ભાસ્કર ઇનડેપ્થસાળાનો શૂટ બનેવીને ફળ્યો:સુરતમાં પાટીદારોમાં પડ્યા ભાગલા, આ રીતે પાંચ ડાયમંડકિંગ ભાજપના બે નેતા સાથે મળીને પાડે છે ખેલ

સુરત2 મહિનો પહેલાલેખક: દેવેન ચિત્તે

આજે પણ ભારત દેશમાં કોઈપણ રાજ્યમાં ચૂંટણી થાય ત્યારે ભલે ગમે એટલી મોટી મોટી વાતો થતી હોય, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જાતિવાદનું રાજકારણ આપણા દેશમાં ગ્રામપંચાયતની ચૂંટણીથી લઈને લોકસભાની ચૂંટણી સુધી દેખાતું રહે છે. 2012ના નવા સીમાંકન બાદ સુરતના રાજકારણમાં ખૂબ મોટા ફેરફાર આવ્યા છે. વિશેષ કરીને પાટીદાર મતદારના પ્રભુત્વવાળી બેઠકો વધતાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનું પ્રભુત્વ સુરત શહેરમાં વધ્યું છે. જ્ઞાતિવાદ બાદ પ્રદેશવાદનો નવો ફણગો ફૂટ્યો છે. સુરતમાં પાટીદારોની અંદર પ્રદેશવાદના ફાંટા પડી ગયા છે. આ વખતની ચૂંટણીમાં પાટીદારોનો આ આંતરિક કલહ ચર્ચાનો વિષય બની રહ્યો છે.

ઉદ્યોગપતિઓ અને સૌરાષ્ટ્રના બે મોટા નેતા સક્રિય
સુરત શહેરમાં જે રાજકીય રીતે પાટીદારોનું વર્ચસ્વ વધી રહ્યું છે એની પાછળ સ્થાનિક ઉદ્યોગપતિઓ જોર લગાડતા હોય છે. સૌરાષ્ટ્રમાંથી સુરતમાં સ્થાયી થયેલા અને હીરા ઉદ્યોગની અંદર સફળ થયેલા ઉદ્યોગપતિઓ ભારતીય જનતા પાર્ટીમાં પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ વધારવા માટેના પ્રયાસો પડદા પાછળથી કરતા હોય છે. સુરત શહેરના જે મોટા ઉદ્યોગપતિઓ છે તે અમરેલી અને ભાવનગર જિલ્લાના છે. પરિણામે, આ ઉદ્યોગપતિઓ સુરત શહેરમાં પોતાનું રાજકીય વર્ચસ્વ બની રહે એવા પ્રયાસ કરે છે, જેથી પોતાના નજીકના અને સગાંવહાલાંને ટિકિટ આપવા માટે રાજકીય રીતે દબાણ વધારતા હોય છે. સ્થાનિક ઉદ્યોગપતિઓ અને સૌરાષ્ટ્રના બે મોટા નેતા મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા સુરત શહેરના રાજકારણમાં સક્રિય રહેતા હોય છે. આ બંને નેતા સતત શહેરની અંદર પોતાના જિલ્લાને પ્રતિનિધિત્વ મળે એવા પ્રયાસો કરતા રહે છે.

