ભાસ્કર ઇનડેપ્થકેવી રીતે થઈ ટિકિટની ‘ઝંખના’ ધૂળધાણી:47 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર કોળી પટેલની ટિકિટ કપાઈ, ભાજપના મોટા માથાએ પડદા પાછળ રહી ઝંખના પટેલની ગેમ કરી નાખી?

સુરત3 મહિનો પહેલાલેખક: દેવેન ચિત્તે

હાલ રાજ્યમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે. ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાંથી ઘણાની ટિકિટ કાપવામાં આવી છે, જેમાં સૌથી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ નામ હોય તો એ છે ચોર્યાસી સીટનું. આ સીટ પરથી ભાજપે સીટિંગ ધારાસભ્ય ઝંખના પટેલની ટિકિટ કાપી અનાવિલ એવા સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવતાં સૌકોઈને આશ્ચર્ય સાથે આંચકો લાગ્યો છે. 47 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ સીટ પરથી કોળી પટેલની ટિકિટ કાપવામાં આવી છે અને ઇતિહાસમાં પહેલીવાર અનાવિલને ટિકિટ આપી છે.

ચોર્યાસી સીટનો ઇતિહાસ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહ્યો છે. આ સીટ પરથી પૂર્વ મંત્રી નરોત્તમ પટેલ 1995થી લઈ 2012 સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ કોળી પટેલ સમાજના ધુરંધર નેતા રાજા પટેલ 2012માં આ સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમના નિધન બાદ પેટાચૂંટણીમાં તેમની દીકરી ઝંખના પટેલને ટિકિટ આપવામાં આવી હતી અને એમાં તેમનો વિજય થયો હતો. 2017માં પણ આ સીટ પરથી ઝંખના પટેલની જીત થઈ હતી, પરંતુ 2022માં તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે.

આટલા મજબૂત દાવેદાર છતાં એવું તો કયું ગણિત ગણ્યું કે ટિકિટ ન મળી
ઝંખના પટેલની ટિકિટ કાપવા પાછળનું કારણ સામાન્ય માણસને પણ ગળે ઊતરે એમ નથી, કારણ કે તમામ સમીકરણો તેમની તરફેણમાં હોવા છતાં ટિકિટ કેમ કાપવામાં આવી અને કયા મોટા માથાએ ઝંખના પટેલની વિકેટ પાડી દીધી એનો સૌકોઈને સવાલ સતાવી રહ્યો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઝંખના પટેલનો 1 લાખ 10 હજારની જંગી લીડથી જીત્યાં હતાં. તેમની છબિ પણ નિર્વિવાદ છે. માત્ર એટલું જ નહીં, કોરોના મહામારીમાં તેઓ સતત શ્રમિકો સાથે ખડે પગે રહ્યાં હતાં અને તેમની કામગીરીની પણ ખૂબ જ પ્રશંસા થઈ હતી. આ સિવાય જ્ઞાતિ સમીકરણો પણ ઝંખના પટેલની ફેવરમાં છે. આ સીટ પર 1.50 લાખ કોળી પટેલ અને પરપ્રાંતીય મતદારો છે. આમ છતાં તેમની ટિકિટ કેમ કાપવામાં આવી એ મતદારોની સમજની પણ બહાર છે.

ટિકિટ માટેની ગૂંચ ઉકેલવા પાટીલનો લીધો હતો અભિપ્રાય
ચોર્યાસી બેઠક પર 1.50 લાખ જેટલા કોળી પટેલ અને પરપ્રાંતીય મતદારોનો પ્રભાવ છે. કાંઠા વિસ્તારના કોળી પટેલોની સાથે સાથે પરપ્રાંતીય મતદારોમાં ઉત્તર ભારતીય મતદારો સૌથી વધારે છે. ત્યાર બાદ મરાઠી સહિતના અલગ અલગ સમાજના લોકોની વસતિ છે. આ વિધાનસભા બેઠક નવસારી લોકસભા મતવિસ્તારની છે. જ્યારે પણ કોઈ વિધાનસભાની સીટની ટિકિટ માટે ગૂંચ પડે છે ત્યારે તેમાં એ સીટના લોકસભા સાંસદનો અભિપ્રાય લેવામાં આવતો હોય છે, જેના સાંસદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હોવાને કારણે તેમને પણ આ બાબતે પૂછવામાં આવ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સી.આર. પાટીલે પણ ચોર્યાસી બેઠક પરથી પરપ્રાંતીયને ટિકિટ આપવામાં આવે તો સરળતાથી આ સીટ જીતી જવાય એવી વાત કરી હતી. જોકે તેની તરફેણમાં સી.આર.પાટીલ દ્વારા ખાસ લોબિંગ કરવામાં આવ્યું નહોતું.

