શું લાગે છે:ગિફ્ટમાં 35 લાખની કાર લઈ ધારાસભાની ટિકિટ જતી કરી? રૂપાણી અને નીતિન પટેલને કયું ગાજર આપી મનાવ્યા?

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાનાફૂસી, કાવાદાવાથી માંડીને ગુસપુસ, ગોસિપ અને હાંક્યે રાખો! ગપગોળામાંથી કેટલું ગાળવું ને કેટલું છાનુંછપનું ઉઘાડું કરવું એનાં લેખાંજોખાં લઈને તમારી સમક્ષ મૂકીશું. દિવ્ય ભાસ્કર પર ચૂંટણીને લઈ સૌના મનમાં ઊઠતો એક જ સવાલ 'શું લાગે છે' તમને દરરોજ વાંચવા મળશે, જેમાં ગુજરાતના રાજકારણની અજાણી અને રસપ્રદ વાતો. ચટાકેદાર ચૂંટણીની અંદરની વાતો જાણવા માટે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ...

છેલ્લે છેલ્લે આહિર સમાજના અગ્રણીની ભાજપમાં જોડાવાની તૈયારી
સૌરાષ્ટ્ર આહિર સમાજના અગ્રણી અને ધારાસભ્ય એવા એક નેતા ભાજપમાં જવાની તૈયારીમાં હોવાની વાતો ચાલવા લાગી છે. ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોના નામો હજી જાહેર થયા નથી. ભાજપ અને કૉંગ્રેસ બંને અહીં ગણતરીઓ કરીને બેઠા છે ત્યારે ખરે ટાંકણે જ આહિર સમાજના અગ્રણી ભાજપનો કેસરિયો ધારણ કરશે તેવી જોરદાર હવા ચાલી છે. બધું જ નક્કી છે, બસ સત્તાવાર જાહેરાત બાકી છે એવું સૂત્રો જણાવી રહ્યા છે. આમ થશે તો ગીર સોમનાથનું રાજકારણ બદલાશે અને છેલ્લી ઘડીએ બંને મુખ્ય પક્ષોએ ટિકિટોમાં ફેરફારો કરવા પડશે. ભાજપના એક નેતાએ એવું કહ્યું હતું કે ગીર સોમનાથમાં એક આહિરને તો ટિકિટ આપવી પડે, નહિતો...

ભાજપના દાવેદારોએ પક્ષના હરિફ ઉમેદવારની જાસૂસી શરૂ કરાવી
સૌરાષ્ટ્ર વિસ્તારના ભાજપના એક નેતાને ભય છે કે તેમની ટિકિટ કપાશે. સેન્સ પ્રક્રિયા દરમિયાન તેમણે દાવેદારી તો કરી જ છે પરંતુ તેમને ભરોસો નથી કે ટિકિટ તેમના જ ફાળે જશે એટલે આ જ કારણોસર તેમણે પોતાના જ પક્ષના અન્ય હરિફ ઉમેદવાર ને બદનામ કરવાની પેરવી રચવાની શરૂ કરી છે. હરિફ ઉમેદવારની પાછળ જાસૂસો ગોઠવી દીધા છે જેથી રજેરજની માહિતી મળી શકે અને જો પોતાને ટિકિટ નથી મળતી તો આગામી સમયમાં પક્ષના જ આ હરિફ ઉમેદવારને બદનામ કરી શકાય.