2017ના નવા સીમાંકન પ્રમાણે, સુરત શહેરની કુલ 12 બેઠક થઈ છે. નવી વિધાનસભાની બેઠકો અસ્તિત્વમાં આવી ત્યારથી સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. એમાં પણ વિશેષ કરીને ભાવનગર જિલ્લાનું સૌથી વધુ પ્રભુત્વ સુરત શહેર ભાજપ પર જોવા મળી રહ્યું છે. સુરતના સંગઠનમાં મોટા ભાગના પાટીદારો ભાવનગર જિલ્લાના છે. એટલું જ નહીં, પરંતુ વિધાનસભાની અંદર વોર્ડ પ્રમુખ સુધીની વ્યક્તિઓ ભાવનગર જિલ્લાની હોવાની ચર્ચા ચાલી રહી છે. એનું મુખ્ય કારણ એ છે કે ધારાસભ્ય જે છે તે ભાવનગર જિલ્લાના હોય છે અને તેમના કારણે તેઓ પણ ઈચ્છે છે કે તેમના વિધાનસભા મતવિસ્તારની અંદર પકડ જળવાઈ રહે એના માટે વિશ્વાસપાત્ર હોદ્દેદારોને ગોઠવવામાં આવે. પરિણામે, મોટા ભાગે ભાવનગર જિલ્લાનો ધારાસભ્ય હોય તે પોતાના જિલ્લાના લોકોને હોદ્દેદાર તરીકે પસંદ કરે છે. સુરત શહેરમાં જે મતદારો છે તે પૈકી જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકાના 60% લેઉવા પટેલ છે. કુલ 8થી 9 લાખ જેટલા હોવા છતાં પણ તેમને કોઈ વિશેષ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી.

હવે એવી સીટોની વાત જ્યાં પોતાના જિલ્લાના ઉમેદવાર માટે ખેલાય છે પડદા પાછળ ખેલ

સુરત ઉત્તર: 5 હજાર ભાવનગરના પાટીદાર મતદારો છતાં ટિકિટ
સુરત ઉત્તર બેઠક ઉપર કાંતિ બલરને ફરીથી ટિકિટ આપવામાં આવી છે, જે ભાવનગર જિલ્લાના છે. આખું શહેર જાણે છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં વધુ સક્રિય રીતે દેખાતા પણ નથી અને ધારાસભ્ય તરીકેનું તેમનું એવું કોઈ કામ કે જે સુરત શહેરમાં ચર્ચામાં આવ્યું હોય એવું નથી થયું, પરંતુ કાંતિ બલર નરેન્દ્ર મોદીનો શૂટ કરોડો રૂપિયામાં ખરીદનાર ધર્મનંદન ડાયમંડના લાલજી પટેલના બનેવી થતા હોવાને કારણે તેમને ખૂબ જ સરળતાથી ટિકિટ મળી જાય છે. તેઓ પોતે ભાવનગરના છે. ભાવનગર જિલ્લાને પ્રતિનિધિત્વ પણ મળે અને પોતાના સગા બનેવીને રાજકીય રીતે સ્થાપિત કરવા માટે તેઓ રાજકીય રીતે દબાણ લાવીને તેમને ટિકિટ આપવામાં સફળ થતા રહે છે.

સુરત ઉત્તર બેઠક પર પાટીદારો અને મૂળ સુરતીઓનો પ્રભાવ છે. જ્યારે જિલ્લા પ્રમાણે પાટીદારોની જો વાત કરીએ તો અહીં માત્ર 5000 જેટલા જ ભાવનગરના પાટીદારો રહે છે છતાં પણ આંતરિક રીતે ભાવનગરના પાટીદારને ટિકિટ આપી દેવામાં આવી છે એવી વાતો ભાજપ દ્વારા કરવામાં આવે છે. સંગઠનનાં મૂળ જ તપાસવામાં આવે તો અન્ય જિલ્લાના પાટીદારો ભાવનગર જિલ્લા કરતાં વધુ હોવા છતાં પણ તેમને ટિકિટ આપવામાં આવતી નથી. એટલું જ નહીં, પરંતુ અહીંના કોર્પોરેટરો અને વોર્ડ- પ્રમુખો પણ ભાવનગર જિલ્લાના છે. એને કારણે જ્યારે મુખ્ય સંગઠન કે સેન્સ લેવાની વાત આવે છે ત્યારે ભાવનગર જિલ્લાના હોદ્દેદારો ભાવનગર જિલ્લાની જ વ્યક્તિનું નામ કોર્પોરેટર તરીકે કે ધારાસભ્ય તરીકે આગળ મૂકે છે. સુરત ઉત્તર બેઠક પરથી માત્ર 5000 જેટલા પાટીદાર ભાવનગર જિલ્લાના મતદાર હોવા છતાં પણ આંતરિક રાજકારણ એટલું જબરજસ્ત છે કે અન્ય જિલ્લાના પાટીદારોને તક આપવા કરતાં જોખમ લેવાનું વધારે પસંદ કરે છે.

