Editor's View, કોના વોટમાં ફાટ પડશે ને કોણ ફાવી જશે?:ભાજપ, કોંગ્રેસ અને આપની ઈચ્છાઓ પર ફરી શકે છે પાણી, બંને તબક્કાના મતદાને ત્રણેય પક્ષને ગોથે ચઢાવ્યા

2 મહિનો પહેલા

નમસ્કાર

નીરસ મતદાનથી મતદારોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમે નથી રમતા. 2017ની સરખામણી કરીએ તો પહેલા તબક્કા કરતાં બીજા તબક્કાના મતદારોએ વધુ નિરાશ કર્યા. પહેલા તબક્કામાં લગભગ 5 ટકા અને બીજા તબક્કામાં લગભગ 8 ટકા જેટલું ઓછું વોટિંગ થયું.

મતદાનમાં લોકોની હિસ્સેદારી ઘટવી એ સારું લક્ષણ નથી જ. મતદાન ઘટે તો ભાજપને નુકસાન થાય, એવું પંડિતો સતત કહેતા રહેતા હોય છે. એક્ઝિટ પોલ એનાથી ઊલટું સૂચવે છે. તમામ એક્ઝિટ પોલમાં ભાજપને પૂર્ણ બહુમતી મળતી હોવાનું અનુમાન લગાવે છે. એકપણ પોલ કોંગ્રેસની કે આમ આદમીની સરકાર બનતી હોય એવું બતાવતો નથી.

કોંગ્રેસ-ભાજપ અને મતદારોનાં ગણિત આ વખતે ઊલટાં પડવાનાં છે. એનું મુખ્ય કારણ છે આમ આદમી પાર્ટીની એન્ટ્રી. ગુજરાતમાં ત્રીજા પક્ષની એવી એન્ટ્રી પડી છે, જે કોંગ્રેસને વધુ અને ભાજપને આેછી કાપવાની છે, કમસે કમ એક્ઝિટ પોલ તો એવું જ બતાવે છે. ઓપિનિયન પોલમાં પણ આ જ થિયરી હતી અને હવે એક્ઝિટ પોલમાં એવું જ થતું હોય એવું લાગે છે.

આ વખતની ચૂંટણીમાં ત્રણેય રાજકીય પક્ષો ખરેખર શું વિચારતા હતા, શું હતી એમની મહેચ્છા?

કોંગ્રેસને ગઈ ચૂંટણીમાં 80 બેઠક મળી હતી અને સરકાર બનાવવા માટે જરૂરી એવી 92 બેઠકથી માત્ર 12 બેઠક દૂર રહી ગઈ હતી, એટલે આ વખતે તેમને સત્તાનો પ્યાલો હાથવગો લાગતો હતો. કોંગ્રેસને એવું છે કે આમ આદમી પાર્ટી ભાજપના વોટ કાપીને તેમને ખૂટતી સીટ પર ફાયદો કરાવી દે તો તેમને સત્તા મળે.

ભાજપની શું ઇચ્છા છે? કોઈપણ ભોગે ગુજરાત જવું ન જોઈએ. બીજું, ગુજરાતમાં વધુ મજબૂત બનીને વધુમાં વધુ સીટ લાવવી, એટલે કે માધવસિંહનો 149નો રેકોર્ડ તોડવો. ઇન્ડિયા ટુડે અને ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ એ રેકોર્ડ ભાજપ તોડી શકે છે. બીજા એક રેકોર્ડની બરાબરી કરવાની ઇચ્છા છે. બંગાળમાં સતત સાત વખત ડાબેરી સરકાર બની હતી. ભાજપ આ વખતે જીતશે તો એ રેકોર્ડની બરાબરી કરશે.

આમ આદમી પાર્ટીની શી ઇચ્છા હતી? આ વખતે ગુજરાતમાં એક પગ મૂકવો. આવતી વખતની ચૂંટણી આવે ત્યાં સુધીમાં બંને પગ જમાવી દેવા. કોંગ્રેસ અને તેના મતદારો સૌથી મજબૂર સ્થિતિમાં છે, એટલે એને તોડી નાખવા અને કોંગ્રેસ કરતાં અડધો વોટશેર ખેંચી લેવો. બેઠકો જેટલી આવે એટલી નફામાં.

એક્ઝિટ પોલ સૂચવે છે કે ભાજપની બેઠકો વધશે તોપણ તેના વોટશેરમાં કોઈ વધારો-ઘટાડો થવાનો નથી, પણ કોંગ્રેસના વોટબેઝનાં ફાડિયાં થઈ રહ્યાં છે.

હજી બે દિવસે આ એક્ઝિટ પોલને કારણે ઊંઘ નહિ આવે. યાદ રાખજો આજની ચર્ચા માત્ર એક્ઝિટ પોલની છે, આ પરિણામ નથી એ યાદ રાખજો. અત્યારસુધી જેટલા પોલ થયા છે એમાં ખોટા વધુ પડ્યા છે, સાચા ઓછા પડ્યા છે.

2017ના પરિણામે બધાને વિચારતા કર્યા હતા.
2017ના પરિણામે બધાને વિચારતા કર્યા હતા.

આવા જ ઇન્ટરેસ્ટિંગ વીડિયો એનાલિસિસ માટે કાલે ફરી મળીએ... તમે વાંચો દિવ્ય ભાસ્કર એપ અને જુઓ ગેમ ઓફ ગુજરાત.

ધન્યવાદ.

અન્ય સમાચારો પણ છે...