સુરત પૂર્વમાં પ્રખર હિન્દુત્વ ચલાવનારા ઉમેદવાર જોઈશે કે?
સુરત પૂર્વની બેઠક પર કૉંગ્રેસ કદાચ મુસ્લિમ ઉમેદવાર આપશે એવી ચર્ચા વચ્ચે ભાજપે આ બેઠક માટે પ્રખર હિન્દુત્વના ચહેરાને શોધવાનું શરૂ કરી દીધું છે. આ વિસ્તારમાં રાણા ખત્રી સમાજની મોટી સંખ્યા છે અને મુસ્લિમો મતદારોનું પણ વર્ચસ્વ છે. આ બેઠક પર કૉંગ્રેસ મુસ્લિમ ઉમેદવાર આપે તો પછી તેની સામે વર્તમાન ધારાસભ્ય અરવિંદ રાણાને રિપીટ કરાશે કે કેમ તે વિશે શંકાઓ વ્યક્ત થઈ રહી છે. મુસ્લિમ ઉમેદવાર આવે તો પછી સામે હિન્દુત્વના મુદ્દાને જોરદાર રીતે જગાવી શકે તેવા ઉમેદવારને અહીં પસંદ કરાય તેવી પણ શક્યતા છે. સુરત પૂર્વ બેઠકમાં અશાંત ધારો લાગુ કરવાના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી અસંતોષ છે, કેમ કે ભાજપના જ નેતાઓ આ કટકી માગતા હોવાની બૂમરાણ મચી છે. આવી સ્થિતિમાં ભાજપે બિનવિવાદસ્પદ અને હિન્દુત્વ બંને રીતે ચહેરો પસંદ કરવાનો થશે એવી ચર્ચા છે.

ડોઝિયર તૈયારી કરીને રાખો, મોકો મળ્યે ઘા મારવાનો
ડોઝિયર તૈયાર કરવું એટલે શું તેનો અસલી અર્થ નેતાઓ જાણતા હોય છે. હરિફ નેતાઓની, વિપક્ષના નેતાઓની રજેરજની માહિતી એકઠી કરીને, પુરાવાઓ ભેગા કરીને રાખીને ફાઈલ તૈયાર થતી હોય છે. કોઈ ચૂં કે ચાં કરે ત્યારે ફાઈલો કાઢીને સામે મૂકવામાં આવે છે એટલે વિરોધ સંકેલી લેવો પડે છે. ટોચના નેતાઓ ડોઝિયર તૈયારી કરાવીને રાખે, જેથી જૂથબંધીને કાબૂમાં રાખી શકાય, પણ આ વખતે એવું અચરજ જોવા મળ્યું કે હરિફ દાવેદારની રજેરજની માહિતી એકઠી કરવાનું કામ પહેલેથી શરૂ કરી દેવાયું હતું. સૌરાષ્ટ્રના ભાજપના એક નેતાને હતું કે આ વખતે ટિકિટ કપાઈ જવાની છે. તેમણે હરિફ દાવેદારની પાછળ જાસૂસો લગાડીને ફાઈલ તૈયાર કરી છે અને જો ટિકિટ ના મળી તો પછી આ હરિફ ઉમેદવારે પાડી દેવાનો ખેલ થશે. મોકો જોઈને માહિતી લીક થશે અને વાઇરલ થઈ જશે...

એક મહિલાને ટિકિટ મળશે તો એક મહિલા ધારાસભ્યની કપાઈ જશે
સુરતના મહિલા મેયર હેમાલી બોઘાવાલાને જો ધારાસભ્યની ચૂંટણી માટે પસંદ કરવામાં આવે તો સંગીતા પાટીલ ઉપરાંત તેઓ બીજા મહિલા ઉમેદવાર બને. તે સંજોગોમાં ચોર્યાસી બેઠક પરથી બે ટર્મથી જીતેલા મહિલા ધારાસભ્ય ઝંખના પટેલનું શું થાય? ઝંખનાબહેનનો કાર્યકાળ બિનવિવાદાસ્પદ રહ્યો છે. તેમના સ્વ. પિતા રાજા પટેલ પણ કોળી પટેલ મતદારો ધરાવતી આ બેઠક પરથી અગાઉ જીતેલા હતા. પરંતુ આ વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની આસપાસ ફરતા રહેતા સંદીપ દેસાઈ ટિકિટ માટે આગ્રહ કરી રહ્યા છે. તેમનું લોબિઈંગ જોરદાર કામ કરી ગયું હોવાથી ઝંખના પટેલ માટે કદાચ ત્રીજી વાર ધારાસભ્ય બનવું મુશ્કેલ બને. ખાસ કરીને મેયર હેમાલી બોઘાવાલાને પણ ટિકિટ મળવાની સ્થિતિ હોય તો પછી મહિલા ઉમેદવારોની ગણતરી પ્રમાણે પણ પછી તેમની જ ટિકિટ કપાઈ જાય.