વરાછા: અમરેલી જિલ્લાનો હાથ ઉપર રહે છે
વરાછા વિધાનસભા બેઠક પર અમરેલી જિલ્લાના કુમાર કાનાણીને ટિકિટ આપવામાં આવી છે. પાટીદાર અનામત આંદોલનને કારણે આ બેઠક પર પણ પાટીદારોનો ભારે રોષ જોવા મળ્યો હતો. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાવનગર અને અમરેલી જિલ્લાને બાદ કરતાં અન્ય જિલ્લાના પાટીદારોએ ભાજપના વિરુદ્ધમાં મતદાન કર્યું હોય એવું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું, જેને કારણે પરિણામ પણ ભાજપનાં વિપરીત જોવા મળે છે. વરાછા બેઠક પર આ વખતે કંઈક નવાજૂની થાય એવાં એંધાણ પણ વર્તાઇ રહ્યાં છે. આમ આદમી પાર્ટીની સક્રિયતા અને અન્ય જિલ્લાઓ સાથે ભાજપમાં થતા અન્યાયને કારણે આંતરિક રીતે ખટરાગ પણ છે, જે ચૂંટણી પરિણામ પર અસર કરી શકશે.

વરાછા બેઠક પર પણ અમરેલી જિલ્લાનો હાથ રહેતો હોય છે. કુમાર કાનાણી પર પુરુષોત્તમ રૂપાલાનો હાથ રહેતો હોય છે. પુરુષોત્તમ રૂપાલા સુરત શહેરની વરાછા બેઠક પર પોતાના જિલ્લાને પ્રતિનિધિત્વ મળે એના માટે હંમેશાં આગ્રહી રહે છે. તેઓ ઈચ્છે છે કે આ બેઠક પર જેને ટિકિટ મળે ત્યાં અમરેલી જિલ્લાનો ઉમેદવાર હોય તો વધુ સારું. પુરુષોત્તમ રૂપાલા અને કુમાર કાનાણી વચ્ચેના સંબંધો સૌકોઈને ખબર છે. કુમાર કાનાણી પણ જાણે છે કે પાર્લમેન્ટરી સુધી તેમની દાવેદારી મજબૂત કરવામાં પુરુષોત્તમ રૂપાલા મહત્ત્વની ભૂમિકા ભજવશે.

કરંજ: 70 ટકા મતદારો અન્ય સમાજના છતાં ભાવનગરના ઉમેદવારને ટિકિટ
કરંજ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પ્રવીણ ઘોઘારીને ટિકિટ આપી છે, જે મૂળ ભાવનગર જિલ્લાના છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બેઠક પર ભાવનગર જિલ્લાના માત્ર 15 હાજર જેટલા મતદાર પાટીદાર છે, બાકીના 70 ટકા જેટલા અન્ય સમાજના મતદારો છે. 2012માં જનક બગદાણાવાળા આ બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જનક બગદાણાની પાટીદાર સિવાય અન્ય જાતિઓની અંદર પણ બાપા સીતારામ મંડળને કારણે પકડ સારી હતી. તેઓ અમરેલી જિલ્લાના હતા. જેઓ આંતરિક રાજકારણના ભોગ બનતાં ભાવનગર જિલ્લાના પ્રવીણ ઘોઘારી ટિકિટ આપવામાં આવી હતી. આ વખતે ફરીથી પ્રવીણ ઘોઘારીને જ ટિકિટ આપવામાં આવી છે.

