ભાસ્કર ઇનડેપ્થશું ભાજપ વિધાનસભામાં ઝાડુ જોવા નથી માગતો?:ના પેટાચૂંટણી કે ના રાજીનામું; આ ચોક્કસ પ્રક્રિયાથી AAPને ક્લીન બોલ્ડ કરી શકે, જાણો શું છે પડદા પાછળનો આખો ખેલ

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: નિર્મલ દવે
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 8 ડિસેમ્બરે પરિણામો જાહેર થઈ ગયાં છે, જેમાં ભાજપને 156, કોંગ્રેસને 17,આમ આદમી પાર્ટીને 5 અને અન્યને 4 સીટ મળી છે. 12 ડિસેમ્બરે એટલે કે આજે ભૂપેન્દ્ર પટેલ સહિતનું મંત્રીમંડળ શપથ લેશે, પરંતુ આ વચ્ચે 11 ડિસેમ્બરની સવારે એક અચાનક જ નવો રાજકીય ડ્રામા શરૂ થયો હતો. વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના નિશાન પરથી ચૂંટાયેલા ઉમેદવાર ભૂપત ભાયાણી ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આ સમાચારો વહેતા થયાની થોડીવારમાં જ ભૂપત ભાયાણીએ આ વાતને માત્ર અફવા ગણાવી દીધી હતી, પરંતુ ધુમાડો નીકળ્યો છે તો ક્યાંક આગ તો લાગી જ હોવી જોઈએ.

‘સમજદાર કો ઈશારા કાફી હૈ’
આ અટકળો વચ્ચે બીજી ચર્ચા એ ચાલી કે ભૂપત ભાયાણી સહિત આમ આદમી પાર્ટીના ચાર વિજેતા ઉમેદવાર ભાજપને સમર્થન આપી શકે છે. જો આમ થાય તો શું થાય? આ આખા ઘટનાક્રમની અંદરની વાત એવી હોઈ શકે કે ભાજપ આમ આદમી પાર્ટીનો સિમ્બોલ વિધાનસભા ગૃહમાં જોવા માગતો નથી અને એક નવો જ ખેલ કરવાની તૈયારીઓ કરી રહ્યો છે. આ ગેમપ્લાન મુજબ, ભાજપ ગૃહમાંથી ઝાડુનો કક્કો જ કાઢી નાખે અને પક્ષાંતર ધારો લાગુ થયા વિના જ એક ચોક્કસ પ્રક્રિયા પાર પાડીને આખો ખેલ પાડી દે. પડદા પાછળ રમાતી આ ગેમમાં પરથી જે કંઈ દેખાતું હોય એ પણ અંદર ઊતરવાથી તો એટલો તો ખ્યાલ આવી જ જાય કે ‘સમજદાર કો ઇશારા કાફી હૈ’

ધારાસભ્યોને પક્ષમાં ભેળવવા બંધારણીય રીતે શું શું કરવું પડે?
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે 156 સીટ મળી છે, જ્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટી ને 5, જ્યારે 4 સીટ અપક્ષના ફાળે ગઈ છે. એક રીતે જોઈએ તો ભાજપની એવી કોઈ કટોકટીભરી સ્થિતિ નથી કે તેમને વધુ ધારાસભ્યની જરૂર ઊભી થાય, તેમ છતાં પોતાનું સંખ્યાબળ વધારવું હોય અથવા અન્ય પક્ષનો ટેકો જોઈતો હોય તો તેને એક ચોક્કસ બંધારણીય પ્રક્રિયા અનુસરવી પડે તેમ છે. સૌ પહેલા આમ આદમી પાર્ટી વિશે વાત કરીએ તો... જો ભાજપ વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીના ઝાડુ સિમ્બોલને નથી જોવા માગતો તો તેના ધારાસભ્યોને પક્ષની અંદર ભેળવવા પડે અથવા તો સમર્થન મેળવવું પડે. હવે આ ધારાસભ્યોને પક્ષમાં ભેળવવા બંધારણીય રીતે શું શું કરવું પડે? આ પ્રક્રિયા અંગે વિધાનસભાના આધિકારિત સૂત્રોએ દિવ્ય ભાસ્કરને વિવિધ વિકલ્પો અંગે જાણકારી આપી હતી.

