ભાસ્કર ઇન્ટરવ્યૂવાત એ પટેલની જેને જોઇને ટ્રાફિક પણ થંભી જાય:MBA કર્યું છતાં નોકરી ન મળી, બિલ્ડરે ઘર ન આપ્યું, કલેક્ટરનું ધ્યાન ખેંચતા હવે ચૂંટણીમાં મચાવે છે ધૂમ

રાજકોટ17 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા

વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ રાજકીય માહોલ જામવા લાગ્યો છે. એક બાદ એક વિવાદો, પાર્ટી સામે જ બળવો જેવાં એલિમેન્ટ પણ ઉમેરાવા લાગ્યાં છે. જેને પગલે જનતા ચૂપચાપ તમાશો જોઈ રહી છે. ચૂંટણીપંચ દ્વારા મતદાનની તૈયારીઓથી લઈ મતદાન માટેની જાગૃતિ અંગે પણ અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ વખતે ચૂંટણીપંચે રાજકોટ જિલ્લાની આઠેય સીટ પર એક નવતર પ્રયોગ કર્યો છે. ચૂંટણીપંચે આ વખતે રાગિણી પટેલને રાજકોટ જિલ્લાના વોટિંગ આઇકોન બનાવવામાં આવ્યાં છે. આ રાગિણી પટેલ છે કોણ?

મૂળ કાલાવડના છે વતની
મૂળ કાલાવડના એવા વોટિંગ આઇકોન એવાં રાગિણી પટેલ સાથે દિવ્ય ભાસ્કરે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. કઈ રીતે તેઓ રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના સંપર્કમાં આવ્યાં એ અંગે તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ટ્રાન્સજેન્ડર સમુદાયના આધાર કાર્ડ તથા સર્ટિફિકેટ કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. એ દરમિયાન રાગિણી પટેલ રાજકોટ જિલ્લા કલેક્ટરના સંપર્કમાં આવ્યાં હતાં. એ સમયે જિલ્લા કલેક્ટર ચૂંટણી અંગે યુનિક કેમ્પેઇન તૈયાર કરવા માંગતા હતા અને હું ખૂબ અતિ ઉત્સાહિત હતી કે, મતદાન જાગૃતિના આ કાર્યક્રમમાં જોડાઈને દેશના ભાવિમાં અમૂલ્ય ફાળો આપી શકાશે.

પરિવારે પણ સમય જતાં આ વાત સ્વીકારી લીધી
પોતાના સંઘર્ષ અંગે રાગિણી પટેલે કહ્યું કે, હું જન્મથી જ ટ્રાન્સજેન્ડર હોવાથી મારે કોઈ સર્જરી કરાવવી પડી નથી. મારે તો LGBQT સમુદાયમાં સામેલ થવું હતું. પરંતુ પરિવાર અને સમાજને પોતાના ટ્રાન્સજેન્ડર બનવાના નિર્ણય અંગે સમજાવવા માટે કપરો સંઘર્ષ કરવો પડ્યો હતો. શરૂઆતમાં પરિવાર સાથે અનેકવાર ઘર્ષણ થયું હતું. પરંતુ સમય જતાં પરિવારે એ વાત સ્વીકારી લીધી હતી કે રાગિણી પટેલ ટ્રાન્સજેન્ડર છે.

‘અમે તમને મકાન ન આપી શકીએ, આસપાસના લોકો કરે છે વિરોધ’
રાગિણી પટેલે MBA સુધીનો અભ્યાસ કર્યો છે, છતાં સમાજ હજુ સુધી આ વાતને સ્વીકારવા તૈયાર નથી. તેમનો સંઘર્ષ આજે પણ યથાવત્ છે. તાજેતરમાં એક કિસ્સા અંગે તેમણે જણાવ્યું હતું કે, રાજકોટના પોશ વિસ્તારમાં તેમણે ઘર ખરીદવું હતું. આ માટે તેમણે બિલ્ડરનો સંપર્ક કર્યો તો બિલ્ડર દ્વારા પણ એવો નીરસ જવાબ આપવામાં આવ્યો હતો કે અમે ટ્રાન્સજેન્ડરને મકાન આપતા નથી અને આપીએ તો આસપાસઆ લોકો વિરોધ કરે છે.

આ મુદ્દે રાગિણી પટેલે કહ્યું હતું કે, લોકોને ટ્રાન્સજેન્ડર સમુદાય પાસેથી આશીર્વાદ અને દુઆ જોઈએ છે. પરંતુ દુનિયા ટ્રાન્સજેન્ડર સમાજના વિકાસ માટે કંઈપણ કરવા માંગતી નથી.

મોટી કંપનીઓમાં અરજી કરી પણ નોકરી ન મળી
MBA પૂર્ણ કર્યા બાદ રાગિણી પટેલે મોટી મોટી કંપનીઓમાં નોકરી માટે અરજી કરી હતી. પરંતુ આ કંપનીઓ દ્વારા પણ માત્ર ને માત્ર તેઓ ટ્રાન્સજેન્ડર છે એ મુદ્દાને ધ્યાને લઈને તેમની અરજીનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો.