કતારગામ: જામનગર-રાજકોટ-જૂનાગઢનો ઉમેદવાર ક્યારે?
કતારગામ વિધાનસભા બેઠકો પર વિનુ મોરડિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, જેઓ ભાવનગર જિલ્લાના છે. કતારગામ બેઠક પરથી વિનુ મોરડિયાને ટિકિટ અપાવા માટે પણ મનસુખ માંડવિયાનો મહત્ત્વનો રોલ હોવાની ચર્ચા છે. ભાવનગર જિલ્લા સિવાયના અન્ય જિલ્લાના લોકોમાં નારાજગી છે એવું ઉદાહરણ તરીકે જો આપણે કહેવું હોય તો કેશુભાઈ પટેલની આગેવાનીમાં મહાગુજરાત જનતા પાર્ટીએ (જીપીપી) વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું ત્યારે આ વિધાનસભા બેઠક પરથી હાલના ભાજપના મહામંત્રી કાળુ ભીમનાથ ચૂંટણી લડ્યા હતા. ત્યારે તેમને ભાજપના ઉમેદવારની સામે 40,000 જેટલા મત મેળવ્યા હતા. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે ભાવનગર જિલ્લાના મતદારો સિવાય અન્ય પાટીદારો ભાજપને વિકલ્પ તરીકે મળે તો મત ન આપવાનું પસંદ કરે છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પોતે ભાવનગર જિલ્લાના પાટીદાર છે અને તેઓ આ બેઠક પરથી વિનુ મોરડિયા સામે ટક્કર આપવાના છે ત્યારે આ બેઠકો પર જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીએ તો પાટીદારોનો આંતરિક રોષ આ બેઠક પર મોટો ઊલટફેર પણ કરી શકે છે. આ બેઠક પરથી પ્રજાપતિ સમાજ પણ કોંગ્રેસ તરફ જઈ શકે છે. પ્રજાપતિ સમાજના યુવા ચહેરા તરીકે અલ્પેશ વરિયાને કોંગ્રેસે ટિકિટ આપી છે.

કામરેજ : ફરી અમરેલીના ઉમેદવારની જ પસંદગી
અમરેલી જિલ્લાના પ્રફુલ પાનસરિયાને આ વખતે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. દર વખતે અમરેલી અને ભાવનગર જિલ્લાના જ ઉમેદવારને પસંદ કરવામાં આવતા હોવાને કારણે નિરીક્ષકો સામે જામનગર, રાજકોટ, જૂનાગઢ જિલ્લાના પણ ઉમેદવારોએ ટિકિટની માગણી કરી હતી, પરંતુ ફરીથી તેમને નિરાશા મળી છે. તેમની નારાજગીની સાથોસાથ સ્થાનિક મૂળ સુરતી પાટીદાર પણ નારાજ છે. કામરેજ બેઠક પર AAPએ પોતાની પકડ મજબૂત કરી છે. આમ આદમી પાર્ટીએ 27 બેઠક પૈકી દસ બેઠક આ વિધાનસભા વિસ્તારની કોર્પોરેશનમાં મેળવી છે, જેના પરથી આપણે અંદાજ લગાવી શકીએ કે આ બેઠક પર ભાજપનાં કેટલાં કપરાં ચડાણ છે.

ચૂંટણી આવતાં જ માંડવિયા સુરતમાં એક્વિટ થઈ જાય છે
સુરતમાં પાટીદારોની તમામ જવાબદારી મનસુખ માંડવિયાને સોંપવામાં આવી છે. મનસુખ માંડવિયા પોતે પણ ભાવનગર જિલ્લાના છે. મનસુખ માંડવિયા વિધાનસભાની ચૂંટણી હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય તે પહેલા સુરત પ્રવાસ શરૂ કરી દેતા હોય છે. મનસુખ માંડવિયા ભાવનગર જિલ્લાના ઉદ્યોગપતિઓ સાથે બેસીને એવાં રાજકીય પાસાં ગોઠવે છે કે તેઓ જે નામ મોકલે છે એ નામ જ ફાઇનલ કરવાની ફરજ ભાજપની પાર્લામેન્ટરીને પડે છે.

