વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલમાં રાજ્યમાં ભાજપને ફરી બહુમતની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સોમવારે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલનાં પરિણામ જાહેર કરવામાં આવ્યાં હતાં. એ અનુસાર મોટા ભાગની એજન્સીઓએ ભાજપને 118થી 150 બેઠકનું અનુમાન કરવામાં આવ્યું છે, જ્યારે કોંગ્રેસને 16થી 51 તથા આમ આદમી પાર્ટીને 2થી 13 બેઠક મળશે એવો અંદાજ અપાયો છે. એમાં ભાજપનું રેકોર્ડબ્રેક જીત હાંસલ કરવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આ ચૂંટણી અંગે દિવ્ય ભાસ્કરે પણ એક્ઝિટ પોલ કર્યો હતો, જેમાં પરિણામ થોડાં વિપરીત જોવા મળી રહ્યાં છે અને ભાજપ રેકોર્ડબ્રેક જીત હાંસલ કરતો દેખાતો નથી.
ભાસ્કરના 100 પત્રકાર ઉપરાંત 182 બેઠક પર તાલુકા-જિલ્લાના પાંચ-પાંચ પત્રકાર-નિષ્ણાત-રાજકીય કાર્યકરોનો મત જાણ્યો હતો. એના પરથી ભાસ્કરે તૈયાર કરેલા એક્ઝિટ પોલમાં ભાજપને 102-112 સીટ મળવાનું અનુમાન છે. તો કોંગ્રેસને 59-69, આપને 3-5 અને અન્યને 5-8 સીટ મળવાની સંભાવના છે.
ભાસ્કરે ઝોનવાઇઝ નહીં, પણ સીટવાઇઝ કર્યો છે એક્ઝિટ પોલ
તમે 5 ડિસેમ્બરની સાંજથી લઈ અત્યારસુધીમાં જેટલા પણ એક્ઝિટ પોલ જોયા હશે એમાં આખા રાજ્યની કે ઝોનવાઈઝ માહિતી મળશે, જ્યારે ભાસ્કરના આ પોલમાં તમારા જિલ્લા અને તમારી સીટમાં કોણ જીતશે અને કોણ હારશે એ જાણવા મળશે. સૌથી અગત્યની વાત હાર કે જીતનું કારણ ભાસ્કર તમારી સમક્ષ લાવી રહ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં 2017નું સાટું વાળી દેશે ભાજપ
ઝોનવાઇઝ વાત કરીએ તો સૌરાષ્ટ્ર-કચ્છની 54 સીટ છે. 2017માં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપને 23 અને કોંગ્રસને 30 તો એક સીટ NCPને મળી હતી, પરંતુ આ વખતે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનું પર્ફોર્મન્સ સુધર્યું છે, તો કોંગ્રેસનો દેખાવ નબળો રહ્યો છે. 2022માં ભાજપ 28-31 તો કોંગ્રેસને 20-24 સીટ મળી શકે તેમ છે તેમજ આમ આદમી પાર્ટીએ પણ આ વખતે ખાતું ખોલાવ્યું છે. આમ આદમી પાર્ટી 1-2 સીટ જીતી રહી છે.
ઉત્તર ગુજરાતમાં કોણ ઊંચકાશે અને કોણ પછડાશે?
ઉત્તર ગુજરાતમાં આ વખતે ખરાખરીનો ચૂંટણીજંગ જામ્યો છે, જેમાં કાસ્ટ ફેક્ટરથી લઈને અનેક પરિબળોએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે અને પરિણામોમાં મોટે પાયે ઊથલપાથલ થવાની સંભાવના છે. 2017માં ઉત્તર ગુજરાતની 32 સીટમાંથી ભાજપને 14 તો કોંગ્રેસને 18 સીટ મળી હતી. આ વખતે પણ ઉત્તર ગુજરાતમાં ભાજપનું પર્ફોર્મન્સ વધુ કથળ્યું છે. 2022માં ભાજપને 12-15 અને કોંગ્રેસને 15-17 સીટ મળવાની શક્યતા છે, જ્યારે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં માત્ર મતો જ કાપવામાં સફળ રહી છે.
દક્ષિણ ગુજરાતમાં કોણ બતાવી રહ્યું દમ?
હવે વાત કરીએ આદિવાસી બેલ્ટ ધરાવતા દક્ષિણ ગુજરાતની. વર્ષોથી ભાજપને સત્તામાં લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા દક્ષિણ ગુજરાતમાં ભાજપની સ્થિતિ બગડી હોય એમ લાગી રહ્યું છે તેમજ કોંગ્રેસને પણ વધુ ફટકો પડી રહ્યો છે. જોકે તેની પાછળનું મુખ્ય કારણ આમ આદમી પાર્ટી અને અન્ય હોવાનું લાગી રહ્યું છે. 2017માં કુલ 35 સીટમાંથી ભાજપને 25 અને કોંગ્રેસને 10 સીટ મળી હતી. જ્યારે આ વખતે ભાજપને 23-25 અને કોંગ્રેસને 6-8 સીટ મળે એવી શક્યતા છે. જ્યારે આમ આદમી પાર્ટીને 2-3 અને અન્યને 3-4 સીટ મળવાની સંભાવના છે. સૌરાષ્ટ્રની જેમ દક્ષિણમાં પણ આમ આદમી પાર્ટી ભાજપ-કોંગ્રેસનો ખેલ બગાડતી હોય એમ લાગી રહ્યું છે.
