Editor's View, છેલ્લી ઘડીએ મત ખરીદવાની ચાલ:જંગ જામ્યો છે, ભાજપ માટે પહેલો તબક્કો ભારે; પાંચ વરસ માટે છાતીમાં ડૂમો ના અટવાય

2 મહિનો પહેલા

નમસ્કાર,

હવે ઉમેદવારો અને પ્રચારકો પગ વાળીને બેસશે. કમસે કમ પહેલા તબક્કાની 89 બેઠકોના તો ખરા જ. કાલે સૌરાષ્ટ્ર-કચ્છની 12 જિલ્લાની 54 અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની 35 બેઠકો એમ કુલ 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે. એમ સમજો કે હવે છેલ્લી ઘડીની ગણતરીઓ ચાલે છે. ડેમેજ કન્ટ્રોલ, રણનીતિ, સોગઠાબાજી, ધાક-ધમકી, લાલચ, છેલ્લી ઘડીની ચાલ આ બધું જ હવે આજે થશે.

એ પહેલાં ગયા વખતની ચૂંટણીનું ચિત્ર જાણી લઇએ. આ 89 સીટ પર 788 ઉમેદવારો મેદાનમાં છે. ગયા વખતે મુખ્ય જંગ ભાજપ-કોંગ્રેસ વચ્ચે હતો આ વખતે આમ આદમી પાર્ટીને કારણે ત્રિકોણીય જંગ થઇ ગયો છે. ગયા વખતે આ બેઠકો પરનું સરેરાશ મતદાન 68 ટકા જેટલું હતું.

પાટીદાર અનામત આંદોલનને કારણે કોંગ્રેસે 2017માં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપને ટક્કર આપી હતી અને 2012 કરતાં વધુ સીટો મેળવીને ભાજપની લીડને કાપી હતી પણ દક્ષિણ ગુજરાતમાં ભાજપે કોંગ્રેસને ફાવવા નહોતી દીધી. પહેલા તબક્કામાં ભાજપ આયાતી ઉમેદવાર પર ઘણો આધારિત છે અને ભાજપ માટે પહેલો તબક્કો જ વધુ ભારે છે.

તો મતદારો થઇ જાઓ સજ્જ. પાંચ વર્ષે મળનારો આ લહાવો ચૂકવા જેવો નથી.

પણ એ પહેલાં આપણા સરસ મજાના કવિ કૃષ્ણ દવેની મત પરની એક કવિતાની કેટલીક પંક્તિઓ યાદ રાખજો..

એક તમારા મતને ખાતર ખોટો ના ચુંટાય એ જો જો.

એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય એ જો જો.

એક તમારા મતની કિંમત નથી જાણતા, તો જાણી લ્યો,

સોનાની વસ્તુ છે એ લોઢામાં ના ખર્ચાય એ જો જો.

એક તમારા મતથી ખાટું મોળું શું થાશે જાણો છો?

એક ટીપાથી આખ્ખે આખ્ખું દૂધ ન ફાટી જાય એ જો જો.

એક તમારો મત મેળવવા કહેશે તારા તોડી લાવું?

રાહ જુઓ પણ ધોળે દા'ડે તારા ન દેખાય એ જો જો.

એક તમારા મતથી ધાર્યુ નિશાન વીંધી નાખો છો પણ –

એ જ તમારી ઓળખનો અંગૂઠો ના છિનવાય એ જો જો.

એક તમારા મતની પળને સમજીને સાચવજો અથવા

પાંચ વરસ માટે છાતીમાં ડૂમો ના અટવાય એ જો જો.

આવતીકાલે ફરી મળીએ એક નવા વીડિયો એનાલિસિસ સાથે. તમે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ અને જૂઓ ગેમ ઓફ ગુજરાત

ધન્યવાદ

અન્ય સમાચારો પણ છે...