ઓછાં મતદાનથી કોનો ખેલ બગડશે?:પરિણામો પર કેટલી અસર પડશે? ભલભલા દિગ્ગજોને આ ગણિતે ગોથે ચઢાવ્યા, જાણો સટિક એનાલિસિસ

2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. જો કે સવારે 8 વાગ્યે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા 5 વાગ્યે પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. પહેલા તબક્કાનું અંદાજિત 57.75 ટકા મતદાન નોંધાયું છે. ઓછા મતદાનથી ઉમેદવારો પણ ભારે મૂંઝવણમાં મૂકાયા છે. હાલ જ્યાં જ્યાં મતદાન છે તેના મુખ્ય દરવાજા થયા બંધ કરી દેવામાં આવ્યા છે. અંદર લાઈનમાં ઊભા છે એ લોકોને મતદાન કરવા દેવામાં આવશે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં મતદાન

સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. સવારવા 8થી 5 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં મતદાન યોજાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર સંભવિત 54.53 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથમાં 60.46 ટકા અને સૌથી ઓછું ભાવનગરમાં 51.34 ટકા મતદાન નોંધાયું છે. આમ સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત કરતા 10 ટકા જેટલું ઓછુ મતદાન થયું છે. મતદારોએ મતદાનમાં રસ ન દાખવતા ઉમેદવારો દોડતા થયા હતા. ઉમેદવારોએ મતદાન કરવા રેકોર્ડેડ ફોન કોલનો મારો ચલાવ્યો હતો. એક વ્યક્તિને ત્રણ ત્રણ કોલ કર્યા હતા.

દક્ષિણ ગુજરાતમાં મતદાન

આ તરફ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 64.40 ટકા મતદાન નોંધાયું છે. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં સૌથી વધુ મતદાન તાપીમાં 72.32 ટકા મતદાન નોંધાયું છે. ગુજરાતમાં પહેલું ઈવીએમ વાપીના 193 નંબરના બૂથ પર ખોટકાયું હતું. મૂકપોલ વખતે ઈવીએમ ખોટવાયું હોવાનું ધ્યાનમાં આવતાં જ જિલ્લા ચૂંટણીની અધિકારીની ટીમને ઘટનાની જાણ કરાઈ અને ઈવીએમ બદલ્યું હતું. નાંદોદમાં મતદાન મથકના ગેટ ખૂલતાંની સાથે જ મતદારોએ રીતસર દોટ મૂકી હતી. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થતાં ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા છે. જે આગામી 8મી ડિસેમ્બરના રોજ ખુલશે.

જામજોધપુર સીટના ધ્રાફા ગામમાં એકપણ મત ન પડ્યો
જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠકમાં આવતા ધ્રાફા ગામમાં મહિલા મતદારો માટે અલગ બૂથ ઉભું કરવામાં આવતું હતું. પરંતુ, આ ચૂંટણીમાં અલગ બૂથની વ્યવસ્થા ન થતા નારાજ થયેલા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ ત્યાં સુધીમાં ગામમાં એકપણ મત પડ્યો નથી. લાલપુરના પ્રાંત અધિકારી એન.ડી.ગોવાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા મદદનીશ ચૂંટણી અધિકારી ગામમાં પહોંચ્યા હતા અને ગામ લોકો મતદાન કરે તે માટે સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

ઝઘડિયા સીટના કેસર ગામમાં એકપણ મત ન પડ્યો
ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભાના વાલિયા તાલુકાના કેસર ગામના ગ્રામજનોએ મતદાન જ કર્યું નથી. સવારથી એક પણ મતદારે મતદાન કર્યું નહોતું. મતદારોએ પ્રાથમિક સુવિધાના અભાવને કારણે મતદાનનો બહિષ્કાર કર્યો છે. તંત્રએ ગ્રામજનોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ગ્રામજનો માન્ય નહોતા.

વાંસદા સીટના વાટી ગામમાં એકપણ મત ન પડ્યો
નવસારી જિલ્લાની વાંસદા બેઠક પર વાટી ગામના લોકો અંબિકા નદી પર પૂલ ન બનતા મતદાનથી અળગા રહ્યા હતા. મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધીમાં 700 મતમાંથી એકપણ મત પડ્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...