ભાસ્કર ઇન્ટરવ્યૂઈસુદાનના સૂર બદલાયા:રાજનીતિ અચાનક જ કેમ હાર્ડ લાગવા માંડી? અદૃશ્ય શક્તિ અંગે પહેલીવાર ખૂલીને વાત કરી

ખંભાળીયા12 દિવસ પહેલાલેખક: કમલ પરમાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે દિલ્હીની આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાને ઊતરી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષ પુરજોશમાં પ્રચાર કરી રહી છે. ત્યારે AAPના સીએમપદના ઉમેદવાર ઈસુદાન ગઢવી, જેઓ એક ખેડૂતપુત્રમાંથી પત્રકાર અને ત્યાર બાદ રાજનીતિમાં પ્રવેશ્યા. દ્વારકા જિલ્લાના પીપળિયા ગામમાંથી આવતા ઈસુદાન ગઢવીએ પત્રકારત્વક્ષેત્રે અનેકવાર પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપી છે અને હવે રાજકારણમાં પ્રવેશીને પણ તેઓ પ્રજાલક્ષી કાર્યો કરવા માગે છે. દિવ્ય ભાસ્કરની ટીમે ઓબીસી સમુદાયમાંથી આવતા ઈસુદાન સાથે ખાસ વાતચીત કરી હતી.

દિવ્ય ભાસ્કર: પત્રકારત્વથી ચૂંટણીના મેદાનમાં આવશો એવું ક્યારેય વિચાર્યું હતું ?
ઈસુદાન ગઢવી: ના, એવું ક્યારેય વિચાર્યું નહોતું. આ તો ઈશ્વરે શું કાયાકલ્પ કરી. સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતી વ્યક્તિ 16 વર્ષથી પત્રકારત્વ કરે છે અને ઓચિંતી ઘટના બનીને હું રાજનીતિમાં આવી ગયો. મારાથી લોકોની પીડા જોવાઈ નહીં, લોકો મારી પાસેથી ઉમ્મીદ રાખતા હતા કે ઈસુદાનભાઈને કહીએ એટલે કામ થઈ જાય છે, પણ ખરેખર તમારી લક્ષ્મણરેખા હોય છે. નેતાઓ પાસે પાવર હોય છે. આ સફરમાં મારી કોઈ મહત્ત્વાકાંક્ષા રહી નથી.

દિવ્ય ભાસ્કર: CMના ચહેરા તરીકે પ્રજા વચ્ચે કયા મુદ્દાઓને લઈને જઈ રહ્યા છો?.
ઈસુદાન ગઢવી: ખેડૂતોને વીજળી, પાણી અને ભાવ આપવાની જવાબદારી મારી છે. સરકાર બનવાની સાથે જ મારે વીજળી ફ્રી આપવી છે, એટલે મોંઘવારીથી લોકોને રાહત થાય. એટલે સરકાર બનવાની સાથે ડેમ, રોડ અને રસ્તાની કામગીરી બાકી છે એ પૂરી કરવી છે. બેરોજગાર યુવાનો માટે સારી રીતે પરીક્ષા લેવી છે. કોન્ટ્રેક્ટ પર કામ કરતા લોકોને કાયમી કરવા છે. આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ બંધ કરવું છે. અનાથ અને વિધવાઓની સહાય ડબલ કરવી છે.

દિવ્ય ભાસ્કર: જન્મભૂમિ, કર્મભૂમિ અને રણભૂમિ અલગ અલગ રહી છે, એમાં સૌથી વધુ યોગદાન ક્યાંનું છે?
ઈસુદાન ગઢવી:- મને તો એવું લાગે છે કે કોઈ અદૃશ્ય શક્તિ મારી પાછળ કામ કરી રહી છે, પરંતુ આ શક્તિ મને ધક્કો મારીને મારી પાસે કંઈક કરાવી રહી છે, એટલે સ્પષ્ટપણે માનું છું કે પરમાત્માની અને માતાજીની કોઈ કૃપા છે, જેના કારણે અહીં છું.

દિવ્ય ભાસ્કર: ઈસુદાનભાઈ વાયદા કરશે કે પછી કામ કરશે?
ઈસુદાન ગઢવી: સરકાર બનશે તો સ્વાભાવિક છે કે મારી જવાબદારી બને છે. મને બસ એક જ શોખ છે કે ગરીબોનું ભલું કરું, તેમની મદદે આવું અને તેમના આશીર્વાદ મેળવું.

દિવ્ય ભાસ્કરઃ તમારી સામે ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ ઉમેદવારો છે ત્યારે તમારી શું રણનીતિ છે?
ઈસુદાન ગઢવીઃ જનતા પોતે પરિવર્તન કરશે અને જનતા પોતે જ ચૂંટશે. જ્યારે જનતા નક્કી કરે છે ત્યારે સારી સારી રણનીતિઓ ફેલ જાય છે. લોકોનો જે પ્રેમ મળે છે એ તમે પણ જોઈ શકો છો. છાતીએ પાણી રાખજો. આ શું થઈ રહ્યું છે. આ કુદરતની કોઈ અદૃશ્ય શક્તિ છે. અસ્તિત્વ છે, જે મને મદદ કરે છે.