એક વાર વજુભાઈ સામે ફાવ્યા, વિજયભાઈ બીજી વાર ફાવશે?
વજુભાઈ વાળાની જગ્યાએ પોતાને ધારાસભાની એ જ બેઠક મળે તે માટે વિજય રૂપાણીએ બહુ કેમ્પેઇન કરેલી, પણ જ્યાં સુધી વજુભાઈ હતી ત્યાં સુધી ગજ વાગે તેમ નહોતો. છેવટે વજુભાઈને રાજ્યપાલ બનાવીને મોકલી દેવાયા ત્યારે વિજયભાઈને ટિકિટ મળી હતી. નસીબ જોગે મુખ્ય પ્રધાન પણ બની ગયા. હવે એ જ રાજકોટ પશ્ચિમની બેઠક પર ભારે ખેંચતાણ છે. વિજય રૂપાણીને ટિકિટની શક્યતા નથી ત્યારે પોતાના ટેકેદાર નીતિન ભારદ્વાજ માટે લોબિઈંગ કરી રહ્યા છે. એ જ વખતે હવે કર્ણાટકથી પરત ફરેલા વજુભાઈએ પોતાના પી.એ. તેજસ ભટ્ટીના નામની ભલામણ કરી છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતા શાહ, કશ્યપ શુક્લ, અનિલ દેસાઈ અને કડવા પાટીદારમાંથી કોઈને ટિકિટની પણ માંગણીઓ છે ત્યારે આ બેઠક પર દિલ્હીમાંથી જ નામ નક્કી થશે એમ નક્કી લાગે છે.

ટિકિટ જતી કરો, ગિફ્ટમાં મેળવો કાર
ચૂંટણી ટાંણેની આ છે આકર્ષક ઑફર. ઑફર શું, આગોતરી ગિફ્ટ આપી દેવાઈ હોવાની ચર્ચા છે. ચર્ચા વડોદરાની છે અને વડોદરા જિલ્લાની પાંચ બેઠકોના ઉમેદવારો નામ બાકી છે ત્યારે એક નેતા પાસે નવીનક્કોર લગભગ 35 લાખ રૂપિયાની લક્ઝરી કાર આવી તે ધ્યાન ખેંચી રહી છે. આવી મોંઘીદાટ કાર તાલુકામાં બહુ ઓછા લોકો પાસે છે. જિલ્લામાં ક્ષત્રીય મતદારો ધરાવતી બેઠકમાં ટિકિટ મેળવવા માટે એક ક્ષત્રીય દાવેદારે આ કાર ગિફ્ટમાં આપી હોવાનું કહેવાય છે. આ દાવેદાર આયાતી છે અને તેમણે સ્થાનિક અને ટિકિટ માટે મજબૂત મનાય તેવા નેતાને મનાવવા માટે કાર આપી હોવાનું કહેવાય છે. તેઓ દાવો ના કરે તે માટે દિવાળીની ગિફ્ટમાં આવી આકર્ષક ઑફર મૂકાઈ એવું કાર્યકરો કહે છે. ક્ષત્રીય સમાજના આયાતી દાવેદારે ક્ષત્રીય સંમેલનો પણ ગોઠવી દીધા છે એટલે ભાજપના વર્તમાન ધારાસભ્ય સાવધ થઈ ગયા છે. જોકે તેમને ફરી ટિકિટ મળશે કે કેમ તે પણ સવાલ છે, કેમ કે આ બેઠકમાં આ વખતે પરિવર્તનનો માહોલ હોવાની ચર્ચા છે.

