ગુજરાતના ફરાળી ધારાસભ્ય, VIDEO:20 વર્ષથી અનાજનો દાણો મોઢામાં નાખ્યો નથી, 68 વર્ષેય એટલા જ ફિટ, હીરોની જેમ સભામાં એન્ટ્રી મારે

16 દિવસ પહેલાલેખક: મૌલિક ઉપાધ્યાય

રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગતાં જ અનેક ઉમેદવારો જીતવા માટે કમરતોડ મહેનત કરી રહ્યા છે. બનાસકાંઠાના દિયોદરમાં કોંગ્રેસના ઉમેદવાર અને સીટિંગ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા 68 વર્ષે પણ જોરશોરથી ચૂંટણીપ્રચાર કરે છે. શિવાભાઈ ભૂરિયા અન્ય ધારાસભ્યોની સરખામણીએ અનોખા કહી શકાય તેવા ધારાસભ્ય છે. છેલ્લાં વીસ વર્ષથી અનાજ નહીં ખાવાનું છોડી દીધા બાદ તેઓ આજે આખા પંથકમાં 'ફરાળી ધારાસભ્ય' તરીકે પણ ઓળખાય છે. શિવાભાઈએ 2003ના વર્ષથી અનાજ ખાવાનું બંધ કર્યું છે. ચૂંટણીપ્રચાર માટેની દોડધામ વચ્ચે પણ તેવો તેમના નિયમ માટે અડગ રહે છે. અનાજ નહીં ખાવા છતાં પણ તેમની તંદુરસ્તી ભલભલા યુવાનોને પણ શરમાવે એવી છે. દિવ્ય ભાસ્કરની ટીમ દિયોદર ખાતે પહોંચીને તેમની સાથે અનાજ નહીં ખાવાની ટેક વિશે રસપ્રદ વાતો જાણી.

અનાજ નહીં ખાવા પાછળનું કારણ શું છે?
મૌલિક ઉપાધ્યાય સાથેની વાતચીતમાં શિવાભાઈ ભૂરિયાએ જણાવ્યું છે, વર્ષ 2003માં તેમણે માત્ર 2 મહિના માટે અનાજ નહીં ખાવાની ટેક લીધી હતી. જોકે બે મહિના બાદ પણ કોઈ જ પ્રકારની અશક્તિ ન વર્તાતાં તેમણે નક્કી કર્યું કે અનાજનો દાણો પણ નહીં ખાય. બાળપણથી ધાર્મિક સ્વભાવ ધરાવનારા શિવાભાઈએ ક્યાંક વાંચ્યું પણ હતું કે ઋષિ મુનિઓ પણ 12 વર્ષ સુધી અન્નનો ત્યાગ કરીને તપ કરતા હતા. આ વાત પણ તેમને તાજી થતાં જ તેમણે અન્ન નહીં ખાવાનો મક્કમ નિર્ધાર કરી લીધો હતો. તેમના આશ્ચર્ય વચ્ચે અનાજ છોડ્યા બાદ પણ નહોતું વજન ઘટ્યું કે નહોતી કમજોરી આવી. આજથી વીસ વર્ષ પહેલાં લીધેલો સંકલ્ય આજે પણ જાળવી રાખ્યો છે.

અનાજની જગ્યાએ ક્યો ને કેવો આહાર લે?
શિવાભાઈ ભૂરિયા ઘઉં, બાજરી, મકાઈ સહિત કોઈપણ જાતના અનાજ ખાધા નથી. આ બધાની જગ્યાએ દૂધ ,મોરૈયો, ફ્રૂટ કે ફરાળી વસ્તુ જ ખાય છે. આ આહારને કારણે 68 વર્ષની ઉંમરે તેવા યુવાનને પણ ટક્કર મારે તેવી સ્ફૂર્તિ ધરાવે છે. એટલું નહિ, સવારે મોરૈયો અને દૂધ ખાઈને દરરોજ 200 કિલોમીટર પ્રચાર માટે તેમના મતવિસ્તાર ફરે છે. શિવાભાઈ જ્યારે પ્રચારમાંથી સાંજે ઘરે આવે ત્યારે પણ તેમને સહેજેય થાકનો અનુભવ થતો નથી. જેવી તેમની તાજગીસભર સવાર હોય છે કે એવી જ તેમની સાંજ હોય છે.

શિવાભાઈ ભૂરિયાની રાજકીય કારકિર્દી
દિયોદર જિલ્લાના વાતમજોના ગામમાં જન્મેલા શિવાભાઈ માત્ર એક ચોપડી જ પાસ છે. તેમ છતાં તેમની કોઠાસૂઝથી ચૂંટણી સભામાં કડકડાટ ભાષણો આપે છે. એટલું જ નહીં, દિયોદરની જનતાનો અવાજ બનીને વિધાનસભામાં પણ બેધડક પ્રશ્નો રજૂ કરે છે. શિવાભાઈ આંજણા કેળવણી મંડળના પ્રમુખ પણ છે. ગત વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો તેમણે માત્ર 972 મતથી ભાજપના ઉમેદવાર સામે જીત મેળવી હતી.

દિયોદર વિધાનસભા સીટનું રાજકીય ગણિત
દિયોદર વિધાનસભા બેઠક પર અંદાજિત 253162 જેટલા મતદારો છે. દિયોદર વિધાનસભા બેઠક પર 1998થી ભાજપનો દબદબો છે..ઠાકોર સેના અને પાટીદાર અનામત આંદોલનની અસર 2017ના ઇલેક્શનમાં દેખાઈ હતી. વિસ્તારમાં સિંચાઈ પીવાનું પાણી, રોડ રસ્તા સહિતના પ્રશ્નો અહીં વર્ષોથી જેમના તેમ છે. ત્યારે 2022માં કોંગ્રેસમાંથી ફરી શિવાભાઈ ભૂરિયા તો ભાજપમાંથી કેશાજી ચૌહાણ ચૂંટણી લડી રહ્યા છે .ત્યારે 2022માં શિવાભાઈએ 10 હજારથી વધારે મતથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.