દિવ્ય ભાસ્કરઃ સેવા જ કરવી હોય તો ઘણાં માધ્યમો છે, એ કેમ પસંદ ન કર્યાં?
ઈસુદાન ગઢવીઃ કોઈ પ્લેટફોર્મમાં સંપૂર્ણ સેવા ન થઈ શકે. હું પત્રકાર હતો અને હું કહું કે 75 ટકા ફી માફ કરો તો કોઈએ 25 ટકા કરી, પણ જો સરકારમાં હોત તો 75 ટકા કરી હોત. છેલ્લે, ટીવીના માધ્યમથી હાથ જોડીને અપીલ કરી હતી કે સંચાલકો, તમે ફી માફ કરો અને મારા કહેવા પ્રમાણે 120 કરોડ રૂપિયાની ફી માફ કરી હતી. સવાલ એ છે કે તમામ પાવર રાજનેતા પાસે છે. આજે ઈસુદાનભાઈ કહેશે એમ કલેક્ટર નહીં કરે, પણ એક મુખ્યમંત્રી કહેશે તો તેને કરવું પડશે.

દિવ્ય ભાસ્કરઃ જો તમે મુખ્યમંત્રી બનો કે પછી ધારાસભ્ય બનો, સૌથી પહેલું કામ કયું કરશો?
ઈસુદાન ગઢવીઃ પહેલી કેબિનેટમાં વીજળી ફ્રી કરવાની વાત છે. ખેડૂતોનાં દેવાં માફીની વાત છે. કરપ્સન ફ્રી ગુજરાત કરવું છે. વ્હોટ્સએપ નંબર જાહેર કરીશું અને જો કોઈપણ વ્યક્તિ, અધિકારી, કર્મચારી એકપણ રૂપિયાની લાંચ માગે તો ખાતરી આપું છું કે બીજા દિવસનો સૂરજ નહીં ઊગે અને એ જેલમાં હશે.

દિવ્ય ભાસ્કરઃ લોકો કહે છે કે જ્યારે ચૂંટણી આવી એટલે આમ આદમી પાર્ટી દેખાઈ રહી છે એ વિશે શું કહેશો?
ઈસુદાન ગઢવીઃ છેલ્લા 14 મહિનામાં 14 લાખ 15 હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. વાત હોય કામની તો લમ્પી દરમિયાન અમારા કાર્યકર્તાઓ કામ કરતા હતા. અમારી પાસે પાવર નથી, એ તો ભાજપ પાસે છે, એટલે એ કામગીરી કરવાની જવાબદારી ભાજપની છે, બીજી પાર્ટીઓની નથી. જે વિપક્ષમાં હોય એ શું કરી શકે ?

દિવ્ય ભાસ્કરઃ ચૂંટાઈને આપના ગામમાં કઈ રીતે સ્કૂલ અને કોલેજની શરૂઆત કરશો?
ઈસુદાન ગઢવીઃ મારા ખંભાળિયામાં તો વિકાસના નામે ઝીરો છે. મારે અહીં તો ખૂબ કામ કરવું પડશે, મારા ગામમાં તો ધૂળ ઊડે છે.

દિવ્ય ભાસ્કરઃ નેતા બન્યા પછી તમારા ચહેરાની ચમક ગાયબ થઈ ગઈ છે?
ઈસુદાન ગઢવીઃ મારા માટે ચમક હવે ઈમ્પોર્ટન્ટ નથી. એ લક્ઝુરિયસ લાઇફ હતી. અત્યારે તો હું રોજ રાત્રે 3 વાગ્યે સૂઈ જાઉં છું અને સવારે 7 વાગ્યે નીકળી જાઉં છું. કેટલાય કિલોમીટરનો પ્રવાસ કરું છું. રાજનેતા તરીકેની લાઈફ ખૂબ હાર્ડ હોય છે. હવેની જિંદગી પરમાર્થ માટે ખર્ચી નાખવાની છે.

દિવ્ય ભાસ્કરઃ શું ખાતરી કે ઈસુદાનભાઈ પાર્ટી નહીં બદલે?
ઈસુદાન ગઢવીઃ પાર્ટી અને પાટલી તો એ બદલે છે, જે પોતાના માટે આવે છે. ઈસુદાન ગઢવીએ જ્યારે રાજીનામું આપ્યું ને ત્યારે ત્રણેય પાર્ટી સામે હતી, પણ મેં આમ આદમી પાર્ટીને પસંદ કરી, સંઘર્ષના વિકલ્પને પસંદ કર્યો. મારી પાસે ઈશ્વર અને માતાજી કાર્ય કરાવે છે, હું તો નિમિત્ત માત્ર છું. સારાં કામ થશે, ગુજરાતમાં એક નવો જ ઈતિહાસ લખાશે.

અન્ય સમાચારો પણ છે...