‘અમારાં પણ સપનાઓ અને ઇચ્છા હોય છે’
આ અંગે રાગિણી પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અમે પણ ઇચ્છીએ છીએ કે સામાન્ય નાગરિકની જેમ કોઈ સારી કંપનીમાં નોકરી મળે. જેમ લોકોનાં સપનાઓ કોઈ ચોક્કસ નોકરી કરવાનાં હોય તેમના ધ્યેયને પૂર્ણ કરવાના હોય એ રીતે અમારાં પણ સપનાઓ હોય કે અમે પણ અમારી ઈચ્છા અનુસારની નોકરી કરીએ. પરંતુ જે સ્થળ પર અમને નોકરી મળે છે ત્યાં સહકર્મીઓ દ્વારા અમને સહયોગ મળતો નથી. એ લોકો એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે અમારે ત્યાંથી રાજીનામું આપી દેવું પડે અને જ્યાં અમે કામ કરવા ઈચ્છીએ છીએ ત્યાં માત્ર ને માત્ર ટ્રાન્સજેન્ડર સમુદાયને ધ્યાને લેવામાં આવે છે નહીં કે મારી ડિગ્રી, મારો અભ્યાસ કે મારો અનુભવ.

થોડી ઘણી ફાઇનાન્સિયલ કંપનીઓએ એવી છૂટ આપી છે કે તેમના સ્ટાફમાં પાંચ ટકા જેટલા ટ્રાન્સજેન્ડરને નોકરી આપવામાં આવશે.
થોડી ઘણી ફાઇનાન્સિયલ કંપનીઓએ એવી છૂટ આપી છે કે તેમના સ્ટાફમાં પાંચ ટકા જેટલા ટ્રાન્સજેન્ડરને નોકરી આપવામાં આવશે.

‘આજે પણ આસપાસના લોકો મને કિન્નર કહીને સંબોધે છે’
રાગિણી પટેલ પોતાના સમાજના ઉત્થાન માટે કાર્ય કરવા માંગે છે. આ અંગે તેમણે કહ્યું કે સામાન્ય નાગરિકની જેમ તેમને પણ નોકરી મળે અને તેમનું જીવન પણ સામાન્ય હોય. મારા આવા પ્રયત્નોથી સમાજમાં એટલો તો બદલાવ આવ્યો છે કે થોડી ઘણી ફાઇનાન્સિયલ કંપનીઓએ એવી છૂટ આપી છે કે તેમના સ્ટાફમાં પાંચ ટકા જેટલા ટ્રાન્સજેન્ડરને નોકરી આપવામાં આવશે. પરંતુ સમાજમાં જોઈએ તેવું પરિવર્તન હજુ સુધી નથી આવ્યું. આજે પણ હું મારા ઘરની શેરીમાંથી પસાર થઉં છું ત્યારે આસપાસના લોકો મને કિન્નર કહીને સંબોધે છે અને એવા શબ્દોનો પ્રયોગ કરે છે કે જે સાંભળીને કાનમાંથી કીડા ખરી જાય. પરંતુ આ સંસારનો નિયમ છે અને તેની સાથે જ અમારે ચાલવાનું છે.

પહેલા તો અમે લોકોને મતદાનનું મહત્ત્વ સમજાવીશું અને કોઈ હીન કોમેન્ટ કરે તો તેની પણ માનસિક તૈયારી છે.
પહેલા તો અમે લોકોને મતદાનનું મહત્ત્વ સમજાવીશું અને કોઈ હીન કોમેન્ટ કરે તો તેની પણ માનસિક તૈયારી છે.

‘લોકો ભલે ગમે એવી હીન કોમેન્ટ કરે પણ હું ફરજ ચૂકીશ નહીં’
ચૂંટણીમાં મતદારોને રીઝવવા એક મોટો પડકાર છે ત્યારે શું સમાજની એવી રૂઢિચુસ્ત માનસિકતા તેમનો અવરોધ બનશે એ અંગે રાગિણી પટેલે જણાવ્યું હતું કે પહેલા તો અમે લોકોને મતદાનનું મહત્ત્વ સમજાવીશું. મારી એવી માનસિક તૈયારી છે કે લોકો કોઈપણ પ્રકારની હીન કોમેન્ટ કરે પરંતુ હું મતદાન અંગેની મારી ફરજથી નહીં ચૂકું અને લોકોને પણ મતદાન કરવા જણાવીશ.

મતદાન અંગેના તેમના કાર્ય અંગે રાગિણી પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકોને મતદાનનું મહત્ત્વ સમજાવીને મતદાન કરવા માટે અપીલ કરીશ, એ માટે કોઈપણ જાતની લાલચ કે ખોટા લોભ આપીને નહીં, પરંતુ દેશના વિકાસમાં સહભાગી થવાની મહત્ત્વની વાત રજૂ કરીને મતદાનની અપીલ કરીશ. રાગિણી પટેલ જેતપુરના ઈલેક્શન આઇકોન છે એ જ રીત રાજકોટ અને બરોડામાંથી પણ ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોની પસંદગી કરવામાં આવી છે. તેઓ ટ્રાફિક પોઇન્ટ પર મતદાન અંગે જાગૃતિ ફેલાવવા ઊભા રહે તો લોકો પણ તેમને સાંભળવા માટે થંભી જાય છે.

અન્ય સમાચારો પણ છે...