સાથીઓએ જ સાથ ન આપ્યો?
ઝંખના પટેલ માટે સૌથી મુશ્કેલી સ્થિતિ ઊભી થઈ છે કે સ્થાનિક નેતાગીરીમાંથી તેમની તરફમાં સીધી રીતે કોઈ વાત કરવા તૈયાર થઈ રહ્યું નથી. કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ દ્વારા પણ સમર્થન કરવામાં આવ્યું નહોતું, પરંતુ તેઓ સુરત શહેરના સાંસદ છે, નવસારી લોકસભા વિસ્તારમાં ચોર્યાસી બેઠક આવતી હોવાને કારણે તેઓ ઝંખના પટેલને વધુ મદદ કરી શકે એમ નહોતાં.

માત્ર ત્રણ સીટ છોડી તમામ સીટ પર રિપીટ કર્યા ઉમેદવાર
ભાજપે ચોર્યાસી બેઠક પરથી સંદીપ દેસાઈનું નામ જાહેર કર્યું હતું. સુરત શહેર-જિલ્લામાં ભાજપે માત્ર ત્રણ બેઠક માંડવી, ચોર્યાસી અને કામરેજ સીટ છોડી તમામ બેઠક પર રિપીટ ફોર્મ્યુલા અપનાવી હતી, પરંતુ ચોર્યાસી બેઠક પર વર્તમાન ધારાસભ્ય ઝંખના પટેલની ટિકિટ કાપી સંદીપ દેસાઈને આપવામાં આવી હતી. સંદીપ દેસાઈને ટિકિટ અપાતા આ મામલે વિરોધ પણ સામે આવી રહ્યો છે. નારાજ કાર્યકરો આ મામલે વિરોધ નોંધાવી રહ્યા છે.

‘એક જ ચાલે ઝંખનાબેન જ ચાલે’નાં સૂત્રો વહેતા થયાં
ભાજપમાં ચોર્યાસી બેઠક પર ઝંખના પટેલને કોઈપણ કારણ વગર કાપવામાં આવી રહ્યા હોવાની વાતથી ભાજપમાં પણ હવે અસંતોષ જોવા મળી રહ્યો છે. વિશેષ કરીને ચોર્યાસી બેઠકના મતદારોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. એક જ ચાલે ઝંખનાબેન જ ચાલેનાં સૂત્રો પણ ચાલી રહ્યાં છે. સંદીપ દેસાઈના ફોટો પર ચોકડીનું નિશાન મારીને એકત્રિત થયેલા લોકોએ વિરોધ નોંધાવ્યો છે. ભાજપમાં ઘણી વખત એવી પણ ચર્ચા થતી હોય છે કે શિસ્તના નામ પર મવડીમંડળે લીધેલા નિર્ણયને પડકારવામાં આવતો નથી.

પિતાને કારણે ઝંખનાને પ્રજાનો ખૂબ સપોર્ટ
ઝંખના પટેલને લઈને હવે ધીરે ધીરે મામલો ગરમ થઈ રહ્યો છે. તેમના પિતા રાજા પટેલ કોળી પટેલ સમાજમાં અગ્રણી તરીકેની ભૂમિકા ભજવતા હતા. તેમના આ વિસ્તારમાં કરેલાં કામોને કારણે તેમની દીકરી ઝંખના પટેલ પણ જ્યારે રાજકારણમાં આવ્યાં ત્યારે સ્થાનિકોએ તેમને ખૂબ જ સપોર્ટ કર્યો હતો, એને કારણે તેઓ ભારે લીડથી જીતતી રહ્યાં છે, પરંતુ આ વખતે ભાજપમાં જ વહાલા દાવલાની નીતિને કારણે ઝંખના પટેલનું પત્તું કાપવામાં આવ્યું છે. જો આજ પ્રકારનો કાંઠા વિસ્તારમાં સતત મતદારોનો રોષ જોવા મળે તો ભારતીય જનતા પાર્ટીને તેનું નુકસાન પણ સહન કરવું પડે શકે છે.

