નમસ્કાર,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો માટે સોમવારે મતદાન થવાનું છે. ત્યારે શનિવારે સાંજે 5 વાગ્યે બીજા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કા માટે વડાપ્રધાનથી લઇ કેન્દ્રીય નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો.
બીજા તબક્કાની 93 બેઠકો માટે હવે પ્રચારનો સમય પૂરો થઇ ગયો. હવે ખેલ છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં.
રાજકોટ, સુરત અને જામનગર જેવાં શહેરોમાં સરેરાશ 63.3 ટકા મતદાન કરતાં પણ ઓછું મતદાન થયું હતું એ ચિંતાનો વિષય છે એવું ચૂંટણી પંચે પણ સ્વીકાર્યું છે.
પહેલા તબક્કા વખતે લગ્નગાળાને કારણે ઘણા લોકો મતદાન નથી કરી શક્યા એવા એક કારણની ભારે ચર્ચા થઇ હતી. લગ્ન કરનારા અને તેનાં પરિવારજનોને મુહૂર્તનો પ્રશ્ન નડતો હોય છે. વિધિના મુહૂર્ત સાચવવા મતદાનને પડતું મૂકે છે. પાંચમીએ હજારો લગ્નો છે. ચૂંટણી અધિકારીઓએ હવે વર-વધૂને લગ્નનાં વસ્ત્રોમાં જ સીધા મતદાન મથક આવી જાય તો લાઇનમાં ઊભા નહિ રહેવું પડે એવું પણ કહ્યું. વોટર આઇડી અને કંકોતરી સાથે રાખવાં. પ્રાયોરિટી મળશે.
જેમની બેઠક પર મતદાન થઇ ગયું છે એવા કેટલાક ઉમેદવારોની બલિહારી સામે આવી છે. બેલેટ પેપર જૂના થઇ ગયા. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન સાથે પણ છેડછાડની શંકા થઇ રહી છે. ઘણા ઉમેદવારોને તો સ્ટ્રોંગરૂમની સિક્યોરિટી પર જ શંકા છે. રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તો પોતાની પર્સનલ કાર પર સીસીટીવી કેમેરા લગાવીને સ્ટ્રોંગરૂમની બહાર ઊભી રાખી દીધી છે. તેની બહારની હિલચાલ હવે તે મોબાઇલ પરથી મોનિટર કરે છે. આવી જ રીતે આપના કાર્યકરોએ સુરતમાં સ્ટ્રોંગરૂમની બહાર ધામા નાખ્યા છે.
બીજા તબક્કાની ચૂંટણી માટે અમદાવાદમાં ધામા નાખીને બેઠેલા અસુદ્દુદીન ઓવૈસીની AIMIM પાર્ટીએ 14 ઉમેદવાર સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જેમાં બે હિન્દુ અને 12 મુસ્લિમને ટિકિટ આપી છે. આ 14 બેઠકમાંથી હાલ કોંગ્રેસ પાસે 8 અને ભાજપ પાસે 6 સીટ છે. પ્રચારના છેલ્લા દિવસે તેમણે નવો રંગ બતાવ્યો. ગોધરામાં તેમનો વિરોધ થયો પછી અમદાવાદના દરિયાપુરમાં ઓવૈસી ગો બેકના નારા લાગ્યા હતા. આમ તો કાયમ આક્રમક મિજાજમાં રહેલા ઓવૈસી અમદાવાદના જમાલપુરના ઉમેદવાર માટે મત માગતી વખતે ભાવુક થઇ ગયા.
બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ ઉમેદવાર છે. હાર્દિક પટેલ વિરમગામથી અને અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી લડી રહ્યા છે. એવી જ રીતે મધુ શ્રીવાસ્તવ જેવા બળવાખોર પણ મેદાનમાં છે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને ત્યાંનું પેચીદું જ્ઞાતિ સમીકરણ ત્રણેય પાર્ટી માટે સમજવું મુશ્કેલ છે. કોંગ્રેસના જૂના જોગીઓ બીજા તબક્કામાં લડે છે તો આમ આદમી પાર્ટીના મોટાભાગના ચહેરા પહેલા તબક્કામાં લડી ચૂક્યા છે. બીજા તબક્કામાં તેમના કોઇ જાણીતા ચહેરા નથી.
ભાજપના સ્ટાર પ્રચારકો મોદી, અમિત શાહ, યોગી, સ્મૃતિ ઇરાની બધાં બહુ બોલ્યાં. તમે ક્યાંય મુખ્યમંત્રી અને ઘાટલોડિયાના ઉમેદવાર ભૂપેન્દ્રભાઇનો અવાજ સુદ્ધાં સાંભળ્યો? તેમના મુખેથી કોઇ વિવાદાસ્પદ નિવેદન સાંભળ્યું? ના. કારણ કે નરેન્દ્રભાઇએ જ કહ્યું છે કે તેઓ મિતભાષી છે.
ગઇ ચૂંટણીમાં ભાજપના નેતાઓ 150 બેઠકો જીતવાની વાત જાહેરમાં કરતા હતા અને આ વખતની ચૂંટણીમાં બેઠકની સંખ્યા બોલતા નથી. બોલ્યા પછી ન આવે એના કરતાં ન બોલીને લાવી બતાવવાની શું આ એક રણનીતિ હશે?
આવા જ ઇન્ટરેસ્ટિંગ વીડિયો એનાલિસિસ માટે આવતીકાલે ફરી મળીએ. તમે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ અને જુઓ ગેમ ઓફ ગુજરાત
ધન્યવાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.