માંડવિયાએ ત્રણ મુલાકાતમાં 18 મિટિંગ કરી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા બે મહિનામાં મનસુખભાઈ ત્રણ વખત સુરતની મુલાકાતે આવ્યા છે. સમગ્ર સુરત શહેરમાં તેમણે 18 કરતાં પણ વધુ અલગ અલગ બેઠકો કરી છે. હવે મુદ્દો એ ઊભો થાય છે કે મનસુખ માંડવિયાએ સુરતમાં ભાવનગર જિલ્લા અને અમરેલીના એકાદ બે જિલ્લાના અગ્રણીઓ સિવાય કયા જિલ્લાના અગ્રણીઓ સાથે બેઠક કરી છે તે અંગે ચર્ચા ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો તેમણે પણ જે બેઠકો કરી છે તે મહદંશે ભાવનગર જિલ્લાના લોકો સાથે જ કરી છે અને તેમને જ જવાબદારી સોંપવામાં આવે છે કે વધુમાં વધુ મતદાન ભાજપની તરફેણમાં થાય. હવે આશ્ચર્યજનક વાત એ છે કે ભાવનગર જિલ્લાના ખૂબ ઓછા મતદારો હોવા છતાં પણ કેટલીક બેઠકો ઉપર પાટીદાર ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવ્યા છે.

જામનગર, રાજકોટ, જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લાના પાટીદારોને અન્યાય
સામાન્ય લોકોના ધ્યાને આ બાબત નથી આવતી પરંતુ જ્યારે રાજકીય પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈએ છે ત્યારે જાતિવાદ રાજકારણ ખૂબ જ ઊંડું અને ગહન છે જેને સમજવામાં ભલભલા રાજકારણીઓ થાપ ખાઈ જતા હોય છે. નજર સામે દેખાતાં સમીકરણોને સમજવા કરતાં તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો આ વાત સામે આવી જતી હોય છે. સુરત શહેરનો હાલ પાટીદારોનો અભ્યાસ કરીએ તો કેટલીક મહત્ત્વની બાબતો ધ્યાનમાં આવી રહી છે કે જે હવે ધીરે ધીરે બહાર આવવાની શરૂ થઈ છે. પાટીદારોને પ્રભુત્વ આપવાની વાત કરવામાં આવી રહી છે પરંતુ આ પ્રભુત્વ કેન્દ્રિત થઈ રહ્યું છે, જેને કારણે અન્ય જિલ્લાના લોકો જે સુરત શહેરમાં પાટીદારો રહે છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જામનગર, રાજકોટ, જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લાના જે પાટીદારો છે. તેમને સુરત શહેરના રાજકારણમાં જોઈએ એટલું પ્રભુત્વ મળી રહ્યું નથી. સુરત શહેરના સમગ્ર સંગઠનના માળખામાં આ ચાર જિલ્લાઓની બાદબાકી ખૂબ જ રણનીતિપૂર્વક કરવામાં આવી રહી છે પરંતુ આ બાબતે ક્યારેય કોઈ ચર્ચા કરવામાં આવતી નથી.

ભાવનગર જિલ્લાને મહત્ત્વ આપ્યા બાદ પણ કોર્પોરેશનની ચૂંટણીમાં પછડાટ
ભાવનગર જિલ્લાના મતદારો ભારતીય જનતા પાર્ટીને જ મત આપે છે એના પર શંકા ઊભી થઈ રહી છે. કોર્પોરેશનની ચૂંટણીમાં જે મતદાન થયું છે એમાં ભાવનગર જિલ્લાનું પ્રભુત્વ હોવા છતાં પણ ભાવનગર જિલ્લાના ઉમેદવારોને મત નથી મળ્યા. એટલું જ નહીં, પરંતુ અન્ય પાટીદારોએ પણ ભાજપને મત આપ્યા નથી. જામનગર, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિતના અન્ય જિલ્લાઓના અગ્રણીઓનો ગણગણાટ છે કે પક્ષ સૌથી વધુ પ્રાધાન્ય ભાવનગર જિલ્લાના આપે છે છતાં એના મતદારો પ્રામાણિકપણે ભારતીય જનતા પાર્ટીને જ મત આપે છે એવું ગણતરી મુજબ દેખાઈ આવ્યું નથી.