વિકલ્પ-1માં શું થઈ શકે?
જો આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યને ભાજપમાં જોડાવવું હોય તો સૌપ્રથમ આમ આદમી પાર્ટીના વડાને અને બાદમાં પોતાના ધારાસભ્યપદ પરથી વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવું પડે અને એ પછી જે-તે સભ્ય ભાજપમાં જોડાઈ શકે, પરંતુ ધારાસભ્યપદે રહી શકે નહિ. જો આ પ્રક્રિયા જે-તે ઉમેદવાર અનુસરતા નથી તો તેમની સામે પક્ષાંતર ધારો લાગુ થાય અને ઉમેદવાર ગેરલાયક ઠરે છે. રાજીનામું આપ્યા બાદ સત્તાવાર રીતે વિધાનસભા અધ્યક્ષ આ બેઠકને ખાલી જાહેર કરે છે અને બેઠક ખાલી જાહેર કર્યાના છ મહિનાની અંદર જે-તે બેઠક પર પેટાચૂંટણી યોજાય છે. આ સંજોગોમાં ભાજપ ફરીથી આ સીટ જીતી પણ શકે અને ના પણ જીતી શકે એવી શક્યતા રહી છે.

વિકલ્પ-2માં શું થઈ શકે?
જો આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યે ભાજપમાં જોડાવવું હોય તો સૌપ્રથમ તેમણે આમ આદમી પાર્ટીમાંથી પાર્ટી વડાને અને બાદમાં પોતાના ધારાસભ્યપદ પરથી વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવું પડે, એ બાદ જે-તે સભ્યો ભાજપમાં જોડાઈ શકે છે, પરંતુ ધારાસભ્ય તરીકે રહી શકે નહીં. જો આ પ્રક્રિયા જે-તે ઉમેદવારો અનુસરતા નથી તો તેમની સામે પક્ષાંતર ધારો લાગુ થાય અને ઉમેદવાર ગેરલાયક ઠરે છે. રાજીનામું આપ્યા બાદ સત્તાવાર રીતે વિધાનસભા અધ્યક્ષ આ બેઠકને ખાલી જાહેર કરે છે અને બેઠક ખાલી જાહેર કર્યાના છ મહિનાની અંદર જે-તે બેઠક પર પેટાચૂંટણી યોજાય છે. આ સંજોગોમાં ભાજપ ફરીથી આ સીટ જીતી પણ શકે અને ના પણ જીતી શકે એવી શક્યતા રહી છે.

વિકલ્પ-3 અપનાવે તો AAPનો ખેલ ખલાસ
જો આમ આદમી પાર્ટીના ત્રણ એટલે કે 2/3 ધારાસભ્ય (હાલના ચૂંટાયેલા 5 પૈકી 2/3 ધારાસભ્ય) ભાજપને સમર્થન આપવા માંગતા હોય તો 2/3 ધારાસભ્યોએ અલગ જૂથ બનાવી અને વિધાનસભા અધ્યક્ષ પાસે ભાજપને સમર્થન આપવા માટેની દરખાસ્ત મૂકવી પડે. જો સ્પીકર તેઓને મંજૂરી આપે છે તો 2/3 ધારાસભ્યો ભાજપના સમર્થનમાં ગણાઇ શકે છે અને તેમની પર પક્ષાંતર ધારો લાગુ થાય નહી અને તેમણે પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું પણ આપવાની જરૂર રહેતી નથી. આમ છતાં, તેઓ ભાજપના સમર્થિત જૂથના ધારાસભ્ય ગણાય ના કે ભાજપ પક્ષના ધારાસભ્ય. જો આવી પરિસ્થિતિ સર્જાય છે તો પણ ભાજપના ધારાસભ્યોની સંખ્યા 156 જ રહે છે. પરંતુ સમર્થિત ધારાસભ્યોની સંખ્યા વધી શકે છે. આ પ્રકારનું તાજું ઉદાહરણ છે મહારાષ્ટ્રમાં રચાયેલી નવી સરકાર.

