ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલાં તબક્કામાં 89 બેઠકો પર મતદાન થયું, જેમાં કુલ મતદારોના 63.31 ટકા લોકોએ મત આપ્યા. આમ તો ગુજરાતમાં વહેલી ચૂંટણી આવશે તેવી ચર્ચાઓથી છેલ્લા 10 મહિનાથી રાજકીય માહોલ ગરમાયેલો જ હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ કેમ્પેઈન મોડમાં મહિનાઓથી હતા. ચૂંટણી જાહેર થતાં જ તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જીતના દાવા તો કરી દીધા છે પરંતુ પહેલાં તબક્કાની મતદાનની ટકાવારીએ તમામ પક્ષોના નેતાઓની ઊંઘ ઉડાડી દીધી છે. જેનું મૂળ કારણ છે વર્ષ 2017માં થયેલી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ.
નેતાઓને હાર-જીતના માર્જિનની ચિંતા
ગત ચૂંટણીમાં પોરબંદરમાં ભાજપના ઉમેદવાર બાબુ બોખીરિયા સામે કોંગ્રેસના કદ્દાવર નેતા અર્જુન મોઢવાડિયા હારી ગયા હતા. બન્ને વચ્ચે હાર-જીતનું અંતર માત્ર 1855 મતનું જ હતું. એમાં પણ સૌથી વધુ ચિંતાની વાત એ હતી કે પોરબંદરના 3433 મતદારોએ કોઈપણ ઉમેદવારને મત આપવાને બદલે નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો. એટલે જો નોટાનો વિકલ્પ ન હોત અથવા તો મતદાનની ટકાવારી વધુ હોત તો પરિણામ કંઈક અલગ રહેવાની સંભાવના હતી.
જીતનું માર્જિન 524 મત, નોટાને મળ્યા 1399 મત
માણસા વિધાનસભા બેઠક પર પણ આવી જ રીતે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ પટેલ, ભાજપના અમિત ચૌધરી સામે ફક્ત 524 મતથી જીત્યા હતા, જ્યારે નોટાને 1399 મત મળ્યા હતા. અહીંયા પણ હાર-જીતના અંતર કરતાં નોટાને મળેલા મતોની સંખ્યા વધુ હતી.
આદિવાસી વિસ્તારમાં પણ નોટાનો પ્રભાવ
આદિવાસી વિસ્તારની બેઠક કપરાડામાં વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર માત્ર 170 મતથી જીત્યા હતા. જ્યારે નોટા પર 3868 મતદારોએ મહોર મારી હતી.
29 સીટો પર ખેલ થયો
ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી વર્ષ 2017ની ચૂંટણીમાં 29 બેઠકો એવી હતી, જ્યાં પહેલાં કે બીજા ક્રમે ભાજપ અથવા કોંગ્રેસ રહ્યાં, અને ત્રીજા ક્રમે નોટાને મળેલા મતોની સંખ્યા હતી. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના સાડા પાંચ લાખ લોકોએ નોટાનો ઉપયોગ કર્યો હતો. એટલે આ મતદારો પર કોઈ પણ નેતાના રોડ શો, સભા, ભાષણ કે સોશિયલ મીડિયા મારફતે થતાં પ્રચારની અસર ન થઈ શકી.
છેલ્લા રાઉન્ડ સુધી હાર-જીત માટે ખેંચતાણ
ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો મળી, જે બહુમત કરતાં માત્ર 7 બેઠકો વધુ હતી. જ્યારે કોંગ્રેસને 77 બેઠકો પર જીત મળી હતી. આ ચૂંટણીમાં 7 બેઠક તો એવી હતી, જ્યાં જીત-હાર વચ્ચે એક હજારથી પણ ઓછા મતોનું અંતર હતું, અને 24 બેઠકો પર હારેલા અને વિજેતા ઉમેદવારને મળેલા મતનું માર્જિન 2થી 6 હજારનું હતું. બસ આ જ કારણ છે જેનાથી ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવેલા ત્રણેય રાજકીય પક્ષોની ચિંતા વધી ગઈ છે. તેઓ જાણે છે કે મતદારોનો મૂડ જરા પણ ઉપર-નીચે થયો, તો બાજી હાથમાંથી ગઈ સમજો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.