ઝંખના પટેલ અંગે સંદીપ દેસાઈએ શું કહ્યું?
આ અંગે સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે ઝંખનાબેન અમારા માનનીય નેતા અને આગેવાન છે, એટલે બીજો કોઈ પ્રશ્ન રહેતો નથી. હું તેમને મળવાનો પણ છું તેમજ કોળી સમાજના આગેવાનોને મળીને બધા ભેગા મળીને ચૂંટણીના કામે લાગવાના છીએ, જોકે આ મામલે તેમણે બીજું કઈ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.

‘ભાજપની કોળી પટેલનું નિકંદન કાઢવાની માનસિકતા’
આ અંગે સ્થાનિક રહેવાસી દીપક પટેલે જણાવ્યું હતું કે 1975થી આ બેઠક પર કોળી પટેલ ઉમેદવાર રહ્યો છે અને એનો વિજય થયો છે. કોળી પટેલ મતદારો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને આ બેઠક પરથી વિજય અપાવતા રહ્યા છે. આ વખતે કોળી પટેલને ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે ટિકિટ આપવામાં આવી નથી. ભાજપ આ બેઠક ઉપરથી કોળી પટેલને ટિકિટ ના આપી કોળી પટેલનું નિકંદન કાઢવાની માનસિકતા રાખી રહ્યો છે, ત્યારે અમે સ્પષ્ટ શબ્દોમાં ભાજપને કહીએ છીએ કે અમે ભાજપનું નિકંદન કાઢી નાખીશું. ઉમેદવારનું નામ 24 કલાકની અંદર જો બદલવામાં ન આવે તો અમે ભાજપના એકપણ નેતાને અમારા વિસ્તારમાં પ્રવેશવા દઈશું નહીં.

જે આંગળી પકડીને રાજકારણમાં લાવ્યા તેનું જ પત્તુ કાપ્યું?
ચોર્યાસી સીટના ઉમેદવાર સંદીપ દેસાઈ સહકારી આગેવાન તરીકેની ઓળખ ધરાવે છે. સુરતમાં સૌથી પહેલા તેણે APMCમાં રમણ જાનીનો હાથ પકડીને APMCના રાજકારણમાં સક્રિય થયા હતા. જેની આંગળી પકડીને રાજકારણમાં આવ્યા, આખરે તેને જ ચૂંટણીમાં સંદીપ દેસાઈ અને તેની ટીમે હરાવ્યા હોવાની ચર્ચા પણ જોરશોરથી ચાલતી રહી છે. APMCની ચૂંટણીમાં રમણ જાનીને બહારનો રસ્તો બતાવવા માટે સંદીપ દેસાઈ અને ટીમ કામે લાગ્યા હતા. ત્યાર બાદ સુમૂલ ડેરીમાં પણ ડિરેક્ટર તરીકે સંદીપ દેસાઈ છે. અહીં રાજુ પાઠક સાથે રહીને સુમૂલ ડેરીની ચૂંટણીમાં પણ અનેક ખેલ કર્યા હતા. સંદીપ દેસાઈએ વર્ષ 1989માં ભાજપ સાથે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. સંદીપ દેસાઈ APMC સુરત અને ચોર્યાસી ડેરીના ડાયરેક્ટર પણ છે. આ ઉપરાંત સુરત જિલ્લા સહકારી ખારીદ વાહન સંઘ, સુરત અને સચિન વિભાગ કેળવણી મંડળના ડાયરેક્ટર પદની પણ જવાબદારી સંભાળી રહ્યા છે. જ્યારે અનાવિલ સમાજ ચોર્યાસી તાલુકાના ઉપપ્રમુખપદે છે.

પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલ સાથે ભાજપના ચોર્યાસી સીટના ઉમેદવાર સંદીપ દેસાઈ.
પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલ સાથે ભાજપના ચોર્યાસી સીટના ઉમેદવાર સંદીપ દેસાઈ.

આ વાત પકડી લઈ સંદીપ દેસાઈએ સોગઠી ફેંકી ને મેળ પડી ગયો
ભાજપ સંગઠન દ્વારા આ વખતે ચોર્યાસી બેઠક પરપ્રાંતીયને ફાળવવામાં આવે એવી વાત હતી. નિરીક્ષકોની સામે સંદીપ દેસાઈએ ટિકિટની માગણી કરી હતી તેમજ અન્ય એક ઉત્તર ભારતીય શાસક પક્ષના નેતા અમિત રાજપૂતે રજૂઆત ન કરતાં તેમણે પોતાના સમર્થકોને મોકલીને ટિકિટની માગણી કરી હતી. તેમને ખ્યાલ હતો કે જો ઉત્તર ભારતીય નેતાને ટિકિટ આપવાની વાત આવશે તો તેમનું પલડું ભારે થઈ જશે અને કંઈક થયું પણ એવું જ હતું, પરંતુ તેમની છબિ ખરાબ હોવાને કારણે તેમને પાર્લામેન્ટરી બોર્ડમાંથી જ રિજેક્ટ કરી દેવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

આ દાવેદાર પર સહમતી ન સધાઈ ને મોટો ખેલ પડી ગયો
ભાજપના પ્રદેશ અધ્યક્ષના નિકટના મનાતા લોકો પૈકી બે નામ સૌથી વધુ ચર્ચામાં હતા, જેમાં એક નામ સંદીપ દેસાઈ અને બીજું નામ અમિત રાજપૂતનું હતું. પાર્લમેન્ટરી બોર્ડમાં રજૂઆત કરતા એક સમયે સ્થિતિ એવી થઈ ગઈ કે આ બેઠક પર હવે ઉત્તર ભારતીયને ટિકિટ આપવામાં આવશે અને એ પણ અમિત રાજપૂત જ હશે, પરંતુ ગણતરીની મિનિટોમાં પાસું પલટાયું અને અમિત રાજપૂતને ટિકિટ ફાળવવા માટે ઇનકાર કરી દેવાયો હતો. અમિત રાજપૂતના નામે સહમતી સધાઈ ન હતી. ત્યાર બાદ સંદીપ દેસાઈનું નામ આગળ કરી દેવામાં આવ્યું હતું. સંદીપ દેસાઈ અનાવિલ બ્રાહ્મણ છે, પરંતુ આ સીટ પર 5000 જ અનાવિલ મતદારો છે. આ સિવાયના તમામ મતદારો કોળી પટેલ અને પરપ્રાંતીયોના છે. જો જાતિગત સમીકરણના આધારે તમામ બેઠકો પર ટિકિટ આપવામાં આવી હોય તો ચોર્યાસી બેઠક ઉપર માત્ર ઝંખના પટેલને કાપવા માટે કેમ આવા દાવપેચ રમાયા એ પણ સૌથી ચર્ચાતો સવાલ છે.

કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ સાથે ઝંખના પટેલ.
કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ સાથે ઝંખના પટેલ.

શા માટે સંદીપ દેસાઈને જ ટિકિટ આપી?
સંદીપ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ખૂબ જ અંગત માનવામાં આવે છે. સંદીપ દેસાઈને સુરત જિલ્લા ભાજપના પ્રમુખ બનાવ્યા બાદ તેણે અનેક વખત પાર્ટી સમક્ષ વિધાનસભા ઇલેક્શન લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ જાતિગત સમીકરણ પ્રમાણે તે કોઈપણ સીટ પર ફિટ બેસી શકે એમ નહોતા. સુરત જિલ્લાની 16 બેઠકમાંથી 10 બેઠક મૂળ સુરતની છે. બાકીની છ જિલ્લાની બેઠકમાંથી ચાર બેઠક અનામત કેટેગરીમાં આવતી બેઠકો છે. જ્યારે ઓલપાડ અને ચોર્યાસી બે જ બેઠક બાકી રહી હતી. હવે ઓલપાડમાંથી સ્થાનિક નેતા તરીકે મુકેશ પટેલ પર ભાજપે પસંદગી વ્યક્ત કરી હતી. તો રહી માત્ર ચોર્યાસીની બેઠક અને સંદીપે આ બેઠક પર ઇલેક્શન લડવા એડીચોટીનું જોર લગાવ્યું હતું, જે આખરે સફળ નીવડ્યું હોય એમ માનવામાં આવી રહ્યું છે.