ભાજપના લોકો જ કેટલીક જગ્યાએ વિપક્ષને મદદ કરે છે
ભાજપના ૨૭ વર્ષના શાસનમાં હવે આંતરિક નારાજગી ટિકિટ માટે જોવા મળી રહી છે. પાર્ટીમાં જ એટલા દુશ્મનો ઊભા થઈ ગયા છે કે હવે બહારના દુશ્મન શોધવાની જરૂર નથી રહી ત્યારે ભાજપના નેતાઓ ટિકિટ કપાવવાના ડર અને પોતાના હરિફને ટિકિટ મળશે તેવા ડરમાં જોવા મળી રહ્યા છે. આ ડર ને કારણે હવે નારાજ નેતાઓએ કેટલીક જગ્યાએ વિપક્સના ઉમેદવારને અંદરખાને સપોર્ટ કરવાની શરૂઆત કરી છે જેથી જો ભવિષ્યમાં હરિફ ઉમેદવાર હારે છે તે પાર્ટીની અંદર વિરોધ ના કર્યા હોવાનો તથા પોતાની ક્ષમતા વધારે હોવાનું બતાવી અને પાર્ટી ઉપર પોતાનો હાથ રાખી શકાય.

સિનિયરો સામે લોકસભાની ટિકિટોનું ગાજર લટકાવાશે
વિજય રૂપાણી સહિત આખું પ્રધાનમંડળ ઘરે બેસાડી દેવાયું એટલે હવે તેમાંથી સિનિયર નેતાઓને ફરી ટિકિટ મળે તેમ લાગતું નથી. પ્રધાન તરીકે લાયક ના ગણાયા હોય તેમને ધારાસભ્ય તરીકે ફરી જીતાડીને શું કરવાનું. જોકે જીદ કરીને નાણા ખાતું લેનારા નાયબ મુખ્ય મંત્રી ધરાર રહેલા નીતિન પટેલ વગેરેની બાદબાકી કરો ત્યારે તેમને મનાવવા બીજી કશીક ઑફર કરવી પડે. બે જ વર્ષ પછી લોકસભાની ચૂંટણી આવવાની છે ત્યારે તેમાં ટિકિટ આપવા માટેનો દાણો ચાંપી દેવાયો હોવાનું કહેવાય છે. નીતિનભાઈને મહેસાણાની બેઠક અને વિજય રૂપાણી રાજકોટ લોકસભાની બેઠક પર ચૂંટણી લડે તેવી વાતો જણાવી દેવાઈ હોવાનું કહેવાય છે. નારાજી દર્શાવનારા અને સાચવી લેવા પડે તેવા એકાદ બે બીજા નેતાઓને પણ લોકસભાની ટિકિટનું ગાજર દેખાડાય તો નવાઈ નહીં.

હિમાચલની જેમ ગુજરાતમાં પણ મનામણાં કરવા પડશે
ભાજપ ગુજરાતમાં જેમ જેમ મજબૂત થતો ગયો, તેમ તેમ તેના ધારાસભ્યોએ માત્ર હા જી હા કર્યા સિવાય કશું કરવાનું નહોતું. અસંતોષ ભૂલથી પણ વ્યક્ત થઈ જાય તો એટલું ભોગવવું પડતું રહ્યું છે કે સમસમીને બેઠા રહેવું પડે છે. પણ શું હવે પ્રજાની જેમ કાર્યકરોને અને નેતાઓને પણ લાગે છે કે બસ, બહુ થયું હવે. આ વખતે આંતરિક અંસતોષ જ વધારે નડશે અને ઘરના જ ઘાતકી થવાના છે એવો ફફડાટ ટોચના નેતાઓને થવા લાગ્યા છે. આંતરિક વિરોધીઓ પહેલા તો પોતાની ટિકિટ કપાવી નાખશે અને ટિકિટનો મેળ પડ્યો તો નિષ્ક્રિય રહીને દુશ્મની કાઢશે એવો ફફડાટ છે. અને હરિફને ટિકિટ મળી ગઈ તો પક્ષમાં પોતાનું પત્તુ કાપી નાખશે એની પણ ચિંતા છે. એવા સંજોગોમાં કેટલાક નેતાઓએ વિપક્ષના ઉમેદવારને ખાનગીમાં સમર્થન આપવાનું શરૂ કરી દીધું છે, જેથી દુશ્મન ભલે ટિકિટ પડાવી જાય પણ જીતી શકે નહીં. તે રીતે પોતાના હરિફને પાડી દેવા આ માટે પક્ષમાં જ મોટા પાયે ભાંગફોડની ચિંતા જાગવા લાગી છે.

અન્ય સમાચારો પણ છે...