ચૂંટણી પહેલાં પાંચ ડાયમંડકિંગ સક્રિય થઈ પાર પાડે છે ઓપરેશન
ભારતીય જનતા પાર્ટીમાં બે જ જિલ્લાને પ્રાધાન્ય મળે છે, એ પાછળનાં પણ કેટલાંક મહત્ત્વનાં કારણો છે. સુરત શહેરમાં જે મોટા ઉદ્યોગપતિઓ છે- રિયલ એસ્ટેટ અને હીરા ઉદ્યોગમાં એ તમામ ભાવનગર જિલ્લાના છે અને એકાદ-બે અમરેલી જિલ્લાના છે. આર્થિક રીતે મજબૂત હોવાને કારણે ભાવનગર જિલ્લાના ઉદ્યોગપતિઓ પણ રાજકીય રીતે તેમના જિલ્લાનું પ્રભુત્વ રહે તેવા સતત પ્રયાસ કરવામાં આવે છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં કે અન્ય ચૂંટણી પહેલાં સુરતના ચારથી પાંચ જેટલા ડાયમંડકિંગ ભાવનગર જિલ્લાના છે તેઓ સક્રિય થઈ જાય છે અને ભાજપના રાજ્યના અને કેન્દ્રના શીર્ષ નેતાઓની સામે પોતાની ઈચ્છા મુજબના ઉમેદવારોનાં નામ આપતા હોય છે અને તેની પસંદગી થતી હોય છે, પરંતુ આ તમામ ખેલ વચ્ચે હવે પાટીદારો પણ ખૂબ ઊંડાણથી તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે અને કયા પક્ષમાં કેટલું પ્રતિનિધિત્વ મળી રહ્યું છે એના પર પણ તેમની નજર હયો છે. વિશેષ કરીને જામનગર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા સહિતના અન્ય જિલ્લાના પાટીદારો જે સુરતમાં રહે છે તેઓ હવે અંદર અંદર આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છે. રાજકીય રીતે તેમને પ્રભુત્વ ન મળતાં આખરે તેઓ ગર્ભિત સંકેત આપી રહ્યા છે કે ચૂંટણી પરિણામોમાં તેઓ પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષા પૂરી ન થતાં પરિણામો પર કેવી અસર કરી શકે છે એ બતાવવા માટે માનસિક રીતે તૈયાર થઈ ગયા છે.

આવું કંઈ નથી: ભાજપના ઉમેદવાર પ્રવીણ ઘોઘારી
આ અંગે સુરત કરંજ વિધાનસભાના ભાજપના ઉમેદવાર પ્રવીણ ઘોઘારીએ કહ્યું હતું કે હું પોતે ભાવનગર જિલ્લાનો છું. ભારતીય જનતા પાર્ટીમાં કોઈપણ પ્રકારે પૂર્વગ્રહ રાખીને કોઈ એક કે બે જિલ્લાને જ વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે એવી કોઈ વાત નથી. સુરતમાં જે વિધાનસભા બેઠકોમાં ઉમેદવાર જાહેર કરાયા છે એમાં ભાવનગર અને અમરેલી જિલ્લાના પણ છે. એટલું જ નહીં, પરંતુ અમારા વિધાનસભા મતવિસ્તારની અંદર જે સંગઠન છે એ અમારા વોર્ડ પ્રમુખો પણ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાના વતની છે. મારા પોતાના વિધાનસભાના વોર્ડ-પ્રમુખ ઘણા એવા છે કે જે ભાવનગર અને અમરેલી જિલ્લાના નથી.