કયું કારણ બતાવી ઝંખના પટેલની ટિકિટ કપાઈ?
ઝંખના પટેલની નિર્વિવાદ અને સ્વચ્છ છબિ હોવા છતાં પણ તેમનું પત્તું કાપીને સંદીપ દેસાઈને કેમ ટિકિટ આપવામાં આવી છે એને લઈ સૌકોઈ મૂંઝવણમાં છે. ઝંખના પટેલની ટિકિટ કાપવા પાછળનું કારણ પાર્લમેન્ટરી બોર્ડમાં રજૂ કરાયું હતું કે ઓલપાડ બેઠક પર કોળી પટેલ ઉમેદવારને ટિકિટ આપી દેવામાં આવી છે તેમજ નવસારી લોકસભાની એક બેઠક પરથી પણ કોળી પટેલ સમાજને ટિકિટ આપવામાં આવી છે. તો ચોર્યાસી બેઠકને હવે કોળી પટેલ સમાજની ટિકિટ આપવાને બદલે અન્ય કોઈ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે એ જરૂરી છે.

પિતા રાજા પટેલ સાથે ઝંખના પટેલ.
પિતા રાજા પટેલ સાથે ઝંખના પટેલ.

સરપંચમાંથી MLA રાજકારણના ‘રાજા’ હતા ઝંખના પટેલના પિતા
ઝંખના પટેલના પિતા રાજા પટેલ 1985માં ભાજપમાં જોડાયા હતા. કાંઠા વિસ્તારમાં સરપંચ તરીકે તેમણે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી, એ સમયે ભાજપનું એટલું પ્રભુત્વ નહોતું, પરંતુ રાજા પટેલ ભારતીય જનતા પાર્ટી સમર્થિત સરપંચ તરીકે ચૂંટાયા હતા અને ત્યાર બાદ તેમના વિસ્તારમાં સતત ભાજપ સમર્થિત વિચારધારાના લોકો સરપંચ બને એવો પ્રયાસ કર્યો હતો અને તેમાં તેઓ ખૂબ જ સફળ થયા હતા અને આ જ કારણ હતું કે તેઓ સતત દસ વર્ષ સુધી સરપંચ રહ્યા હતા. તેમની પકડ નાના નાના કાંઠા વિસ્તારનાં ગામોમાં ખૂબ જ મજબૂત હતી. ભાજપમાં જોડાયા ત્યારથી લઈને તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી સાથે જ હતા. ઝંખના પટેલને જે લીડ મળે છે એની પાછળનું કારણ એ છે કે તેમના પિતાના સમયના સરપંચો રાજા પટેલમાં ખૂબ વિશ્વાસ રાખતા હતા અને તેમના પરિવારજનો પણ ઝંખના પટેલ સાથે રહેતા હતા, એટલે પેઢી દર પેઢી રાજા પટેલના પરિવારને મતદારો મદદ કરતા રહ્યા છે. ઝંખના પટેલ પણ સમયાંતરે પોતાના મતવિસ્તારના સરપંચો સાથે અચૂક બેઠક કરે છે અને એ બેઠકનું પરિણામ છે કે આજે પણ ગામડે ગામડે અને અંતરિયાળ ગામોમાં લોકો સાથે તેમના સંબંધ ખૂબ જ સારા છે. પરિણામે, ગ્રામપંચાયતના લોકો મતદાર તરીકે પણ ઝંખના પટેલને પસંદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...