મધ્ય ગુજરાતમાં કોણ મારે છે મેદાન અને કોનું પત્તું થશે સાફ?
ભાજપનો ગઢ ગણાતા મધ્ય ગુજરાતનાં પરિણામો પણ ચોંકાવનારાં આવી શકે છે, જેમાં અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરનો સમાવેશ થાય છે. 2017ની વાત કરીએ તો કુલ 61 સીટમાંથી ભાજપને 37, કોંગ્રેસને 22 અને અન્યને 2 સીટ મળી હતી. જ્યારે 2022 ભાજપને સાવ સામાન્ય ફાયદો થઈ રહ્યો છે. આ વખતે 61 સીટમાંથી ભાજપને 39થી 41, કોંગ્રેસને 18-20 જ્યારે અન્યને 2-3 સીટ મળી શકે તેમ છે. જ્યારે આમ આદમી પાર્ટી તો અહીં માત્ર મત કાપવાના જ રોલમાં દેખાઈ રહી છે. અમદાવાદ તો વર્ષોથી ભાજપની અકબંધ વોટબેંક સમાન છે. આ વખતે અમદાવાદ જિલ્લામાં 2થી 4 સીટનો ફાયદો થવાની શક્યતા છે.
ઉત્તર ગુજરાતની તમામ 32 સીટોના એક્ઝિટ પોલ વાંચવા અહીં ક્લિક કરો
મધ્ય ગુજરાતની તમામ 61 સીટોના એક્ઝિટ પોલ વાંચવા અહીં ક્લિક કરો
દક્ષિણ ગુજરતાની તમામ 35 સીટોના એક્ઝિટ પોલ વાંચવા અહીં ક્લિક કરો
સૌરાષ્ટ્ર-કચ્છની તમામ 54 સીટોના એક્ઝિટ પોલ વાંચવા અહીં ક્લિક કરો
ટીવી9એ ભાજપને 125થી 130 સીટ આપી
ટીવી9એ આજે બહાર પાડેલા એક્ઝિટ પોલના આંકડામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાની સંભાવના દર્શાવી છે. ટીવી9એ ભાજપને 125થી 130 સીટ આપી છે તો કોંગ્રેસને ગયા વખત કરતાં 20-22 સીટ ઓછી મળવાનો વરતારો કર્યો છે. કોંગ્રેસને ટીવી9એ 40-50 સીટ આપી છે, જ્યારે આમ આદમી પાર્ટીને માંડ 3થી 5 સીટ મળવાની સંભાવના છે.
રિપબ્લિક માર્કે ભાજપને 148 સીટ આપી
રિપબ્લિક પી માર્કે ભાજપને 128થી 148 વચ્ચે સીટ મળે એવી સંભાવના બતાવી છે, જ્યારે કોંગ્રેસને 30થી 42 વચ્ચે સીટ મળશે. આમ આદમી પાર્ટીને માંડ 2થી 10 બેઠક મળી શકે છે, જ્યારે ત્રણેક સીટ અપક્ષને ફાળે જાય છે. રિપબ્લિક પી માર્ક દ્વારા આજે જાહેર કરાયેલા આંકડાઓમાં ભાજપ જો 148 સીટ મેળવે તો નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા એ સમયનો રેકોર્ડ તોડી શકે.
જન કી બાતે ભાજપને 117થી વધારે સીટ આપી
જન કી બાતેના સર્વેમાં જે તારણો સામે આવ્યાં છે એમાં ભાજપને મિનિમમ 117 અને મેક્સિમમ 140 સીટ મળે તેમ છે. જ્યારે કોંગ્રેસને 34થી 51 સીટ અને આમ આદમી પાર્ટીને 6થી 13 સીટ મળે તેમ છે, જ્યારે અપક્ષ એક-બે સીટ લઈ જશે.
ઈન્ડિયા ટુડેએ ભાજપને 129થી 151 સીટ મળવાનું તારણ આપ્યું. ઈન્ડિયા ટુડે ગ્રુપે 2017માં એક્ઝિટ પોલ આપ્યો હતો ત્યારે ભાજપને 99 સીટ મળવાનું અનુમાન કર્યું હતું અને ખરેખર ભાજપને 99 સીટ જ મળી હતી. આ વખતે ઇન્ડિયા ટુડેએ ભાજપને જંગી 129થી 151 સીટ મળવાનું અનુમાન કર્યું છે. સામે કોંગ્રેસને ગયા વખતે 2017માં 77 સીટ મળી હતી, પણ આ વખતે એનાથી અડધી સીટ પણ માંડ મળશે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસને 16થી 30 અને આમ આદમી પાર્ટીને 9થી 21 સીટ મળવાનું અનુમાન કરવામાં આવ્યું છે, જ્યારે 6 સીટ અપક્ષને મળવાનું તારણ છે.
ટાઈમ્સ નાઉએ 131 સીટ ભાજપને આપી. ટાઈમ્સ નાઉ દ્વારા આજે મોડી સાંજે એક્ઝિટ પોલના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપને 131, કોંગ્રેસને 41, આમ આદમી પાર્ટીને 6 અને અપક્ષને 4 સીટ મળવાનું અનુમાન કરવામાં આવ્યું છે. ટાઇમ્સ નાઉના સર્વેમાં પણ ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે જીતે છે, એવું તારણ કાઢવામાં આવ્યું છે.
2022ના એક્ઝિટ પોલના મહત્ત્વના પોઈન્ટ
એબીપી-સી વોટર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.