ELECTION રાઉન્ડ-અપ@7AM:EVM પર 'જય સરદાર' લખેલી ચિઠ્ઠી કોણ મૂકી ગયું? મત કોને આપ્યો એનો વીડિયો વાઇરલ, જુઓ ચૂંટણીના 7 સૌથી મોટા સમાચાર

2 મહિનો પહેલા

મતદાન ઘટતાં ઉમેદવારોમાં નિરાશા

આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ એન્ટ્રી કરતાં મતદારોમાં પણ એક ઉત્સાહ જોવા મળ્યો હતો. તો આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો હોય અને દોઢ લાખ જેટલા નવા યુવા મતદારો ઉમેરાયા હોવા છતાં પાંચ ટકા ઓછું મતદાન થતાં મતદારોએ દાખવેલી નીરસતા ઊડીને આંખે વળગે એવી સામે આવી છે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠક પર સરેરાશ 58.90 ટકા મતદાન નોંધાયું છે. આ વખતે સુરતમાં 57 ટકા મતદાન થયું. ડાંગમાં 70 ટકા, તો નર્મદામાં 65 ટકા જેટલું મતદાન થયું. તો બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર સંભવિત 54.53 ટકા મતદાન નોંધાયું. સૌથી વધારે તાપીમાં 75 ટકા, જ્યારે સૌથી ઓછું કચ્છમાં 50 ટકા મતદાન નોંધાયું. 2017ની સરખામણીએ આ વર્ષે નવા મતદારો ઉમેરાયા હોવા છતાં મતદાનમાં ઘટાડો થતા હાર-જીતના દાવામાં પણ ઉમેદવારોમાં કોન્ફિડન્સ જોવા નથી મળી રહ્યો.

મતદાન પ્રક્રિયામાં ખલેલ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને મતદાનના મહાપર્વની ઉજવણી કરવામાં આવી, તો રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું, જેમાં ક્યાંક શાંતિપૂર્ણ રીતે મતદાન થયું તો ક્યાંક મતદાનની પ્રક્રિયામાં ખલેલ જોવા મળ્યો હતો. એમાં સુરતના ઉત્તર વિધાનસભા વિસ્તારમાં શાળામાં પાવર કટની સમસ્યાને કારણે વોટિંગની કામગીરી ઠપ થઈ હતી, જેનાથી હોબાળો મચ્યો હતો. પાવર કટ થતાં કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ લગાવ્યો કર્યો હતો કે જાણીજોઈને પાવર કટ કરાવામાં આવ્યો છે તેમજ કોંગ્રેસના કાર્યકર શાળામાં ધરણાં પર પણ બેઠા હતા. આ તરફ ગોંડલના દાળિયા ગામે બોગસ વોટિંગ થતું હોવાની ફરિયાદ સામે આવી હતી.

આ દરમિયાન રીબડા જૂથના અને સામે પક્ષે જયરાજસિંહ જૂથના લોકો ઘટનાસ્થળે પહોંચતાં બોલાચાલી થઈ હતી, જેને કારણે થોડીવાર માટે મતદાન બંધ રાખવામાં આવ્યું હતું. નવસારીના નાંધઈ ગામે પણ મતદાન મથકમાં હોબાળો થયો હતો. ભાજપ અને કોંગ્રેસના પોલિંગ એજન્ટો વચ્ચે બબાલ થતાં મતદાનની પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી થઈ હતી.

ગુપ્ત મતદાનને લઈ રાજકોટ પૂર્વની બેઠક વિવાદમાં

મત આપવો તમામ નાગરિકોની ફરજ છે, પરંતુ મતદાન એ ગુપ્ત રીતે થવું પણ આવશ્યક હોય છે. અમુક વ્યક્તિઓને જાણે અલગ પ્રકારના અંદોજો હોય એમ તેઓ કોને મત આપ્યો એ બતાવવાની કોશિશ કરતા હોય છે, પરંતુ આજે મતદાનને લઈ એક નવો જ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયામાં EVMમાં ભાજપના ઉમેદવાર ઉદય કાનગડને મત આપતો જોવા મળે છે, જેના પરથી જાણી શકાય છે કે વીડિયો રાજકોટ પૂર્વ વિધાનસભા મતક્ષેત્રનો છે, જે વીડિયોને લઈ અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. એ યુવક પોતે મત આપે છે. ત્યાર બાદ 'જય સરદાર' લખેલી ચિઠ્ઠી પણ EVM મૂકતો વીડિયોમાં નજરે ચડે છે.

