27 વર્ષના વિજય રથની કૂચ જાળવી રાખવા ભાજપ ખૂબ મથી રહ્યો છે, અને આ વખતે સૌથી વધુ નજર છે સૌરાષ્ટ્ર પર. ભાજપને 2017ની જેમ નુકસાન ન સહન કરવું હોય, તો કાઠિયાવાડના મણકા ગોઠવવા જે દોરો જોઈએ એ છે વજુભાઈ વાળા. મેયરથી લઈ નાણામંત્રી સુધી અને વિધાનસભા સ્પીકરથી લઈ રાજ્યપાલના પદ સુધી. વજુભાઈ વાળા અત્યાર સુધી સત્તાના તમામ સમીકરણોમાં ફિટ બેઠા છે. હવે જ્યારે ભાજપ, સૌરાષ્ટ્રની 54 બેઠકો પર કમળ ખીલવવા પ્રયાસરત છે, ત્યારે વજુભાઈ વાળા રાજકીય નિર્ણયોમાં ફરીથી કેન્દ્રસ્થાને આવી ગયા છે. વજુભાઈ વાળા ભાજપની મજબૂતી અને મજબૂરી પણ છે. કારણ કંઈક આવા છે.
મજબૂત જનાધાર
50 વર્ષની રાજકીય કારકિર્દી એવી કે સૌરાષ્ટ્રના ગામડે-ગામડે વજુભાઈને ઓળખનારી વ્યક્તિ મળી જાય. જે માત્ર નામથી નહીં એમના કામથી પણ વાકેફ હોય.
જ્ઞાતિ સમીકરણ પર પકડ
રાજકારણની આટલી લાંબી ઈનિંગ્સમાં વજુભાઈ તમામ જ્ઞાતિનું વજૂદ, વર્ચસ્વ અને એમની જરૂરને જાણે છે. રાજકીય પ્રયોગમાં આ સમજ ખૂબ કામની ગણાય.
કાર્યકર્તાથી લઈને દિલ્હી સુધી સીધા સંપર્ક
કહેવાય છે કે સંઘના પ્રચારકથી રાજ્યપાલ બનવાની સફર ખેડનારા વજુભાઈના ઘરના દરવાજા તમામ કાર્યકર્તા માટે ખુલ્લા અને પોતે દિલ્હી જાય તો એમના માટે ત્યાંય ગ્રીન સિગ્નલ જેવી સ્થિતિ.
ભરોસાપાત્ર નેતા
રાજ્યપાલનું પદ છોડ્યા બાદ પણ મોદી, શાહ, નડ્ડા, બી. એલ. સંતોષ, પાટીલ સાથે બેઠકો ચાલતી રહી છે. પાર્ટી ભરોસો રાખીને તેમને નિર્ણયોમાં સહભાગી બનાવે જ છે.
ડેમેજ કંટ્રોલ કરી શકે
પક્ષ પ્રત્યે વજુભાઈનો સમર્પણ ભાવ સમયાંતરે દેખાતો રહ્યો, એટલે ટિકિટ વહેંચણીથી લઈને મંત્રી પદ આપવા સુધી, કોઈની પણ નારાજગી હોય, વજુભાઈનો એક ફોન જાય અને મામલો ઠરી જાય.
સત્તાનો મોહ નહીં
2001માં રાજીનામુ આપ્યું ને નરેન્દ્ર મોદી માટે રાજકોટ પશ્ચિમ બેઠક ખાલી કરી. રૂપાણી સત્તા પરથી હટ્યા તોય સંયમ જાળવી રાખ્યો. હજુ પણ ગણગણાટ ગમે એટલો થાય, વજુભાઈ પોતાને CM રેસમાંથી બહાર જ ગણે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.