણા એક્ઝિટ પોલ મહદંશે અંતિમ પરિણામોની આસપાસ રહ્યા છે. કેટલીક સીટ ઉપર નીચે તો થઈ, પરંતુ ભાજપની સરકાર બનશે તે દાવા તમામ એક્ઝિટ પોલના સાચા સાબિત થયા.

જ્યારે એક્ઝિટ પોલનો અંદાજ ઊંધા માથે પટકાયો
​​​​
મતદારોના મનની વાત જાણીને સત્તાવાર પરિણામો પહેલાં જ આંકડો જાહેર કરી દેવો એ નાનીસૂની વાત નથી. એટલે જ ભૂતકાળમાં કેટલીક એવી પણ ચૂંટણીઓ થઈ, જેમાં એક્ઝિટ પોલમાં લગાવેલા અંદાજ કરતાં સત્તાવાર પરિણામો એકદમ વિપરીત આવ્યા હતા. જેમકે, વર્ષ 2021માં પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગના એક્ઝિટ પોલે ભાજપને 100થી વધુ સીટ પર જીત મળશે તેવા દાવા કર્યા હતા. પરંતુ મમતા બેનર્જીના ગઢમાં ભાજપને માત્ર 77 સીટ પર જ જીત મળી અને ભાજપ સરકાર બનાવી ન શક્યું.

હરિયાણામાં એક્ઝિટ પોલ ખોટા પડ્યા
વર્ષ 2019માં હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી. ઘણા એક્ઝિટ પોલમાં ભાજપને 70થી વધુ સીટ પર જીત મળશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે મત ગણતરી થઈ તો માંડ 40 સીટ પર ભાજપને જીત મળી શકી અને ભાજપને ગઠબંધન કરી સરકાર બનાવવી પડી.

બે લોકસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલ અને પરિણામ

અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ બાદ વર્ષ 2004માં દેશમાં લોકસભાની ચૂંટણી આવી હતી. ભાજપે ઈન્ડિયા શાઈનિંગનો નારો આપીને વિકાસનો ઘણો પ્રચાર કર્યો હતો. આ ચૂંટણીમાં એક્ઝિટ પોલનું અનુમાન હતું કે NDA સત્તામાં આવશે અને કોંગ્રેસને ફરીથી વિપક્ષમાં બેસવું પડશે. પરંતુ લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ કોંગ્રેસને સૌથી વધુ બેઠકો મળી હતી, અને ગઠબંધન કરીને UPAએ સત્તામાં આવી, ડૉક્ટર મનમોહનસિંહ દેશના પ્રધાનમંત્રી બન્યા હતા.

વર્ષ 2007 બાદ UPAની સરકારમાં કૌભાંડના આરોપ લાગવાના શરૂ થયા હતા. જેના બે વર્ષ બાદ 2009માં લોકસભાની ચૂંટણી આવી. ઘણી જગ્યાએ ચર્ચાઓ થવા લાગી કે આ વખતે UPAને જીતવું મુશ્કેલ છે. આ જ વાત એક્ઝિટ પોલમાં પણ જોવા મળી હતી. વિવિધ એક્ઝિટ પોલમાં સરેરાશ UPAને 199, NDAને 197 સીટનું અનુમાન લગાવ્યું હતું, પરંતુ અંતિમ પરિણામમાં UPAને 262, NDAને 159 સીટ મળી અને ડૉક્ટર મનમોહનસિંહ ફરીથી પ્રધાનમંત્રી બન્યા હતા. આમ ઘણી વખત એક્ઝિટ પોલના અનુમાન ખોટાં પણ પડી ચૂક્યાં છે.

અન્ય સમાચારો પણ છે...