ચૂંટણીપંચે મતદાનને લઈ આપી મહlત્ત્વની માહિતી

ગઈકાલે મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણીપંચ દ્વારા મતદાનને લઈ કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ઈલેકશન કમિશન દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું કે આ મતદાન પ્રક્રિયામાં મોડલ કોડ ઓફ કંડક્ટની કુલ 104 ફરિયાદ મળી તો 19 જિલ્લામાં 89 બેલેટ યુનિટ, 82 કંટ્રોલ યુનિટ અને 238 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યાં તેમજ કચેરી પર કુલ 104, c-VIGILએપમાં 221 ફરિયાદો મળી અને EVM અંગેની કુલ 18 ફરિયાદો મળી હતી. મતદાનના કલાકો દરમ્યાન ભારતના ચૂંટણીપંચ દ્વારા 33 એલર્ટ્સ મળી હતી. એમાં EVM અંગેના 17 એલર્ટ્સ, ચૂંટણી બહિષ્કારની 5, ટોળા અને હિંસા અંગેની 2, આદર્શ આચરસંહિતા ભંગની 2 તથા અન્ય 7 એલર્ટ્સ હતી.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ-ભાજપની કામગીરીની કરી તુલના

એકતરફ પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થયું, પણ બીજા તબક્કાના મતદારોને રીજવવા નેતાઓની સભાઓ ચાલુ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં જાહેરસભા સંબોધતાં કોંગ્રેસ અને ભાજપની કામગીરીની તુલના કરતાં કહ્યું, "કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દેશ આઝાદ થયો ત્યારથી 1990-19995 સુધી આ કોંગ્રેસિયાઓએ ગુજરાતમાં રાજ કર્યું, પણ ગુજરાતના વિકાસનું કોઈ ઠોર-ઠેકાણું નહોતું. અહીંના ઘણાબધા લોકો ગામડાંમાં રહેતા હશે, ભાજપની સરકાર આવી એ પહેલાં ગામમાં 24 કલાક વીજળી નહોતી આવતી."

કનૈયા કુમારે PM મોદીનું નામ લીધા વગર ઘમંડી ગણાવ્યા

કોંગ્રેસનેતા કનૈયા કુમારે પણ કલોલમાં જાહેરસભા સંબોધી હતી, જેમાં PM મોદીનું નામ લીધા વગર આડકતરી રીતે તેમને ઘમંડી ગણાવતાં કહ્યું, " જે લોકો સત્તામાં બેઠેલા છે તેમને ખુરસીનો અહંકાર થઈ ગયો છે. તે પોતાના આ દિવસ ભૂલી ગયા છે કે તે પણ સાધારણ રાજનૈતિક કાર્યકર્તા હતા. જ્યારથી સાધારણ રાજનૈતિક કાર્યકર્તા મંત્રી, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બન્યા છે તેમને સત્તાનો ઘમંડ આવી ગયો છે."

PM મોદીનો મેરેથોન રોડ શો યોજાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં 54 કિલોમીટરનો મેરેથોન રોડ શો ચાંદખેડા ખાતે પૂર્ણ થયો હતો. સાંજે 5.15 વાગ્યે નરોડા ગામથી શરૂ થયેલો આ મેગા રોડ શો રાતે 9 વાગ્યે ચાંદખેડા ચાર રસ્તા ખાતે પૂર્ણ થયો હતો. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની 13 વિધાનસભા અને ગાંધીનગરની એક વિધાનસભા મળી કુલ 14 વિધાનસભામાં ફરી આ રોડ શો પૂર્ણ થયો હતો. આ રોડ શોમાં છેકથી છેક સુધી રોડની બંને તરફ અમદાવાદીઓ ઊમટી પડ્યા હતા. મેગા રોડ શોમાં 3.45 કલાક સુધી વડાપ્રધાન મોદીએ હાથ હલાવીને લાખો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જોકે મોદીના રોડ-શોનું ઘેલું લાગ્યું હોય તેમ લોકો રીતસર વડાપ્રધાનનો કાફલો પસાર થયા બાદ પાછળ દોડતા જોવા મળ્યા હતા. આ રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દરેક જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું, જેમાં અલગ-અલગ વિધાનસભાના ભાજપના ઉમેદવારો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ PMનું સ્વાગત કરવા માટે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...