ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ રહી છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે દિવ્ય ભાસ્કર લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો
મધુ શ્રીવાસ્તવે ખુલ્લી ધમકી આપી
ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ મધુ શ્રીવાસ્તવે આજે વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ સમયે મધુ શ્રીવાસ્તવે કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું કે, કોઈનાથી ડરતા નહીં, આ બાહુબલી હજી જીવે છે. કોઈ તમારો કોલર પણ પકડે ને તો તેના ઘરે જઈને ગોળી ન મારું હું તો મધુ શ્રીવાસ્તવ નહીં. જેને લડવું હોય એ મેદાનમાં આવી જાય. કોઈનાથી ડરવાની જરૂર નથી. હિન્દુસ્તાન આઝાદ છે, કોઈ ધમકી આપતું હોય કે આ કરીશ, એ કરીશ તો હું છું, ડરવાની જરૂર નથી. તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વાઘોડિયા અને વાઘોડિયા તાલુકામાં ગેરકાયદે મકાનો છે એને કાયદેસર કરી આપીશ, એ મારું વચન છે.
ટિકિટ વેચાઈ હોવાના કામિનીબાના આરોપ
ગુજરાત કોંગ્રેસે 37 ઉમેદવારોની યાદી જાહેર કરતાં જ ભડકો થયો હતો. માતર બાદ ગાંધીનગરના દહેગામમાં પણ અસંતોષ જોવા મળ્યો હતો.દહેગામ બેઠક પર કામીની બાની ટીકિટ કપાઈ જતાં તેમના સમર્થકો રોષે ભરાયા હતાં. આ વખતે કૉંગ્રેસે દહેગામમાં વખતસિંહ ચૌહાણને ટિકિટ આપતા જ કામિનીબા રાઠોડના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જગદીશ ઠાકોર હાય હાયના સૂત્રો પોકાર્યા હતા.દહેગામ બેઠક પર કામિનીબા રાઠોડની 2012માં જીત થઈ હતી.ત્યારબાદ 2017માં હારનો સામનો કરવો પડ્યો હતો. ટિકીટ કપાયા બાદ કામીની બાએ એક વીડિયો જાહેર કર્યો હતો અને તેમાં દહેગામની ટીકિટ વેચાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો
પિતા-પુત્રના વિવાદનો અંત
ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક ઉપર છેલ્લા 17 દિવસથી ચાલતા પારિવારિક વિખવાદનો આજે ગુરૂવારે અંત આવ્યો છે. પિતા છોટુભાઈ વસાવા માટે પુત્ર મહેશ વસાવાએ BTP માંથી પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. મહેશ વસાવાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'પપ્પા સામે કોઇ પાર્ટીનો ઉમેદવાર ટકી ના શકે, તે આદિવાસીઓના મસીહા છે.' મહત્વનું છે કે, પિતા-પુત્રના વિવાદનો અંત આવતા હવે અન્ય પાર્ટીઓને ઝઘડિયા બેઠક જીતવી લોઢાના ચણા ચાવવા બરાબર છે
આપએ પોતાના ઉમેદવારોને શહેરની બહાર હોટલમાં રાખ્યા
સુરત શહેરના તેમજ અન્ય જિલ્લાના ઉમેદવારોને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી પત્ર પરત ન ખેંચી લે તેવા ડરથી શહેરની બહાર લઈ જવાયા હતા. વહેલી સવારે જ આજે આમ આદમી પાર્ટી દ્વારા પોતાનો ઉમેદવારોનો સંપર્ક કરીને તેમને એક જગ્યા ઉપર એકઠા કર્યા હતા અને ત્યારબાદ તેમને દિવસ પૂર્ણ થાય અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય પૂર્ણ થઈ જાય ત્યાં સુધી શહેરની બહાર રાખવામાં આવ્યા હતા.
'આપ'ના ઉમેદવારે 'આમ આદમી'ને ફટકાર્યો
મારી ગાડી આવતી હોય ત્યારે બેરેક કેમ રખાય" એટલું કહેતાજ ટોલબુથના કર્મચારી ઉપર તુટી પડ્યા સોમનાથ બેઠકના AAP પાર્ટીના ઉમેદવાર જગમાલ વાળા. આ વાત છે તા. 15ના રોજ રાત્રીના 12 વાગ્યાની. કે જ્યાં વેરાવળ નજીક આવેલા ડારી ટોલબુથ ઉપરથી જગમાલ વાળા પસાર થઈ રહ્યાં હતા. એ સમયે સોમનાથ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમાલ વાળાની દબંગગીરી કર્યાનો મામલો સામે આવ્યો છે. એમાં AAPના ઉમેદવાર XUV કારમાં સવાર થઈ જઈ રહ્યા હતા. ત્યારે ટોલ બૂથ પર બેરેક શું કામ રાખ્યાં છે એમ કહીને ટોલ બૂથના કર્મચારીને ફડાકા ઝીંકી દીધા હતા. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતાં પ્રભાસ પાટણ પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. થોડા સમય અગાઉ પણ આ જ ટોલ બૂથ પર માથાકૂટ કરીને NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટરને માર મારવા અંગે AAPના ઉમેદવાર જગમાલ વાળા સામે પોલીસમાં ગુનો નોંધાયેલો છે.
આખરે યોગેશ પટેલની જીદ પૂરી કરી
ભાજપે 181 બેઠકોના ઉમેદવાર જાહેર કરી દીધા હતા, પરંતું, ગુજરાત વિધાનસભાની માંજલપુર બેઠક પર ભાજપમાં કોકડું ગુંચવાયું હતું. આ બેઠક પર સિટીંગ MLA યોગેશ પટેલ ચૂંટણી લડવાની જીદ પકડીને બેઠા હતા. છેવટે ભાજપે માંજલપુર બેઠક પર યોગેશ પટેલને જ પોતાના ઉમેદવાર જાહેર કરવા પડ્યા. યોગેશ પટેલ પોતાના આકરા તેવર માટે જાણીતા છે, તેઓ સરકાર હોય કે અધિકારી કોઈની પણ સામે બાયો ચડાવતા અચકાતા નથી. કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલોએ 1880 કરોડ વસૂલ્યા હોવાના આક્ષેપ કરીને ચર્ચામાં આવ્યા. આ ઉપરાંત માંજલપુર વિસ્તારને સિંધરોટથી 50 એલએલડી પાણી આપવા માટે પણ સ્થાનિક તંત્ર સામે બાયો ચડાવી હતી. આ ઉપરાંત 4 વર્ષ પહેલા પ્રજાના કામો માટે મંત્રીઓ ન મળતા સરકાર સામે બાયો ચડાવી દીધી હતી.
ઉમેદવારોનું શક્તિપ્રદર્શન
આજે ઉમેદવારી ભરવાના છેલ્લા દિવસે બાકીના તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યા જેમાં ક્યાંક શક્તિ પ્રદર્શન જોવા મળ્યું ક્યાંક સામે વાળા પક્ષો પર પ્રહાર.ગાંધીનગર દક્ષિથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે ફોર્મ ભરવા જતા મોટી સંખ્યમાં કાર્યોકરો સાથે રેલી કાઢી હતી.એટલું જ નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.તો આ તરફ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટાબેન પટેલે આજે ભવ્ય રોડ શો યોજ્યો. ઘાટલોડિયા બેઠકથી CM ભૂપેન્દ્ર પટેલની સામે કોંગ્રેસના અમી યાજ્ઞિકે પણ આજે ફોર્મ ભરતી વખતે ભાજપ પર પ્રહારો કર્યા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.