ભાસ્કર ઇનડેપ્થછોટુ વસાવા બન્યા બીજા 'મુલાયમસિંહ'?:એક સમયે જેનો ડંકો વાગતો એ છોટુભાઈને ટિકિટનાં પણ ફાંફાં, દીકરાએ 'હાઇજેક' કરી લીધી પાર્ટી

ગાંધીનગર19 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે

પાવર એ એક એવી વસ્તુ છે જેને મેળવવા માટે લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેમાં પણ જો પોલિટિકલ પાવરની વાત આવે તો લોકો પરિવાર સામે વિશ્વાસઘાત કરતાં પણ અચકાતા નથી. જેનાં અનેક ઉદાહરણો ભારતના રાજકારણમાં જોવા મળ્યાં છે. જેમ કે એક સમયે જેનો ભારતના રાજકારણમાં દબદબો હતો એવા દિગ્ગજ સમાજવાદી નેતા મુલાયમસિંહ યાદવ નબળા પડતાં તેના પુત્ર અખિલેશ યાદવે આખી પાર્ટી જ હાઈજેક કરી લીધી હતી. એટલું જ નહીં પિતાને હાંસિયામાં ધકેલી દીધા હતા. આવું જ કંઈક ગુજરાતમાં બની રહ્યું છે. ગુજરાતના દબંગ નેતા છોટુભાઈ વસાવા સામે દીકરા મહેશ વસાવાએ મોરચો માંડ્યો છે અને આખી બીટીપી પાર્ટી હાઈજેક કરી લીધી હોય એવું ચિત્ર ઊપસ્યું છે. એટલું જ નહીં વસાવા પરિવારનો ઝઘડો પણ બહાર આવ્યો છે.

કેમ આવી સ્થિતિ ઊભી થઈ
ગુજરાતના રાજકારણમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે છોટુભાઈ વસાવાને નહીં ઓળખતું હોય. કોઈ પણ સિમ્બોલ પર જીતી શકતાં 7 વખત ઝઘડિયાની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ આ વખતે ચૂંટણી લડવાની ના પાડી બધાને ચોંકાવ્યા છે. પાંચ દિવસ પહેલાં જ છોટુ વસાવાએ કહ્યું હતું કે હું જીવીશ ત્યાં સુધી ચૂંટણી લડીશ. હજુ પણ હું 100 કિમી ચાલી શકું એટલો ફિટ છું. આમ ચૂંટણી લડવાની વાત કરનારા છોટુભાઈ અચાનક મેદાનમાંથી કેમ ખસી ગયા તેની પાછળ નિષ્ણાતો અનેક કારણો ગણાવી રહ્યા છે. હાલ તબિયત સારી હોવા છતાં ચૂંટણી ન લડવાનો નિર્ણય એ પાછળ છોટુભાઈની અમુક મજબૂરી છે. આદિવાસીઓમાં છોટુભાઈ 'દાદા' અને મહેશ વસાવા 'ભાઈ' તરીકે ઓળખાય છે.

દીકરાની જીદ- હું તો પિતાની સીટ ઝઘડિયાથી જ ચૂંટણી લડીશ
ખરી લડાઈ પસંદગીની સીટ માટેની છે. ઝઘડિયાના સીટિંગ ધારાસભ્ય છોટુભાઈને ફરી ચૂંટણી લડવી હતી, પણ આ સીટ મોટા દીકરા મહેશ વસાવાને પણ જોઈતી હતી. મહેશ વસાવા હાલ દેડિયાપાડાના ધારાસભ્ય છે. મહેશ ફરી દેડિયાપાડાથી ચૂંટણી લડવા માંગતો નથી અને તેને પિતાની ઝઘડિયાવાળી સીટ જોઈતી હતી. એટલું જ નહીં બીટીપી પાર્ટીના અધ્યક્ષ હોવાના નાતે મહેશ વસાવાએ પિતાના બદલે ઝઘડિયા સીટ પર પોતાનું નામ પણ જાહેર કરી દીધું છે.

કેમ સીટ બદલવા માંગે છે મહેશ વસાવા?
રાજકીય નિષ્ણાતોના કહેવા મુજબ મહેશ વસાવાનો વર્ષ 2017ની ચૂંટણીમાં દેડિયાપાડા(એસટી) સીટ પર 21 હજાર મતની લીડથી વિજય થયો હોવા છતાં તેઓ આ વખતે અહીંથી ચૂંટણી લડવાના મૂડમાં નથી. તેનું કારણ છે આમ આદમી પાર્ટી. AAPએ દેડિયાપાડાથી ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. ચૈતર વસાવા એક સમયે મહેશ વસાવાના ખાસ સાથીદાર હતા. AAP-BTPનું જોડાણ તૂટી ગયા બાદ ચૈતર વસાવાએ BTPને રામ રામ કહી AAP જોઈન કરી લીધી હતી. આમ દેડિયાપાડામાં BTPના બે ભાગલા પડી છે. આવી સ્થિતિમાં આ સીટ પર ચાર પાર્ટી BTP, AAP, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચોપાંખિયો જંગ ખેલાય એવી પૂરી શક્યતા છે. જેથી મહેશ વસાવા અહીં કોઈ જોખમ લેવા માંગતા નથી અને સેફ સીટ ઝઘડિયાથી લડવા માંગે છે.