વિકલ્પ-4 અપનાવે તો નવા જ સમીકરણો બની શકે
આમ આદમી પાર્ટીનો સિમ્બોલ સંપૂર્ણપણે વિધાનસભામાંથી દૂર કરવા માટે ભાજપે આમ આદમી પાર્ટીના તમામ સભ્યોને પક્ષની અંદર સમાવવા કે સમર્થન માટે તૈયાર કરવા પડે. આ માટે તમામ ધારાસભ્યો એક નવુ ગ્રુપ રચે અને ભાજપને સમર્થન માટે સ્પીકર સમક્ષ દરખાસ્ત મૂકે. જો સ્પીકર આ દરખાસ્ત મંજૂર કરે છે તો નવા રચાયેલા ગ્રુપ ને અલગ ગ્રુપ તરીકે માન્યતા મળે અને ભાજપને ટેકો જાહેર કરી અલગ ગ્રુપ તરીકે સમર્થન આપી શકે. પક્ષાંતર ધારો લાગુ ન થઈ શકે તે માટે આ જૂથ બનાવવું પડે તેમ છે. આમ છતાં ભાજપના ધારાસભ્યો તો 156 જ રહેશે. પરંતુ તેના સમર્થિત ધારાસભ્યની સંખ્યામાં વધારો થઈ શકે છે.

આ રીતે પાંચેય સભ્યો ભાજપમાં જોડાય તો તેને અલગ જૂથ તરીકે માન્યતા મળે અને આમ આદમી પાર્ટીનું વિધાનસભામાં અસ્તિત્વ શૂન્ય થઈ જાય.

અપક્ષ ધારાસભ્ય ભાજપમાં જોડાય તો પેટાચૂંટણી થાય
ગુજરાતમાં અપક્ષના ત્રણ અપક્ષ ધારાસભ્યો ચૂંટાયા છે. આ ધારાસભ્યો દ્વારા પણ અંગત રીતે બેઠક કરીને ભાજપમાં જોડાવા માટેની વાત મીડિયા સમક્ષ કરવામાં આવી છે. પરંતુ બંધારણીય દ્રષ્ટિએ જોઈએ તો અપક્ષ ધારાસભ્ય પણ કોઈ પક્ષમાં જોડાઈ ન શકે. જો તેઓ કોઈ પક્ષમાં જોડાય છે તો તેમણે પણ પોતાની બેઠક પરથી વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવું પડે. વિધાનસભા અધ્યક્ષ બાદમાં આ બેઠક ખાલી જાહેર કરે ત્યારે જે તે બેઠક પર પેટા ચૂંટણી યોજાય. આમ, અપક્ષ ધારાસભ્ય પણ ભાજપને માત્ર ટેકો કે સમર્થન જ જાહેર કરી શકે પરંતુ ભાજપમાં કે અન્ય પક્ષમાં જોડાઈ શકે નહીં. ભૂતકાળમાં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા જિજ્ઞેશ મેવાણીએ પણ કોંગ્રેસને ટેકો આપ્યો હતો. સાવલી બેઠક પર અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કેતન ઇનામદારે પણ ભાજપને ટેકો જ આપ્યો હતો.

આમ, વ્યક્તિગત રીતે કોઈ પણ ધારાસભ્ય કોઈ પક્ષમાં જોડાય છે તો સૌ પહેલા તે પોતાનું ધારાસભ્ય પદ ગુમાવે છે. સિવાય કે આખા પક્ષના કે પક્ષના 2/3 ધારાસભ્યો અન્ય કોઈ પક્ષને સામૂહિક રીતે સમર્થન આપે.

અન્ય સમાચારો પણ છે...