ભાવનગર અને અમરેલી જિલ્લાના હોદ્દેદારોએ ભાજપ પર કબજો જમાવ્યો છે: પ્રવીણ ગજેરા (વરાછા-રહેવાસી)
પ્રવીણ ગજેરા, જેઓ વરાછા વિસ્તારમાં રહે છે. તેમણે કહ્યું હતું કે તદ્દન સાચી વાત છે. સુરતના જે મોટા ઉદ્યોગપતિઓ છે તેઓ મોટા ભાગના ભાવનગર અને અમરેલી જિલ્લાના છે. તેમના દ્વારા જ ભાજપ પર કબજો જમાવી લેવામાં આવ્યો છે. પડદા પાછળથી તેઓ પોતાની વ્યક્તિઓને રાજકીય રીતે સેટ કરી દેતા હોય છે, જેથી કરીને તેમને રાજકીય રીતે સત્તામાં રહેતાં પોતાના માણસો થકી લાભ થઈ શકે. વિશેષ કરીને અમરેલી અને ભાવનગર જિલ્લાના ઉદ્યોગપતિઓ ખૂબ જ સક્રિય રહે છે. પરિણામે, શક્ય હોય એટલા સંગઠનમાં પણ આ જિલ્લાની વ્યક્તિઓ રહે એવો પ્રયાસ કરવામાં આવતો હોય છે અને અન્ય સાત જેટલા જિલ્લાઓના લોકો સાથે અન્યાય કરવામાં આવે છે. મહત્ત્વની બાબતે છે કે આ બે જિલ્લાના જેટલા લોકો સુરતમાં રહે છે એટલા જ અન્ય જિલ્લાના પણ કુલ મળીને રહેતા હોવા છતાં પણ આંતરિક જૂથવાદ ચલાવવામાં આવે છે.

અન્ય જિલ્લાને કોઈ જ મહત્ત્વ અપાતું નથી: રતિલાલ રૂપારેલિયા (વરાછા-રહેવાસી)
રતિલાલ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે છેલ્લાં 15થી 20 વર્ષમાં જૂનાગઢ, જામનગર, રાજકોટ ને સુરેન્દ્રનગરને કોઈપણ પ્રકારનું રાજકીય રીતે મહત્ત્વ આપવામાં આવ્યું નથી. આજે સ્થિતિ એવી છે કે જૂનાગઢ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ખરાબ થઈ છે, એના કારણે કોંગ્રેસમાંથી કે અન્યથી ઉમેદવારોને લાવવા પડે છે ત્યાં ભાજપ જીતી શકતી નથી. સુરત શહેરની અંદર માત્ર ભાવનગર અને અમરેલી જિલ્લાનો જોવા મળે છે. રાજકીય રીતે કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે સંગઠનના મહત્ત્વના પદ હોય, તમામ ઉપર આ બે જિલ્લાનું વર્ષોથી વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. વારંવાર અન્ય જિલ્લાઓ તરફથી માગણીઓ કરવામાં આવતી હોય છે, પરંતુ એને સ્વીકારવામાં આવતી નથી. રાજકીય રીતે આ બે જિલ્લાને બાદ કરતાં અન્ય જિલ્લાઓની વસતિ વધુ હોવા છતાં પણ રાજકીય પ્રતિનિધિત્વ તેમને આપવામાં આવતું નથી. અમે છેલ્લાં 15 વર્ષથી સતત ચૂંટણી સમયે રજૂઆતો કરતા રહેતા હોઇએ છીએ, પરંતુ કોઈ મોટો ઉદ્યોગપતિ કે ભાજપના એવા કોઈ નેતાઓ અમારી વાતને ગંભીરતાથી લેતું નથી ને તો એનું પરિણામ છે કે આજે અમરેલી અને ભાવનગર જિલ્લાને બાદ કરતાં કોઈ મોટો ચહેરો અન્ય જિલ્લાનો ભારતીય જનતા પાર્ટીમાં સુરતમાં દેખાતો નથી.

અન્ય સમાચારો પણ છે...