મહેશના નાના ભાઈ દિલીપે પણ કહ્યું- મારે સીટ જોઈએ છે
જાણકારોના કહેવા પ્રમાણે મહેશ વસાવાએ જેવી ઝઘડિયા સીટ પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી કે છોટુભાઈના પરિવારમાં ઝઘડા સામે આવવા લાગ્યા છે. છોટુભાઈના નાના પુત્ર દિલીપ વસાવાએ પિતાની ઝઘડિયા સીટ પર દાવો કર્યો છે. તેનું કહેવું છે કે મોટાભાઈ મહેશ વસાવાએ પરંપરાગત દેડિયાપાડાથી ચૂંટણી લડવી જોઈએ અને ઝઘડિયા સીટ તેના માટે છોડી દેવી જોઈએ

છોટુભાઈનાં બીજાં પત્ની પણ મોરચો માંડ્યો
બીજાં પત્ની સરલાબેન વસાવા પણ ઝઘડિયા સીટ પર ચૂંટણી લડવા માંગે છે. જિલ્લા પંચાયતમાં બે ટર્મ શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂકેલાં સરલાબેનને પણ હવે ધારાસભ્ય બનવું છે અને ચૂંટણી લડવી છે. સરલાબેન છોટુભાઈનાં બીજાં પત્ની છે. જે મહેશનાં માસી પણ થાય. છોટુભાઈના પહેલા પત્ની અને બીજા પત્ની બંને સગી બહેનો હતી. પહેલી પત્નીના નિધન બાદ છોટુભાઈએ સરલાબેન સાથે લગ્ન કર્યાં હતાં.

છોટુભાઈનો ભાણિયો પણ આડો ફાટ્યો
આ ઉપરાંત છોટુભાઈના ભાણા રાજુ વસાવા પણ આડા ફાટ્યા છે. વાલિયા રહેતા છોટુભાઈના ભાણિયા રાજુ વસાવા અને તેમના બે પુત્રોએ પણ દાવેદારી નોંધાવી છે. રાજુ વસવાના બંને પુત્રોનું કહેવું છે કે અત્યાર સુધી આપણે મામાને મદદ કરી પણ અમારો વારો ક્યારે આવશે. એટલે પુત્રોએ પિતા પર દબાણ ઊભું કર્યું છે કે તમે સીટો માગો અથવા અમને ચૂંટણી લડવા દો.

હવે છોટુભાઈ નહીં પણ મહેશ વસાવા છે બીટીપીનો સર્વેસર્વા
નિષ્ણાતોના કહેવા પ્રમાણે વર્ષ 2017માં સ્થપાયેલી ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) છોટુભાઈના મોટા દીકરા મહેશ વસાવાએ હાલ હાઈજેક કરી લીધી છે. બીટીપીના ગુજરાતમાં બે અને રાજસ્થાનમાં બે એમ કુલ ચાર ધારાસભ્યો ચૂંટાયા હતા. મહેશ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. પાર્ટીના તમામ નિર્ણયો તે જાતે લે છે. પાર્ટીએ હાલમાં તેના 12 સીટ પર ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ગુજરાતની 20થી વધુ સીટો પર બીટીપીનો વ્યાપ છે.

મૂળ ઝઘડો શું છે?
ઝઘડિયા સીટ સિવાય બીટીપીમાં અન્ય મુદ્દો પણ વિવાદનું કારણ બન્યો છે. છોટુભાઈ વસાવા આ ચૂંટણમાં નીતિશ કુમારની પાર્ટી જનતા દળ (યુ) સાથે જોડાણ કરવા માંગતા હતા અને પ્રચારમાં નીતિશ કુમારને બોલાવવા માંગતા હતા. જેનો દીકરા મહેશે વિરોધ કર્યો હતો. સૂત્રોના કહેવા મુજબ મહેશ વસાવા આ ચૂંટણીમાં ભાજપ સાથે જોડાણ કરવાના મૂડમાં છે. કેમ કે દેડિયાપાડા અને ઝઘડિયા સીટ પર આ વખતે પાર્ટીની સ્થિતિ નબળી છે અને ભાજપનો સાથ મળે તો જ સીટ બચાવી શકાય એમ છે. નોંધનીય છે કે બીટીપીએ ગઈ ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોડાણ કર્યું હતું અને 6 જગ્યાએ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા.

તમામ પાર્ટીને છોટુભાઈની કેમ જરૂર છે?
ગુજરાતમાં કોઈ પાર્ટી બીટીપીની અવગણના કરી શકે એમ નથી. આદિવાસી પટ્ટામાં પેઠ મેળવવા માટે રાજકીય પાર્ટીઓ હંમેશાં છોટુભાઈનો સાથે મેળવવા માંગે છે. આ વખતની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટી AIMIM અને કેજરીવાલની AAP સાથે જોડાણ કર્યું હતું જોકે થોડો સમયમાં તૂટી ગયું હતું. આ ઉપરાંત વખતોવખત બીટીપી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ સાથે જોડાણ કરતી આવી છે.

કોણ છે છોટુભાઈ વસાવા?
ગુજરાતના રાજકારણની વાત આવે ત્યારે છોટુભાઈનું નામ ન આવે એવું બંને જ નહીં. છેલ્લા લગભગ ચાર દાયકાથી ઝઘડિયા બેઠક અને છોટુ વસાવાનો નાતો જોડાયેલો રહ્યો છે. છોટુભાઈ તેમના પિતા તથા સસરા પાસેથી રાજકારણના પાઠ ભણ્યા છે. વર્ષ 1945માં જન્મેલા વસાવા 1985માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા. તેઓ 1990માં જનતા દળની ટિકિટ પર પ્રથમ વખત જીત્યા હતા. ત્યારથી આજ દિવસ સુધી સાત વખત તેઓ ઝઘડિયા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે.

તલાટીમાંથી નેતા બન્યા
છોટુ વસાવાના પિતા અમરસિંહ વસાવા સરકારી નોકરિયાત હતા. ધોરણ-10 પાસ છોટુભાઈ વસાવા 18 વર્ષની ઉંમર તલાટી બન્યા હતા, જોકે તેમણે ત્રણ જ વર્ષમાં નોકરી છોડી દીધી હતી. રાજકારણના ગુણ તેમણે પિતા અને સસરા પાસેથી શીખ્યા હતા. જમીનના અધિકારને લઈને છોટુ વસાવાના પિતાએ આદિવાસીઓને ભેગા કર્યા હતા અને પછી છોટુ વસાવા પણ આંદોલનમાં જોડાયા હતા. એ વખતના ધુરંધર નેતા મુળજીભાઈ વસાવાએ તેમની દીકરાનાં લગ્ન છોટુભાઈ સાથે કરાવ્યા. છોટુભાઈ સસરા મૂળજીભાઈ સાથે રહીને જ રાજકારણના દાવપેચ શીખવા લાગ્યા. દરમિયાન 1971માં સસરા મૂળજીભાઈની હત્યા થઈ. આ આઘાતમાંથી છોટુભાઈ બહાર આવ્યા નહોતા કે ઇંદિરા ગાંધીની સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટી વખતે છોટુભાઈની ધરપકડ થઈ અને વર્ષ 1976માં જેલમાંથી બહાર આવ્યા. ત્યાર બાદ તેઓ ગામના સરપંચ બન્યા.

અને વધતી ગઈ છોટુભાઈની તાકાત
ત્યાર બાદ છોટુભાઈની કામગીરીના કારણે લોકપ્રિયતામાં ખૂબ જ વધારો થયો. તેઓ એક પછી એક જનતા પાર્ટી, જનતાદળ, અપક્ષ, જનતાદળ યુનાઇટેડ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ચિહ્ન સાથે ચૂંટણીજંગમાં ઊતર્યા હતા. પહેલી ચૂંટણીને બાદ કરતાં તેઓ હંમેશાં જીતતા આવ્યા છે. છોટુભાઈની છાપ ભલે દબંગ નેતા તરીકેની હોય, પરંતુ સ્થાનિકો માટે તેઓ 'રૉબિનહૂડ' છે.

વારંવારનું વલણ અને સિમ્બોલ બદલવાથી લોકપ્રિયતા ઘટી
જે આદિવાસી મતો પર સારી એવી પક્કડ હતી એ બીટીપીની તાકાત ધીમે ધીમે ઘટી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેનું કારણ છે પાર્ટી તકસાધુ બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. બીટીપી છેલ્લાં કેટલાંક વર્ષોથી ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપને ટેકો આપે છે. જેના કારણે કાર્યકરોમાં પાર્ટીની વિશ્વસનીયતા ઘટી રહી છે. પહેલાં છોટુભાઈ જનતા પક્ષમાં હતા પછી જનતાદળમાં આવ્યા ત્યાં સુધી આદિવાસી વોટ તેમની પાસે બિલકુલ અકબંધ હતા. જ્યારથી પાર્ટી ભાજપ-કોંગ્રેસના ચક્કરમાં પડી ત્યારથી આદિવાસી મત વિમુખ થવા લાગ્યા. છોટુભાઈએ જે મજબૂતાઈથી ટ્રાઈબલ પાર્ટી બનાવી હતી તેના જ કાર્યકરોને તેમના પર ભરોસો ઘટી રહ્યો છે. પાર્ટીના આદિવાસી મતોમાં ખાસ્સું ધોવાણ થયું છે. આ ઉપરાંત પહેલાં પાર્ટીના સિમ્બોલમાં આદિવાસીની ઓળખ તીર-કામઠાં હતી તે બીટીપીની સ્થાપના બાદ ઓટોરિક્ષા આવી ગઈ, જેના કારણે પણ કાર્યકરોમાં ભ્રમ પેદા થયો છે.

અન્ય સમાચારો પણ છે...